પાયરોગૅલોલ : પાયરોગૅલિક ઍસિડ; 1,2,3 – ટ્રાઇહાઇડ્રૉક્સી બેન્ઝીન C6H3(OH)3. ગૅલિક ઍસિડને તેનાથી ત્રણ ગણા પાણી સાથે ઑટોક્લેવમાં ગરમ કરવાથી તે બનાવી શકાય. તે ગૅલિક ઍસિડમાંથી સૌથી પ્રથમ 1786માં મેળવવામાં આવેલો. ગૅલિક ઍસિડ વિવિધ વૃક્ષોનાં વૃક્ષવ્રણ અને છાલમાંથી મેળવી શકાય છે.
પાયરોગૅલોલના સ્ફટિકો ચળકતા અને રંગવિહીન હોય છે; પરંતુ પ્રકાશમાં તે ભૂખરા રંગના બને છે. તેનું ઘટત્વ 1.463, ગ.બિં. 132.5o સે. અને ઉ.બિં. 3૦9o સે. છે. તે પાણી, આલ્કોહૉલ તથા ઈથરમાં દ્રાવ્ય છે. પાયરોગૅલોલનું દ્રાવણ હવામાં ખુલ્લું રાખવાથી આછા તપખીરિયા રંગનું બને છે. દ્રાવણને આલ્કલાઇન બનાવવાથી તે ઑક્સિજનનું ઝડપથી શોષણ કરે છે. પરિણામે દ્રાવણનો રંગ પણ ઝડપથી બદલાય છે.
પાયરોગૅલોલ ધાત્વીય કલિલ દ્રાવણોની જાળવણીમાં સંરક્ષી (protective) તરીકે તથા ફોટોગ્રાફીમાં વપરાય છે. રંગકો, મધ્યવર્તીઓ, (પ્રતિજીવાણુકારક તરીકે) સંશ્લેષિત ઔષધો વગેરે બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. પ્રયોગશાળામાં તે પ્રક્રિયક તરીકે, વાયુ-વિશ્લેષણમાં ઑક્સિજન વાયુના શોષક તરીકે, અપચનયકારક તથા ઊંજણ તેલમાં પ્રતિઉપચયનકારક તરીકે પણ વપરાય છે.
જગદીશ જ. ત્રિવેદી