પારિયાત્ર : ભોપાલની પશ્ચિમેથી અરવલ્લી સુધીની ગિરિમાળા. આ ગિરિમાળા પારિયાત્ર અને પારિયાત્રકને નામે પણ ઓળખાય છે. ટૉલેમીએ તેનો ‘પ્રપીઓતઇ’ નામથી ઉલ્લેખ કર્યો છે. વસ્તુત: વિંધ્યાચલની ભોપાલની પશ્ચિમેથી આરંભાઈને છેક અરવલ્લીની ગિરિમાળાને જઈ મળતી ગિરિમાળા જ પારિયાત્રના નામે ઓળખાય છે. બૌધાયને તેનો નિર્દેશ કર્યો છે અને તેને આર્યાવર્તની દક્ષિણ સીમા ગણાવી છે, પરંતુ બૌદ્ધ પરંપરા અને પુરાણોમાં એને મધ્યદેશની દક્ષિણ સીમારૂપ કહેલ છે. કૂર્મપુરાણ પ્રમાણે આ ગિરિમાળા અપરાન્ત, સૌરાષ્ટ્ર, શુદ્ર, માલવ, મલક અને બીજા (પશ્ચિમી) પ્રદેશોને આવરે છે. રામાયણમાં એને સમુદ્રના પશ્ચિમ કાંઠે આવેલી પર્વતમાળા કહી છે. મત્સ્યપુરાણમાં એને સાત કુલાચલ પૈકીનો એક કહી તેનો મહિમા બતાવ્યો છે. ચર્મણ્વતી (ચંબલ), વેત્રવતી (બેટવા), વૃત્રઘ્ની (વાત્રક), પર્ણાશા (બનાસ) વગેરે નદીઓ પારિયાત્રમાંથી પ્રસવ પામતી પુરાણોમાં વર્ણવાઈ છે.
પ્રવીણચંદ્ર પરીખ