પાર્થસારથિ, એન. (જ. 18 ડિસેમ્બર, 1932, નિધિકુડ્ડી, જિ. રામનાથપુરમ્; 13 ડિસેમ્બર, અ. 1988) : તમિળ લેખક. ‘મણિવાનન’, ‘પોનમુડી’, ‘વાલવન’, ‘કોડાલલાકન’ અને ‘હેમુ પૂવનન’ તખલ્લુસથી નવલકથાઓ, ટૂંકી વાર્તાઓ અને પત્રકારત્વવિષયક સાહિત્ય રચ્યું હતું. તેઓ થોડો સમય મદુરાઈ નજીક પાસુમાલાઇની શાળામાં શિક્ષક હતા. તેમની નવલકથા તથા વાર્તાઓની પશ્ર્ચાદ્ભૂ ત્યાંના સામાજિક વાતાવરણે પૂરી પાડી. 1975 પછી તેમણે ‘દીપમ્’ નામના સામયિકના તંત્રી તરીકે કામ કર્યું.

‘કલ્કિ’ નામના સામયિકમાં ‘કુરિન્જીમલાર’ નવલકથા (1962) ધારાવાહી રૂપે પ્રગટ થવા માંડી, ત્યારથી એમની લોકપ્રિયતા એકાએક દૃઢમૂલ થઈ. એમાં નારીને પ્રણયના પ્રતીક તરીકે આલેખી છે, જે પછીથી ઉચ્ચ આદર્શોની પ્રાપ્તિ માટે ઊર્ધ્વગમન કરે છે. એ પ્રણયમાંથી દેશમુક્તિ આંદોલનમાં ઝંપલાવે છે અને પછી ધીમેધીમે ભક્તિ તરફ સંક્રમણ કરે છે. એમની બીજી નવલકથા ‘આત્માવિન રગનકાલ’ (1969)માં પણ નાયિકાનું આવું જ, પ્રણયમાંથી ઉચ્ચ આદર્શોની સિદ્ધિ તરફ સંક્રમણ છે. એમાં એ એના પ્રણયીથી વિખૂટી પડે છે. તેમની ત્રીજી નવલકથા ‘સાથિયાવેલ્લમ્’(1973)માં પણ આ જ સૂર છે. એમાં પણ નાયક અંગત પ્રણયનું દેશસેવા માટે બલિદાન આપે છે. તેમને તેમની નવલકથા ‘સમુદાયવિધિ’ માટે 1971માં સાહિત્ય એકૅડેમીનો ઍવૉર્ડ મળ્યો હતો.

તેમની અન્ય નવલકથાઓ છે : ‘ગોપુરદીપમ્’ (1959), ‘પિરંથામન’ (1960), ‘મણિપલ્લવમ્’ (1962), ‘પટ્ટપૂચી’ (1962), ‘વેત્રીમુચક્કમ્’, (1962), ‘કબડાપુરમ્’, (1967), ‘નેન્ચાક્કનલ’ (1968). ‘પુડિયાપરવાઈ’ (1969), ‘મહાત્માવઈ થેડી’ (1969), ‘વેનિલ મલાઈકલ’ (1970), ‘નિધિયવલ્લી’ (1972), ‘મલઈચિકરમ્’ (1972), ‘નનાઈવિન’ ‘નિઝાલકલ’ (1972), ‘નીલનયનનકલ’ (1975), ‘કરથુવલ્લકલ’, ‘તુલસીમદમ્’ અને ‘સેતીકલકલ’.

એમને પહાડી પ્રદેશો અને પુષ્પોદ્યાનની દુનિયાનું પ્રબળ આકર્ષણ છે. ત્યાં એમને શાંતિ અને સ્નેહની પ્રતીતિ થાય છે.

એમણે સંખ્યાબંધ ટૂંકી વાર્તાઓ લખી છે, જે 20 વાર્તાસંગ્રહોમાં સંગૃહીત થઈ છે. એમની વાર્તાઓમાં વ્યંગ્ય છે અને સામાજિક અને સાંસ્કૃતિક જીવનની વાસ્તવિકતાનું એમાં ચિત્રણ છે.

એમના બે કાવ્યસંગ્રહો, એક નિબંધસંગ્રહ અને પાંચ સંશોધનગ્રંથો પણ પ્રગટ થયા છે.

ચન્દ્રકાન્ત મહેતા