પાનકથીરી : ખેતીપાકોમાં નુકસાન કરતી જુદી જુદી જીવાતો પૈકી કીટક સિવાયની જીવાતોમાં ચૂસિયા પ્રકારની એક મહત્વની જીવાત. પાનકથીરી એ સંધિપાદ (Arthropoda) સમુદાયનું અષ્ટપદી (Arachnida) વર્ગનું એકેરીના (Acarina) શ્રેણીનું પ્રાણી છે. આ જીવાત અડધા મિમી. જેટલી લંબાઈની પોચા શરીરવાળી અને વિવિધ રંગની હોય છે. તેનું માથું વક્ષ સાથે જોડાયેલું હોય છે. માદા પાનકથીરી નર સાથે મૈથુનપ્રક્રિયા કરીને અથવા તો મૈથુનક્રિયા વગર પણ પાકના પાનની નીચેની સપાટીએ એકીસાથે આશરે 24થી 55 જેટલાં છૂટાંછવાયાં ઈંડાં મૂકે છે. ઈંડાં ગોળાકાર અને પીળાશ પડતા રંગનાં હોય છે. તે ખૂબ જ નાનાં હોવાથી નરી આંખે જોઈ શકાતાં નથી. ઈંડાં 4થી 5 દિવસમાં સેવાઈને તેમાંથી છ પગવાળી ઇયળ (larva) બહાર આવે છે. આ અવસ્થામાં પાનકથીરી 2થી 4 દિવસ પસાર કરે છે. ત્યારબાદ તે કીટ શિશુ (nymph) અવસ્થામાં પ્રવેશે છે. કીટ શિશુ અવસ્થામાં બે વખત કાંચળી ઉતારી આશરે 4થી 8 દિવસમાં પુખ્ત બને છે. કીટ-શિશુ અને પુખ્ત અવસ્થામાં તે પગની ચાર જોડ ધરાવે છે. પુખ્ત અવસ્થાનો સમયગાળો પાનકથીરીની જાતિ અને હવામાન પ્રમાણે 6થી 10 દિવસનો હોય છે. આમ પાનકથીરીનો જીવનક્રમ 15થી 27 દિવસમાં પૂર્ણ થાય છે.

પાનકથીરીનો ઉપદ્રવ મુખ્યત્વે કપાસ, રીંગણી, ભીંડા, વેલાવાળાં શાકભાજી, ટામેટાં, મરચી, દિવેલા, સોયાબીન, મગફળી, સૂર્યમૂખી, જુવાર, મકાઈ, અડદ, ચોળા, તુવેર, શેરડી, ફળઝાડ, સુશોભન માટેના ફૂલછોડ વગેરેમાં જોવા મળે છે. ગુજરાતમાં ખાસ કરીને ટેટ્રાનીકિડે (Tetranychidae), ટેનુપાલ્પિડે (Tenupalpidae), ટારસોનેમિડે (Tarsonemidae) અને ઇરિયોફાઇડે (Eriophyidae) કુળની પાનકથીરીઓ જુદા જુદા પાક પર નુકસાન કરતી જોવા મળે છે.

આ જીવાત શિશુ અને પુખ્ત અવસ્થામાં પાનની નીચેના ભાગમાં રહી અને કુમળી ડૂંખોમાંથી રસ ચૂસી તેને નુકસાન પહોંચાડે છે. પરિણામે પાન પર આછાં પીળાશ પડતાં સફેદ ધાબાં દેખાય છે. આવા ઉપદ્રવવાળાં પાન પીળાં પડી કરમાઈ જાય છે અને છેવટે ખરી પડે છે. છોડની વૃદ્ધિ અટકી જાય છે. ઉપદ્રવ વધારે હોય ત્યારે આ જીવાત તેના શરીરમાંથી રેશમી તાંતણા ઉત્પન્ન કરી પાન પર જાળાં બનાવે છે અને તેમાં ભરાઈ રહી ઝાડને નુકસાન કરે છે.

પાન પર નુકસાન કરતી ઇરિયોફાઇડે કુળની પાનકથીરીઓ પૈકી એકેરિયા કઝાની (Acaria cajani), એકેરિયા ફાઇકસ (A. ficus), એકેરિયા ટુલુપી (A. tulupi) અને એકેરિયા સચાની (A. sacchani) અનુક્રમે તુવેર (વાંઝિયા છોડનો રોગ), અંજીર (પચરંગિયો), ઘઉં અને શેરડી(પટ્ટીવત્ પચરંગિયો)ના પાકમાં વિષાણુથી થતો રોગ ફેલાવે છે. ટેટ્રાનીકિડે કુળની પાનકથીરી (Tetranychus ludeni) વાલમાં ચટાપટાવાળો પચરંગિયો (Enation mosaic) રોગનો ફેલાવો કરે છે. કેટલીક જાતિની પાનકથીરીઓ ફૂગજન્ય રોગોનો પણ ફેલાવો કરતી હોય છે.

ઉપર જણાવેલ વનસ્પતિને નુકસાન કરતી પાનકથીરી ઉપરાંત અન્ય કેટલીક પાનકથીરીઓ પરભક્ષી પ્રકારની પણ હોય છે. આવી કથીરીઓ પાકને નુકસાન કરતી અન્ય પાનકથીરીઓનું ભક્ષણ કરી જૈવિક નિયંત્રણમાં પોતાનો ફાળો આપે છે. આવી પરભક્ષી પાનકથીરીઓનો સમાવેશ ફાયટોસિડે, સ્ટીગ્મેઇકીડે કુનાકઝીડે, બ્ડેલીડે, ચેઈલીડે, ઈરીથ્રેઈડે અને ટાઇડે કુળમાં થાય છે.

જોકે સારા વરસાદથી પાન પરથી પાનકથીરી આપમેળે ધોવાઈ જાય છે અને કુદરતી રીતે પાકનું નિયંત્રણ થાય છે. ખેતરમાંથી નિયમિત નીંદામણ, ઘાસ અને પાનકથીરીથી ઉપદ્રવિત પાનનો નાશ કરવો પડે છે. પાકમાં નાઇટ્રોજનયુક્ત ખાતરોનો વપરાશ ભલામણ પ્રમાણે જ થાય છે. પાકની ફેરબદલી કરવી પડે છે. વધુ ઉપદ્રવ વખતે ડાયકોફોલ 18.5 ઈસી 16 મિલી., ટેટ્રાડીફોન 8 ઈસી 38 મિલી., મૉનોક્રોટોફોસ 36 ઈસી 10 મિલી., સલ્ફર 8૦% વેપા. 31 ગ્રામ, એન્ડોસલ્ફાન 35 ઈસી 20 મિલી., ઇથિયોન 50 ઈસી 20 મિલી., મિથાઇલ-ઑ-ડિમેટોન 25 ઈસી 10 મિલી., ડાયમિથોએટ 30 ઇસી 10 મિલી., ફૉસ્ફામિડોન 85 ઇસી 4 મિલી. પૈકી કોઈ પણ એક જંતુઘ્ન દવા સ્ટિરપ-એમ સાથે મિશ્ર કરી છાંટવાથી શિશુ અને પુખ્ત પાનકથીરી આકર્ષાય છે. તેમનો નાશ થતાં આ જીવાતને સારી રીતે નિયંત્રિત કરી શકાય છે. લીંબોળીનાં મીંજનો અર્ક, નીમાર્ક અને રેપલીન પણ કથીરી સામે વાપરી શકાય છે.

પરબતભાઈ ખી. બોરડ