પાઘડી (પોશાક) : શિરોવેષ્ટન; માથાનું ઢાંકણ. ભારતમાં પ્રાચીન કાળથી સંરક્ષણ અને શોભાના સાધન ઉપરાંત મોભાના પ્રતીક તરીકે માથે વિવિધ સ્વરૂપે વસ્ત્ર ધારણ કરવાની પ્રથા ચાલી આવે છે. વૈદિક કાળમાં તેને ‘ઉષ્ણીષ’ કહેતા. પ્રાચીન કથાનકોમાં માથે પાંદડાં, કમળ કે તાવડી આકારના ઉષ્ણીષ ધારણ કરેલા સૈનિકોના ઉલ્લેખો મળે છે. મુકુટ કે કિરીટ ઉષ્ણીષનું સંવર્ધિત રૂપ છે. કાલાંતરે ઉષ્ણીષનું પાઘડી વર્ગનાં મસ્તક ઢાંકતાં વસ્ત્રોમાં રૂપાંતર થયું. હડપ્પા સંસ્કૃતિમાં સુતરાઉ કાપડ હતું. તેને રંગકામ, ભરતકામ, જરીકામ વગેરે દ્વારા દેખાવે આકર્ષક બનાવવામાં આવતી.
પાઘડીના બે મુખ્ય પ્રકારો પ્રચલિત બન્યા. સમાજના ઉપલા વર્ગના લોકો વિશિષ્ટ ઘાટમાં સ્થાયી સ્વરૂપે બાંધેલું વસ્ત્ર પહેરતા થયા. તેને માટે ‘પાઘડી’ શબ્દ વપરાયો. તેમાં રેશમ, જરી, રત્ન, પીછાં, કલગી આદિ પ્રયોજાતાં. સાધારણ જનવર્ગમાં સાદા અથવા રંગીન, વળ ચડાવેલા, લાંબા કપડાના જાતજાતના વીંટા પાઘડી, ફેંટો, સાફો, ફાળિયું આદિ નામે પ્રચલિત બન્યા. મોટાભાગની પાઘડીમાં લાલ રંગનું, 22થી 25 સેમી. પહોળું અને વીસેક મી. લાંબું કપડું વપરાતું થયું. શુંગ યુગમાં બે કે ત્રણ આંટાની વૈવિધ્યપૂર્ણ પાઘડીઓ પહેરનારની ઓળખ આપતી. રાજવીવર્ગ, શાસન અધિકારીઓ, પુરોહિતો, પુરુષો, સ્ત્રીઓ એમ દરેક વર્ગનું અભિજ્ઞાન આપે તેવી પાઘડી પહેરાતી.
ગુજરાતનો વર્તમાન સાફો આ પ્રાચીન ઉષ્ણીષમાંથી ઊતરી આવ્યો છે. શુંગ યુગની પાઘડીની બીજી વિશિષ્ટતા તેનું છોગું હતું. વર્તમાન પૂર્વે 2200ની રાજસ્થાનની માટીની પ્રતિમા વાંસે ઝૂલતા બે ચોટલા અને માથે પાઘડીવાળી નારીનો પ્રાચીન કાળનો વેશ દર્શાવે છે. બોધિસત્વ મૈત્રેયની પહેલી સદીની રાતા પાષાણની અભયમુદ્રાધારી મૂર્તિને પાઘડી છે. પાઘડીના વિકાસની કથા આવી સમય સમયની મૂર્તિઓ ઉપરથી જાણવા મળે છે.
સત્તરમી સદીની જહાંગીરી પાઘડીમાં કપાળના ભાગે નાનકડા દડા જેવી રચના કરાતી. રાજપૂતયુગમાં રાજકુળના લોકો ઊંચી અને વેપારી તથા અન્ય સામાન્ય પ્રજા નીચી પાઘડી પહેરતી. જોધપુરી, જયપુરી, મેવાડી, કરૌલી, હાતૌડી, ફતેશાહી, અમરશાહી, ભીમશાહી, શિકત્તરશાહી, ગજશાહી, બુંદી, બીકાનેરી જેવી પાઘડીઓ શૈલીઓ પ્રચારમાં આવી.
મુસલમાનોમાં સુલતાનો પોતાની વિશિષ્ટ પાઘડીનો આગ્રહ રાખતા. તેમાં રેશમ, જરી તથા રત્નોનો ઉપયોગ થતો. નમાજ પઢતી વેળા માથું ઢાંકવું આવશ્યક છે. પંથ અનુસાર મુસલમાની પાઘડીઓમાં પણ વૈવિધ્ય આવ્યું.
મહારાષ્ટ્રમાં છત્રપતિ શિવાજી મહારાજની વિશિષ્ટ પાઘડી ‘જિરેટોપ’ નામે જાણીતી થઈ. પેશવાઈ યુગમાં નવી શૈલીઓ પ્રચલિત બની. શિંદેશાહી, હોળકરી, ગાયકવાડી, દક્ષિણી વગેરે પાઘડીઓનાં નામો ચલણી બન્યાં. બ્રાહ્મણની પાઘડી માથાના પ્રમાણમાં વધારે મોટા ઘેરાવાવાળી હતી. શિરોભાગે મધ્યે ચાંચ જેવી રચના ઉપસાવવામાં આવતી. વિવાહ પ્રસંગે લાલ રંગની રેશમી પાઘડી હમણાં સુધી પહેરવાની પ્રથા હતી.
ગુજરાતમાં પાઘડીની સુંદર પ્રભાવક શૈલીઓ વિકસી. સૂરતી, વડોદરાની બાબાશાહી, ચરોતરી, અમદાવાદી, પટ્ટણી, ઝાલાવાડી, ભાવનગરી, હાલારી, જૂનાગઢી, મોરબીશાહી અને કચ્છી પાઘડીની જુદી જુદી શૈલીઓ વિકાસ પામી. સૌરાષ્ટ્રની ગામેગામની તથા જ્ઞાતિવ્યવસાય પ્રમાણેની પાઘડીઓનું વર્ણન ‘સોરઠ સરવાણી’માં આપેલ છે. પાઘડીમાં રંગને વિશેષ સ્થાન છે. લાલ રંગ સર્વાધિક પ્રિય છે. પણ જ્ઞાતિ તથા વ્યવસાય પ્રમાણે લાલ રંગની અનેક છટાઓ દર્શાવતી પાઘડીઓ તેમના પહેરનાર વિશે ઘણું કહી જાય છે. પાઘડીઓમાં કેસરી, છીંકણી, લીલો, વાદળી અને સફેદ રંગો વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. રાજસ્થાનમાં પીળો રંગ વિશેષ વપરાય છે.
રજવાડાંના સમયમાં પાઘડીનો વિશેષ શિષ્ટાચાર હતો. રાજસભામાં ઉઘાડે માથે જવું અવિવેક ગણાતો. રાજ્યાભિષેક સમયે કુંવરને સાફો બંધાતો. જ્ઞાતિના રિવાજ પ્રમાણે વરરાજા પાઘડી કે કેસરી સાફો પહેરતા. દરબારોની જાનના જાનૈયાઓ પણ સાફો બાંધતા.
પાઘડી સ્વમાનનું પ્રતીક ગણાઈ છે. કાર્ય સિદ્ધ ના થાય ત્યાં સુધી પાઘડી નહિ પહેરવાની પ્રતિજ્ઞા આકરી ગણાતી. અજિતસિંહને સિંહાસને નહિ બેસાડે ત્યાં સુધી પોતે પાઘડી ઉતારશે નહિ એવી પ્રતિજ્ઞા વીર દુર્ગાદાસે લીધેલી. અનુશ્રુતિ પ્રમાણે ગુજરાતી સાહિત્યને આખ્યાનોથી સમૃદ્ધ ના કરું ત્યાં સુધી પાઘડી નહિ પહેરું એવી પ્રતિજ્ઞા કરતા આખ્યાન કવિ પ્રેમાનંદની વાત પણ પ્રચારમાં રહી છે.
લગ્નપ્રસંગે વેવાઈઓમાં પાઘડીની આપલે થાય છે. પિતાના મરણપ્રસંગે જમાઈને પાઘડી બંધાવવાની પ્રથા છે. સમાજમાં પાઘડી કેટલીક વાર મસ્તક સમાન મહત્વની ગણાઈ છે. કેટલાક પ્રસંગે સ્વમાની માણસો પાઘડી સાથે નમન કરતા નથી.
પાઘડી અથવા ફેંટો કે ફાળિયું એક હાથવગું સર્વોપયોગી સાધન રહ્યું છે. પાથરણા તરીકે, ઓશીકા તરીકે, કૂવામાંથી પાણી કાઢવાના દોરડા તરીકે, જરૂર પડ્યે કોઈને બાંધી રાખવાના દોરડા તરીકે, વાગ્યા ઉપર પાટા તરીકે, છત્ર કે ઢાંકણ તરીકે, પડદા કે આડશ તરીકે, ઓઢવાના તરીકે, સંકેતસૂચક ધજા તરીકે, માંદા કે ઘાયલ માટે ઝોળી તરીકે, ઘોડિયું હાથવગું ના હોય ત્યારે બાળક માટે ખોયા તરીકે અને ક્યારેક સંસારથી કંટાળેલા અભાગી જનો માટે મુક્તિના સાધન ફાંસા તરીકે એમ અનેકવિધ ઉપયોગોમાં પાઘડીનું વસ્ત્ર લેવાતું રહ્યું છે.
લોકગીતોમાં પાઘડી ચમક્યા વિના રહે એમ ક્યાંથી બને ? ગૌરી-વ્રતધારી કુમારિકાઓ ગોરમા પાસે પાઘડિયો વર માગે છે. ગરાસિયાની પાઘડીમાં શોભતા ફૂલનું ગીત જાણીતું છે. હાલરડાં તથા જોડકણાંમાં પાઘડી પ્રગટ થાય છે.
કહેવતોમાં પાઘડીના ઉલ્લેખો જોવા મળે છે. ‘પાઘડી ભેંસ ચાવી ગઈ’ – એ કહેવતમાં ઓછી લાંચ સામે વધારે લાંચવાળાનું કામ થઈ ગયું એવો ભાવ છે. પહોળાઈમાં બહુ ઓછા અને લંબાઈમાં વધારે વિસ્તરેલા ગામ કે નગરને ‘પાઘડીપને વિસ્તરેલું’ કહે છે. ‘પાઘડીનો વળ છેડે’ તથા ‘કાઠિયાવાડીની પાઘડીમાં જેટલા આંટા એટલા એના પેટમાં આંટા’ એવી ટીકા પણ અકળાયેલા લોકો કદીક કરતા હોય છે.
આમ પાઘડી સાથે લાંબો ઇતિહાસ જોડાયેલો છે; પણ હવે તે ઠીક ઠીક પ્રમાણમાં અદૃશ્ય થઈ છે અને કેટલીક વાર તેને જોવા માટે સંગ્રહાલયોના ખૂણા ફંફોસવાનો સમય પણ આવી લાગ્યો છે.
બંસીધર શુક્લ