પારિજાતહરણ (16મી સદી) : શેષકૃષ્ણનું રચેલું ચંપૂકાવ્ય. શેષકૃષ્ણ શેષનરસિંહના પુત્ર હતા. તેઓ 16મી સદીના પૂર્વાર્ધમાં બનારસના રાજા ગોવિંદચન્દ્ર તાંડવના આશ્રયે રહ્યા હતા. શેષકૃષ્ણના શેષવીરેશ્વર અને શેષનારાયણ નામના બે પુત્રો હતા. જેમાં શેષવીરેશ્વર પંડિતરાજ જગન્નાથ, ભટ્ટોજિ દીક્ષિત અને અન્નંભટ્ટના ગુરુ હતા. શેષકૃષ્ણના સંરક્ષક સમ્રાટ અકબરના વિત્તમંત્રી ટોડરમલ હતા. તેમનું મૃત્યુ ઈ. સ. 1586માં થયું. શેષકૃષ્ણે ‘પારિજાતહરણ’ ચંપૂ ઉપરાંત ‘સત્યભામાવિલાસ’, ‘ઉષાપરિણય’ તથા ‘ક્રિયાગોપનરામાયણ’ – એ કાવ્યો અને ‘મુરારિવિજય’, ‘મુક્તાચરિત’ અને ‘સત્યભામા-પરિણય’ વગેરે નાટકો લખ્યાં છે.

પાંચ ઉચ્છવાસ બનેલા ‘પારિજાતહરણ’ ચંપૂની આધારસામગ્રી ‘હરિવંશપુરાણ’ના વિષ્ણુપર્વના 64થી 81 અધ્યાયોમાં રહેલી છે.

પ્રથમ ઉચ્છવાસમાં કવિ ઇષ્ટદેવતાને નમસ્કાર કરીને પ્રસ્તુત ચંપૂની રચના કાશીરાજના લઘુભ્રાતા નરોત્તમની આજ્ઞાથી કરવામાં આવી છે એવો નિર્દેશ કરીને કથારંભ કરે છે.

ભગવાન શ્રીકૃષ્ણ એમની પ્રિયાઓ સાથે રૈવતક પર્વત પર અનેક પ્રકારની ક્રીડા કરી રહ્યા હતા ત્યારે રુક્મિણીની દાસીના સંદેશથી રુક્મિણીએ કરેલા વ્રતની પૂર્ણાહુતિ પ્રસંગે શ્રીકૃ્ષ્ણ તેને દર્શન આપવા આવે છે. ત્યાં નારદ આવે છે અને નન્દનવનમાં ઊજવાયેલા દેવાંગનાઓના ઉત્સવમાંથી આવેલા નારદ શચીએ રુક્મિણીને ઉપહાર તરીકે મોકલાવેલું પારિજાતનું પુષ્પ શ્રીકૃષ્ણને આપે છે અને શ્રીકૃષ્ણ એને રુક્મિણીનું કર્ણાભરણ બનાવે છે.

બીજા ઉચ્છવાસમાં પારિજાતપુષ્પવિષયક વાર્તાનું પરિચારિકાઓ પોતપોતાની સ્વામિનીઓને નિવેદન કરે છે. આ વાતથી સુલભકોપા સત્યભામા સૌથી વધુ ઈર્ષ્યા, શોક અને ક્રોધથી સંતપ્ત બને છે અને ઉત્તમ વસ્ત્રાભૂષણો ત્યાગી મલિન વસ્ત્ર ધારણ કરે છે. શ્રીકૃષ્ણને આ સમાચાર મળતાં તેઓ સત્યભામા પાસે આવે છે અને તેને સાંત્વન આપે છે.

તૃતીય ઉચ્છવાસમાં પણ શ્રીકૃષ્ણ ‘તે પુષ્પ તો નારદ રુક્મિણી માટે જ લાવ્યા હતા, નહીં તો હું તારું કર્ણાભૂષણ બનાવત’ ઇત્યાદિ પ્રિયવચનોથી સત્યભામાને મનાવે છે અને તેના પ્રાંગણમાં પારિજાત વૃક્ષ લઈ આવવાની પ્રતિજ્ઞા કરે છે. ‘વ્રત માટે સત્યભામાને વર્ષ પર્યંત પારિજાત વૃક્ષ જોઈએ છે’ – એવો સંદેશો ઇંદ્રને શ્રીકૃષ્ણ નારદ દ્વારા મોકલાવે છે.

ચતુર્થ ઉચ્છવાસમાં નારદ દ્વારા શ્રીકૃષ્ણનો સંદેશો સાંભળવા છતાં ‘જો હું પારિજાતને સ્વર્ગ પરથી પૃથ્વી પર મોકલીશ તો સ્વર્ગનું મહત્વ નહીં રહે’ એમ ધારી ઇન્દ્ર ના પાડે છે. શ્રીકૃષ્ણ નન્દનવનમાં જઈને પારિજાતનું હરણ કરી લાવે છે. ઉદ્યાનરક્ષકો આ અંગે ઇન્દ્રને નિવેદન કરે છે.

પંચમ ઉચ્છવાસમાં ઇન્દ્ર અને શ્રીકૃષ્ણ વચ્ચે, જયંત અને પ્રદ્યુમ્ન વચ્ચે તથા ઐરાવત અને ગરુડ વચ્ચે ઘમસાણ યુદ્ધ થાય છે. કૃષ્ણ અને ઇન્દ્રના યુદ્ધથી પારિયાત્ર પર્વત ધરણીમાં ખૂંપી જાય છે. બૃહસ્પતિનો સંદેશો મળતાં કશ્યપ અને અદિતિ આવે છે ને બંનેને લડતાં અટકાવે છે. શ્રીકૃષ્ણ પારિજાત લઈને દ્વારકા આવે છે. સત્યભામા તેમની આરતી ઉતારે છે. વ્રતસમાપ્તિ પછી સત્યભામા નારદને પારિજાતનું દાન કરી દે છે.

ગદ્યપદ્યમયી રચનાને ચંપૂ કહે છે. પ્રસ્તુત કૃતિ ચંપૂના સર્વ નિયમોને અનુસરે છે. પદ્યનું પ્રાચુર્ય છે. શેષકૃષ્ણ અલંકારપ્રિય કવિ હોવાને કારણે માલોપમા, શ્લેષ, સમાસોક્તિ વગેરે અનેક અલંકારો નિરૂપે છે. અનંતભટ્ટના ‘ચંપૂભારત’ ચંપૂ અને માઘના ‘શિશુપાલવધ’નો આ ચંપૂનાં વર્ણનોમાં પ્રભાવ છે. પ્રધાન રસ શૃંગાર છે. શ્રીકૃષ્ણ દક્ષિણ નાયક હોવાથી સમરાગવાળા છે.  આ કાવ્યમાં પટ્ટરાણી રુક્મિણી અને સત્યભામા સ્વીયા છે, પરંતુ રુક્મિણી ધીરા છે જ્યારે સત્યભામા અધીરા છે. અહીં માધુર્યગુણ અને વૈદર્ભી રીતિ છે; સાથે વીરરસ પણ છે. ઓજોગુણની ઝલક પણ અહીં છે. અહીં નારદ અને ઇન્દ્ર મહત્વનાં પાત્રો છે, જ્યારે કશ્યપ વગેરે ગૌણ પાત્રો છે.

આ સિવાય ઉમાપતિ નામના મિથિલાના કવિનું પણ ‘પારિજાતહરણ’ નામનું નાટક છે, જે સંસ્કૃતયુક્ત મિથિલા ભાષામાં રચાયું છે. ગોપાલદાસ અને દિવાકરે પણ ‘પારિજાતહરણ’ નાટક રચ્યું છે એ નોંધવું જોઈએ.

પારુલ માંકડ