પાટીલ, સદોબા કન્હોબા (જ. 14 ઑગસ્ટ 1900, માલવણ, જિ. રત્નાગિરિ, મહારાષ્ટ્ર; અ. 24 જૂન 1981, મુંબઈ) : ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસના અગ્રણી નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી. મહારાષ્ટ્ર રાજ્યને કૉંગ્રેસનો ગઢ બનાવવામાં તેમનું મહત્વનું યોગદાન હતું. પિતા પોલીસ અમલદાર હતા.
કૉલેજકાળ દરમિયાન તેઓ રાષ્ટ્રવાદી વિચારોથી પ્રભાવિત થયા હતા. ગાંધીજીએ યુવાનોને અસહકારની લડતમાં જોડાવા આહવાન આપ્યું ત્યારે 1920માં કૉલેજ-અભ્યાસ છોડી રાષ્ટ્રવાદી પ્રવૃત્તિમાં જોડાયા અને પછીનાં વર્ષોમાં આ પ્રવૃત્તિઓમાં સક્રિય રહ્યા. 1924થી 1927 લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સ ખાતે અભ્યાસ કરી પત્રકારત્વનો ડિપ્લોમા મેળવ્યો. અભ્યાસકાળ દરમિયાન તેમના પર હૅરલ્ડ લાસ્કીના વિચારો અને લખાણોનો પ્રભાવ પડ્યો હતો. 1927માં ભારત આવી બૉમ્બે ક્રૉનિકલના સંપાદકીય વિભાગમાં કામ શરૂ કર્યું. 1927 થી ’47 દરમિયાન વિવિધ રાષ્ટ્રીય લડતોમાં ભાગ લીધો અને વારંવાર જેલ ભોગવી. 20 વર્ષ સુધી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં વિવિધ પદો પર રહી કામગીરી કરી અને 1949થી ’52 દરમિયાન મુંબઈના નગરપતિ-પદે રહ્યા હતા. 1929થી 1946 સુધી મુંબઈ પ્રદેશ કૉંગ્રેસ સમિતિ(બી.પી.સી.સી.)ના મહામંત્રી અને ત્યારબાદ 1946માં તેના પ્રમુખ બન્યા. આ હોદ્દાના વિવિધ અનુભવોને આધારે ‘ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસ : ‘અ કેસ ફૉર ઇટ્સ રીઑર્ગેનિઝેશન’ પુસ્તક 1946માં પ્રગટ કર્યું. 1937થી ’46 દરમિયાન મુંબઈ પ્રાંતિક ધારાસભાના સભ્ય હતા.
તેઓ સ્વતંત્ર ભારતની બંધારણસભાના અને 1952થી ’67 ભારતની લોકસભાના સભ્ય રહ્યા. 1957થી ’67ના દસકા દરમિયાન કેન્દ્રીય કૅબિનેટમાં સિંચાઈ અને વિદ્યુતશક્તિ-ખાતાના, વાણિજ્ય અને વાહનવ્યવહાર ખાતાના, ખાદ્ય અને કૃષિ-ખાતાના તથા રેલવે-ખાતાના પ્રધાન રહ્યા.
1933થી ’69 સુધી અખિલ ભારતીય કૉંગ્રેસ(એ.આઇ. સી.સી.)ની સામાન્ય સમિતિના સભ્ય, કોષાધ્યક્ષ, કાર્યકારિણી સમિતિના સભ્ય એમ વિવિધ હોદ્દાઓ પર રહ્યા. કૉંગ્રેસના વિભાજનના પ્રારંભે (1969) સંસ્થા કૉંગ્રેસમાં જોડાયા. પાછળથી ઇન્દિરા કૉંગ્રેસમાં જોડાયા અને અવસાન સુધી તેની સાથે રહ્યા.
રાજકીય ઉપરાંત સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રની ઘણી સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા હતા.
1950 પછી પશ્ચિમના દેશોના પ્રવાસોના અનુભવોથી તેઓ વૈજ્ઞાનિક વિકાસ પરત્વે આકર્ષાયા અને મુક્ત વ્યાપારના તેમજ ખાનગી ક્ષેત્રના પુરસ્કર્તા બન્યા.
તેઓ મરાઠી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓ પર સારું પ્રભુત્વ ધરાવતા હતા અને આ ભાષાઓમાં શક્તિશાળી વક્તા ગણાતા હતા. 1965માં તેમના 65મા વર્ષની ઉજવણી પ્રસંગે તેમની વિવિધલક્ષી સેવાઓની જાહેર કદર કરવામાં આવી હતી.
રક્ષા મ. વ્યાસ