પારેખ, રમેશ મોહનલાલ (. 27 નવેમ્બર 1940, અમરેલી;. 17 મે 2006, રાજકોટ) : ગુજરાતી સાહિત્યના અગ્રણી ગીતકવિ, વાર્તાકાર અને બાળસાહિત્યકાર.

માતાનું નામ નર્મદાબહેન. વતન અમરેલીમાં જ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ. 1958માં મૅટ્રિક. 1960થી જિલ્લા પંચાયત – અમરેલી સાથે સંલગ્ન. માતા અને જન્મભૂમિ માટેનો પ્રેમ એમની સર્જકતાનાં પ્રેરક બળો. માતાનું વાત્સલ્ય અને અમરેલીની પ્રકૃતિ એમની રગેરગમાં રક્ત બનીને વહેતાં હશે એમ લાગે. નાનપણથી સંગીતનો શોખ. એમણે ‘મૉરલ મ્યુઝિક ક્લબ’ પણ સ્થાપેલી. ચિત્રકલા, જ્યોતિષ અને હિપ્નોટિઝમમાં પણ રસ. કવિ અનિલ જોશીની મૈત્રીએ સર્જક રમેશ પારેખને સારી સંગત આપેલી. વળી એમની આધુનિકતાની સમજણ પણ ક્રમશ: ઘડાતી રહી. 1997થી રાજકોટમાં નિવાસ.

તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ક્યાં’ 1970માં પ્રગટ થતાં તેમની એક અગ્રણી કવિ તરીકેની ગણના થવા માંડી. તેમણે વિશિષ્ટ લાવણ્યથી મંડિત ઉત્કૃષ્ટ ગીતો આપ્યાં છે. આ ગીતોનું અનુસંધાન એક બાજુ લોકકવિતા સાથે તો કંઈક અંશે પ્રશિષ્ટ કવિતા સાથે પણ છે. લોકબોલીના લહેકાઓનો તેમણે સમર્થ રીતે વિનિયોગ કર્યો છે. ‘ક્યાં’માં પ્રેમ, વિરહ, અજંપો, અભીપ્સા, એકલતા, ઝંખના જેવા નારીહૃદયના ભાવોને અસરકારક રીતે ગીતો દ્વારા વ્યક્ત કર્યા છે. આ ગીતોમાં કુમારિકાનું સ્વરૂપનું આલેખન ખાસ ધ્યાનપાત્ર છે. ‘સોનલ’ આમ તો એમનું એક કાલ્પનિક પાત્ર છે, પણ તે આ ગીતોમાં પ્રતીક બની રહે છે. એમણે ગદ્યકાવ્યો પણ રચ્યાં છે અને નગરસંસ્કૃતિની વિરૂપતાને હૂબહૂ પ્રગટ કરી છે. ‘ક્યાં’ ઉપરાંત તેમની પાસેથી ‘ખડિંગ’ (1980), ‘ત્વ’ (1980), ‘સનનન’ (1981), ‘ખમ્મા, આલા બાપુને !’ (1985), ‘મીરાં સામે પાર’ (1986), ‘વિતાન સુદ બીજ’ (1989) વગેરે કાવ્યસંગ્રહો મળ્યા છે. ‘છ અક્ષરનું નામ’ (1991) એ એમની સમગ્ર કવિતાનો ગ્રંથ છે. તેની બધી જ નકલો એક જ વર્ષમાં વેચાઈ ગઈ એ કવિની લોકપ્રિયતા સૂચવે છે. તેની બીજી આવૃત્તિ 1992માં પ્રગટ થઈ હતી. આ પછી પણ તેમની પાસેથી ‘છાતીમાં બારસાખ’, ‘સ્વાગત પર્વ’ (2002) જેવા કાવ્યસંગ્રહો મળ્યા છે. સર્જકતાથી ઊભરાતા આ કવિની કવિતામાં સંગીત અને ચિત્રાત્મકતાનો સુમેળ થયો છે. ભાવ, ભાષા અને અભિવ્યક્તિમાં તાજગી, નવીનતા અને વૈવિધ્ય પ્રાપ્ત થાય છે. તેમણે અનેક કાવ્યરૂપોમાં સર્જન કર્યું છે પણ ગીત અને ગઝલ પર વિશેષ પ્રભુત્વ છે. એમનાં અનેક ગીતો લોકકંઠે સચવાયાં છે. ગીતોમાં લયની બાબતમાં એમની શક્તિ અજોડ કહી શકાય તેવી છે. એમની કૃતિઓ પૂર્વપરંપરાઓને આત્મસાત્ કરી એક નવીન ઉઘાડ-ઉજાસ લઈને આવે છે. એમનાં ગીતોમાં  કાવ્યોમાં પ્રકૃતિ અને પ્રેમ એ મુખ્ય વિષયો છે. તેમની ગઝલોમાં પણ તાજગી જોવા મળે છે. ગઝલમાં કેટલીક વાર આત્મખોજનો સૂર ધ્યાન ખેંચી રહે છે.

‘સ્તનપૂર્વક’ (1983) વાર્તાસંગ્રહમાં તેમની પ્રયોગવૃત્તિનો પરિચય થાય છે. માનવચિત્તની સંકુલતાનું, ઇચ્છિત વસ્તુ પામવાની ઝંખનાનું અને તે માટે થતા સંઘર્ષનું તેમની વાર્તાઓમાં આગવું નિરૂપણ છે. તેમની આધુનિકતા તરફની ગતિ-રુચિ એમાં જોઈ શકાય છે. ‘સગપણ એક ઉખાણું’ (1992) તેમનું ત્રિઅંકી નાટક છે.

ગુજરાતી બાળસાહિત્યક્ષેત્રે તેમનું પ્રદાન ચિરસ્મરણીય છે. ‘હાઉક’ (1979), ‘ચીં’, ‘હસીએ ખુલ્લમ ખુલ્લા’, ‘ચપટી વગાડતાં આવડી ગઈ’ (1997) એ બાળકાવ્યસંગ્રહો છે. એમાં રસાળતા, સરળતા અને શિશુસહજ કલ્પનાની રજૂઆત ધ્યાનપાત્ર છે. બાળભોગ્ય ધિંગામસ્તીના વિષયવસ્તુ તેમ જ ગેયતાને કારણે તેમનાં બાળકાવ્યો બાળપ્રિય બન્યાં છે. ‘હું ને ચંદુ છાનામાના કાતરિયામાં પેઠા’, ‘એકડો સાવ સળેકડો’ જેવી અનેક રચનાઓ બાળકો વારંવાર ગાય છે. તેમણે સુંદર કથાકાવ્યો પણ આપ્યાં છે.

‘દે તાલ્લી’ (1980), ‘હફરક લફરક’, ‘જંતરમંતર છૂ’, ‘અજબ ગજબનો ખજાનો’ (2001), ‘જાદુઈ દીવો’ વગેરે બાળવાર્તાસંગ્રહોમાં બાળકનું મનોરાજ્ય ઝિલાયું છે. તેમણે બાળકોની રોજબરોજની રમતોને કથારૂપ આપ્યું છે. વાર્તાઓ અને કાવ્યોમાં તેમણે બાળમાનસને બરોબર વ્યક્ત કર્યું છે, ‘કોનું કોનું જાંબુ ?’ તેમની ખૂબ જાણીતી વાર્તા છે. તેમની કૃતિઓ બોધ વગર બાળકોનું મનોરંજન અને મનોઘડતર કરે છે. ‘અજબ ગજબનો ખજાનો’ એ કિશોર-સાહસકથા છે. ‘જાદુઈ દીવો’ એમની છેલ્લી બાળવાર્તા છે, જેમાં તેમણે ‘અલાદ્દીન અને જાદુઈ ચિરાગ’એ જાણીતી વાર્તાને પોતાની આગવી રીતે રજૂ કરી છે.

તેમને વિવિધ સાહિત્યિક સંસ્થાઓ તરફથી ગુજરાતી સાહિત્યના અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે. તેમને 1970નો ‘કુમાર’-ચંદ્રક, 1978-’82નો નર્મદચંદ્રક, ગુજરાત સાહિત્યસભા, અમદાવાદ તરફથી ઈ. સ. 1986નો રણજિતરામ સુવર્ણચંદ્રક; બાળસાહિત્ય સંદર્ભે 1988નો ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક; ‘વિતાન સુદ બીજ’ને સાહિત્ય અકાદેમી, દિલ્હીનો 1994નો પુરસ્કાર; 2004માં નરસિંહ મહેતા ઍવૉર્ડ તથા 2011નો દિલ્હી સાહિત્ય અકાદેમીનો બાળસાહિત્ય પુરસ્કાર પ્રાપ્ત થયેલ છે.

રમણલાલ જોશી

શ્રદ્ધા ત્રિવેદી