પાપોડાપુલાસ, જ્યૉર્જ (. 5 મે, 1919; અ. 27 જૂન 1999) : ગ્રીક કર્નલ અને રાજકીય નેતા. વ્યવસાયી સેના-અધિકારી તથા લશ્કરી ટોળકી(junta)ના નેતા-સરમુખત્યાર તરીકે પ્રસિદ્ધિ પામ્યા. તેમની આગેવાની નીચે જમણેરી લશ્કરી અધિકારીઓના જૂથે 21 એપ્રિલ, 1967ના રોજ લોકશાહી સરકારને ઉથલાવીને સત્તા હાંસલ કરી અને ગ્રીસના રાજા કૉન્સ્ટેનટાઇનના નામે નવી સરકારને શપથ લેવડાવ્યા. શરૂઆતમાં પાપોડાપુલાસે વડાપ્રધાનના મંત્રી તરીકે હોદ્દો સંભાળ્યો; પરંતુ ડિસેમ્બર, 1967માં રાજા કૉન્સ્ટેનટાઇનના નિષ્ફળ બળવાને પગલે પાપોડાપુલાસ વડાપ્રધાન બન્યા. તેમણે લશ્કરી સેવામાંથી રાજીનામું આપી આદેશો (decrees) દ્વારા શાસન ચલાવ્યું. તથા અસંખ્ય રાજકીય વિરોધીઓની અટકાયત કરાવી. તેમને સત્તા પરથી દૂર કરવા માટે અનેક નિષ્ફળ પ્રયાસો થયા. ઑગસ્ટ, 1968માં તેમના પર કાતિલ હુમલો કરવામાં આવ્યો હતો; પરંતુ તેમાંથી તેઓ બચી ગયા.

એપ્રિલ, 197૦માં ઉદારીકરણનાં પગલાંના ભાગ રૂપે વડાપ્રધાન પાપોડાપુલાસે 35૦ રાજકીય અટકાયતીઓને મુક્ત કર્યા. તેમણે જૂન, 1973માં ગ્રીસમાં પ્રજાસત્તાકની સ્થાપના કરીને ગ્રીસના પ્રમુખ તરીકેનો હોદ્દો ધારણ કર્યો, અને ત્યારપછીના મહિનાઓમાં ગ્રીસમાંથી લશ્કરી શાસનનો અંત આણ્યો; પરંતુ નવેમ્બર, 1973માં લશ્કરી બળવાએ પાપોડાપુલાસને સત્તા પરથી ફગાવી દીધા. 24 ઑગસ્ટ, 1975માં તેમને ફટકારવામાં આવેલ મોતની સજાને આજીવન કેદની સજામાં ફેરવવામાં આવી.

નવનીત દવે