પાટીલ, વસંતરાવ (જ. 13 નવેમ્બર 1917, કોલ્હાપુર; અ. 1 માર્ચ 1989, કોલ્હાપુર) : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને અગ્રણી રાજકીય નેતા. ‘વસંતદાદા’ નામથી લાડીલા બનેલા આ નેતાનો જન્મ ખેડૂત કુટુંબમાં થયેલો. પિતાનું નામ બંડૂજી અને માતાનું નામ રુક્મિણીબાઈ. માત્ર સાત ધોરણ સુધીનો અભ્યાસ. 1937માં રાજકારણમાં પ્રવેશ. મહાત્મા ગાંધીની હાકલ પર 1940ના વૈયક્તિક સત્યાગ્રહમાં જોડાયા અને છ માસનો કારાવાસ ભોગવ્યો. 1942ના ‘હિંદ છોડો’ આંદોલનમાં ભાગ લેવા બદલ ધરપકડ કરવામાં આવી અને બે વર્ષ જેલમાં રહ્યા. પછી એક દિવસ જેલ તોડીને અન્ય થોડાક સાથીદારો સાથે શસ્ત્રો લઈને ભાગી છૂટ્યા. પરંતુ ફરી પકડાયા અને જેલ તોડવાના ગુના માટે તથા શસ્ત્રો લૂંટવા માટે તેર વર્ષની સખત મજૂરીની સજા થઈ. 1946માં અન્ય રાજકીય કેદીઓની જેમ તેમને પણ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા.
1952ની પ્રથમ સામાન્ય ચૂંટણીમાં મુંબઈ રાજ્યની વિધાનસભામાં ચૂંટાયા (1952-67). 1958માં સહકારી ક્ષેત્રમાં દાખલ થયા તથા સાંગલી સહકારી ખાંડ-ઉદ્યોગની સ્થાપના અને ત્યારપછી જુદા જુદા સ્થળે સહકારી ધોરણે સૂતરની તથા તેલની મિલો સ્થાપવામાં પહેલ કરી. 1965માં મહારાષ્ટ્ર રાજ્ય સહકારી ખાંડ-કારખાના સંઘના પ્રમુખ ચૂંટાયા. 1970-72 દરમિયાન રાષ્ટ્રીય સહકારી ખાંડ કારખાના મહાસંઘના સંચાલક અને અધ્યક્ષ બન્યા. 1970-71માં ખાંડ-નિકાસ મંડળના અધ્યક્ષ નિમાયા. સાથોસાથ રાજ્ય સહકારી બૅન્ક, રાષ્ટ્રીય મિલ મજદૂર સંઘ જેવી ઘણી સંસ્થાઓના અધ્યક્ષપદે રહ્યા. 1967માં મહારાષ્ટ્ર પ્રાંતીય કૉંગ્રેસના અધ્યક્ષ ચૂંટાયા. વસંતરાવ નાઇક અને શંકરરાવ ચવાણનાં મંત્રીમંડળોમાં સિંચાઈમંત્રીના પદ પર રહેલા. ત્યારપછી બે વર્ષ સુધી રાજકારણમાંથી ક્ષેત્રસંન્યાસ લીધો. 1977માં મહારાષ્ટ્રમાં સામાન્ય ચૂંટણીમાં કૉંગ્રેસનો ભારે પરાજય થયો. ત્યારપછી તેઓ ફરી રાજકારણમાં દાખલ થયા. એપ્રિલ 1977 અને 1978માં બે વાર મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી બન્યા; પરંતુ જુલાઈ-1978માં કૉંગ્રેસના આદેશને માન આપી મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યું.
1971માં અમેરિકા ખાતે યોજાયેલ ખાંડ ક્ષેત્રના નિષ્ણાતોની આંતરરાષ્ટ્રીય પરિષદમાં તેઓ ભારતીય પ્રતિનિધિમંડળના નેતા હતા.
તેમનાં પત્ની શાલિનીબાઈ મહારાષ્ટ્રનાં અગ્રણી સામાજિક કાર્યકર તથા રાજ્ય-મંત્રીમંડળનાં ભૂતપૂર્વ સભ્ય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે