પાઠક, દેવવ્રત નાનુભાઈ (જ. 5 નવેમ્બર 1920, ભોળાદ, જિ. ધોળકા; અ. 8 સપ્ટેમ્બર 2006, અમદાવાદ) : ગુજરાતના અગ્રણી રાજ્યશાસ્ત્રી અને વ્યક્તિસ્વાતંત્ર્યના પ્રખર હિમાયતી. તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ; ગુજરાત યુનિવર્સિટીના સમાજવિદ્યાભવનના રાજ્ય-શાસ્ત્રના પૂર્વ પ્રોફેસર અને ભવનના અધ્યક્ષ; શાંતિ સંશોધન કેન્દ્ર, ગૂજરાત વિદ્યાપીઠના માનાર્હ પ્રોફેસર અને નિયામક; ગાંધીવિચારના અભ્યાસી અને મીમાંસક; નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન(ગુજરાત)ના અધ્યક્ષ તેમજ ગુજરાતની અનેક સ્વૈચ્છિક સંસ્થાઓના માર્ગદર્શક અને કર્મશીલ તરીકે નોંધપાત્ર કામગીરી કરી છે.
1942માં બી.એ.માં ઇતિહાસ અને રાજ્યશાસ્ત્ર વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ગમાં પ્રથમ આવેલા. પ્રાધ્યાપક પાઠકને ‘જેમ્સ ટેલર પ્રાઇઝ’ મળ્યું હતું. 1944માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ.ની પરીક્ષા પાસ કરી. પછી સૂરતની એમ.ટી.બી. કૉલેજમાં એક વર્ષ (1944-45) અધ્યાપનકાર્ય કર્યું. ત્યારબાદ તેઓ અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે જોડાયા. 1948માં અમેરિકાના પ્રસિદ્ધ વાટુમલ ફાઉન્ડેશન તરફથી અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટેની શિષ્યવૃત્તિ મળતાં 1948માં તેઓ શિકાગો યુનિવર્સિટીમાં જોડાયા. ત્યાંથી આંતરરાષ્ટ્રીય સંબંધો વિષયમાં તેમણે એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. એ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય રાજકારણના સુપ્રસિદ્ધ પ્રોફેસરો હાન્સ જે. મૉગેન્થો અને ક્વિન્સી રાઇટના માર્ગદર્શન હેઠળ અભ્યાસ કરવાનો લહાવો તેમને મળ્યો.
અમેરિકાથી પરત આવ્યા બાદ એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં ફરી અધ્યાપક તરીકે જોડાયા. ત્યાં તેમણે 1950થી 1954 સુધી રાજ્યશાસ્ત્ર-વિભાગમાં અધ્યાપનકાર્ય અને વિભાગના વડા તરીકે કામ કર્યું. 1954માં ગુજરાત યુનિવર્સિટીમાં સમાજવિદ્યાભવનની સ્થાપના થતાં તેઓ ત્યાં રાજ્યશાસ્ત્રના રીડર અને વિભાગના અધ્યક્ષ બન્યા (1965થી 1970). 1970માં તેઓ સમાજવિદ્યાભવનના નિયામક બન્યા (1970-78).
1978માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નિમાયા, જ્યાં તેમણે 1980 સુધી કામગીરી બજાવી.
1985માં ગુજરાતી વિશ્વકોશ તૈયાર કરવાનું ભગીરથ કાર્ય પ્રારંભકાળથી જે ત્રણ મહાનુભાવોએ હાથમાં લીધું તેમાં ગુજરાતના મૂર્ધન્ય સાહિત્યકાર ડૉ. ધીરુભાઈ ઠાકર અને રસાયણશાસ્ત્રના નિષ્ણાત ડૉ. જે. જે. ત્રિવેદી સાથે પ્રા. દેવવ્રત પાઠક પણ જોડાયા અને 1996 સુધી તેની સમાજવિદ્યા શાખામાં વિભાગીય સંપાદક તરીકે તેમણે સેવાઓ આપી.
1981માં તેઓ ગૂજરાત વિદ્યાપીઠના શાંતિ સંશોધન કેન્દ્રમાં માનાર્હ પ્રોફેસર અને નિયામક તરીકે જોડાયા. જીવનના અંત સુધી (2006) તેમણે શાંતિ સંશોધન કેન્દ્રમાં અધ્યાપન અને સંશોધન-માર્ગદર્શક તરીકે સેવાઓ આપી. ત્યાંના કાર્યકાળ દરમિયાન ગાંધીવિચારનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો. વર્તમાન સમયની અનેક ગંભીર સમસ્યાઓનો ઉકેલ ગાંધીવિચાર દ્વારા કેવી રીતે લાવી શકાય તે દિશામાં તેમનું ચિંતન મૌલિક હતું. વર્તમાન પરિસ્થિતિમાં ગાંધી-વિચારનાં મહત્ત્વ અને પ્રસ્તુતતા વિશે તેઓ પોતાના વિચારો, લેખન અને પ્રવચનો દ્વારા સતત વ્યક્ત કરતા રહેતા.
ગાંધીવિચારનાં વિવિધ પાસાં ઉપરાંત ‘સુશાસન’ (ગુડ ગવર્નન્સ) એ એમના ચિંતન અને વ્યાખ્યાનનો મુખ્ય વિષય રહ્યો. નીતિઓ અને કાર્યક્રમો ગમે તેટલાં ઉમદાં હોય પણ જો દેશમાં સુશાસન નહિ હોય તો આપણી અનેક સમસ્યાઓનો ઉકેલ નહિ આવે એવું તેઓ દૃઢપણે માનતા હતા.
જીવનના ઉત્તરાર્ધમાં ગુજરાતના એક પ્રખર બૌદ્ધિક અને વિદ્યાપુરુષમાંથી પાઠક સાહેબનું જાહેર જીવનનાં કેટલાંક મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ કર્મશીલ તરીકે રૂપાંતર થયું. કર્મશીલતા સાથે સાથે તેમની વિચારયાત્રા જીવનના અંત સુધી ચાલુ રહી.
ગુજરાતની અને રાષ્ટ્રીય સ્તરની અનેક સંસ્થાઓ સાથે તેઓ ગાઢ રીતે સંકળાયેલા હતા. તેમાં સિનિયર સિટીઝન્સ ક્લબ (અમદાવાદ), નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન (ગુજરાત અને રાષ્ટ્રીય કક્ષાએ), ઇન્ડિયન સોસાયટી ઑવ્ ગાંધીયન સ્ટડીઝ, સોસાયટી ફૉર ઇન્ટરનૅશનલ ડેવલપમેન્ટ (રોમ), ફુલબ્રાઇટ ઍસોસિયેશન, ગુજરાત રાજ્યશાસ્ત્ર મંડળ (સ્થાપક પ્રમુખ), ઑલ ઇન્ડિયા પૉલિટિકલ સાયન્સ ઍસોસિયેશન, પાકિસ્તાન-ઇન્ડિયા ફોરમ ફૉર પીસ ઍન્ડ ડેમૉક્રસી (ગુજરાત શાખા), મુવમેન્ટ ફૉર સેક્યુલર ડેમૉક્રસી (ગુજરાત), નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર લીડરશિપ ઍન્ડ પબ્લિક ઍડ્મિનિસ્ટ્રેશન વગેરે વિશેષ ઉલ્લેખનીય છે.
રાજ્યશાસ્ત્રની વિવિધ પેટાશાખાઓ, શાંતિસંશોધન, સરદાર પટેલ, ગાંધીવિચાર, ભારતની વિદેશનીતિ, આંતરરાષ્ટ્રીય રાજકારણ, જવાહરલાલ નહેરુ, નવી વિશ્વવ્યવસ્થામાં ભારતની ભૂમિકા જેવા અનેક વિષયો પર તેમણે સંશોધનપત્રો લખ્યાં છે, જે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સામયિકોમાં પ્રકાશિત થયાં છે. અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં સરદાર પટેલની કામગીરીને આવરી લેતો ગ્રંથ ‘સરદાર પટેલ – ફ્રૉમ સિવિક લીડરશિપ ટુ નૅશનલ લીડરશિપ’ (સહલેખકો સાથે) – એ તેમનું મુખ્ય પ્રદાન છે. ઇન્દુલાલ યાજ્ઞિકની ‘આત્મકથા’ના બધા ખંડોનો તેમણે અંગ્રેજીમાં અનુવાદ કર્યો છે જે ગૂજરાત વિદ્યાપીઠ તરફથી પ્રકાશિત થનાર છે.
ગુજરાતમાં રાજ્યશાસ્ત્રના એક વિષય તરીકેના વિકાસમાં તેમણે અદ્વિતીય ફાળો આપ્યો છે.
દિનેશ શુક્લ