પાણિનીય પ્રદ્યોતમ્ (1955) : મલયાળમ લેખક આઇ. સી. ચાકો (1876-1966) કૃત અભ્યાસગ્રંથ. ‘પાણિનીય પ્રદ્યોતમ્’ (પાણિનિકૃત ગ્રંથ વિશે પ્રકાશ) એ પાણિનિએ સ્થાપેલી સંસ્કૃત વ્યાકરણ-પદ્ધતિ વિશે મલયાળમમાં લખાયેલો સર્વપ્રથમ અભ્યાસપૂર્ણ ગ્રંથ છે.
લેખક પોતે સંસ્કૃત વ્યાકરણના પારંગત વિદ્વાન છે અને વૈજ્ઞાનિક વલણ ધરાવે છે. તેમનો પ્રાચીન વ્યાકરણ-પદ્ધતિ પરત્વેનો અભિગમ નવીન અને મૌલિક છે. દ્રવિડ પરિવારમાં ઊછર્યા હોવા છતાં તેમનું શબ્દભંડોળ સંસ્કૃતપ્રચુર છે.
આ અભ્યાસગ્રંથની રચનામાં કર્તાએ પોતાની સમક્ષ બે ઉદ્દેશો રાખ્યા છે; એક તો એ કે મલયાળમના લેખકોને સંસ્કૃત શબ્દનાં સાચાં – શુદ્ધ રૂપોથી તથા મલયાળમ ભાષામાં સંસ્કૃતમાંથી વ્યુત્પન્ન થયેલા ઇતર શબ્દોથી માહિતગાર અને સજ્જ કરવા. આની પાછળ તેમની ઇચ્છા સંસ્કૃતની નિંદા થતી રોકવાની હતી. તેમનો બીજો ઉદ્દેશ સંસ્કૃત વ્યાકરણ શીખવવા માટેની સરળ-સુગમ શિક્ષણ-પદ્ધતિ આપવાનો હતો. આ બંને ઉદ્દેશો કર્તાના પ્રસ્તુત ગ્રંથમાં સિદ્ધ થયા છે. કેરળમાં સંસ્કૃતશિક્ષણના ઇતિહાસમાં આ અભ્યાસગ્રંથ સીમાચિહનરૂપ બની ગયો છે.
અષ્ટાધ્યાયીમાં આવેલા 3,977 નિયમોમાંથી લેખકે ફક્ત 1,670 નિયમો જ લીધા છે. એમાં સંધિ, પ્રક્રિયા, કૃત્ તથા તદ્ધિત પ્રત્યયો, સમાસો, ધાતુઓ, કારકો અને સ્ત્રીલિંગના પ્રત્યયો વિશે ચર્ચા કરી છે. એમણે મૂળમાં આપેલો અનુક્રમ સાચવી રાખ્યો નથી પણ એનું પુનર્ગઠન કરીને સરલીકરણ કર્યું છે. એમણે વ્યાકરણ વિશે મેલ્લાપત્તુર નારાયણ ભટ્ટાગિરિની કેટલીક ટીકાઓ પર આકરો પ્રહાર કર્યો છે.
આ પુસ્તકને સાહિત્ય અકાદમીનો 1956ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો.
ચન્દ્રકાન્ત મહેતા
મહેશ ચોકસી