પાઠક, રામનારાયણ નાગરદાસ (જ. 23 ફેબ્રુઆરી 1905, ભોળાદ, તા. ધોળકા; અ. 4 જુલાઈ 1988) : ગુજરાતના એક ગાંધીવાદી લેખક, નવલકથાકાર અને નિબંધસર્જક. આરંભનું શિક્ષણ લાઠીની સંસ્કૃત પાઠશાળામાં લીધેલું. 1923ના નાગપુર ખાતેના ઝંડા સત્યાગ્રહમાં તથા 1928ના બારડોલીના, 1930-32ના મીઠાના અને 1938-39ના રાજકોટ સત્યાગ્રહમાં તેમજ 1942ના ‘ભારત છોડો’ આંદોલનમાં પણ ખૂબ જ સક્રિય રહેલા અને મોટા ગજાના સ્વાતંત્ર્યસેનાની તરીકેની નામના મેળવેલી. આ સત્યાગ્રહની પ્રવૃત્તિને કારણે અનેક વખત જેલમાં જવાનું બનેલું.
ફિન્લૅન્ડમાં હેલસિંકી ખાતે મળેલી વિશ્વશાંતિ પરિષદમાં ગુજરાતના પ્રતિનિધિ તરીકે હાજરી આપીને ભારતનું દૃષ્ટિબિંદુ રજૂ કરેલું. રશિયા તથા ચેકોસ્લોવેકિયાનો પ્રવાસ પણ કરેલો. તેઓ વિચારક અને પ્રભાવક વક્તા તરીકે સુખ્યાત હતા. જ્ઞાતિપ્રથાની વિરુદ્ધ જઈને તેમણે બારોટ યુવતી સાથે લગ્ન કરેલું.
એમના 50 જેટલા ગ્રંથોમાં નવલકથા, જીવનચરિત્ર, પ્રવાસવર્ણન અને અનુવાદ મુખ્ય છે. એમનું મુખ્ય પ્રદાન નવલકથા-ક્ષેત્રે છે. ‘પચાસ વર્ષ પછી’ (1934), ‘આવતી કાલ’ (1936), ‘જગતનો તાત’ (1938), ‘ખાંડાની ધાર’ (1940), ‘માનવતાનાં મૂલ’ (1941), ‘સુવર્ણમૃગ’ (1943), ‘સાથી’ (1945), ‘સોહાગ’ (1947) અને ‘યશોધરા’ (1976) જેવી એમની નવલકથાઓ મહત્વની છે. અહીં કેન્દ્રસ્થાને શ્રમજીવીઓના પ્રશ્નો, જીવનમૂલ્યો અને સત્યપરાયણતા હોય છે.
ચરિત્રલેખનમાં પણ એમનું મહત્વનું પ્રદાન છે. ‘યુગાવતાર ગાંધી’ ભા. 1, 2, 3 (1935), ‘ગાંધીબાપુ’ ભાગ 1, 2 (1950), ‘મહાત્મા ટૉલ્સ્ટૉય’ (1955), ‘ગૌતમ બુદ્ધ’ (1956), ‘સત્યાગ્રહી શહીદો’ (1958), ‘ગાંધીકથા’ (1965), ‘ગાંધીગંગા’ (1969), ‘મોહનમાંથી મહાત્મા’ (1970) વગેરે એમની ચરિત્રાત્મક કૃતિઓ છે. અહીં ચરિત્રવિષયક અનેક દસ્તાવેજી વિગતો શ્રદ્ધેય રીતે સ્થાન પામી છે. અનેક શહીદોની વિગતો પણ પ્રાપ્ત થાય છે. સરળ રસળતી શૈલી પણ ધ્યાનાર્હ છે. આ ઉપરાંત એમના પ્રવાસગ્રંથોમાંથી સાંસ્કૃતિક સ્થાનો-વિષયક વિગતો પ્રાપ્ત થાય છે. ખાસ કરીને ‘ભારતયાત્રા’ ભા. 1, 2 (1935) અને ‘કાળા પાણીને પેલે પાર’ મહત્વના પ્રવાસગ્રંથો છે.
પ્રેમચંદની નવલકથા ‘કાયાકલ્પ’નો તથા રશિયન લેખિકા નતાલિયા ફલૌમરકૃત આત્મકથાનો ‘મારો પરિવાર’ નામે એમણે આપેલા અનુવાદો પણ મહત્વના છે. પરભાષાને તળપદી ભાષામાં રૂપાંતરિત કરવાની એમની સૂઝ એમાં જોવા મળે છે.
બળવંત જાની