પાઠક, શ્રીધર (જ. 11 જાન્યુઆરી 1858, જોંધરી, જિ. આગ્રા; અ. 13 સપ્ટેમ્બર 1928, પ્રયાગ, અલ્લાહબાદ) : જાણીતા હિન્દી કવિ. એફ. એ. સુધી અભ્યાસ કર્યા પછી પાઠકજીને કૉલકાતામાં સરકારી નોકરી મળી. નોકરીના ભાગ રૂપે કાશ્મીર અને નૈનીતાલ જવાનું થતાં પર્વતીય પ્રકૃતિના નિકટ સંસર્ગમાં રહેવાનું બન્યું. હિંદી, વ્રજભાષા ઉપરાંત અંગ્રેજી તથા સંસ્કૃત પર પણ તેઓ પ્રભુત્વ ધરાવતા હતા.
તેમની મૌલિક રચનાઓમાં ‘વનાષ્ટક’, ‘કાશ્મીર સુષમા’ (1904), ‘દેહરાદૂન’ (1915) અને ‘ભારત-ગીત’ (1928) મહત્વપૂર્ણ છે. અન્ય રચનાઓમાં ‘જગત સચાઈ સાર’, ‘ગુનવંત હેમંત’ અને ‘સ્વર્ગીય વીણા’ વગેરે છે. તેમની કવિતાના વિષયોમાં દેશપ્રેમ, સમાજસુધારણા અને પ્રકૃતિચિત્રણ મુખ્ય છે. ભારતેન્દુ યુગના કવિઓની જેમ પાઠકજીમાં પણ દેશભક્તિ અને રાજભક્તિના મિશ્ર ભાવો જોવા મળે છે. ‘ભારત- ઉત્થાન’ લખનાર કવિ ‘જ્યૉર્જ વંદના’ પણ લખે છે ! નવજાગરણના પ્રભાવ રૂપે તેમની કવિતામાં સમાજસુધારણા પણ પ્રતિબિંબિત થાય છે. સ્વતંત્ર વિષયરૂપ પ્રકૃતિનું ચિત્રણ પાઠકજીની કવિતાને આગવી ઓળખ અને પ્રતિષ્ઠા આપે છે. પૂર્વે ગ્રામજીવનનાં સરળ સાદાં ચિત્રો કવિની વિશિષ્ટ સૌંદર્યદૃષ્ટિએ રસાઈને અહીં નવીન ઉન્મેષ પ્રગટ કરે છે.
અનુવાદના ક્ષેત્રે પણ તેમનું ઉલ્લેખનીય યોગદાન છે. તેમણે કાલિદાસના ‘ઋતુસંહાર’નો અનુવાદ કર્યો છે, જેમાં ખડી બોલી હિંદી અને વ્રજભાષાનું મિશ્ર પોત છે. ગોલ્ડસ્મિથનાં ત્રણ અંગ્રેજી પુસ્તકો ‘ડિઝર્ટેડ વિલિજ’, ‘હરમિટ’ તથા ‘ટ્રાવેલર’નો અનુક્રમે ‘ઉજ્જડ ગ્રામ’, ‘એકાન્તવાસી યોગી’ તથા ‘શ્રાન્ત પથિક’ના નામે અનુવાદ કર્યો છે. ‘હરમિટ’ના અનુવાદમાં લાવણી અને ખયાલના લયનો ધ્યાનાર્હ પ્રયોગ કર્યો છે. પાઠકજીની હિંદી ભાષા વ્રજગંધી છે. આધુનિક હિંદી કવિતાના ઇતિહાસમાં ખડી બોલી હિંદીના પહેલા સફળ કવિ તરીકે તેમનું મહત્વપૂર્ણ સ્થાન છે.
બિંદુ ભટ્ટ