પાપલેટ (pomfret) : મત્સ્યાહારીઓને પ્રિય અત્યંત સ્વાદિષ્ટ ગણાતી માછલી. પાપલેટના શરીરમાં આવેલાં હાડકાં સહેલાઈથી દૂર કરી શકાય તેમ હોવાથી મત્સ્યાહારીઓમાં તેનો ઉપાડ મોટા પ્રમાણમાં થાય છે. પાપલેટ એક અસ્થિ-મીન (Bony fish) છે અને તેની ગણના Osteichthyes વર્ગની, શ્રેણી Perciformesના Stromatidae કુળમાં થાય છે. ભારતના દરિયામાં પાપલેટની ત્રણ જાત ઉપલબ્ધ છે :
1. વીંછુડો : Silver pomfret – Pampus argentinus
2. પાઠું : Chinese અથવા white pomfret. P. chinensis.
3. હલવો અથવા અડદિયા : Black pomfret.
Parastromateus niger.
ભારતનો અપતટવિસ્તાર પાપલેટની ઉપલબ્ધિ માટે જાણીતો છે. અરબી સમુદ્રમાં એટલે કે ભારતના પશ્ચિમ કિનારે તે લગભગ સર્વત્ર મળે છે. ખાસ કરીને ગુજરાત અને મહારાષ્ટ્રના કિનારે પાપલેટ સારા પ્રમાણમાં પકડાય છે. પૂર્વ કિનારે ઓરિસા-ક્ષેત્રમાં પણ પાપલેટ સારી એવી સંખ્યામાં મળે છે.
આમ તો સપ્ટેમ્બરથી મે મહિનાના અંત સુધી પાપલેટનો મત્સ્યોદ્યોગ ચાલે છે. જોકે પાપલેટને પકડવા માટે ચોમાસા પછીનો સમય સારો ગણાય છે. પાપલેટ માછલી મુખ્યત્વે વિવિધ પ્રકારની ઝાલર-જાળ (gill-net) વડે પકડાય છે. ઉપરાંત આ માછલી ટ્રોલ-જાળમાં પણ ફસાય છે. ટ્રોલ-જાળમાં નાના કદની પાપલેટ મોટી સંખ્યામાં ફસાય છે. આવી માછલી અપરિપક્વ હોય છે. તેથી આવી માછલી પકડવાથી, ઈંડાં-ઉત્પાદનનો અભાવ પેદા થવાથી ઘણી વાર પાપલેટના ઉત્પાદનમાંયે ઘણો ઘટાડો થાય છે. મત્સ્યોદ્યોગની દૃષ્ટિએ તે એક હાનિકારક ઘટના બની રહે છે.
ભારતમાં દર વર્ષે આશરે 5૦,૦૦૦ ટન જેટલી પાપલેટ માછલી પકડાય છે. પાપલેટ માછલીની ગણતરી ગુણવત્તાવાળી માછલી(quality fish)માં થાય છે, અને તેની નિકાસ સારા પ્રમાણમાં કરવામાં આવે છે.
મ. શિ. દૂબળે