પાઠક, હરિકૃષ્ણ રામચંદ્ર (જ. 5 ઑગસ્ટ 1938, બોટાદ, જિ. ભાવનગર) : ગુજરાતી ભાષાના કવિ, વાર્તાકાર, નિબંધકાર અને બાળસાહિત્યકાર.

માતાનું નામ મોંઘીબહેન. વતન ભોળાદ. જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર. 1956માં મૅટ્રિક. 1961માં ગુજરાત યુનિવર્સિટીની બી.એસસી.ની પદવી પ્રાપ્ત કરી. 1961-62 દરમિયાન સોનગઢ (સૌરાષ્ટ્ર)ના ગુરુકુળમાં વિજ્ઞાન શિક્ષક. 1963થી ગાંધીનગર ખાતેના ગુજરાત રાજ્ય સચિવાલયમાં મહેસૂલ વિભાગમાં પહેલા મદદનીશ તરીકે જોડાયા અને ત્યાંથી જ નાયબ સચિવ તરીકે 1996માં સેવનિવૃત્ત થયા. સચિવાલયની કામગીરી વચ્ચેય 1966થી કાવ્યલેખન થતું રહ્યું. સામયિકોમાં તેમનાં કાવ્યો પ્રગટ થવા લાગ્યાં. કાવ્યસર્જન માટે 1967નો ‘કુમાર’ ચંદ્રક તેમને પ્રાપ્ત થયો.

1974માં પ્રથમ કાવ્યસંગ્રહ ‘સૂરજ કદાચ ઊગે’ના પ્રકાશન સાથે તેમણે કવિ તરીકેનું પોતાનું પદ સિદ્ધ કર્યું. તેમણે ગીત, ગઝલ, છાંદસ અને અછાંદસ કાવ્યસ્વરૂપોમાં કામ કર્યું છે. તેમાં સાતમા-આઠમા દાયકાની કવિતાનાં વલણો જોવા મળે છે. ‘અડવા પચીસી’ (1984), ‘જળના પડઘા’ (1995), ‘રાઈનાં ફૂલ’ (2005), ‘ઘટના ઘાટે’ (2009) વગેરે એમના અન્ય કાવ્યસંગ્રહો છે. ‘અડવા પચીસી’ અને ‘રાઈનાં ફૂલ’માં અવળવાણીનાં ઉપયોગથી હાસ્યકટાક્ષ કર્યો છે. ‘અડવા પચીસી’માં અડવાનું કાલ્પનિક પાત્ર લઈ તે દ્વારા તેમણે માનવસ્વભાવની વિકૃતિઓનો ઉપહાસ કર્યો છે. ‘ઘટના ઘાટે’માં કવિની આધ્યાત્મિક્તા તરફની ગતિ જોવા મળે છે. ઘણાં કાવ્યોમાં તેમનો પ્રકૃતિપ્રેમ જોવા મળે છે. ‘સાક્ષર બોતેરી’ (2011) જે તે લેખકોની લાક્ષણિક્તાઓને હળવી રીતે રજૂ કરતી 72 કડીઓની પુસ્તિકા છે. તેમની સમગ્ર કવિતા ‘જળમાં લખવાં નામ’ (2011) નામે પ્રસિદ્ધ થઈ છે.

‘મોર બંગલો’ (1988) અને ‘નટુભાઈને તો જલસા છે’ (2008) એમના વાર્તાસંગ્રહો છે. ‘અંગત અને સંગત’ (2009) એ લલિતનિબંધોનો સંગ્રહ છે. એ જ રીતે ‘સ્વૈરકથા’ સર્જનાત્મક ગદ્યનો પરિચય આપે છે.

‘ગુલાબી આરસની લગ્ગી’ (1978) કિશોર-ભાગ્ય કથા છે. તેમાં કિશોરાવસ્થાનાં તોફાનો જીવંત રીતે રજૂ થયાં છે. ‘દોસ્તારીની વાતો’ (1993) પણ સંવેદનસભર કથાઓનો સંગ્રહ છે. ‘કોઈનું કંઈ ખોવાય છે ?’ (1981)  અને ‘હલ્લો ફલ્લો’ – એ બાળકાવ્યસંગ્રહો છે. બાળકોને હોઠે તુરત ચઢી જાય તેવા તેના લય-પ્રાસ છે. તેમણે બાળકાવ્યોના આસ્વાદલેખો પણ આપ્યાં છે.

‘હળવી હવાની પાંખે’ (2005) એક પ્રવાસકથા છે. ‘મનુભાઈ ત્રિવેદી’ (‘સરોદ’ – ‘ગાફિલ’) વિશેની પુસ્તિકામાં તેમણે મનુભાઈના જીવન-કવનનો પરિચય કરાવ્યો છે.

‘નગર વસે છે’ (1978) એ બૃહસ્પતિ સભાના કવિમિત્રોનાં ચૂંટેલાં પ્રગટ-અપ્રગટ કાવ્યોનું સંપાદન છે. ‘કવિતા ચયન’ (1994), ‘કલાપીનાં કાવ્યો’ (1999) એમનાં અન્ય સંપાદનો છે. તેમણે બાલમુકુંદ દવેના સમગ્ર સાહિત્યને ચાર ગ્રંથોમાં સંપાદિત કરી આપ્યું છે. આ ઉપરાંત અન્ય સાથે રહી તેમણે ‘સ્વાતંત્ર્યોત્તર ગીતસંચય’, ‘અદ્યતન નવલિકાસંચય’, ‘ગૂર્જર નવલિકાસંચય’, મુકુન્દરાય પારાશર્યને લગતા ચાર ગ્રંથો, ‘શ્રી રામ માધુરી’ (2011) વગેરે સંપાદનો કર્યાં છે. ‘ગલીને નાકેથી’ (1993) તેમનો વિવેચનસંગ્રહ છે.

તેમને ગુજરાત સરકાર / સાહિત્ય અકાદમીના પાંચ પુરસ્કારો પ્રાપ્ત થયા છે. ‘કુમાર’ ચંદ્રક ઉપરાંત ‘જળના પડઘાં’ને ઈ. સ. 1993-1997ના સમયગાળાના શ્રેષ્ઠ કાવ્યસંગ્રહ માટે નર્મદ ચંદ્રક અને એ જ સંગ્રહ માટે 1995માં ‘જયંત પાઠક કવિતા પુરસ્કાર’ મળ્યો હતો. આ ઉપરાંત 2010નો ધનજી કાનજી ગાંધી ચંદ્રક, 2011નો દલપતરામ ઍવૉર્ડ અને તેમના સમગ્ર પ્રદાન માટે 2013નો નરસિંહ મહેતા ઍવૉર્ડ તેમને પ્રાપ્ત થયા છે.

બંસીધર શુક્લ

શ્રદ્ધા ત્રિવેદી