પાન વાળનારી ઇયળો : પાન વાળીને પાકને નુકસાન કરે એવા રોમપક્ષ (lepidoptera) શ્રેણીનાં કેટલાંક ફૂદાં અને પતંગિયાં.

ડાંગરનાં પાન વાળનારી ઇયળ : ડાંગરના પાકમાં પાન વાળીને નુકસાન કરતી આ જીવાતનું વૈજ્ઞાનિક નામ નેફેલોક્રોસિસ મેડિનાલીસ છે. તે એક ફૂદું છે અને તેનો સમાવેશ પાયરેલિડે કુળમાં કરવામાં આવેલો છે. તે પીળાશ પડતું તપખીરિયા રંગની પાંખોવાળું હોય છે. માદા ફૂદી ડાંગરના છોડનાં પાંદડાં પર છૂટાંછવાયાં ઈંડાં મૂકે છે. ઈંડાંનું સેવન થતાં લીલા રંગની ઇયળો બહાર આવે છે, જે પાનને ગોળ ભૂંગળી જેવું બનાવીને તેમાં રહીને પાનનો લીલો ભાગ વિશિષ્ટ રીતે ખાઈ જાય છે. તેને લીધે પાન પર સફેદ પારદર્શક ધાબાં જોવા મળે છે. પુખ્ત ઇયળ ચપળ, પીળાશ પડતી લીલા રંગની અને આશરે 15 મિમી.થી 2૦ મિમી. લાંબી હોય છે. પાનની ગડીઓમાં જ આ ઇયળ કોશેટા બનાવે છે.

ડાંગરનો દરજી : ડાંગરના પાકમાં પાનને ટાંકા મારી નુકસાન કરતી આ જીવાતનાં પતંગિયાં કાળાશ પડતાં તપખીરિયા રંગનાં હોય છે, જે દિવસ દરમિયાન પ્રવૃત્તિમય હોય છે. તેનું વૈજ્ઞાનિક નામ પરનારા મથિઆસ. તેનો સમાવેશ હેસ્પેરીડે કુળમાં થયેલો છે. ઇયળ રંગે લીલાશ પડતી પાતળી હોય છે. પણ વિકાસ પામતાં મજૂબત બની લગભગ 4૦ મિમી. લંબાઈની થાય છે. તેના માથા/કપાળ ઉપર અંગ્રેજી ‘V’ (વી) આકારનું ચિહન સ્પષ્ટ દેખાય છે. પુખ્ત વયની ઇયળની પીઠની બાજુએ ઝાંખા રેખાંશ જેવા અને બાજુ પર સફેદ પટ્ટાઓ હોય છે. આ ઇયળ પાન કાપે છે અને કાપેલાં પાનને એકબીજાં સાથે ધારેથી સાંધે છે. એ રીતે પાનની ધારને અમુક અંતરે દરજીએ ટાંકો લીધો હોય તેવું જણાય છે. આ રીતે પાન સીવી, તેની ભૂંગળી બનાવી ઇયળ અંદર રહીને પોષણ મેળવે છે.

ડાંગરની ઇયળ ડોશી : ડાંગર અને ઘાસ પર નભતાં આ ફૂદાંનું વૈજ્ઞાનિક નામ નિમ્ફુલા ડિપન્કટાલિસ છે. તેનો સમાવેશ પાયરેલિડે કુળમાં થયેલો છે. ફૂદું નાજુક અને સફેદ રંગનું હોય છે. તેના પર ફિક્કાં તપખીરિયાં કાળાં ટપકાં હોય છે. માદા ફૂદી કૂણાં પાંદડાં પર બારીક ઈંડાં મૂકે છે. ઈંડાંમાંથી નીકળેલી ઇયળો પાંદડાંના નાના ટુકડા બનાવી ભૂંગળીઓ બનાવે છે; જેમાં ભરાઈને તે પાન કાપી ખાય છે. પુખ્ત ઇયળો લીલાશ પડતા સફેદ રંગની હોય છે. તે 12 મિમી. લાંબી હોય છે. તેના કોશેટા પણ વાળેલા પાંદડાની ભૂંગળીમાં જ જોવા મળે છે.

રીંગણીનાં પાન વાળી દેનારી ઇયળ : રીંગણીનો પાક ઉગાડતા બધા જ વિસ્તારમાં જોવા મળતી આ જીવાતનો નૉક્ટ્યુઇડે કુળમાં સમાવેશ થયેલો છે. તેનું વૈજ્ઞાનિક નામ યુબ્લેમા ઑલીવેશી છે. ફૂદી મધ્યમ કદની લગભગ 38 મિમી. જેવડી પાંખોવાળી પહોળી અને રંગે લીલાશ પડતી હોય છે. માદા પાન પર ઈંડાં મૂકે છે. ઈંડાંનું 3થી 5 દિવસમાં સેવન થતાં નીકળેલી ઇયળ પાંદડાને ટોચ તરફથી ઉપર વાળી દે છે અને અંદર રહીને તેમાંનો લીલો ભાગ ખાય છે. પરિણામે વળેલાં પાન ચીમળાઈ જઈ સુકાઈ જાય છે. પુખ્ત ઇયળ મજબૂત, સુંદર, ભૂરાશ પડતા બદામી રંગની, પીળાં ટપકાં અને વાળવાળી હોય છે.

કપાસનાં પાન વાળનાર ઇયળ : આ જીવાતનો ફેલાવો ભારત ઉપરાંત બીજા દેશોમાં પણ નોંધાયેલ છે. તેનો મુખ્ય ખોરાક કપાસ છે; પરંતુ ભીંડા, હોલીહોક, ગુડહલમાં પણ તેનો ઉપદ્રવ જોવા મળે છે. અમેરિકન કપાસની જાતોમાં આ જીવાતનો ઉપદ્રવ વધુ હોય છે. સાયલેપ્ટા ડેરોગાટાના વૈજ્ઞાનિક નામથી ઓળખાતી આ જીવાતનો સમાવેશ પાયરેલિડે કુળમાં થયેલો છે. ફૂદું મધ્યમ કદનું, 12થી 13 મિમી. લાંબું અને ઊઘડેલી પાંખો સાથે 25 મિમી. જેટલું પહોળું હોય છે. પાંખો પીળા રંગની અને તેના ઉપર આછા મીણિયા બદામી રંગની લીટીઓ હોય છે. માદા રાત્રિના સમયે પાનના કુમળા ભાગ પર  મુખ્યત્વે નીચેના ભાગ પર સફેદ, ચપટું અને સુંવાળું એક એક ઈંડું મૂકે છે. માદા ફૂદી તેના જીવનકાળ દરમિયાન 2૦૦થી 3૦૦ જેટલાં ઈંડાં મૂકી શકે છે. ઈંડા-અવસ્થા 2થી 6 દિવસમાં પૂર્ણ કરી નીકળેલી ઇયળો પાનનો નીચેનો ભાગ ખાવાનું શરૂ કરે છે. લગભગ 15થી 35 દિવસની ઇયળ-અવસ્થામાં ચાર વખત નિર્મોચન કરી તે પુખ્ત વયની બને છે, જે આશરે 25 મિમી. જેટલી લાંબી, ચળકતા લીલા રંગની અને માથા અને છાતીના ભાગે કાળા રંગની હોય છે. આવી ઇયળો કપાસનાં પાનની પિપૂડી વાળી તેમાં ભરાઈ રહે છે અને તેમાં રહીને પાન ખાઈ જાય છે. ઉપદ્રવ વધારે હોય તો છોડ પરનાં બધાં જ પાન તે ખલાસ કરી નાખે છે. એક કરતાં વધારે ઇયળો એક પિપૂડીમાં રહે છે. પુખ્ત ઇયળ ગોળ વાળેલા પાનની અંદર જ કોશેટો બનાવે છે. કોશેટા-અવસ્થા 6થી 12 દિવસની હોય છે. સંપૂર્ણ જીવનચક્ર લગભગ 4 અઠવાડિયાંમાં પૂરું થાય છે. પુખ્ત વયની ઇયળ શિયાળામાં કપાસના ગૂંચાયેલા રેસામાં અને કચરામાં સુષુપ્ત અવસ્થામાં રહે છે. વાદળાંવાળા અને ભેજવાળા હવામાનમાં આ જીવાતનો ઉપદ્રવ વધુ થાય છે.

તલનાં પાન વાળી દેનાર ઇયળ : એન્ટિગેસ્ટ્રા કેટેલોનાલાઇસના વૈજ્ઞાનિક નામે ઓળખાતી આ જીવાત પાયરેલિડે કુળનું એક ફૂદું છે. ફૂદું નાનું, બદામી રંગનું અને પીળાશ પડતી બદામી પાંખોવાળું હોય છે. માદા ફૂદી ડૂંખ, ફૂલ કે ડોડવા પર છૂટાંછવાયાં સરેરાશ 8૦ જેટલાં ઈંડાં મૂકે છે. ઈંડા-અવસ્થા 2થી 7 દિવસમાં પૂરી થતાં નીકળેલી ઇયળ આછા લીલા રંગની હોય છે, જે કુમળા પાનને રેશમી તાંતણાથી જોડી જાળું બનાવે છે અને તેમાં રહી તેને ખાય છે. મોટી થયેલી ઇયળો ઉપર ટૂંકા કાળા વાળ હોય છે, જેથી તે ટપકાંવાળી દેખાય છે. તેનું માથું કાળું હોય છે. ઇયળ-અવસ્થા શરૂઆતમાં તલના છોડનાં કુમળાં પાનને નુકસાન કરે છે. નજીક નજીકનાં પાન ઉપરાંત આ ઇયળ છોડના કુમળા ભાગોને અને પાછળથી ડોડવાંને કાણાં પાડી, તેમને પણ કોરી ખાય છે.

આવી રીતે જો પાકમાં શરૂઆતથી ઉપદ્રવ થાય તો છોડનો વિકાસ અટકી જાય છે. પાછળથી જો ઉપદ્રવ ચાલુ રહે તો ડોડવાંને નુકસાન કરે છે. પરિણામે ઉત્પાદન ઘટી જાય છે. આ જીવાતનો ઉપદ્રવ પાક ઊગ્યા બાદ 15 દિવસ પછીથી શરૂ થાય છે, જે કાપણી સુધી ચાલુ રહે છે. આવી રીતે નુકસાન કરતી ઇયળ-અવસ્થા 8થી 25 દિવસમાં પાંચ વખત નિર્મોચન કરી કોશેટા-અવસ્થા પ્રાપ્ત કરે છે. કોશેટા તે જાળાંમાં જ બનાવે છે. તે અવસ્થા 3થી 7 દિવસની હોય છે. તલ અને પીટુનિયાની આ જીવાતનો ફેલાવો ભારતના તલ ઉગાડતા બધા જ પ્રદેશોમાં જોવા મળે છે.

નિયંત્રણ માટે ઉપદ્રવવાળાં પાન, વાળી નાખેલાં પાન અને જાળાંનો નાશ કરવામાં આવે છે. ફોઝેલોન 35 ઈસી 2૦ મિલી. અથવા મોનોક્રોટોફોસ 36 ઈસી 1૦ મિલી અથવા કાર્બારિલ 5૦ % વે.પા. 4૦ ગ્રામ અથવા ક્વીનાલફોસ 25 ઈસી 2૦ મિલી. 1૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી સારું પરિણામ મેળવી શકાય છે.

પરબતભાઈ ખી. બોરડ