પાનવિભ્રમ : નિયમ અને માત્રાનો વિચાર કર્યા વિના કરેલ મદ્યપાનથી – તેના અતિરેકથી જે ખાસ પ્રકારના ભ્રમ-વિભ્રમ(ચક્કર)નો રોગ થાય છે તે.
સુશ્રુતસંહિતાના ઉત્તર તંત્રના 47મા ‘પાનાત્યયપ્રતિષેધ’ નામના અધ્યાયમાં આ રોગનું વર્ણન છે. સુશ્રુતાચાર્યે ‘પાનવિભ્રમ’ રોગનાં લક્ષણો આ મુજબ વર્ણવ્યાં છે : “હૃદય અને શરીરમાં સોય ચૂભવા જેવી પીડા, ઊલટી થવી, તાવ આવવો, કંઠમાંથી વરાળ નીકળતી હોય એવી સંવેદના થવી. કફ(લાળ)નો સ્રાવ થવો, માથામાં પીડા, ખૂબ બળતરા થવી, સુરા (મદ્ય) અને ભોજનવાનગીઓ તરફ અરુચિ તથા મૂર્ચ્છા થવાની સ્થિતિ કે જે અતિ અને નિયમરહિત મદ્યપાનથી થઈ હોય, તેને ‘પાનવિભ્રમ’ કહે છે.’’
પાનવિભ્રમમાં પિત્તદોષ વધુ પ્રકુપિત થાય છે. તેથી આ રોગની ચિકિત્સામાં મધુર, અમ્લરસપ્રધાન, શીતળ પેય પદાર્થો ખૂબ લાભપ્રદ બને છે. આ માટે પાકાં કોઠાં અને ફાલસાંનું શરબત બનાવી, તેમાં તજ, નાગકેસર, એલચી, લીંડીપીપર, ધાણા, જીરું, મહુડાં (ફળ) અને મરી સમભાગે લઈ બનાવેલ ચૂર્ણ નાંખી, તે ખૂબ હલાવી, કલાક રાખી મૂકી, તેને કપડેથી ગાળી, ઠંડું બનાવી દર્દીને પાવામાં આવે છે.
તે સાથે કમળ, કેવડી મોથ, કરેણ, વાળો તથા અન્ય જલજ પુષ્પો પાણી સાથે વાટીને શરીર પર લેપ કરવામાં આવે છે.
સારિવાદિગણનાં ઔષધો કે પદ્માક્ષ અથવા સફેદ ચંદનના ચૂર્ણને શીતળ જળ સાથે વાટીને તેને એક ડોલ જેટલા પાણીમાં 2થી 4 કલાક પલાળી રાખી, તે શીતળ જળ દર્દીના શરીર પર રેડવામાં આવે છે.
ઔષધમાં જેઠીમધ, કડુ, કાળી દ્રાક્ષ, દૂધીનાં બીજને વાટીને તેનું ઠંડું શરબત બનાવી, દર્દીને વારંવાર પાવાથી ફાયદો થાય છે.
બળદેવપ્રસાદ પનારા