પાબુજીનો પટ્ટ અથવા પાબુજીનો પડ
January, 1999
પાબુજીનો પટ્ટ અથવા પાબુજીનો પડ : રાજસ્થાનની વીંટા કે પટ્ટ દ્વારા ચિત્રકથા પ્રસ્તુત કરવાની લોકકલાનો જાણીતો પ્રકાર. ચિત્રિત તંબૂની કપડા કે કાગળના વીંટાવાળી દીવાલ પર ચિત્રો દોરાયેલાં હોય છે. વીંટો ક્રમે ક્રમે સામે ઉઘાડવામાં આવે છે અને એ રીતે પ્રેક્ષકો ચિત્રકાર-કથાકારની કહેણીની મદદથી એક પછી એક, આંખ સામે આવતાં ચિત્રો માણે એવી વ્યવસ્થા હોય છે. આ અતિ પ્રાચીન કલાના જૂનામાં જૂના વીંટા સત્તરમી અને અઢારમી સદીના મળે છે. સંગ્રાહકો પાસે ગઈ સદીના અથવા વર્તમાન સદીના પટ્ટ જ મળી શકે છે. પટ્ટની આ લોકકલા દેશવ્યાપી છે. તેમાં રાજસ્થાનના ચૌદમી સદીમાં થઈ ગયેલા, ભોપા જાતિના ઉપાસ્ય દેવ તરીકે પૂજાતા રાઠોડ કુળના પ્રતાપી યોદ્ધા પાબુજીના અને દેવનારાયણના પટ્ટ નોંધપાત્ર છે. માતાજી, રામધડા, કૃષ્ણધડા તથા રામદેવજીના પટ્ટ પણ ચીતરવામાં આવે છે. વિદેશથી આવતા પ્રવાસીઓમાં પટ્ટકલાએ આકર્ષણ જમાવ્યું હોવાથી આ વિસરાતી કલાને વર્તમાન સમયમાં નવું જ ઉત્તેજન પ્રાપ્ત થયું છે.
`પટુઆ’ અથવા ‘ચિતેરો’ નામે ઓળખાતો ચિત્રકાર-કથાકાર પટના વીંટાને ક્રમે ક્રમે ખોલીને તેમાં આલેખેલા પ્રસંગો આંગળી ચીંધી દેખાડતો, ગાતો કથા કહે એવી પરંપરા છે. રાજસ્થાનમાં પાબુજી અને દેવનારાયણના પડ મીટર સવામીટર પહોળા અને ત્રણથી ચાર મીટર લાંબા જાડા કૅન્વાસ જેવા કપડા ઉપર આડા ચીતરવામાં આવે છે. તે બંને ખૂણે દોરડેથી કસી તંબૂની જેમ ગોઠવાય છે અને કથાકારનર્તકનટ ભોપો અને ભોપી પડ સામે ઊભાં રહીને કથા કરે, ગાય અને નાચે છે. ડાબે ખૂણે ગણેશ, પાબુજી કે દેવનારાયણ અને સાથીદારોની મોટી આકૃતિઓ ફરતે અનેક પ્રસંગોની ગૂંથણીનું આલેખન હોય છે.
દેવનારાયણના પડનો જયપુર, અજમેર, ભીલવાડા, કોટા આદિના કેન્દ્રીય પ્રદેશમાં વિશેષ પ્રચાર છે. કુંભાર તથા માટીકામના શ્રમિકોમાં એના ભક્તો વિશેષ હોય છે. ગાયક ભોપા-ભોપી પણ આ જ્ઞાતિનાં હોય છે. તેઓ ગાવા સાથે જન્તર નામનું વાદ્ય વગાડે છે. દેવઊઠી અગિયારશથી દેવપોઢી અગિયારશ સુધીનો સમય દેવનારાયણના પડ માટે યોગ્ય મનાય છે. આ સિવાયના પડ વર્ષભર ચાલે છે. પાબુજીનો પડ હોળી સિવાયના સમયે પશ્ચિમ રાજસ્થાનમાં બધે ગવાય છે.
પાબુજીના ગાયક ભોપા નાયક જ્ઞાતિના હોય છે. તેમનું વાજિંત્ર રાવણહથ્થો છે. પાકિસ્તાન ઉપરાંત માળવા અને ગુજરાતમાં પણ આ પડ પ્રચલિત છે. બાડમેર મંડળમાં ભીલ ભોપા હોય છે. વાદ્યને ગુજરી કહે છે. સ્ત્રીપાત્ર પુરુષ ભજવે છે. પડવાચન ભોપો-ભોપી બંને કરે છે.
નવરાત્રિમાં માતાજીના પડનો મહિમા છે. તેમાં ગાવાનો નહિ, પણ પૂજાનો મહિમા છે. ભક્તોમાં વાઘરી કોમના લોકો વિશેષ હોય છે. માતાજીના ગરબા જેવાં ગીતો ગવાય છે. રામધડા રામાયણ પર આધારિત છે. અલવર-ભરતપુરમાં તે વિશેષ પ્રચલિત છે. કૃષ્ણધડા રાજસ્થાનમાં પ્રચલિત નથી. તે છેક મથુરાક્ષેત્રમાં જોવા મળે છે. રામધડા સિવાયની કથાઓ રાત ઢળતાં ગવાય છે.
સામાન્ય પડ ત્રણચાર દિવસમાં તૈયાર થઈ જાય છે. પાબુજીના પડ પાછળ દસથી પંદર દિવસ લાગે છે. સૌથી વધારે સમય એક મહિનો દેવનારાયણનો પડ બનાવતાં લાગે છે રાજસ્થાનમાં પડચિતારાના વીસેક પરિવાર છે. શાહપુરાના દુર્ગેશ જોશી તથા ભીલવાડાના શ્રીલાલ જોશી પ્રમુખ પરિવારો છે. શ્રીલાલ જોશીને આ કલા માટે રાષ્ટ્રપતિ પુરસ્કારો મળેલા છે. જરૂર પ્રમાણે સાંધીને તૈયાર કરેલા કપડાને ઘઉંની કાંજી જેવા રસમાં પલાળી રાખી આર કરવામાં આવે છે. સુકાય પછી તેના પર ઓપણી નામના ઉપકરણ વડે ઘૂંટીને નરમાશ અને ચળકાટ લાવવામાં આવે છે. કાપડમાં સફેદી ઊપસે છે. આથી રંગ પ્રસરતો નથી અને ચિત્રકામ સરળ બને છે. એ પછી આછી પીળી પેન્સિલ કે ચાકથી રેખાંકન કરવામાં આવે છે. પીળી ખડી પણ વપરાય છે. પ્રાકૃતિક તથા સંશ્લિષ્ટ બંને પ્રકારના રંગ વપરાય છે. પ્રાકૃતિક રંગો વિવિધ શિલા કે ખડી રૂપે મળે છે. ગાય-બળદના કાનના વાળની પીંછી પહેલાં વપરાતી પણ હવે તૈયાર પીંછીઓ વપરાય છે. સારી રીતે ઘૂંટેલા શિલારંગો લાંબો સમય ઝમકદાર રહે છે. સંશ્લિષ્ટ રંગોની ચમક જતી રહે છે. વનસ્પતિ-રંગો પણ લાંબું ટકતા નથી. રંગો આ ક્રમે પૂરવામાં આવે છે. આછો પીળો, સિંદૂરિયો, ઘેરો પીળો, લીલો, ભૂરો, રાતો, કાળો અને વાદળી. નાયકનાં વસ્ત્રો સદા રાતાં અને ખલનાયકનાં વસ્ત્રો લીલા રંગમાં રંગાય છે. કાજળ, હીરાકશી, ગળી, સિંદૂર, ગેરુ જેવા પારંપરિક રંગો વપરાય છે.
કોલુ ગામમાં પાબુજીનો દરબાર રેખાચિત્રમાં પટ્ટકથાનો ઉત્સવ યોજવા યજમાન પોતાના ભોપાને નોતરું પાઠવે છે. અક્ષત, તેલ અને શ્રીફળ નિમંત્રણનાં પ્રતીક છે. ભોપો ચિતારાને ત્યાં જઈ અગિયાર રૂપિયા દક્ષિણા આપી પટ્ટ ચીતરવા વિનંતી કરે છે. મોટા કામ માટે ચિતારાને ભૂમિ તથા પશુ જેવી ભેટ અપાય છે. ચિતારો સંવત, તિથિ, આદિ અંકિત કરી કાર્યારંભ કરે છે. તૈયાર પટ્ટનું ગામની ભાગોળે સ્વાગત કરાય છે. અત્યારે પાબુજીના પડનો ભાવ રૂ. 5૦૦થી 6૦૦ છે. વર્ષમાં 2૦થી 25 પડ વેચાય છે. જૂના ફાટેલા પડને પુષ્કર સરોવરમાં પધરાવવામાં આવે છે.
નલિની દેસાઈ
સોનલ મણિયાર