પામઑઇલ : પામ-ઑઇલ એ ઑઇલપામ નામના તાડ-કુળના વૃક્ષના (family palmae) ફળના મૃદુ મધ્યભાગ(mesocarp)માંથી મેળવવામાં આવતું ખાદ્યતેલ છે. આ તેલ દુનિયાનું સૌથી વધુ વપરાતું ખાદ્યતેલ છે. આને પામોલીન કહેવામાં આવે છે. ઑઇલ-પામના ફળની ગોટલીમાં પણ સારા પ્રમાણમાં તેલ હોય છે, જે પામ કરનલ ઑઇલ તરીકે ઓળખાય છે. આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ ઇલીસિસ-ગીનીન્સિઝ છે. આ વૈજ્ઞાનિક નામમાં ઇલીસિસ ગ્રીક ભાષાના Elaias શબ્દ પરથી આવેલ છે. તેનો અર્થ તેલ થાય. ગીનીન્સિઝ નામ તેના ઉદભવસ્થાન ગિનીકોસ્ટ પરથી આપવામાં આવેલ છે. તેનું મૂળ વતન આફ્રિકાનો ઉષ્ણકટિબંધ છે. પુરાતત્વવિદ્યાના પુરાવા મુજબ 5૦૦૦ વર્ષ પૂર્વે આ વૃક્ષનું સુદાનમાં તેલ માટે વાવેતર કરવામાં આવતું હતું. નાળિયેરીની જેમ આ વૃક્ષના દરેક ભાગનો ઉપયોગ થાય છે.

મલેશિયા અને નાઇજિરિયા ઑઇલપામનું મોટા પાયાનું વાવેતર તેમજ તેલની નિકાસ કરતા દેશો છે. ભારતમાં પણ કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ઑઇલપામનું વાવેતર પ્રયોગાત્મક રીતે શરૂ થયેલ છે. આ પાકની ક્ષમતા અંગે પ્રાયોગિક અખતરા રૂપે દક્ષિણ ગુજરાતમાં પણ વાવેતર શરૂ કરવામાં આવેલ છે.

ઑઇલપામ વૃક્ષને વધુ વરસાદ તેમજ ભેજવાળું વાતાવરણ અનુકૂળ આવે છે. તેની વાનસ્પતિક વૃદ્ધિ માટે 2૦ સે.થી 35 સે. સુધીનું ઉષ્ણતામાન અને સારી રીતે વહેંચાયેલ 25૦૦થી 4૦૦૦ મિમી. વાર્ષિક વરસાદની આવશ્યકતા છે. પૂરતો સૂર્યપ્રકાશ પાકની વૃદ્ધિ માટે અગત્યનો છે. સેન્દ્રિય પદાર્થોથી ભરપૂર ઊંડી અને સારા નિતારવાળી જમીન ખૂબ જ અનુકૂળ આવે છે. ઑઇલપામ નાળિયેરીને મળતું થડ ધરાવે છે અને તેની સરેરાશ ઊંચાઈ 1૦ મીટર તથા થડનો ઘેરાવો 4૦થી 6૦ સેન્ટિમીટરનો હોય છે. તેમાં નર અને માદા પુષ્પો જુદાં જુદાં ઝૂમખાંમાં આવે છે. દરેક પાન સાથે એક પુષ્પવિન્યાસ નીકળે છે; જે નર, માદા અથવા દ્વિજાતીય પુષ્પવિન્યાસ રૂપે વિકાસ પામે છે. ફળ ઈંડા આકારનું હોય છે. તે 2.5થી 5 સેમી. લંબાઈ અને 2.5 સેમી. જેટલો પરિઘ ધરાવે છે. ફળનો રંગ સામાન્યત: રતાશ પડતા નારંગી રંગનો હોય છે. ફળ રંગમાં વિવિધતા ધરાવે છે. પીળો, નારંગી, લાલ, ભૂખરો અને કાળો રંગ અલગ અલગ જાતો પ્રમાણે જોવામાં આવે છે. ફળમાં ત્રણ કાણાં ધરાવતી ગોટલી હોય છે. ફળની લૂમ પાકતાં 5થી 6 માસ લાગે અને એક લૂમ સરેરાશ 15થી 2૦ કિગ્રા. વજન ધરાવે. સારી ફળેલ લૂમમાં 25૦થી 4૦૦ ફળ હોય છે. ઑઇલપામ પરપરાગિત હોવાથી કૃત્રિમ પરાગનયન જરૂરી થાય છે. ફળની રચના પરથી ઑઇલપામની ડ્યુરા, પિસિફેરા અને રનેરા – એમ ત્રણ જાતો તારવવામાં આવી છે. ડ્યુરા અને પિસિફેરાના સંકરણથી મળેલ પ્રથમ પેઢીનું બીજ રનેરા હાઇબ્રિડ તરીકે ઓળખાય છે. રનેરાના ફળમાં મધ્યભાગ વધુ હોવાથી તે વાવેતર માટે પસંદ કરવામાં આવે છે.

ઑઇલપામનાં ફળમાંથી 2૦ %થી 24 % જેટલું પામ-ઑઇલ મળે. ફળનો મધ્યભાગ સરેરાશ 56 % જેટલું તેલ ધરાવે છે. તેમાં ફૉસ્ફોલિપિડ્સ અને ગ્લાયકોલિપિડ્સ જૂજ પ્રમાણમાં હોય છે. પામિટિક 38.47 % અને ઑલિક 4૦.53 % – એ મુખ્ય ઍસિડો છે. થોડા પ્રમાણમાં લિનોલિક અને સ્ટિયરિક ઍસિડો પણ હોય છે. આ તેલ ખોરું થવા  સામે પ્રતિકારકતા અને રુચિકર સુવાસ ધરાવે છે. રંગે તે આછા પીળાથી ઘટ્ટ નારંગી રંગનું હોય છે. તેમાં વિટામિન ‘એ’ અને ‘ઇ’ સારા પ્રમાણમાં હોય છે. બાળકોની વિટામિન ‘એ’ની ખામી દૂર કરવા આનો ઉપયોગ થઈ શકે છે. તેમાં 5 %થી 11 % જેટલું લિનોલિક ઍસિડ રહેલ છે, જે માનવ-તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે.

પામ-ઑઇલનો વિવિધ ઉપયોગ થાય છે. બીજા ખાદ્યતેલની જેમ આ તેલ સુપાચ્ય છે. આ તેલનો ખોરાકમાં ઉપયોગ કરવાથી લોહીમાં કોલેસ્ટેરૉલનું પ્રમાણ વધતું નથી અને કોલેસ્ટેરૉલને લોહીમાં જમા થતાં રોકે છે. તળવામાં તથા માર્ગેરીન અને વનસ્પતિ-ઘી બનાવવામાં ઉપયોગી છે. આ ઉપરાંત આઇસક્રીમ, બિસ્કિટ અને બ્રેડ બનાવવામાં તે વપરાય છે. તળવામાં આ તેલ સોયાબીન, મગફળી અને સૂર્યમુખીની બરાબરી કરી શકે. તેમાં ફીણ ઓછું વળે છે. તેમાંના ટોકોફિનૉલ અને ટોકો ટિનૉલ્સ નામનાં ઍન્ટિઑક્સિડન્ટ રસાયણોને લીધે તેલને ગરમ કરતાં તેના ભૌતિક બંધારણને ઓછું નુકસાન થાય છે. ભારતમાં વનસ્પતિ-ઘી બનાવવામાં તે 8 %થી 1૦ % જેટલું વપરાય છે. ખાદ્યતેલ ઉપરાંત મીણબત્તી, શેમ્પુ તથા ડિટરજન્ટ તેમજ વિટામિનો અને ઍન્ટિબાયૉટિક્સની બનાવટમાં તે વપરાય છે.

વૃક્ષની રોપણી કર્યા બાદ 4થી 5 વર્ષ પછી ફળનું ઉત્પાદન મળવું શરૂ થાય છે. હેક્ટરે 1૦થી 15 ટન જેટલાં ફળોનું ઉત્પાદન મળે છે. ફળ ઉતાર્યા બાદ તુરત જ તેલ ન કાઢવામાં આવે તો તેલનું પ્રમાણ ઘટે છે. ફળોમાંથી તેલ કાઢતાં પહેલાં વરાળ અથવા ઊકળતા પાણીમાં કલાકો સુધી ગરમ કરવામાં આવે છે અને પછી પીલવામાં આવે છે. ત્યારબાદ જરૂરી પ્રક્રિયાઓ કરી ખાદ્યતેલ તૈયાર થાય છે.

હરિલાલ હીરજી થાનકી