પામિટિક ઍસિડ (હેક્ઝાડેનૉઇક ઍસિડ)

January, 1999

પામિટિક ઍસિડ (હેક્ઝાડેનૉઇક ઍસિડ) : સિટાઇલિક ઍસિડ CH3(CH2)14COOH. તે એક સંતૃપ્ત ચરબીજ ઍસિડ છે. કુદરતી (વનસ્પતિજ તથા પ્રાણિજ) તેલ તથા ચરબીમાં તેના ગ્લિસરાઇડ વ્યાપક રૂપે મળે છે. ગ્લિસરાઇડ રૂપે મોટાભાગના વ્યાપારી કક્ષાના સ્ટીઅરિક ઍસિડમાં પણ આ ઍસિડ હોય છે. તેની ઘનતા ૦.8414 (8૦/4C) ગ.બિં. 630 સે. અને ઉ.બિં. 351.150 સે. છે.

સ્પરમેસિટી નામના મીણમાંથી સાબૂકરણ દ્વારા તથા તાડના તેલ(Palm oil)માંથી પણ તે મેળવાય છે. કુદરતી ચરબીમાંથી જળવિભાજન દ્વારા તે મેળવવામાં આવે છે. સ્ફટિકીકરણથી તેને શુદ્ધ બનાવાય છે.

ધાત્વીય પામેટેટ, સાબુ, ઊંજણ(lube)-તેલ, વૉટરપ્રૂફિંગ તથા ખાદ્ય પદાર્થોમાં ઉમેરક (additive) તરીકે તે વાપરવામાં આવે છે.

જગદીશ જ. ત્રિવેદી