પાનકોરિયું : ખેતી-પાકોમાં નુકસાનકર્તા રોમપક્ષ (Lepidoptera), ઢાલપક્ષ (Coleoptera) અને ડિપ્ટેરા (Diptera) શ્રેણીના કેટલાક કીટકો. રોમપક્ષ શ્રેણીની માદા પાનકોરિયા પાનની સપાટી પર છૂટાંછવાયાં ઈંડાં મૂકે છે. જ્યારે ઢાલપક્ષ અને ડિપ્ટેરા શ્રેણીમાં સમાવેશ થતી જાતિમાં માદા કીટક પોતાના તીક્ષ્ણ અંડ-નિક્ષેપક અંગ દ્વારા પાનની પેશીઓમાં ઈંડાં મૂકે છે. ઈંડાં સેવાતાં તેમાંથી નીકળતી નાની ઇયળ કુમળાં પાનની અંદર દાખલ થઈ પાનનાં બે પડ વચ્ચેના નીલકણો (chloroplasts) ખાય છે. આથી પાન પર શરૂઆતમાં વાંકીચૂકી સર્પાકાર પારદર્શક રૂપેરી ચળકતી લીટીઓ દેખાય છે. ખેડૂતો તેને નાગણી અથવા સાપણીથી ઓળખે છે. આ જીવાતનો ઉપદ્રવ વધતાં પાન કોકડાઈ જાય છે, પીળું પડે છે અને છેવટે ખરી પડે છે. ઉપદ્રવવાળા પાનમાં નીલકણોના અભાવથી પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં અવરોધ ઉત્પન્ન થાય છે. પરિણામે છોડ કદરૂપો અને અવિકસિત રહે છે. લીંબુ જેવા પાકમાં આ જીવાતના ઉપદ્રવથી સૂક્ષ્મ જીવાણુઓનો પણ ફેલાવો થાય છે; તેથી લીંબુમાં બળિયાનાં ટપકાંનો રોગ વધુ થાય છે. મગફળી જેવા પાકમાં પાનકોરિયાથી થતું નુકસાન સહેજ જુદું પડે છે. તેમાં શરૂઆતની નાની ઇયળો પાનની મુખ્ય શિરા આસપાસનો લીલો ભાગ ખાઈને નુકસાન કરે છે. ત્યારબાદ મોટી ઇયળો પાનને વાળી તેની બે ધાર અથવા સપાટીઓ ભેગી કરી જોડી દઈ તેનું બોગદું બનાવે છે અને અંદર ભરાઈ રહી પાન કોરી ખાય છે અથવા ડૂંખની નજીકનાં પાનને ભેગાં કરી તેની અંદર રહી નુકસાન કરતી હોવાથી ખેડૂતો તેને પાન વાળનાર ઇયળ તરીકે પણ ઓળખે છે. આ ઇયળથી થતા નુકસાનને પરિણામે પાંદડાં સુકાઈને ખરી પડે છે.
વિવિધ પાકને નુકસાન કરતી પાનકોરિયાંની જાતો નીચે મુજબ છે :
ડાંગર | – | Cerodontha oryzivora spencer., |
મગફળી | – | Stomopteryx subsecivella Zell., |
કઠોળ | – | Cyphostioha coerulea Meyr., |
ભીંડા | – | Trachys sp., |
વટાણા, કોબીજ, કૉલી ફ્લાવર, મૂળા, ગાજર | – | Phytomyza atricornis અને |
લીંબુ | – | Phyllocnistis citrella |
આ ઉપરાંત કેટલાંક નીંદામણ પર પણ પાનકોરિયાનો ઉપદ્રવ જોવા મળે છે.
પરબતભાઈ ખી. બોરડ