પાદરા : વડોદરા જિલ્લાનો તાલુકો અને તાલુકાનું વહીવટી મથક. તેની ઉત્તર સરહદે આણંદ જિલ્લો, પૂર્વે વડોદરા તાલુકો, અગ્નિએ કરજણ તાલુકો અને પશ્ચિમે ભરૂચ જિલ્લો આવેલો છે. તાલુકાનું ક્ષેત્રફળ 541.76 ચો. કિ. મી. જેટલું છે. 2011 મુજબ આ તાલુકાની વસ્તી 2,40,236 જેટલી છે. પાદરા નગર અને 82 ગામો છે. પાદરા નગર 22o 15′ ઉ. અ. અને 73o 05′ પૂ.રે. પર આવેલું છે. તે વડોદરાથી 19 કિમી. દૂર નૈર્ઋત્ય તરફ આવેલું છે અને છોટા ઉદેપુર-જંબુસર બ્રોડગેજ રેલવેનું મથક છે. જેસલમેરના જૈન મંદિરમાં પાદરા માટે ઈ. સ. 1184નો ‘પદ્ર-ઉર’ કે ‘પદ્રગામ’ તરીકે ઉલ્લેખ મળે છે. આ પાદરાની વસ્તી 46,660 (2011) જેટલી છે.
સમગ્ર તાલુકાની જમીન સપાટ, ગોરાડુ અને ફળદ્રૂપ છે. કપાસ, બાજરી, ઘઉં, તુવેર, તમાકુ, શાકભાજી અહીંના મુખ્ય પાકો છે. અહીં સિંચાઈ કૂવા મારફતે થાય છે. વડોદરાથી તદ્દન નજીક હોવાથી અહીં ઉદ્યોગોનો વિકાસ થયો છે. 1956માં માર્કેટયાર્ડની સ્થાપના થવાથી ખેડૂતો તેમના પાક વેચવા અહીં આવે છે. પાદરા આ રીતે તાલુકાની વસ્તી માટેનું ખરીદ-વેચાણનું કેન્દ્ર બની રહેલું છે, તેથી બૅંકોની શાખાઓ પણ શરૂ થઈ છે. અગાઉ રંગાટી અને છાપકામ તથા સોના-ચાંદીની કલાત્મક કારીગરી માટે પાદરા જાણીતું હતું. અત્યારે અહીં દાળનાં કારખાનાં, ડાંગર ભરડવાની મિલ, સહકારી જિન, બરફનું કારખાનું અને બીડી વાળવાનો ગૃહઉદ્યોગ છે. અહીં બાલમંદિર, પ્રાથમિક શાળા, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તેમજ વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજ, ટૅકનિકલ શાળા, વૉકેશનલ કેન્દ્ર, તાલુકા પુસ્તકાલય તથા વ્યાયામશાળા છે.
ઈ. સ. 1679માં બંધાયેલ લોટેશ્વર મહાદેવ; 1735ની સાલનો શિલાલેખ ધરાવતું નીલકંઠેશ્વર મહાદેવનું મંદિર; બ્રહ્મા, વિષ્ણુ, શંકર; અંબા વગેરે મૂર્તિઓ ધરાવતું વૈજનાથ મંદિર; ઈ. સ. 1626ની સાલની શાંતિનાથની મૂર્તિ ધરાવતું જૈન મંદિર; અચલેશ્વર મહાદેવ, પધરાઈ, બૂટ, અંબા, કાલી અને ખોડિયાર માતાનાં મંદિરો; હનુમાન, રામજી, સ્વામિનારાયણ, સંતરામ વગેરેનાં મંદિરો તથા બે પ્રાચીન વાવો અહીંનાં જોવાલાયક સ્થળો છે.
શિવપ્રસાદ રાજગોર