પાટલિપુત્ર : મગધનું પ્રાચીન પાટનગર. તે વૈશાલીના વજ્જીઓ(વૃજ્જીઓ)ના આક્રમણ સામે રક્ષણ કરવા ગૌતમ બુદ્ધના સમકાલીન મગધનરેશ અજાતશત્રુના અમાત્ય વસ્સકારે ઈ. પૂ. 480ના અરસામાં ગંગા-શોણ નદીના સંગમ પર બંધાવેલું. પ્રાચીન પાટનગર ગિરિવ્રજ-રાજગૃહ હતું, પરંતુ અજાતશત્રુના પૌત્ર ઉદયાશ્વે પાટનગર પાટલિપુત્રમાં ખસેડ્યું. પાટલિપુત્ર ‘કુસુમપુર’ ને ‘પુષ્પપુર’ પણ કહેવાતું. ‘પાટલિપુત્ર’માં પાટલિવૃક્ષનો ખાસ મહિમા હતો. રાજા ઉદાવીએ આ નગરમાં ભવ્ય મકાન બંધાવ્યાં હતાં.
પાટલિપુત્ર વૈશાલી – રાજગૃહના ઉચ્ચ પથ પર આવેલું હતું. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલ ગ્રીક એલચી મેગૅસ્થેનીઝે પાટલિપુત્રનું આબેહૂબ વર્ણન કર્યું છે. શહેરને ફરતો કોટ હતો ને એને ફરતી મોટી ખાઈ હતી. નગરમાં એક બૌદ્ધ વિહાર હતો. વરરુચિ, ચાણક્ય અને આર્યભટ્ટ જેવા વિદ્વાનો આ નગરમાં વસેલા. અશોક મૌર્યના સમયમાં પાટલિપુત્રમાં આવેલ અશોકારામ નામે વિહારમાં મોગલીપુત્ર તિસ્સના અધ્યક્ષપદે બૌદ્ધોની ત્રીજી પરિષદ ભરાઈ હતી. ફાહિયનના સમયમાં પાટલિપુત્ર ગંગાથી દક્ષિણે 11.3 કિમી. આવેલું હતું. ઉત્તરકાલીન ગુપ્ત રાજાઓના સમયમાં આ નગરની પડતી શરૂ થઈ. સાતમા સૈકામાં ચીનના મહાશ્રમણ યુઆન શ્વાંગે મગધની મુલાકાત લીધી ત્યારે પ્રાચીન પાટલિપુત્ર ઘણું વેરાન થઈ જઈ એક સામાન્ય ગામડા જેવું બની ગયું હતું. એનો ઘણો ભાગ નદીઓના પૂરમાં તણાઈ ગયો હતો ને ત્યારે ત્યાં તેના કેટલાક ભગ્નાવશેષ જ જોવા મળતા હતા. અલબેરૂની(અગિયારમી સદી)ના સમય સુધી પાટલિપુત્ર નામ વપરાતું હતું.
પ્રાચીન પાટલિપુત્રની જગ્યાએ હાલ બિહારનું વડું મથક પટના આવેલું છે. પટણાની નજીકમાં વિવિધ સ્થળોએ પુરાતત્વ ખાતાએ કરાવેલા ઉત્ખનનમાં મૌર્યકાલીન ઇમારતોના અવશેષ મળ્યા છે.
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી