પાણિપત : દિલ્હીની ઉત્તરે આવેલ ઐતિહાસિક યુદ્ધમેદાન. વાયવ્ય ભારતમાં આવેલા હરિયાણા રાજ્યના પાણિપત જિલ્લાનું એક નગર. તે દિલ્હીથી ઉત્તરે આશરે 80 કિમી. અંતરે જમના નદીના ખુલ્લા મેદાનમાં, ઉત્તરપ્રદેશ અને હરિયાણાની રાજ્ય-સરહદની નજીક પશ્ચિમ તરફ આવેલું છે. ભૌગોલિક સ્થાન : 29º23′ ઉ. અ. અને 76o 58′ પૂ. રે. આ નગરમાં સુતરાઉ અને ઊની કાપડ, સૉલ્ટપીટર(NaNO3 અને KNO3)નું શુદ્ધીકરણ, કાચ, વીજળીનાં સાધનો અને ઈંટ જેવા ઉદ્યોગોનો વિકાસ થયેલો છે. 1867માં અહીં નગરપાલિકાની સ્થાપના થયેલી છે. જિલ્લાનો વિસ્તાર 1268 ચોકિમી. જ્યારે તેની વસ્તી 20.96 લાખ (2011) જેટલી છે.

કુરુક્ષેત્ર યુનિવર્સિટીને સંલગ્ન ત્રણ કૉલેજો અહીં આવેલી છે. આ નગર ઉત્તર તરફ અંબાલા અને દક્ષિણ તરફ દિલ્હી સાથે રસ્તા અને રેલમાર્ગે જોડાયેલું છે. આ નગરની ભૌગોલિક સ્થિતિને કારણે ત્યાંથી દિલ્હી પહોંચવાનું સરળ પડતું હોવાથી ભૂતકાળમાં કેટલીક મહત્વની ઐતિહાસિક લડાઈઓ લડાયેલી, જેને કારણે તે ભારતના ઇતિહાસમાં જાણીતું બનેલું છે.

પાણિપતના મેદાનમાં ઐતિહાસિક દૃષ્ટિએ મહત્વનાં ત્રણ યુદ્ધો લડાયાં હતાં.

પાણિપતનું પ્રથમ યુદ્ધ સલ્તનત યુગના અંતિમ સુલતાન ઇબ્રાહીમ લોદી તથા કાબુલના મુઘલ શાસક ઝહીરુદ્દીન મહંમદ બાબર વચ્ચે ખેલાયું. તેમાં ઇબ્રાહીમ પાસે આશરે એક લાખ સૈનિકોનું લશ્કર હતું, જ્યારે બાબર પાસે લગભગ તેના ચોથા ભાગથી ઓછું સૈન્ય હતું. પરંતુ ઇબ્રાહીમના લશ્કરમાં એકતા ન હતી, ઇબ્રાહીમ સેનાની તેમજ વ્યૂહરચનાકાર તરીકે નિર્બળ હતો, જ્યારે બાબર કાબેલ સેનાપતિ તથા અનુભવી વ્યૂહરચનાકાર હતો. વળી ઇબ્રાહીમે બહુધા ચીલાચાલુ શસ્ત્રો તલવાર, ભાલા, તીરકામઠાં પર આધાર રાખ્યો; જ્યારે બાબરે પરંપરાગત હથિયારો ઉપરાંત હળવી તોપો પર આધાર રાખ્યો હતો.

આને લીધે ઇબ્રાહીમના મોટા લશ્કરને બાબરના નાના લશ્કરે પરાજય આપ્યો (21 એપ્રિલ, 1526). પાણિપતના પ્રથમ યુદ્ધના પરિણામે ભારતમાંથી સલ્તનતની સત્તાનો અંત આવ્યો અને ભારતમાં મુઘલ સત્તાની સ્થાપના થઈ. આમ આ વિજયથી બાબર એક સમૃદ્ધ શાસનનો સ્થાપક બન્યો. બાબરે આ પછી દિલ્હી-આગ્રાનો કબજો લઈને ભારતનું શાસન સંભાળી લીધું.

પાણિપતનું બીજું યુદ્ધ શેરશાહ સૂરીના વંશજ મહમ્મદ આદિલશાહના શક્તિશાળી સેનાપતિ હેમુ તથા જલાલુદ્દીન મહમ્મદ અકબર વચ્ચે લડાયું. અકબરના પિતા હુમાયૂંનું આકસ્મિક અવસાન થતાં હેમુએ દિલ્હી તથા આગ્રાનો કબજો લઈ લીધો. આ વખતે અકબરની ઉંમર માત્ર 13 વર્ષ અને 3 મહિનાની હતી, પરંતુ અકબરને તેના વફાદાર કાબેલ વજીર તથા અનુભવી સેનાની બૈરમખાનનો સાથ મળ્યો, એટલે આ યુદ્ધમાં છેલ્લે તેનો વિજય થયો.

હેમુ પાસે 30,000નું સૈન્ય તથા 1,500 જેટલા યુદ્ધહાથીઓ હતા. આની સહાયથી હેમુએ મુઘલ સૈન્ય પર વીજળિક ધસારો કર્યો, પરંતુ બૈરમખાનની આગેવાની હેઠળના સૈન્યની બહાદુરીથી હેમુને પીછેહઠ કરવી પડી. તેને તીર વાગતાં તે ઘાયલ થઈને હાથી પરથી નીચે  પટકાયો. એટલે તેના લશ્કરમાં નાસભાગ થઈ અને મુઘલ સૈન્યનો વિજય થયો (5 નવેમ્બર, 1556). હેમુનો આખરે વધ કરવામાં આવ્યો. આમ  પાણિપતના દ્વિતીય યુદ્ધથી ભારતમાં મુઘલ સત્તાની પુન:સ્થાપના થઈ.

પાણિપતનું ત્રીજું યુદ્ધ અફઘાનિસ્તાનના શાહ અહમદશાહ અબદાલી અને મરાઠાઓ વચ્ચે લડાયું (14 જાન્યુઆરી, 1761). અબદાલીની ભારત પરની આ પાંચમી ચઢાઈ હતી. મરાઠાઓ ઉત્તરના પ્રદેશો પર પણ પોતાનું વર્ચસ્ સ્થાપવા માગતા હતા, એટલે તેમણે એ સમયના નામના મુઘલ પાદશાહ શાહઆલમ બીજા પર પોતાનો પ્રભાવ સ્થાપ્યો હતો. વળી અબદાલીના અનાચારોનો જવાબ વાળવાની પણ તેમની ઇચ્છા હતી એટલે મરાઠા સરદાર રાઘોબાએ પંજાબમાંથી અબદાલીના સૂબેદારને ઉઠાડી મૂક્યો અને ત્યાં મુઘલ સૂબેદારની નિમણૂક કરી.

આથી અબ્દાલી ભારત પર પાંચમી વખત આક્રમણ કર્યું. તેને ભારતની અઢળક સંપત્તિ પણ ફરી લૂંટવી હતી. પરિણામે અહમદશાહ અબદાલી અને મરાઠાઓ વચ્ચે પાણિપતનું યુદ્ધ થયું. અબદાલી સામેની પ્રથમ લડાઈમાં દત્તાજી સિંધે નામનો મરાઠા સરદાર મરાયો (1760); જેથી પેશવા બાલાજી બાજીરાવ(નાનાસાહેબ)ના ભાઈ સદાશિવરાવ ભાઉના નેતૃત્વ તળે મોટા લશ્કરે ઉત્તર તરફ કૂચ કરીને પાણિપતના મેદાનમાં પડાવ નાખ્યો. તેની સાથે બાલાજી બાજીરાવનો પુત્ર વિશ્વાસરાવ તથા અન્ય કેટલાક મરાઠા સરદારો પણ જોડાયા. બંનેનાં લશ્કરોમાં સૈનિકો આશરે પચાસ પચાસ હજાર જેટલા હતા. મરાઠા લશ્કરની સાથે સ્ત્રીઓનું તથા બિનલડાયક વ્યક્તિઓનું પ્રમાણ વિશેષ હતું. રોહિલા સરદાર નજીબખાન તથા અયોધ્યાના નવાબ શુજા-ઉદ્દૌલા પોતાનાં લશ્કરો સાથે અબદાલીના પક્ષે જોડાતાં તેની લશ્કરી તાકાતમાં વધારો થયો.

મરાઠાઓ બપોર સુધી વિજયને પંથે હતા, પરંતુ બપોર પછી અહમદશાહ અબદાલીએ 10,000 સૈનિકોનું પોતાનું તાજું અનામત લશ્કર મેદાનમાં ઉતારતાં યુદ્ધની પરિસ્થિતિ અબદાલીની તરફેણમાં પલટાઈ અને તેમાં આખરે મરાઠાઓનો ભારે પરાજય થયો. સદાશિવરાવ ભાઉ, વિશ્વાસરાવ તથા ટોચના મરાઠા સરદારો યુદ્ધમાં માર્યા ગયા.

ભાઉની સહાય માટે પુણેથી લશ્કર લઈને નીકળેલ પેશવા બાલાજી બાજીરાવને દિલ્હીના મરાઠા એજન્ટ તરફથી નર્મદા પાસે સાંકેતિક સંદેશો મળ્યો કે યુદ્ધમાં બે (2) મોતીઓ (ભાઈ તથા વિશ્વાસરાવ), 25 સોનામહોરો (આગેવાન મરાઠા સરદારો) તથા પુષ્કળ રૂપું તથા તાંબા-નાણું (મરાઠા સૈનિકો વગેરે) નાશ પામેલ છે. એટલે પેશવા હતાશ થઈને નર્મદાથી પુણે પાછો ફર્યો અને આઘાતથી ટૂંકા ગાળામાં જ અવસાન પામ્યો. અહમદશાહ અબદાલીની દિલ્હીથી વિદાય બાદ પંજાબમાં શીખ સત્તાનો ઉદય થયો.

પાણિપતમાં મરાઠાઓના પરાજયને લીધે મરાઠા સરદારોની એક આખી પેઢી નાશ પામી. દક્ષિણ તેમજ ઉત્તર ભારતમાંથી મરાઠાઓનું વર્ચસ્ કામચલાઉ નાબૂદ થયું. જોકે તે પછીના પેશવા માધવરાવ પહેલાએ દક્ષિણની સાથે ઉત્તર ભારતમાં પણ તે પુન:સ્થાપિત કર્યું. પાણિપતના ત્રીજા યુદ્ધની ઐતિહાસિક દૃષ્ટિએ સૌથી અગત્યની ફલશ્રુતિ તે 1765માં ભારતમાં અંગ્રેજ સત્તાની સ્થાપના માટેનો માર્ગ મોકળો થયો તેને કહી શકાય.

રમણલાલ ક. ધારૈયા

ગિરીશભાઈ પંડ્યા