પાપુઆ ન્યૂ ગિની : ઑસ્ટ્રેલિયાની ઉત્તરે પૅસિફિક મહાસાગરના પશ્ચિમ ભાગમાં આવેલા ટાપુસમૂહોથી બનેલું સ્વતંત્ર રાષ્ટ્ર. તે ૦oથી દક્ષિણ 11o 4૦’ અક્ષાંશ, 13૦o પૂ.થી 16૦o પૂ. રે. વચ્ચે આવેલું છે. તે પાપુઆ ન્યૂ ગિનીમાં ન્યૂ ગિની ટાપુનો પૂર્વ તરફનો વિસ્તાર તથા બિસ્માર્ક લુસીઆડી અને દ – ઑન્ત્રેકાસ્ટા દ્વીપસમૂહો તેમજ સૉલોમન ટાપુઓના ઉત્તર તરફના પ્રદેશનો સમાવેશ થાય છે. તેમાં સામેલ ટાપુઓની સંખ્યા લગભગ 6૦૦ જેટલી થાય છે. પૂર્વ-પશ્ચિમ 1,674 કિમી. જેટલી લંબાઈમાં આ ટાપુઓ વિસ્તરેલા છે, કુલ વિસ્તાર 4,62,84૦ ચોકિમી. જેટલો છે. તેની કુલ વસ્તી 8૦,84,999 (2૦16) છે અને વસ્તીની ગીચતા દર ચોકિમી. મુજબ 15 વ્યક્તિઓની છે. કુલ વસ્તીના 84 % લોકો શહેરી અને 16 %  ગ્રામવિસ્તારમાં રહે છે. કુલ વસ્તીના 9૦ % લોકો ટાપુઓના મુખ્ય ભૂમિભાગમાં જ્યારે 1૦ % જુદા જુદા ટાપુઓ પર રહે છે. ન્યૂ ગિનીના દક્ષિણ કિનારા પર આવેલું મોરેસ્બી બંદર દેશનું પાટનગર છે. વહીવટી દૃષ્ટિએ પાટનગરનો અલગ જિલ્લો અને બીજા 19 પ્રાંતો મળી કુલ 2૦ વિભાગો પાડેલા છે.

ભૂપૃષ્ઠ અને જળપરિવાહ : સમગ્ર પ્રદેશ પહાડી ભૂપૃષ્ઠ ધરાવે છે. મુખ્ય ભૂમિ વિશેષે કરીને પર્વતોથી બનેલી છે. અહીંની બિસ્માર્ક તથા ઓવેન સ્ટૅનલી પર્વતમાળાઓ સમુદ્રસપાટીથી 3,૦5૦ મીટર કરતાં પણ વધુ ઊંચી  છે. 4,5૦9 મીટરની ઊંચાઈ ધરાવતું માઉન્ટ વિલ્હેમ અહીંનું સર્વોચ્ચ શિખર છે. પાપુઆ ન્યૂ ગિનીના ટાપુઓમાં અવારનવાર ભૂકંપ થવાની શક્યતા રહે છે.

પાપુઆની ખાડીમાં જેનું જળ ઠલવાય છે તે 1,1૦૦ કિમી. લંબાઈ ધરાવતી ફ્લાય નદી તથા તેની સૌથી મોટી સહાયક નદી સ્ટ્રિકલૅન્ડનો દેશની મુખ્ય નદીઓમાં સમાવેશ થાય છે. તે ઉપરાંત દેશની અન્ય નદીઓ પૈકી રામુ, પુરારી તથા તેની ઉપનદી ઇરાવે, સેપિક, મારખમ તથા વાહગી નદી ઉલ્લેખનીય છે.

આબોહવા : પાપુઆ ન્યૂ ગિનીનો સમગ્ર પ્રદેશ વિષુવવૃત્તની દક્ષિણે આવેલો હોવાથી તેની આબોહવા સામાન્યપણે તો અયનવૃત્તીય  ગરમ અને ભેજવાળી ગણાય; પરંતુ તે મુખ્યત્વે પહાડી પ્રદેશ હોવાથી સમુદ્રકિનારાથી ઓછી ઊંચાઈવાળા ભાગોનું સરેરાશ તાપમાન 280 સે. જેટલું હોય છે, જ્યારે 3,૦૦૦ મીટરથી વધુ ઊંચાઈવાળા ભાગોમાં દિવસનું તાપમાન 180 સે. અને રાત્રિનું તાપમાન -40 સે. હોય છે. દેશના ઘણાખરા વિસ્તારોમાં 2,5૦૦ મિમી. કરતાં પણ વધુ વરસાદ પડે છે. આ કારણે ઠેર ઠેર નદી ઝરણાંઓની જાળ ફેલાયેલી દેખાય છે.

દેશમાં 86૦ જાતનાં પક્ષીઓ, 3૦૦ જાતનાં ઉરગ પ્રાણીઓ તથા 23૦ જાતનાં સસ્તન પ્રાણીઓ વિપુલ સંખ્યામાં જોવા મળે છે.

ખેતી : દેશની કૃષિલાયક જમીન પૈકી માત્ર 5 % જમીન જ ઊંચી ફળદ્રૂપતા ધરાવે છે. આ વિસ્તારોમાં રહેતા લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. મુખ્ય કૃષિ-પેદાશોમાં રબર, કૉફી, કોકો, કોપરું, કેળાં, શક્કરિયાં અને ચાનો સમાવેશ થાય છે. બાકીના મોટા ભાગના લોકો જીવનનિર્વાહ પૂરતી ખેતી કરે છે.

ઉદ્યોગો : અહીંના મહત્વના ઉદ્યોગોમાં મત્સ્યઉદ્યોગ, ઇમારતી લાકડાના સમારકામનો ઉદ્યોગ, તેમજ ખાણ-ઉદ્યોગનો સમાવેશ કરી શકાય. બોગનવિલે ખાતે આવેલી તાંબાની ખાણો દેશની આર્થિક સંપત્તિનું સૌથી મહત્વનું કુદરતી સાધન ગણાય છે. આ ઉપરાંત સોના-ચાંદીનાં ખનિજોનું પણ ખનન થાય છે.

પાપુઆ ન્યૂ ગિનીનું ભૌગોલિક સ્થાન

દેશમાં નાનામોટા 7૦૦ જેટલા ઔદ્યોગિક એકમો છે, જે 25,૦૦૦ શ્રમિકોને રોજી પૂરી પાડે છે. આ પૈકીના મોટાભાગના એકમો પાટનગર મોરેસ્બી ઉપરાંત લી (Lae), રબાલ, માદંગ, ગોરોકા, બુલોલો, કીટા અને પાન્ગુના-આરાવા નગરોમાં આવેલા છે. આ ઔદ્યોગિક એકમોમાં દેશની આંતરિક વપરાશ માટે ખાદ્ય પદાર્થો, પીણાં, મદ્યો, તમાકુમાંથી બનતી ચીજ-વસ્તુઓ, કાપડ, વસ્ત્રો, રસાયણો, રંગો, રાચરચીલું, સિમેન્ટ વગેરેનું ઉત્પાદન થાય છે. નિકાસ માટે કૃષિપેદાશો, મત્સ્યપેદાશો તથા સોના-ચાંદી અને તાંબાની ખનિજ-પેદાશોનું ઉત્પાદન લેવાય છે. દેશમાં હોડીઓ બનાવવાનો ઉદ્યોગ પણ વિકસ્યો છે. 1972માં શરૂ થયેલી બોગનવિલેની ખાણમાંથી તાંબાનાં ખનિજોનું ઉત્પાદન થાય છે, જે દુનિયાની તાંબાની અન્ય કોઈ પણ ખાણ કરતાં વધુ છે. અહીંથી જાપાન ખાતે તેની નિકાસ થાય છે. ઇન્ડોનેશિયાની સરહદ નજીક સ્ટાર પર્વતશ્રેણીમાં આવેલ ઓક ટેડી ખાતે સોનાની ખાણની શોધ થયેલી. ત્યાં 1984થી ઉત્પાદન લેવાય છે.

પરિવહન : દેશનું પરિવહન તંત્ર હજી ઘણું અવિકસિત છે. દેશમાં રેલવ્યવસ્થા હજી સુધી થઈ શકી નથી. પાકા રસ્તાઓ માત્ર 69૦ કિમી. લંબાઈના જ છે, કાચા રસ્તા 17,૦૦૦ કિમી.ના છે; છતાં દેશના જુદા જુદા વિસ્તારોમાં 177 જેટલાં નાનાંમોટાં હવાઈ મથકો છે, જેના દ્વારા ઑસ્ટ્રેલિયાનાં સિડની, બ્રિસ્બેન તથા કૅર્ન્ઝ નગરો, ઇન્ડોનેશિયાનું જયાપુરા (સુકર્ણપુરા), સૉલોમન ટાપુ પરનું હોનિયારા નગર, ફિલિપાઇન્સનું મનિલા તથા સિંગાપુર જોડાયેલાં છે.

વર્ષાઋતુમાં કિનારાના પ્રદેશનું ભારે ધોવાણ કરતી પાપુઆ ન્યૂ ગિનીની વહાબી નદીના પટનું દૃશ્ય

ધર્મ, ભાષા, શિક્ષણ : દેશમાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓની સંખ્યા નોંધપાત્ર છે. રોમન કૅથલિક સંપ્રદાયના લોકોની સંખ્યા અન્ય ખ્રિસ્તી સંપ્રદાયના અનુયાયીઓની સંખ્યા કરતાં વધારે છે.

દેશમાં 7૦૦ જેટલી ભાષાઓનો ઉપયોગ થાય છે, પરંતુ તે પૈકી અંગ્રેજી બધી જ શિક્ષણસંસ્થાઓમાં શીખવાય છે. તે ઉપરાંત બે અન્ય ભાષાઓ પિડગિન અને હિરી મોટુ(અથવા પોલિસ મોટુ)નો ઉપયોગ વિશેષ પ્રમાણમાં થાય છે.

દેશની શિક્ષણસંસ્થાઓ સરકાર અથવા ખ્રિસ્તી સંસ્થાઓ હસ્તક છે. પાટનગર મોરેસ્બીના ઉપનગરમાં પાપુઆ ન્યૂ ગિની યુનિવર્સિટી છે; જેમાં વિનયન, વિજ્ઞાન, કાયદો, તબીબી શિક્ષણ તથા અર્થશાસ્ત્રની વિદ્યાશાખાનું શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. લી નગરમાં એક અલગ યુનિવર્સિટી છે, જે તકનીકી અભ્યાસક્રમોની પદવીઓ અને ડિપ્લોમા આપે છે.

ઇતિહાસ : પાપુઆ ન્યૂ ગિની વિશે પ્રાગ્-ઐતિહાસિક કાળની જે માહિતી ઉપલબ્ધ છે, તેના પરથી અનુમાન કરવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં 27,૦૦૦ વર્ષોથી લોકો રહે છે. યુરોપિયનોએ 1526માં આ વિસ્તારમાં સર્વપ્રથમ પગ મૂકેલો, પરંતુ 19મી સદીના આઠમા દાયકા સુધી તો તેમણે ત્યાં પોતાની કાયમી વસાહતો ઊભી કરી ન હતી. પોર્ટુગીઝ સાગરખેડુ જ્યૉર્જ દ મેનેન્ઝિસે 1526માં આ પ્રદેશને પાપુઆ નામ આપેલું. બીજા એક પોર્ટુગીઝ પ્રવાસી ઑર્ટિઝ દ રેટિસે તેને નોવા ગિની નામ આપેલું. ડચ શાસકોએ આ પ્રદેશમાં બ્રિટિશ અને ફ્રેન્ચ સત્તાઓ દ્વારા પગપેસારો કરવાના પ્રયાસો નિષ્ફળ બનાવ્યા. ત્રણ ફ્રેન્ચ સાગરખેડુઓ લુઈ દ બોગનવિલે, જીન ફ્રૅન્કોઝ દ સર્વિલે અને બ્રુની દ આંત્રેકાસ્ટાએ ન્યૂ ગિનીના પૂર્વ કિનારા તરફના પ્રદેશોનો સાગરપ્રવાસ ખેડ્યો અને ત્યાંનાં ઘણાં ટાપુઓ તથા બંદરોને નામ આપ્યાં.

19મી સદીનાં છેલ્લાં 2૦થી 25 વર્ષ દરમિયાન યુરોપિયનોએ ત્યાં કાયમી વસાહતો ઊભી કરી તથા જર્મન વ્યાપારીઓએ સ્થાનિક પ્રજા સાથે વ્યાપારી સંબંધો કેળવ્યા. 19૦૦ના અરસામાં ખ્રિસ્તી ધર્મપ્રચારકોએ ત્યાં ધર્મપ્રચારની પોતાની પ્રવૃત્તિઓ શરૂ કરી તથા શાળાઓ અને સ્વાસ્થ્ય-કેન્દ્રો ઊભાં કર્યાં. આર્થિક રીતે તેમની પ્રવૃત્તિઓ સધ્ધર બને તે માટે એમણે ત્યાં નાળિયેરની વાડીઓ વિકસાવી. 1885માં જર્મન ચાન્સેલર બિસ્માર્કના આદેશથી ન્યૂ ગિનીનાં પ્રશાસન અને વ્યાપારનો ઇજારો ન્યૂ ગિની કંપની(New Guinea Kompagnie)ને સોંપવામાં આવ્યાં. નવેમ્બર, 1884માં બ્રિટિશ સરકારે જર્મની સાથે વાટાઘાટો કર્યા પછી પાપુઆને રક્ષિત પ્રદેશ તરીકે જાહેર કર્યો. પ્રથમ વિશ્વયુદ્ધ(1914-18)માં જર્મનીનો પરાજય થયા પછી જર્મન શાસકો હસ્તકનો જર્મન ન્યૂ ગિની પ્રદેશ લીગ ઑવ્ નૅશન્સના આદેશથી ઑસ્ટ્રેલિયાનો શાસનાધીન પ્રદેશ જાહેર થયો. 19૦6 પછીના ગાળામાં બ્રિટિશ ન્યૂ ગિની પ્રદેશ પણ ઑસ્ટ્રેલિયાનો આદેશાધીન પ્રદેશ બન્યો. બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછી આ પ્રદેશને આંતરરાષ્ટ્રીય વાલીપણા હેઠળ મૂકવામાં આવ્યો. 1945ના એક કાયદા મુજબ ત્યાં નાગરિક પ્રશાસન દાખલ કરવામાં આવ્યું તથા પાપુઆ અને ન્યૂ ગિની બંનેને સમાન શાસન હેઠળ મૂકવામાં આવ્યાં અને પૉર્ટ મોરેસ્બી તેનું મુખ્ય વહીવટી મથક બન્યું. 1949 પછીના ગાળામાં ઑસ્ટ્રેલિયાની દોરવણી હેઠળ ત્યાં ધારાસભા, કારોબારી, સ્થાનિક પ્રશાસન-ઘટકો, વહીવટી મંડળો તથા ન્યાયપાલિકા રચવામાં આવ્યાં. 1951માં દ્વિગૃહી ધારાસભા અસ્તિત્વમાં આવી. 1964માં પુખ્ત મતદાન-પ્રથાના ધોરણે ચૂંટણી યોજવામાં આવી. 1972ની સામાન્ય ચૂંટણી પછી બે પક્ષોની મિશ્ર સરકારે સત્તા હાંસલ કરી. ડિસેમ્બર, 1973માં પાપુઆ ન્યૂ ગિનીને સ્વાયત્તતા બક્ષવામાં આવી અને બે વર્ષ પછી 1975માં તેનો સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે ઉદય થયો.

જુલાઈ, 1998ના ત્રીજા સપ્તાહમાં પાપુઆ ન્યૂ ગિનીના સાગરકાંઠે ત્રાટકેલા પ્રચંડ વાવાઝોડાથી ઉદભવેલાં કેટલાંક મીટર ઊંચાં ભરતી-મોજાંની થપાટોને કારણે (પ્રાથમિક અંદાજ મુજબ) 1,5૦૦ જેટલા માણસોએ જાન ગુમાવ્યા હતા તથા 1,5૦૦ કે તેથી વધુ ભયંકર રીતે ઘવાયા હતા.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે