પાટીલ, સ્મિતા (. 17 ઑક્ટોબર 1955, પુણે; . 13 ડિસેમ્બર 1986, મુંબઈ) : હિન્દી તથા મરાઠી ચલચિત્રોની અભિનેત્રી. માતા વિદ્યા પાટીલ, પિતા શિવાજીરાવ પાટીલ, મહારાષ્ટ્ર સરકારના ભૂતપૂર્વ પ્રધાન. શિક્ષણ : મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાનના વિષય સાથે સ્નાતક. અભિનયની કોઈ પણ જાતની તાલીમ લીધા વિના નૈસર્ગિક અભિનય વડે કોઈ પણ પાત્રમાં પોતાના વ્યક્તિત્વને ડુબાડી દેવાની અદ્વિતીય ક્ષમતા ધરાવતાં સ્મિતા પાટીલ ચિત્રજગતના આકાશમાં અલ્પ સમય માટે ચમકી ગયેલાં તેજસ્વી તારિકા હતાં. કળાચિત્રોને ક્ષેત્રે છેલ્લાં થોડાં વર્ષોમાં જે બે નોંધપાત્ર અભિનેત્રીઓ ભારતીય ચલચિત્રઉદ્યોગને મળી તેમાં એક શબાના આઝમી અને બીજાં સ્મિતા પાટીલ. 31 વર્ષના ટૂંકા આયુષ્યમાં અભિનયક્ષેત્રે તો તેમણે માત્ર 12 વર્ષ જ વિતાવ્યાં, પણ આટલા ટૂંકા ગાળામાં કળાકીય અને વ્યાવસાયિક બંને મળીને 66 જેટલાં ચિત્રોમાં કામ કર્યું અને ખાસ કરીને કળાચિત્રોમાં તો તેમનો અભિનય સીમાચિહ્નરૂપ બની રહ્યો.

હિંદી ઉપરાંત મરાઠી, બંગાળી, કન્નડ, મલયાળમ અને તેલુગુ ભાષાનાં ચલચિત્રોમાં કામ કરીને ‘પદ્મશ્રી’ના સન્માન ઉપરાંત ‘ભૂમિકા’, ‘ચક્ર’ અને મરાઠી ‘ઉંબરઠા’ માટે શ્રેષ્ઠ અભિનેત્રીના રાષ્ટ્રીય પુરસ્કારો સહિત બીજાં અનેક પારિતોષિકો મેળવનાર સ્મિતા પાટીલ દેખાવે નમણાં હતાં. કૉલેજમાં હતાં ત્યારે જ મુંબઈ દૂરદર્શન પર સમાચારવાચિકા તરીકે ફરજ બજાવતાં સ્મિતાને ખ્યાતનામ દિગ્દર્શક શ્યામ બેનેગલે પ્રથમ વાર ‘ચરણદાસ ચોર’માં તક આપી હતી. ‘નિશાન્ત’માં તેમની ભૂમિકા નાની પણ નોંધપાત્ર હતી. દૂધની સહકારી ડેરીના વિષય પર બનાવાયેલી બેનેગલની ‘મંથન’માં એક હરિજન યુવતીને તેમણે એવી સહજતાથી પડદા પર રજૂ કરી હતી, કે શ્રેષ્ઠ અભિનેત્રીનું રાષ્ટ્રીય પારિતોષિક તેમને અપાયું. ‘ભૂમિકા’, ‘ચક્ર’, ‘આક્રોશ’, ‘ગમન’, ‘બાઝાર’, ‘અર્થ’, ‘મંડી’ વગેરે કળાચિત્રોમાં તેમણે નોંધપાત્ર અભિનય કર્યો. સાથોસાથ ‘શક્તિ’, ‘નમકહલાલ’, ‘કયામત’, ‘કસમ પેદા કરનેવાલે કી’, ‘ડાન્સડાન્સ’, ‘બદલે કી આગ’, ‘અમૃત’ વગેરે વ્યાવસાયિક ચલચિત્રોમાં પણ તેમણે કામ કર્યું.

સ્મિતા પાટીલ

પરિણીત અભિનેતા રાજ બબ્બર સાથે તેમના સંબંધોને કારણે સ્મિતાએ થોડો વિવાદ પણ જગાવ્યો હતો, પણ એક પુત્રને જન્મ આપ્યા બાદ તે બીમારીમાં એવાં પટકાયાં કે બ્રેઇનહૅમરેજને કારણે 31 વર્ષની વયે તેમનું નિધન થયું. કળાચિત્રોમાં એક ખાસ સ્થાન મેળવનાર સ્મિતાએ ચલચિત્રોમાં ખરા અર્થમાં આમ ભારતીય નારીની એ છબિને અભિવ્યક્ત કરી, જે વરસોથી શોષિત અને ઉપેક્ષિત તો છે, પણ જેનામાં પરિવર્તન માટે લડવાની એક અનોખી શક્તિ પણ છે. સ્મિતાની હયાતીમાં જ ફ્રાન્સ ખાતે તેમની ફિલ્મોનો ‘પુનરવલોકન’ (retrospeet) કાર્યક્રમ યોજાયો હતો. આવું માન બહુ જૂજ અભિનેત્રીઓને મળ્યું છે.

હરસુખ થાનકી