પાટેકર, નાના (જ. 1 જાન્યુઆરી 1951, મ્યૂરુન્ડ, જંજીર, મહારાષ્ટ્ર) : હિંદી ફિલ્મજગતમાં વિશિષ્ટ પ્રતિભા ધરાવતા અભિનેતા. મૂળ નામ વિશ્વનાથ. દેખાવડો ચહેરો કે ફિલ્મી પ્રતિભાવોનો વારસો ન હોવા છતાં પોતાના ધારદાર અભિનય, ઝડપી ગતિની સંવાદછટા, આવેશ અને આક્રોશપૂર્ણ અભિનેતાની છાપને કારણે ફિલ્મજગતમાં અગ્રણી અભિનેતાઓની હરોળમાં સ્થાન જમાવ્યું છે. શાળાકીય કારકિર્દીમાં મરાઠી નાટકોમાં કામ કરીને તેમણે અભિનયના સંસ્કારો ઘૂંટ્યા. દીવાલો પર પોસ્ટરો લગાડવાની કામગીરી પણ કરી. મરાઠી રંગભૂમિ પર કામ કરતાં ‘મહાસાગર’, ‘પુરુષ’ અને ‘હમીદાબાઈકી કોઠી’ એ નાટકોથી મશહૂર થયો.
1978માં સ્મિતા પાટીલની પ્રેરણાથી ‘ગમન’માં નાનકડી ભૂમિકા ભજવી. 1984માં ‘આજ કી આવાજ’માં ખલનાયકની ભૂમિકા કરી. 1985માં બનેલી ‘અંકુશ’ ફિલ્મમાં સડકછાપ, બેકાર, શિક્ષિત યુવાનની ભૂમિકાએ તેને પ્રસિદ્ધિ અપાવી. 1987માં રજૂ થયેલી ‘પ્રતિઘાત’ ફિલ્મમાં પાગલની ભૂમિકાથી વધારે જાણીતા થયા. ‘તૃષાગ્નિ’માં બૌદ્ધ સાધુની ભૂમિકા ભજવી. 1989માં બનેલી ‘પરિન્દા’ ફિલ્મના અભિનય માટે સર્વોત્તમ ખલનાયકનો પુરસ્કાર મળ્યો. 1991માં અભિનય સાથે ‘પ્રહાર’ ફિલ્મમાં નિર્દેશકની જવાબદારી પણ નિભાવી. ફિલ્મ ‘તિરંગા’ની સફળતામાં રાજકુમાર ઉપરાંત નાના પાટેકરના અભિનયનો મોટો ફાળો હતો. 1994માં રજૂ થયેલી ‘ક્રાંતિવીર’ ફિલ્મમાં નાના પાટેકરની ભૂમિકા લાજવાબ રહી અને તે કારણે જ એ ફિલ્મને ભારે સફળતા મળી. આ માટે ‘ફિલ્મફેર’ તેમજ ‘સ્ક્રીન પૅનાસૉનિક’ ઍવૉર્ડ પણ તેને મળ્યા. જીવંત અને આબેહૂબ અભિનય એ તેની મોટી મૂડી છે.
1995માં રજૂ થયેલી ફિલ્મ ‘હમ દોનોં’માં તેમણે હાસ્યભૂમિકા પણ ભજવી. 1996માં રજૂ થયેલી ‘ખામોશી ધ મ્યૂઝિકલ’માં એક બહેરા-મૂંગા બાપના પાત્રની તેમની ત્યાર સુધીની કારકિર્દીની સર્વોત્તમ ભૂમિકા પણ કરી; પરંતુ ફિલ્મને ઝાઝી સફળતા ન મળી. આ જ વર્ષે ‘અગ્નિસાક્ષી’ તેમની સફળ ફિલ્મ રહી, જે માટે નાના પાટેકરને સર્વોત્તમ ચરિત્રનાયકનો પુરસ્કાર પ્રાપ્ત થયો. આજ પર્યંત આઠ મરાઠી ફિલ્મો સહિત 40 ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો છે. શહીદ ભગતસિંહની ભૂમિકા ભજવવાનું નાના પાટેકરનું સ્વપ્ન છે. બૅંકમાં નોકરી કરતી નીલકાન્તિ જોડે લગ્ન કર્યાં, પરંતુ મનમેળ ન રહેતાં તેઓ અલગ રહ્યાં.
નાના પાટેકર 2013માં પદ્મશ્રીના સન્માનથી સન્માનિત થયા છે. નાના પાટેકરનું જીવન સાદગીપૂર્ણ છે. ‘પાઠશાળા’ ચલચિત્રની જે આવક થઈ તે તેમણે જુદી જુદી પાંચ ચેરિટી સંસ્થાઓમાં આપી દીધી. તેઓ ખેડૂત-કુટુંબોને પણ આર્થિક સહાય કરે છે.
કેટલીક ફિલ્મો જેમાં નાના પાટેકરનો અભિનય વખણાયો છે :
‘અંકુશ’ (1985), ‘હમ દોનો’ (1995), ‘અગ્નિ સાક્ષી’, ‘ખામોશી’ (1996), ‘ગુલામ-એ-મુસ્તફા’, ‘યશવંત’ (1997), ‘વજૂદ’, ‘યોગપુરુષ’ (1998), ‘કોહરામ’, ‘હુ તુ તુ તુ’ (1999), ‘તરકીબ’ (2000), ‘શક્તિ’ (2002), ‘અબ તક છપ્પન’ (2004), ‘અપહરણ’ (2005), ‘ટેક્સી નં. 9211’ (2006), ‘વેલકમ’ (2007), ‘એક’ (2009), ‘પાઠશાલા’, ‘રાજનીતિ’, ‘દેઊલ’ (મરાઠી) (2010), ‘શાગિર્દ’ (2011), ‘એટેક્સ ઑફ 26-11’ (2013), ‘ડૉ. પ્રકાશ બાબા આમ્ટે – ધ રિયલ હીરો’ (2014), ‘અબ તક છપ્પન’ (ભાગ-2), ‘વેલકમ બેક’ (2015). નાના પાટેકર ફિલ્મો ‘યશવંત’, ‘વજૂદ’ અને આંચ (2003)માં સ્વકંઠે ગાયું છે.
હરીશ રઘુવંશી