પાર્થિયા : એશિયામાં કાસ્પિયન સમુદ્રની અગ્નિ દિશામાં આવેલું એક પ્રાચીન રાજ્ય. અત્યારે એ પ્રદેશ ઈરાનમાં ખોરાસાન તરીકે ઓળખાય છે. ઈ. સ. પૂ. 520માં એકેમેનિયન રાજા દરાયસ પહેલાના બિસિટૂન અભિલેખમાં તેનો ઉલ્લેખ ‘પાર્થવ’ તરીકે થયો છે. પાર્થિયનો સાદું જીવન જીવતા અને યોદ્ધાઓ તરીકે જાણીતા હતા. શરૂઆતમાં પાર્થિયા સ્વતંત્ર હતું. પરંતુ ઈરાનના મહાન સાયરસે એને જીતી લીધું. એ પછી મૅસિડોનિયાના મહાન સિકંદરે એ જીત્યું હતું. સેલ્યુકસ પહેલા (ઈ. પૂ. 312-281) અને ઍન્ટાયોકસ પહેલા(ઈ. સ. પૂ. 281-261)ના રાજ્યકાલ દરમિયાન પર્ણી નામની ભટકતી જાતિના લોકો મધ્ય એશિયામાંથી પાર્થિયામાં આવીને સ્થિર થયા અને સ્થાનિક પ્રજા સાથે ભળી ગયા.

ઈ. સ. પૂ. 235માં પાર્થિયાએ ફરીથી પોતાની સ્વતંત્રતા પ્રાપ્ત કરી અને થોડા સમયમાં જ એણે પૂર્વમાં મોટા સામ્રાજ્યની રચના કરી. એ સામ્રાજ્યનો સ્થાપક અને પ્રથમ રાજ્યકર્તા આરસેસિસ પહેલો હતો. એ બૅક્ટ્રિયન ગ્રીકોના રાજા ડિયોડૉટસનો ગવર્નર હતો. એણે બળવો કરીને પાર્થિયામાં સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું. ઈ. પૂ. 200 સુધીમાં આરસેસિસના અનુગામી રાજાઓએ પોતાની સત્તા વિસ્તારી અને મજબૂત બનાવી. મિથ્રાડેટિસ પહેલા (ઈ. પૂ. 171-138) અને અર્ટાબૅનસ બીજા(ઈ. પૂ. 128-124)ના વિજયોને કારણે સમગ્ર ઈરાન અને યૂફ્રેટીસ-ટાઇગ્રિસ નદીના વિશાળ પ્રદેશ ઉપર પાર્થિયનોની સત્તા સ્થપાઈ.

પાર્થિયનોને રોમનો સાથે કેટલાંક યુદ્ધો થયાં હતાં. એમણે ઈ. સ. પૂ. 53માં રોમના ક્રેસસને અને ઈ. સ. પૂ. 36માં માર્ક ઍન્ટનીને હરાવ્યો હતો, જ્યારે ઈ. સ. 116માં ટ્રોજન સામે એમનો પરાજય થયો હતો. ઈ. સ. 224માં ઈરાને પાર્થિયા સામે બળવો કર્યો અને દક્ષિણ ઈરાનના એક સ્થાનિક રાજા અરદેશર પહેલાએ સાસાનિયન સામ્રાજ્યની સ્થાપના કરી. પાર્થિયા એ સામ્રાજ્યનો ભાગ બન્યું.

પાર્થિયાનું પ્રાચીન પાટનગર દારા(અર્વાચીન અબિવર્દ)માં હતું. એ પછી હેકાટૉમ્પિલોસ (અર્વાચીન દામઘાન પાસે) એનું પાટનગર બન્યું હતું. પાર્થિયાના સામ્રાજ્યનું સંચાલન અમીરોનો એક નાનો વર્ગ કરતો હતો. એશિયા અને ગ્રીસ-રોમ વચ્ચેના બધા જ વ્યાપારી માર્ગો ઉપર પાર્થિયનોનો અંકુશ હતો; તેથી તેમને ઘણી સમૃદ્ધિ મળી અને એ સમૃદ્ધિનો ઉપયોગ એમણે વિશાળ બાંધકામો કરવા પાછળ કર્યો. પાર્થિયન લિપિ આરમેઇક મૂળાક્ષરો પરથી ઊતરી આવી હતી.

મુગટલાલ પોપટલાલ બાવીસી