પાયરોફાઇટા : દ્વિકશાધારી લીલ(ડાઇનોફ્લેજલેટ્સ)નો એક મોટો અને અત્યંત વિષમ વિભાગ. પ્રાણીશાસ્ત્રીઓ તેને પ્રજીવસમુદાયના ફાઇટોમૅસ્ટીગોફોરા વર્ગના ડાઇનોફ્લેજેલીટા ગોત્રમાં મૂકે છે. કેટલાક વર્ગીકરણ-શાસ્ત્રજ્ઞો તેને સ્વતંત્ર સૃદૃષ્ટિ-મધ્યકોષકેન્દ્રી(Mesokaryota)માં મૂકે છે. આ વિભાગમાં આવેલી લગભગ 1,2૦૦ જાતિઓને 18 ગોત્ર અને 54 કુળમાં વર્ગીકૃત કરવામાં આવી છે. મોટાભાગનાં સ્વરૂપો સૂક્ષ્મ હોય છે; પરંતુ બહુ ઓછાં સ્વરૂપોનો વ્યાસ લગભગ 2 મિમી. સુધીનો જોવા મળે છે. કોષો વિવિધ આકારના હોય છે અને ઘણી પ્લવકીય (planktonic) જાતિઓની સપાટી વિસ્તૃત અને રૂપાંતર પામેલી હોય છે. તે દરિયામાં, ખારા અને મીઠા પાણીમાં થાય છે. તેનાં મોટાભાગનાં સ્વરૂપો નિતલસ્થ (benthic) કે પ્લવકીય હોય છે અને બહુ ઓછાં સ્વરૂપો વસાહતી હોય છે. તે અમીબીય(amoeboid), શ્લેષ્માવૃત(palmelloid), ગોલાણુ (શ્લેષ્માવરણ હોય અથવા ન પણ હોય) કે કેટલીક વાર તંતુમય સ્વરૂપે પણ થાય છે. તેના હરિતકણમાં ક્લૉરોફિલ a અને c નામનાં લીલાં રંજકદ્રવ્યો ઉપરાંત, સહાયક રંજકદ્રવ્ય તરીકે પૅરિડિનિન નામનું વિશિષ્ટ કૅરોટિનૉઇડ આવેલું હોય છે. તેથી તેનો રંગ ઘણી વાર ઘેરો બદામી બને છે.

પાયરોફાઇટા

આ વિભાગને ડૅસ્મોફાઇસી અને ડાઇનોફાઇસી (ડાઇનોફ્લેજલેટ્સ)-એમ બે વર્ગમાં મૂકવામાં આવે છે. ડાઇનોફાઇસી વનસ્પતિ-પ્લવક તરીકે પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. તે એક લંબવર્તી ખાંચ (sulcus) અને એક અનુપ્રસ્થ ખાંચ (cingulum) ધરાવે છે. પ્રત્યેક ખાંચમાં એક કશા આવેલી હોય છે.

ડૅસ્મોફાઇસીમાં કાં તો કોષદીવાલનો અભાવ હોય છે અથવા દીવાલ અનુપ્રસ્થ ખાંચ દ્વારા બે અર્ધવર્તુળી અડધિયાંમાં વિભાજિત થયેલી હોય છે.

Noctiluca, Pyrocystis, Pyrodinium, Gonyaulax જેવી કેટલીક દરિયાઈ પ્રજાતિઓ જૈવસંદીપ્તિ (bioluminiscence) માટે જાણીતી છે.

બળદેવભાઈ પટેલ