પાર્કિન્સન, સી. નૉર્થકોટ (. 30 જુલાઈ 1909, બર્નાર્ડ કેસલ, ડરહામ, ઇંગ્લડ; . 11 માર્ચ 1993, ઇંગ્લડ) : બ્રિટિશ ઇતિહાસકાર તથા ઐતિહાસિક નવલકથાકાર. વહીવટી તંત્રની વૃત્તિ-પ્રવૃત્તિ અંગે કટાક્ષભરી કૃતિઓના લેખક તરીકે તેઓ વિશેષ જાણીતા બન્યા હતા.

તેમણે સ્નાતક અને અનુસ્નાતક કક્ષા સુધીનો અભ્યાસ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં કર્યો તથા કિંગ્ઝ કૉલેજ, લંડન ખાતે 1935માં ઇતિહાસ વિષયમાં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. ત્યારબાદ તેમણે ઇંગ્લૅન્ડની જુદી જુદી શાળાઓમાં અધ્યાપનકાર્ય કર્યું. પચાસના દાયકાનાં મોટાભાગનાં વર્ષો દરમિયાન પાર્કિન્સને મલાયામાં અધ્યાપક તરીકે કાર્ય કર્યું (1950-58). આ ઉપરાંત તેઓ હાર્વર્ડ અને ઇલિનૉઇ યુનિવર્સિટીઓના  મુલાકાતી પ્રાધ્યાપક હતા.

દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન તેમણે બ્રિટિશ સેનામાં સ્ટાફ ઑફિસર તરીકે સેવાઓ આપી. આ ગાળા દરમિયાન પોતાને થયેલા અનુભવને આધારે અમલદારશાહીની વૃત્તિ-પ્રવૃત્તિ અંગે કેટલાંક અવલોકનો કર્યાં, તારણો કાઢ્યાં. તેને આધારે પાર્કિન્સનના નિયમ તરીકે જાણીતો બનેલ નિયમ લંડન ‘ઇકૉનૉમિસ્ટ’માં (1955) પ્રથમ વાર રજૂ થયો. ‘પાર્કિન્સન્સ લૉ ઍન્ડ અધર સ્ટડીઝ ઇન ઍડ્મિનિસ્ટ્રેશન’(1975)માં તેમણે વ્યાપારી અને સરકારી વહીવટી તંત્રની કટાક્ષભરી ટીકા કરી. વ્યંગાત્મક સૂત્ર તરીકે રજૂ કરાયેલ પાર્કિન્સનનો પહેલો નિયમ જણાવે છે કે કાર્યપૂર્તિ માટે પ્રાપ્ત સમય સુધી કાર્ય વિસ્તરી શકે છે. પાછળથી પાર્કિન્સને બીજો નિયમ રજૂ કર્યો, જેના અન્વયે કહેવામાં આવ્યું કે આવકને પહોંચી વળવા માટે ખર્ચમાં વધારો થાય છે.

પાર્કિન્સને આ નિયમો સરકારી વહીવટના ક્ષેત્રે લાગુ પાડ્યા; પરંતુ આજે તો કાર્યના પ્રમાણમાં જ્યાં અમલદારોની સંખ્યામાં વધારો થતો હોય તેવી કોઈ પણ પરિસ્થિતિ માટે લોકો તેમનો ઉપયોગ કરે છે. પાર્કિન્સનનું એવું તારણ હતું કે અમલદારો એકબીજા માટે કાર્યનો વધારો કરે છે, જેથી કરીને તેમને અધીન કર્મચારીઓની સંખ્યામાં વધારો થાય અને તેમની પ્રતિષ્ઠા પણ વધે.

આ નિયમોને સમજાવવા માટે પાર્કિન્સને આંકડાકીય માહિતીનો આધાર લીધો. 191428 વચ્ચે બ્રિટિશ નૌકાદળમાં અધિકારીઓની સંખ્યામાં 78 % વધારો થયો; જ્યારે આ ગાળા દરમિયાન બ્રિટને પોતાના નૌકા-કાફલામાં 68 % ઘટાડો કર્યો હતો. પાર્કિન્સનના બીજા નિયમનો હેતુ તો કરવેરામાં વધારો કરી શકાય ત્યાં સુધી પોતાના વર્ગને વધારવાની વૃત્તિ-પ્રવૃત્તિ દાખવતા સરકારી કર્મચારીઓ પ્રત્યે કટાક્ષ કરીને નિંદા કરવાનો હતો.

પાર્કિન્સને લાગણીશૂન્ય, કંઈક નિષ્ઠુર ગણાય તેવી હાસ્યશૈલીમાં નિબંધો લખ્યા છે. ‘પાર્કિન્સન્સ લૉ : ધ પરસ્યૂટ ઑવ્ પ્રોગ્રેસ’ (1957) નિબંધે તેમને સારી એવી પ્રસિદ્ધિ અપાવી. પાર્કિન્સને ઇતિહાસવિષયક અનેક પુસ્તકો પણ લખ્યાં છે. ‘ધી ઇવોલ્યુશન ઑવ્ પોલિટિકલ થૉટ’(1958) તો તેમના ટીકાકારોએ પણ વખાણ્યું હતું. બાળપણથી નૌકાદળમાં રસ ધરાવતા હોઈને તેમણે નૌકાદળને કેન્દ્રમાં રાખીને ઘણી નવલકથાઓ પણ લખી છે. ‘ધ લૉ ઑવ્ ડિલે’ એ પાર્કિન્સનની બહુ જાણીતી કટાક્ષ-કૃતિ છે.

નવનીત દવે