પાનસરે, ગોવિંદ પી. (‘કૉમરેડ’) (. 26 નવેમ્બર 1933, કોલ્હાર, મહારાષ્ટ્ર; . 21 ફેબ્રુઆરી 2૦15, મુંબઈ) : મહારાષ્ટ્રના અગ્રણી સામ્યવાદી (CPI) નેતા, વિચારક તથા નીડર લેખક.

પિતાનું નામ પંઢરીનાથ, જે પરિવારના ભરણપોષણ માટે સામાન્ય કક્ષાની રોજગારીમાં વ્યસ્ત રહેતા. માતાનું નામ હરણાબાઈ, જે પાંચ સંતાનોના ઉછેર માટે ખેતીમાં મજૂરી કરતાં. અગાઉ દેવાના બોજાને કારણે પરિવારની માલિકીની જમીન શાહુકારોએ જપ્ત કરી લીધી હતી, તેના કારણે પરિવારને ગરીબીના ખપ્પરમાં જીવવાનો વારો આવેલો. અભ્યાસમાં ગોવિંદ નાનપણથી જ અન્ય સંતાનો કરતાં વધુ હોશિયાર હોવાથી તેમને ખૂબ ભણાવવાની માતાની આકાંક્ષા હતી. તેના કારણે તેમને રાહુરી ખાતેની હાઈસ્કૂલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ શાળા સમાજવાદી વિચારસરણીને વરેલા રાષ્ટ્રીય સેવાદળના કાર્યકર્તાઓની અસર હેઠળ હોવાના કારણે ગોવિંદની રાજકીય વિચારસરણી પર પણ તેની અસર થઈ હતી. ધીમે ધીમે તેઓ સામ્યવાદી પક્ષ તરફ આકર્ષાયા અને ચૂંટણીઓમાં તેનો સક્રિય પ્રચાર કરવા લાગ્યા. સમય જતાં કોલ્હાપુર ખાતે સ્થળાંતર કર્યું અને ત્યાંની જાણીતી રાજારામ કૉલેજમાં અભ્યાસ કરવાની શરૂઆત કરી. આ ગાળા દરમિયાન તેમણે માર્કસવાદી વિચારસરણીનો ઊંડાણથી અભ્યાસ કર્યો અને તેઓ ચુસ્ત સામ્યવાદી બન્યા. પોતાના ભરણપોષણ માટે ગોવિંદ પાનસરેએ વર્તમાનપત્રો વેચવાથી માંડી કોલ્હાપુર મ્યુનિસિપાલિટીના ઑક્ટ્રૉય વિભાગમાં ચતુર્થ વર્ગના કર્મચારી તરીકે અને પ્રાથમિક શાળાના શિક્ષક તથા યુનિવર્સિટીમાં ઍસોશિયેટ પ્રોફેસરના પદ સુધીનું વૈવિધ્યપૂર્ણ કાર્ય કર્યું હતું. તેમની આ પ્રકારની કારકિર્દીના કારણે તેમને સ્થાનિક લોકોમાં ‘રંકથી રાજા’, અર્થાત્ from rags to riches સંબોધન મળવા લાગ્યું.

રાજારામ કૉલેજમાંથી બી.એ.(ઑનર્સ)ની પદવી ઉપરાંત સ્થાનિક શહાજી લૉ કૉલેજમાંથી તેમણે કાયદાશાસ્ત્ર(LL.B.)ની પદવી પણ મેળવી અને વર્ષ 1964થી કોલ્હાપુર ખાતે વકીલાત શરૂ કરી. આ સાથે તેમણે સંયુક્ત મહારાષ્ટ્ર માટેની ચળવળમાં તથા ગોવા મુક્તિ સંગ્રામમાં પણ સક્રિય ભાગ લીધો. આ રીતે તેમના જાહેરજીવનનું વિસ્તરણ થતું ગયું. વળી વર્ષ 1962માં ભારત-ચીન યુદ્ધ દરમિયાન સામ્યવાદી હોવાને નાતે તેમની ધરપકડ પણ કરવામાં આવી હતી. વકીલાતની સાથે સાથે તેઓ શોષિત અને પીડિત વર્ગોનાં મંડળોમાં પણ સક્રિય રહ્યા; દા. ત., ફેરિયાઓ, અનાજની મિલોમાં કામ કરતા મજૂરોનાં મંડળો, ઝૂંપડપટ્ટીમાં રહેતા રહેવાસીઓનાં સંગઠનો, ખેતમજૂરોનાં મંડળો વગેરેમાં. 1964માં ભારતીય સામ્યવાદી પક્ષમાં ભાગલા પડ્યા પછી ગોવિંદ પાનસરેએ મૂળ સંસ્થા કમ્યૂનિસ્ટ પાર્ટી ઑવ્ ઇન્ડિયા(CPI)માં રહેવાનું પસંદ કર્યું. તેમાં તેઓ તેમના અવસાન સુધી રહ્યા હતા. પાનસરે આ પક્ષની રાષ્ટ્રીય કક્ષાની કારોબારીના તથા રાજ્યકક્ષાના પક્ષની કારોબારીના સભ્ય ચૂંટાયા હતા. વળી આંતરજ્ઞાતીય અને આંતરધર્મીય (interfaith) વિવાહ ઇચ્છનાર નાગરિકોના કેન્દ્રના તેઓ રાહબર હતા. તેમના ત્રણેય દીકરાઓએ આંતરજાતીય વિવાહ કર્યા છે. તેમનો સૌથી મોટો પુત્ર નાની ઉંમરમાં અવસાન પામ્યો હતો.

ગોવિંદ પાનસરે સામ્યવાદી પક્ષમાં હોવા છતાં તેની વૈચારિક ત્રુટિઓ તરફ જાહેરમાં નિર્દેશ કરવાનું તેઓ ક્યારે પણ ચૂક્યા ન હતા. આ વાત વિશેષ નોંધપાત્ર છે. અન્ય બાબતોમાં પણ તેઓ સ્પષ્ટ વક્તા હતા. કદાચ આટલા માટે જ 82 વર્ષની ઉંમરના આ પીઢ નેતા પર બે અજાણ્યા હત્યારાઓએ 16 ફેબ્રુઆરી, 2૦15ના રોજ વહેલી સવારે  કોલ્હાપુર ખાતે રિવૉલ્વરથી હુમલો કર્યો હતો. તેમાં ગંભીર ઈજાઓ થતાં પાંચ દિવસ પછી મુંબઈની એક હૉસ્પિટલમાં તેમનું અવસાન થયું.

પાનસરેની મરાઠીમાં પ્રકાશિત કૃતિ ‘શિવાજી કોણ હતા ?’ (Who Was Shivaji ?) બૌદ્ધિકોમાં અત્યંત લોકપ્રિય થઈ હતી. મૂળ વ્યાખ્યાનને આધારે પુસ્તક રૂપે પ્રકાશિત થયેલ આ કૃતિની એક લાખ ઉપરાંત નકલો વેચાઈ છે. અનેક ભાષાઓમાં તેનો અનુવાદ પણ થયો છે. આ કૃતિમાં છત્રપતિ શિવાજીની રાજ્યતંત્રના સંચાલન વિશેની વિચારસરણી પર તેમણે નવેસરથી પ્રકાશ પાડ્યો છે; દા. ત., છત્રપતિ શિવાજી ઇસ્લામ કે તેના અનુયાયી મુસલમાનોના વિરોધી ન હતા; તેમના તોપખાનાનો સેનાપતિ ઇબ્રાહિમ ખાન મુસલમાન હતો; તેમના લશ્કરમાંના મુસલમાન અધિકારીઓની ગૌરવગાથા આજે પણ મહારાષ્ટ્રમાં ગવાતી હોય છે. આવી બાબતો પર પાનસરેએ વારંવાર પ્રકાશ પાડ્યો હતો. શિવાજી મહારાજે તેમના રાજ્યમાં જે મહેનતકશ વર્ગના લોકો હતા તે હિંદુ છે કે મુસલમાન એનો વિચાર કર્યા વગર તેમના પરના કરના બોજમાં ઘટાડો કર્યો હતો; હિંદુ સ્ત્રીઓની જેમ મુસલમાન સ્ત્રીઓ પ્રત્યે પણ શિવાજીએ માનસન્માનનું વલણ દાખવ્યું હતું (દા. ત., કલ્યાણના સૂબેદારની પુત્રવધૂ); શિવાજી ન હોત તો ભારતના બધા હિંદુઓને મુસલમાન ધર્મ ફરજિયાત અંગીકાર કરવો પડ્યો હોત  એવી માન્યતાઓને પાનસરેએ તથ્યહીન ગણાવી હતી. બીજું, મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેની કીર્તિગાથા ગાવાનું કર્મ તથા ગોડસેનાં ઠેર ઠેર મંદિરો બનાવવાની માગણીઓની પાનસરેએ જાહેરમાં વારંવાર નિર્ભર્ત્સના કરી હતી, જે દેશના રૂઢિચુસ્ત વર્ગના લોકોને ગમી ન હતી. ગોડસે દેશભક્ત હતા એવી આ વર્ગની વિચારસરણી ગોવિંદ પાનસરેને સ્વીકાર્ય ન હતી. આ બધાં કારણોસર મહારાષ્ટ્રની પ્રજાનો એક વર્ગ પાનસરેથી દુભાયેલો હતો. ‘બ્રાહ્મણવાદ’ અથવા ‘બ્રાહ્મણ્ય’ આપણા સમાજને લાગેલો એક  ભયંકર રોગ છે, જે નિર્મૂળ થવો જ જોઈએ એવી વિચારસરણીને પાનસરે વરેલા હતા. પાનસરે ભારતમાં જોવા મળતી જાતિપ્રથાના પણ કટ્ટર વિરોધી હતા.

‘શિવાજી કોણ હતા ?’  આ પુસ્તક ઉપરાંત પણ ગોવિંદ પાનસરેએ અન્ય કેટલાક વિષયો પર ગ્રંથરચના કરી છે; દા. ત., માર્કસવાદ, મુસ્લિમ ધર્મ, અનામત પ્રથા, લઘુમતી વર્ગના લોકોના અધિકારો, વૈશ્વિકીકરણ અને કૃષિવિદ્યા વગેરે પર.

ગોવિંદ પાનસરેની હત્યા થઈ તે પૂર્વે પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા મહારાષ્ટ્રના એક બીજા નિર્ભીક વિચારક નરેન્દ્ર દાભોળકરની પુણે ખાતે હત્યા કરવામાં આવી હતી. તેના કારણે પ્રગતિશીલ વિચારધારાને વરેલા બૌદ્ધિકોમાં પોતાના જાન મહારાષ્ટ્રમાં હવે જોખમમાં છે એવી સર્વસામાન્ય લાગણી પણ પ્રવર્તવા માંડેલી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે