પાન ખાનારી ઇયળ : પ્રોડેનિયા લિટુરા : પાન ખાઈને પાકને નુકસાન કરતાં રોમપક્ષ શ્રેણીનાં કેટલાંક ફૂદાં. આ રાષ્ટ્રવ્યાપી જીવાતને, પાન ખાનારી ઇયળ ઉપરાંત, પ્રોડેનિયા, તમાકુનાં પાન ખાનારી ઇયળ, કૉટન લીફ વર્મ, થડ કાપી ખાનાર ઇયળ, ટામેટીનાં પાન ખાનાર ઇયળ વગેરે વિવિધ નામોથી ઓળખવામાં આવે છે. તેનો નોક્ટ્યુઇડે કુળમાં સમાવેશ થયેલ છે. તેનાથી તમાકુના ધરુવાડિયામાં 80 %થી 100 % રોપણી કરેલ તમાકુમાં 4 %થી 17 % અને મગફળીમાં 4 %થી 37 % જેટલું નુકસાન નોંધાયેલ છે. સને 1978માં સૂરત જિલ્લામાં સંકર-4 કપાસને ભારે નુકસાન પહોંચાડેલ અને તેનું નિયંત્રણ કરવું પણ મુશ્કેલ થઈ પડેલું. આ બહુભોજી જીવાત દિવેલાને સૌથી વધુ પસંદગી આપે છે. તે ઉપરાંત કપાસ, તમાકુ, મગફળી, કઠોળ પાકો, કેળ, શાકભાજી, તાંદળજો, લૂણી, ઝીનિયા અને કાંટાશેરિયાને પણ નુકસાન કરે છે. આ જીવાત દુનિયામાં 112 અને ભારતમાં 40 જાતની વિવિધ વનસ્પતિઓ પર નભતી હોવાનું નોંધાયેલું છે. ફૂદું મધ્યમ કદનું હોય છે. એની આગળની પાંખો ઝાંખી, રાખોડી અને કાળાશ પડતા ભૂખરા રંગની ડાઘાવાળી અને પાછળની પાંખો સફેદ રંગની હોય છે. માદા ફૂદી કુમળાં પાનની ઉપર કે નીચેની સપાટી પર એકાદ અઠવાડિયા દરમિયાન 50થી 300ના જૂથમાં આછાં લીલાશ પડતાં સફેદ રંગનાં 1,500થી 2,500 જેટલાં ઈંડાં મૂકી તેના ઉપર ભૂખરા-સફેદ વાળનુ આવરણ ચઢાવી દે છે. ઈંડાંનું સેવન 34 દિવસમાં થતાં તેમાંથી કાળાશ પડતી લીલા રંગની ઇયળો નીકળે છે, જે સમૂહમાં રહી પાનની નીચલી સપાટી ખાય છે. ઇયળો મોટી થતાં છોડ પર છૂટીછવાઈ રહી છોડનાં કુમળાં પાન, ડૂંખો, થડ વગેરે કોરી ખાય છે. આ જીવાત આછા બદામી રંગની અને શરીર ઉપર કાળાશ પડતી નારંગી રંગની લીટીઓ ધરાવે છે. પુખ્ત ઇયળ 34 સેમી. લાંબી અને ખાઉધરી હોય છે. પાનનો નસ સિવાયનો બધો જ ભાગ તે ખાઈ જાય છે, જેથી છોડ ઝાંખરા જેવો દેખાય છે. ઇયળો રાત્રિ દરમિયાન નાજુક થડને મૂળિયાંના ભાગેથી કાપી નુકસાન પહોંચાડે છે.  ઇયળ તેના 13થી 19 દિવસના જીવનકાળ બાદ જમીનમાં દાખલ થઈ ત્યાં જ ચળકતા રાતા રંગના કોશેટામાં ફેરવાય છે. કોશેટા-અવસ્થા 610 દિવસની હોય છે. સમગ્ર જીવનચક્ર 20થી 40 દિવસમાં પૂર્ણ થાય છે. યજમાન વનસ્પતિ મળતી રહે તો તેનું પ્રજનન આખું વર્ષ ચાલુ રહે છે. પિયત વિસ્તારમાં ઉપદ્રવ વિશેષ રહે છે. પાક લીધા બાદ ઊંડી ખેડ કરવાથી કોશેટાનો નાશ થાય છે. અને એ રીતે તેનું નિયંત્રણ થાય છે. ખેતરમાં તેમજ આજુબાજુ નીંદામણનો નાશ કરવામાં આવે છે. તમાકુના ધરુવાડિયાની ફરતે પિંજર  પાક તરીકે દિવેલા ઉછેરવાથી ફૂદી દિવેલાનાં પાન ઉપર ઈંડાં મૂકે છે, તેનો વીણીને નાશ કરવામાં આવે છે. યજમાન વનસ્પતિનાં પાન ઉપરથી ઈંડાં અને ઇયળોના સમૂહનો હાથથી વીણીને નાશ કરવામાં આવે છે. ટીલોનોમસ રુમસ, ટ્રાયકોગ્રામા ચીલોનિસ, ચીલોનિસ હેલિયોપી જેવા પરજીવી અને નેસિડિયૉકોરસ ટિનિયસ, રાઇનાકોરસ જેવા પરભક્ષી કીટકોની વસ્તી વધારવાથી આ ઇયળને અંકુશમાં રાખી શકાય છે. પ્રકાશપિંજરથી ફૂદાંઓને આકર્ષીને પણ તેમનો નાશ કરવામાં આવે છે. વળી ફ્રેરોમોન ટ્રૅપથી નર ફૂદાંઓને આકર્ષીને પણ તેમનો નાશ કરાય છે. લીમડાની લીંબોળીની મીજનો ભૂકો અથવા પાંદડાંમાંથી બનાવેલ 6 % પ્રવાહી મિશ્રણનો છંટકાવ કરવામાં આવે છે. નીમાર્ક 100 મિલી. અથવા પારસમણિ 30 મિલિ.નું 10 લિટર પાણીમાં મિશ્રણ કરી છાંટવાથી આ ઇયળનું નિયંત્રણ કરી શકાય છે. ન્યૂક્લિયર પૉલિહેડ્રોસિસ વાઇરસ(NPV)થી રોગિષ્ઠ થયેલી ઇયળો હેક્ટરદીઠ 250 વાઇરસવાળીના દ્રાવણનો છંટકાવ કરવાથી તંદુરસ્ત ઇયળોને પણ રોગ લાગતાં નાશ પામે છે. આ ઉપરાંત બેસિલસ થુરેન્જિનેન્સિસ(બી.ટી.)નો પાઉડર 1 કિગ્રા./હે. પ્રમાણે છાંટવો જોઈએ. વધુ પડતા ઉપદ્રવ વખતે મૉનોક્રોટોફોસ 30 ઈસી 10 મિલી. અથવા ક્વિનાલફોસ 25 ઈસી 20 મિલી. અથવા ફેન્વાલેરેટ 20 ઈસી 5 મિલી. અથવા એન્ડોસલ્ફાન 35 ઈસી 10 મિલી. 10 લિટર પાણીમાં મિશ્રણ કરી છંટકાવ કરવાથી આ ઇયળનું સારું નિયંત્રણ મેળવી શકાય છે.

પ્લુસિયા સિગ્નાટા : તમાકુ, ચણા, રજકો, વટાણા, મગફળી, કોબીજ, ચિકોરી, લેટ્યુસ, નૉલકૉલ, શણ, ઝિનિયા વગેરેમાં નુકસાન કરતી આ જીવાતનો પણ નોક્ટ્યુઈડી કુળમાં સમાવેશ થયેલો છે. તેનું ફૂદું પ્રોડેનિયા લિટુરાનાં ફૂદાં કરતાં કદમાં નાનું અને માથું, છાતી તેમજ આગળની પાંખોનો રંગ ઝાંખાશ પડતો લાલ ભૂખરો હોય છે. માદા ફૂદાં પાન તેમજ થડ ઉપર એકલદોકલ સફેદ રંગનાં ઈંડાં મૂકે છે. ઈંડા-અવસ્થા 2 દિવસમાં પૂરી થતાં નીકળેલી ઇયળ કુમળાં પાન ખાય છે. ઇયળ-અવસ્થા 10થી 15 દિવસની હોય છે જેમાં તે પાનની નીચેની બાજુએ રહી પાન ખાય છે, અને પુખ્ત થતાં કોશેટામાં ફેરવાય છે. કોશેટા-અવસ્થા લગભગ 6થી 10 દિવસની હોય છે. આખું જીવનચક્ર 20થી 26 દિવસમાં પૂરું થાય છે.

લેફિગ્મા ઍગ્ઝિગ્વા : આ પણ પાન ખાઈને નુકસાન કરતી એક બહુભોજી જીવાત છે, જેનો સમાવેશ નોક્ટ્યુઈડી કુળમાં કરવામાં આવેલ છે. ફૂદું ઝાંખા પીળાશ પડતા ભૂખરા રંગનું હોય છે. તેની આગળની પાંખો ઉપર કાળાં ટપકાં અને પાછળની પાંખો સફેદ ચળકતી ભૂરા રંગની હોય છે. માદા ફૂદી પાન પર 8થી 100ના જથ્થામાં ઈંડાં મૂકે છે. એક માદા 200 જેટલાં ઈંડી મૂકી શકે છે. ઈંડા-અવસ્થા ઉનાળામાં 37 દિવસ અને શિયાળામાં 5 દિવસ સુધી લંબાય છે. શરૂઆતની નાની ઇયળો પાનનો ફક્ત લીલો ભાગ ખાય છે, અને મોટી થતાં પાન ખાઈને નુકસાન કરે છે. ઇયળો મોટે ભાગે સવારે અને રાત્રે પાન ખાય છે, જ્યારે બાકીનો વખત પાનની ગડીઓ અથવા માટીનાં ઢેફાંમાં રહીને વિતાવે છે. વધારે ઉપદ્રવ વખતે છોડને પાન વગરનો કરી નાખે છે અને નાના નાજુક ધરુને પણ કાપી નાખે છે. ઇયળ પાંચ વખત નિર્મોચન કરી પુખ્ત બને છે. સપ્ટેમ્બર માસમાં તમાકુના પાકમાં ઇયળ અવસ્થા લગભગ 11થી 13 દિવસની અને બીજા પાક ઉપર તે લગભગ 17થી 20 દિવસની હોય છે. પુખ્ત ઇયળ જમીનમાં લગભગ 2.5 સેમી. ઊંડાઈએ માટીના કોશમાં કોશેટા બનાવે છે. કોશેટા અવસ્થા જાન્યુઆરીથી માર્ચ દરમિયાન 9થી 18 દિવસની હોય છે. ટૂંકામાં ટૂંકી કોશેટા અવસ્થા 7 દિવસની પણ નોંધાયેલી છે, જ્યારે જુલાઈ – ઑગસ્ટમાં વધારેમાં વધારે 48 દિવસની માલૂમ પડી છે. આખું જીવનચક્ર 5થી 6 અઠવાડિયાંમાં પૂરું થાય છે. ઈંડાં તથા ઇયળવાળાં પાન તોડી લઈને નાશ કરવામાં આવે છે. પાક લીધા પછી ખેતર ખેડી નાખવું પડે છે, જેથી કોશેટા જમીન ઉપર આવી જવાથી ગરમીથી અને પક્ષીઓના ખાવાથી નાશ પામે. કાર્બારિલ 50 % વે.પા. 40 ગ્રામ 10 લિટર પાણીમાં ભેળવી તેમનો છંટકાવ કરવાથી પણ તેમનું નિયંત્રણ કરી શકાય છે.

હેરસે કન્વૉલ્વુલી : મુખ્યત્વે શક્કરિયાનાં પાન ખાઈને નુકસાન કરતી આ જીવાતનો ઉપદ્રવ શક્કરિયાં ઉપરાંત મગ અને અડદમાં પણ જોવા મળે છે. તે સ્ફીન્ઝીક કુળનું ફૂદું છે. ફૂદું ભૂખરા રંગનું અને એને માથું કાળું, સહેજ ખૂણાવાળું અને અણીદાર હોય છે. પેડુ ગુલાબી રંગનું અને બાજુ પર સફેદ પટ્ટા હોય છે. માદા ફૂદી શક્કરિયાનાં પાન ઉપર એકલ-દોકલ ઈંડાં મૂકે છે. ઈંડાં-અવસ્થા 5થી 10 દિવસમાં પૂરી થયે નીકળેલી ઇયળો પાન ખાવાનું શરૂ કરે છે, અને ઇયળો મોટી થતાં મોટા પ્રમાણમાં પાન ખાઈ જઈ નુકસાન પહોંચાડે છે. પુખ્ત ઇયળ 8થી 10 સેમી. જેટલી લાંબી, પાછળના છેડે તીણા વળેલા કાંટાવાળી અને કાળાશ પડતી બદામી રંગની હોય છે. ઇયળ-અવસ્થા 10થી 20 દિવસમાં પૂરી થતાં તે જમીનમાં કોશેટા બનાવે છે, જેમાંથી 7થી 11 દિવસમાં ફૂદી બહાર આવે છે. સંપૂર્ણ જીવનચક્ર બે માસમાં પૂરું થતું હોય છે. ચોમાસામાં આ જીવાતનો ઉપદ્રવ વધુ હોય છે. ઓછા ઉપદ્રવમાં ઇયળોને હાથે વીણી લઈને નાશ કરવો પડે છે. પાક લીધા પછી ખેતર બરાબર ખેડી નાખવાથી કોશેટા ઉઘાડા પડે છે અને તેનો ગરમીથી અને પક્ષીઓ દ્વારા તેનું ભક્ષણ થવાથી નાશ થાય છે.

પરબતભાઈ ખી. બોરડ