પાઠક, સરોજ રમણલાલ (‘વાચા’) (. 1 જૂન 1929, જખઉ (કચ્છ); . 16 એપ્રિલ 1989, બારડોલી) : ગુજરાતી ભાષાનાં પ્રથમ પંક્તિનાં મહિલા  વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યવિદ. પિતાનું નામ ભાટિયા નારણદાસ ઉદ્દેશી. ઉછેર મોટેભાગે મુંબઈની સાવ સામાન્ય ભરચક ચાલીમાં. ઘરગથ્થુ ડાયરી-લેખનથી લખવાની શરૂઆત; આગળ જતાં જયંત પાઠક, રમણ પાઠક ‘વાચસ્પતિ’ જેવા નવલોહિયા સાહિત્યકારોના સંસર્ગેયોગ્ય દિશા સાંપડતાં વ્યવસ્થિત સાહિત્યિક લેખનના માર્ગે ગયાં. 1950ના નવેમ્બરમાં રમણ પાઠક સાથે દિલ્હીની અદાલતમાં બંડખોરીથી આંતરજ્ઞાતીય સ્નેહલગ્ન કર્યું. એ પછી રમણ પાઠકના પ્રોત્સાહનથી વાર્તાલેખન તરફ વળ્યાં અને તેમાં આંતરિક સર્જક પ્રતિભા અને તીવ્ર માનવીય સંવેદનાના બળે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી. અધૂરો વિદ્યાભ્યાસ આગળ ધપાવીને 1964માં ગુજરાતીના મુખ્ય વિષય સાથે એમ. એ. થયાં. 1989માં સેવાનિવૃત્ત થયાં ત્યાં સુધીમાં વિવિધ વ્યવસાયોનો અનુભવ લીધો. ઑલ ઇંડિયા રેડિયોમાં મદદનીશ તરીકે, સોવિયેત એલચી કચેરીના માહિતી ખાતામાં ભાષાંતરકાર તરીકે, ભારતીય કલાકેન્દ્રની નૃત્યસંસ્થા બૅલે-સેન્ટરમાં નર્તિકા તરીકે, સૂરતમાં શિક્ષકા તરીકે અને છેલ્લે બારડોલીની આટ્ર્સ કૉલેજમાં ગુજરાતીનાં પ્રાધ્યાપિકા અને ગુજરાતી વિભાગનાં અધ્યક્ષ તરીકે કામગીરી બજાવી.

આધુનિક ગુજરાતી ટૂંકી વાર્તાના ક્ષેત્રે તેમણે એક એકથી ચડિયાતી, મોટેભાગે નારીકેન્દ્રી છતાં અનિવાર્યપણે નારીવાદી નહિ એવી શ્રેષ્ઠ કલાત્મક કૃતિઓ આપી. ઊર્મિમય, ભાવોદ્રેકથી રંગાયેલી અને માનવમનનાં ગહન ઊંડાણોને તાગતી તેમની વાર્તાઓમાં સંવેદનાનાં ધસમસતાં પૂરને બલિષ્ઠ ભાષાકર્મ દ્વારા આલેખતી તેમની શૈલી એ તેમની લક્ષણ મુદ્રા બની ગઈ. ઘટના દ્વારા નિર્વાહ્ય છતાં પ્રસંગભારથી મુક્ત તેમની વાર્તાઓ પ્રયોગખોરી વગરની આધુનિકતા ધરાવે છે. તેમની ચિરસ્મરણીય વાર્તાઓ ‘સારિકા પિંજરસ્થા’ કે ‘ન કૌંસમાં કે ન કોંસ બહાર’ આના ઉત્તમ નમૂના છે. તેમણે ‘પ્રેમ ઘટા ઝૂક આઈ’ (1959), ‘મારો અસબાબ મારો રાગ’ (1966), ‘વિરાટ ટપકું’ (1966), ‘તથાસ્તુ’ (1972), ‘હુકમનો એક્કો’ (1987), તથા તેમના મરણોત્તર ‘હું જીવું છું’ (1990), વાર્તાસંગ્રહો આપવા ઉપરાંત રમણ પાઠક સાથે સંયુક્ત રીતે ‘પ્રીત બંધાણી’ (1961), વાર્તાસંગ્રહ આપ્યો છે. નવલકથાકાર તરીકે તેમનું પ્રદાન ‘નિ:શેષ’ (1980) ‘નાઇટ્મેર’ (1982), ‘ઉપનાયક’ (1986), ‘વન્સમોર’ (1987), દ્વારા નોંધપાત્ર રહ્યું. સૂરતમાં ‘ગુજરાત મિત્ર’ દૈનિકમાં સતત 25 વર્ષ ચાલેલી તેમની કટાર ‘નારીસંસાર’માં તેમણે નારીના પ્રશ્નોને વિશદ રીતે ચર્ચ્યા હતા. એમાંથી ચૂંટેલા નિબંધોના 2 સંગ્રહો ‘સાંસારિકા’ અને ‘અર્વાચીના’ ભરપૂર પ્રશંસા પામ્યા હતા. તેઓ એક નાટ્યવિદ પણ હતાં. સૂરતના ‘નાટ્યકલાકેન્દ્ર’ સાથે તેઓ આજીવન સંકળાયેલા રહ્યાં અને ઘણાં નાટકોનું દિગ્દર્શન સંભાળ્યું અને કેટલાકમાં યાદગાર ભૂમિકાઓ પણ ભજવી. તેમનો એ વિષયમાં ‘અહલ્યા થી એલિઝાબેથ’ એકોક્તિ સંગ્રહ પણ પ્રગટ થયો છે.

રજનીકુમાર પંડ્યા