પાઠક, પ્રભાબહેન (જ. 27 ડિસેમ્બર 1926, પછેગામ, વલ્લભીપુર; અ. 14 મે, 2016, અમદાવાદ) : રંગભૂમિ, રેડિયો અને ટેલિવિઝનનાં અભિનેત્રી. તેમણે અભિનયના ક્ષેત્રે છેલ્લા અડધા સૈકાથી વિશિષ્ટ પ્રદાન કર્યું છે. ભાવનગર અને અમદાવાદમાં એમણે ઉચ્ચ શિક્ષણ લીધું અને પ્રસિદ્ધ કવિ-વિવેચક રામનારાયણ વિ. પાઠકના ભત્રીજા અરવિંદ પાઠક (જાણીતા અભિનેતા અને અનુવાદક) સાથે લગ્ન કર્યાં.
પ્રભાબહેને લગ્ન પછી 1944માં લોકનાટ્ય સંઘ(ઇપ્ટા)ના ‘સીતા’ નાટકમાં મુખ્ય ભૂમિકાથી અભિનયનો પ્રારંભ કર્યો. એમની કારકિર્દીનું સૌથી મહત્વનું પાસું તે અડધા સૈકા દરમિયાન ગુજરાતી રંગભૂમિની ઊઘડતી રહેલી નવી નવી દિશાઓના લગભગ બધા જ મહારથીઓ દ્વારા દિગ્દર્શિત-લિખિત નાટકોમાં વિવિધ ભૂમિકાઓ અદા કરી; દા.ત. જયશંકર ‘સુંદરી’નું ‘મેના ગુજરી’; જસવંત ઠાકરનાં ‘સીતા’, ‘શ્રુતિપતિ’, ‘કાશીનાથ’, ‘પરિત્રાણ’ વગેરે; મૃણાલિની સારાભાઈનું ‘ચાંડાલિકા’; કૈલાસ પંડ્યાનું ‘પ્રેમરંગ’; ‘અંડર સેક્રેટરી’ વગેરેમાં. તેમણે અમદાવાદની આધુનિક રંગભૂમિનાં અને રેડિયો-ટેલિવિઝનનાં પ્રયોગશીલ નાટકોમાં પણ ખૂબ કામ કર્યું જેથી ગયાં 50 વર્ષની મંચન અને સમૂહકલાની તવારીખનાં તેમને પ્રતીક ગણી શકાય. આકાશવાણી, ઇસરોનું ખેડા ટેલિવિઝન અને પ્રાદેશિક તથા રાષ્ટ્રીય દૂરદર્શન તેમજ ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો છે; દા.ત., ‘ધનજી-મગનજી-માલજી’, ‘ત્રિભેટે’, ‘હું ને મારા એ’, ‘કાકાની ડેલી’, ‘માણસ નામે ઉખાણું’, ‘વીણાવેલી’, ‘ગ્રામજગત’, ‘ન્યાય-અન્યાય’, ‘ભવની ભવાઈ’ વગેરેમાં. મુક્ત, સાહજિક અને જીવંત આંગિક અભિનય, કમનીય મુખભાવો અને ભાવપ્રદર્શનમાં અખિલાઈ પ્રગટ કરતો અવાજનો લાક્ષણિક કાકુ પ્રભાબહેનની વિશિષ્ટતા રહી છે.
હસમુખ બારાડી