પાટીલ, વિશ્વાસ મહિપાલ (. 28 નવેમ્બર 1959, નેર્લે, જિ. કોલ્હાપુર, મહારાષ્ટ્ર) : ખ્યાતનામ મરાઠી નવલકથાકાર. મરાઠીની તેમની જાણીતી નવલકથા ‘ઝાડાઝડતી’ માટે તેમને 1992ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.

પ્રાથમિક શિક્ષણ નેર્લેમાં અને માધ્યમિક શિક્ષણ કોક્રુડમાં. શિવાજી યુનિવર્સિટી, કોલ્હાપુરમાંથી એમ.એ. અને એલએલ.બી.ની પદવીઓ મેળવ્યા પછી રાજ્ય મુલકી સેવાની પરીક્ષા પાસ કરી અને મહારાષ્ટ્રની મુલકી સેવામાં અનેક હોદ્દાઓ પર કામગીરી કરી. હાલ તેઓ મુંબઈમાં ગોરેગાંવ ખાતે ફિલ્મ-સિટીના સંયુક્ત વહીવટી નિયામક તરીકેની કામગીરી સંભાળે છે.

પાણીપતના ત્રીજા યુદ્ધ પર આધારિત તેમની ઐતિહાસિક નવલકથા ‘પાણીપત’ નિમિત્તે તેમને નાની વયે રાષ્ટ્રવ્યાપી સન્માન પ્રાપ્ત થયું. તે કૃતિ માટે તેમને પ્રિયદર્શિની રાષ્ટ્રીય પુરસ્કાર, ભારતીય ભાષા પરિષદ પુરસ્કાર તથા વી. એમ. જોષી પુરસ્કાર મળ્યા. 2 વર્ષમાં તેની 7 આવૃત્તિઓ પ્રકાશિત થઈ અને તેની 20,000 નકલોનું વેચાણ થયું, જે તેની લોકપ્રિયતા દર્શાવે છે. તેમની અન્ય નવલકથાઓમાં ‘પાંગીરા’, ‘ક્રાંતિસૂર્ય’ અને ‘અમ્બી’ પણ એટલી જ લોકપ્રિય છે.

વિશ્વાસ મહિપાલ પાટીલ

નેતાજી સુભાષચંદ્ર બોઝનાં ભાવપૂર્ણ વ્યાખ્યાનોનો માર્મિક અનુવાદ તેમણે ‘ચલો દિલ્હી’ શીર્ષક હેઠળ કર્યો છે. સામાજિક ઇતિહાસની આનંદદાયક ક્ષણો અને આંદોલનોના દસ્તાવેજરૂપી તેમની નવલકથાઓ માટે તેમને બી. એસ. મર્ઢેકર પુરસ્કાર, નાથમાધવ પુરસ્કાર, ઇચલકરંજી ચૅરિટેબલ પુરસ્કાર તથા મહારાષ્ટ્ર રાજ્ય સાહિત્ય પુરસ્કાર આપવામાં આવ્યા છે. ‘પંગીરા’ નવલકથામાં તેમણે ભારતનાં ગામડાંના ઔદ્યોગિકીકરણનાં પરિવર્તનોનું વિશ્લેષણ કર્યું છે, જ્યારે ‘ક્રાંતિસૂર્ય’માં મહારાષ્ટ્રના સંદર્ભમાં 1942ની ઑગસ્ટ ક્રાંતિનું ચિત્રણ કર્યું છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘ઝાડાઝડતી’ (1991) 525 પાનાંની 15 વર્ષનો સમયગાળો આવરી લેતી દળદાર નવલકથા છે. તેમાં વિકાસને નામે સરકાર તરફથી અમલમાં આવતી વિશાળકાય જળ-વિદ્યુત પરિયોજનાઓ તથા મોટા મોટા બંધોની યોજનાઓને કારણે પોતાનાં ગામ અને જમીન છોડીને સ્થાનાંતર પામતા ગરીબ પરિવારોની દર્દભરી યાતનાનો તાશ ચિતાર આપતો આંખે દેખ્યો અહેવાલ છે. પર્યાવરણ અને વિકાસની સમસ્યાઓ પણ તેમાં વણી લીધી છે. સબળ ચરિત્ર-ચિત્રણ, પ્રગતિરૂપી મહાયજ્ઞમાં હોમાતાં પાત્રો પ્રત્યેની ઊંડી સહાનુભૂતિ, પ્રગતિ અને વિકાસના આદર્શોનું વેધક અવલોકન તેમજ સામાજિક ન્યાય પ્રત્યેની લેખકની પ્રતિબદ્ધતા વગેરેને લઈને પ્રસ્તુત કૃતિ અદ્યતન ભારતીય કથાસાહિત્યમાં એક વિશિષ્ટ પ્રદાન ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા