પાકિસ્તાન

એશિયા ખંડમાં ભારતની પશ્ચિમે આવેલો દેશ. સત્તાવાર નામ : પાકિસ્તાનનું ઇસ્લામી પ્રજાસત્તાક. દુનિયાનાં ઇસ્લામિક રાષ્ટ્રોમાં તેનું સ્થાન આગવું છે. સ્વતંત્રતા પછીનાં 50 વર્ષના તેના ઇતિહાસમાં ત્યાંના નાગરિકોએ લોકશાહી અને પ્રમુખશાહી બંનેનો અનુભવ કર્યો છે.

સ્થાન-સીમા-વિસ્તાર : પાકિસ્તાન 23o 36′ ઉ. અ.થી 36o 52′ ઉ. અ. અને 60o 52′ પૂ. રે.થી 76o 00′ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. તેની પશ્ચિમે ઈરાન, વાયવ્યમાં અફઘાનિસ્તાન, ઉત્તરમાં રશિયા, ઈશાને ચીન, પૂર્વ અને અગ્નિ દિશામાં ભારત તથા દક્ષિણે અરબી સમુદ્રની સીમાઓ આવેલી છે. ભારત-પાકિસ્તાન સીમાની લંબાઈ આશરે 15,200 કિમી. છે. ભૂમિમાર્ગે તે ઈરાન, અફઘાનિસ્તાન, રશિયા, ચીન અને ભારત સાથે જોડાયેલું છે. દુનિયાના જળમાર્ગો અને હવાઈ માર્ગો આ દેશ પાસેથી પસાર થતા હોવાથી તેનું સ્થાન ભૌગોલિક દૃષ્ટિએ અતિ મહત્વનું ગણાય છે. પાકિસ્તાનનું કુલ ક્ષેત્રફળ 7,96,095 ચોકિમી. છે. દેશનું ઉત્તર-દક્ષિણ મહત્તમ અંતર 1,505 કિમી. અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ અંતર 1,287 કિમી. છે. દેશને 814 કિમી. લંબાઈનો દરિયાકિનારો મળેલો છે. અહીં ગ્વાદર અને સોનમિયાણીના બે અખાત આવેલા છે.

ભૂસ્તરીય રચના : ભૂસ્તરીય દૃષ્ટિએ ભારત-પાકિસ્તાનની ભૂમિ સંયુક્ત એકમ ગણાય છે. ઊર્ધ્વ કાર્બોનિફેરસ (વર્તમાન પૂર્વે આશરે 25 કરોડ વર્ષ) કાળથી આજ સુધી એક ઉપખંડીય વિશિષ્ટ એકમ તરીકે તેનો આગવો ભૂસ્તરીય વિકાસ થયો છે. મધ્ય કાર્બોનિફેરસ પછીનો અમુક સમયગાળો આ ઉપખંડના બાહ્ય દ્વીપકલ્પીય ભાગો માટે મોટા પાયા પરની ભૂસંચલન ઘટના-હર્સિનિયન ગિરિનિર્માણ-નો કાળ હતો. એ વખતે દક્ષિણ ગોળાર્ધના વિશાળ ગોંડવાના ખંડને ઉત્તર ગોળાર્ધના યુરેશિયા ખંડથી જુદો પાડતો ટેથીઝ નામનો ભૂમધ્ય સમુદ્ર અહીં અસ્તિત્વ ધરાવતો હતો. આ સમુદ્રે મધ્ય જીવયુગ દરમિયાન આ વિસ્તારના ભૂસ્તરીય ઇતિહાસના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવેલો. આ ઉપખંડના એક ભાગ રૂપે પાકિસ્તાનની ભૂસ્તરીય રચના નીચેની બાબતો પરથી સ્પષ્ટ બને છે : (1) ટેથીઝ સમુદ્રનો એક ફાંટો આજની સૉલ્ટ હારમાળા તરફ લંબાયેલો, જે લગભગ ઇયોસીન કાળના અંત સુધી રહેલો. પરિણામે ગિરિજન્ય ઘટનાઓનાં ઘણાં ઉદાહરણો અહીંની સૉલ્ટ હારમાળામાં સંગ્રહાયેલાં જોવા મળે છે, જે ત્યારના ભૂસ્તરીય ઇતિહાસને રજૂ કરે છે. (2) ભૂસ્તરીય ઇતિહાસના કૅમ્બ્રિયનથી ઇયોસીન સુધીના સમગ્ર કાળ(વર્તમાન પૂ. 60 કરોડ વર્ષથી 5 કરોડ વર્ષ)ને સમાવી લેતો ભૂસ્તરીય સંગ્રહનો સંપૂર્ણ વિકાસ હિમાલયની જેમ અહીંની પર્વતમાળાઓમાં પણ સમાયેલો છે. પ્રથમ જીવયુગ તથા મધ્ય જીવયુગના ખડકસ્તરો અહીંના વાયવ્ય વિભાગમાં, જ્યારે તૃતીય જીવયુગના ખડકસ્તરો જમ્મુ નજીકની ટેકરીઓમાં જોવા મળે છે. (3) વિપુલ જીવાવશેષયુક્ત દરિયાઈ ક્રિટેસિયસ અને ટર્શિયરી ખડકસંગ્રહ સિંધમાં જોવા મળે છે. (4) થરના રણમાં પ્લાયસ્ટોસીન (વ. પૂ. આશરે 20 લાખ વર્ષથી 10,000 વર્ષ વચ્ચેનો કાળ) સમયગાળામાં જામેલા રેતીજથ્થા હેઠળ દરિયાઈ મધ્ય જીવયુગી સ્તરો જળવાયેલા છે. (5) દક્ષિણ તરફ મકરાન કિનારા પર મધ્ય જીવયુગના, તૃતીય જીવયુગના અને ચતુર્થ જીવયુગના દરિયાઈ નિક્ષેપોની પટ્ટી આવેલી છે, જે અહીંના કિનારા પર થયેલા દરિયાઈ અતિક્રમણ(marine transgression)નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

પાકિસ્તાન

પાકિસ્તાનની ભૂપૃષ્ઠરચનામાં ફેરફારો લાવી મૂકવામાં ઉપખંડના ઇતિહાસમાં નોંધાયેલા મોટા ભૂકંપો(કચ્છનો ભૂકંપ, કાશ્મીરનો ભૂકંપ, બલૂચિસ્તાનનો ભૂકંપ તથા મકરાનનો ભૂકંપ)એ મહત્વનો ભાગ ભજવેલો છે.

પ્રાકૃતિક રચના : પાકિસ્તાનની ઉત્તરે અને પશ્ચિમે હિંદુકુશ તથા મધ્યભાગમાં સુલેમાન પર્વતમાળાઓ વિસ્તરેલી છે. તેમની સરેરાશ ઊંચાઈ 2,000 મીટર છે. ઉત્તર વિભાગમાં સિંધુ અને જેલમ નદીઓ વચ્ચે પોટવારનો આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ અને નૈર્ઋત્યમાં બલૂચિસ્તાનનો ઉચ્ચપ્રદેશ આવેલા છે. અહીં આવેલું કોહિમારાન શિખર 3,277 મીટર ઊંચાઈવાળું છે. પૂર્વ અને દક્ષિણમાં વહેતી સિંધુ અને તેને મળતી શાખાનદીઓએ સપાટ મેદાનો રચ્યાં છે. આ મેદાનોથી અગ્નિ દિશામાં થરપારકરનું રણ આવેલું છે. આમ પાકિસ્તાનનું ભૂપૃષ્ઠ હિમાચ્છાદિત પર્વતો, ઉચ્ચપ્રદેશો, ફળદ્રૂપ મેદાનો તથા રેતાળ રણપ્રદેશથી બનેલું છે. આ હકીકતોના સંદર્ભમાં પાકિસ્તાનને નીચે મુજબના વિશિષ્ટ પ્રાકૃતિક વિભાગોમાં વહેંચી શકાય : (1) ઉત્તરનો હિમાલય-પર્વત પ્રદેશ, (2) પોટવારનો ઉચ્ચપ્રદેશ, (3) બલૂચિસ્તાનનો ઉચ્ચપ્રદેશ, (4) પશ્ચિમનો સરહદીય પર્વતપ્રદેશ, (5) સિંધુનાં મેદાનો, (6) રણપ્રદેશ.

પાકિસ્તાનની સમગ્ર ઉત્તર સરહદ હિમાલય પર્વતમાળાની આશરે 320 કિમી. લંબાઈવાળી પશ્ચિમ શાખાથી બનેલી છે. આ પર્વતો દુનિયાના સૌથી નવા (ફક્ત 10 લાખ વર્ષ જૂના) ગેડપર્વતોથી બનેલા છે. અહીં ચાર શિખરો 8,000 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે, તે પૈકી વધુ જાણીતાં K 2 અથવા ગૉડવિન ઑસ્ટિન (8,611 મીટર) અને નંગા (8,126 મીટર) શિખરો ભારતનાં હોવા છતાં તે ભારતની સરહદમાં ગણાતાં નથી, કારણ કે તે પ્રદેશ પાકિસ્તાન હસ્તક છે. 5,000 મીટર જેટલી ઊંચાઈ ધરાવતાં અન્ય શિખરો પણ છે. છેક ઉત્તરે આવેલી કારાકોરમ હારમાળાની બીજી બાજુએ ચીનની સરહદ છે. હિંદુકુશ પર્વતમાળા પાસે પાકિસ્તાન-રશિયાને જુદી પાડતી અફઘાનિસ્તાનની સાંકડી ભૂમિપટ્ટી આવેલી છે. દક્ષિણ તરફથી આવતા મોસમી પવનોને આ પર્વતમાળા અવરોધે છે, જેથી પાકિસ્તાનને વરસાદનો લાભ મળી રહે છે.

400થી 600 મીટરની ઊંચાઈ ધરાવતો તથા આશરે 1,300 ચોકિમી. ક્ષેત્રફળવાળો પોટવારનો ઉચ્ચપ્રદેશ પાકિસ્તાનના ઉત્તર ભાગમાં આવેલો છે. તે ઉત્તરમાં હિમાલયના પર્વતોથી અને દક્ષિણમાં સૉલ્ટ હારમાળાથી ઘેરાયેલો હોવાથી આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશનું ઉદાહરણ પૂરું પાડે છે. અહીં 100થી 500 મિમી. જેટલો વરસાદ પડતો હોવાથી ખડકોનું ધોવાણ વધુ થાય છે, જેને કારણે કોતરોની રચના થયેલી છે. ચૂનાખડકોના અનિયમિત ધોવાણથી અહીંના ભાગોમાં કાર્સ્ટ ભૂમિદૃશ્ય જોવા મળે છે. પોટવારના ઉચ્ચપ્રદેશની દક્ષિણે સરેરાશ 700 મીટર ઊંચાઈવાળી સૉલ્ટ હારમાળા પૂર્વ-પશ્ચિમ વિસ્તરેલી છે. આ હારમાળાનું સર્વોચ્ચ શિખર સાકેસર 1,664 મીટરની ઊંચાઈ ધરાવે છે.

ઈશાન-નૈર્ઋત્યે વિસ્તરેલો અને પર્વતમાળાથી ઘેરાયેલો બલૂચિસ્તાનનો ઉચ્ચપ્રદેશ સ્થાનભેદે સરેરાશ 600થી 1,200 મીટરની ઊંચાઈ ધરાવે છે. આ વિસ્તાર સુલેમાન-કિરથાર હારમાળા તેમ જ સિંધુનાં મેદાનોથી અલગ પડી જાય છે. આ પ્રદેશમાં ભેજવાળા મોસમી પવનો નહિવત્ વરસાદ આપે છે. પાણી અને ઘાસની શોધમાં અહીંની પ્રજા વિચરતી રહે છે. આ પ્રદેશમાં ‘કારેઝ’ પદ્ધતિથી સિંચાઈની સગવડ ઊભી કરવામાં આવેલી છે. આ વિસ્તારની પૂર્વમાં સુલેમાન પર્વતશ્રેણી અને વાયવ્યમાં ઈરાનની ટોબાકાકરની પર્વતશ્રેણી આવેલી છે. સુલેમાન પર્વતશ્રેણીનું 3,441 મીટરની ઊંચાઈ ધરાવતું કેસરગર શિખર જાણીતું છે. વાયવ્ય તરફ ક્વેટાના ઉચ્ચપ્રદેશમાં, ઝીઆરત નજીક 3,485 મીટર ઊંચાઈવાળું શિખર આવેલું છે. અહીં બોલન અને ખોજાક નામના બે મહત્વના ઘાટ પણ છે. બલૂચિસ્તાનની વાયવ્યમાં લોરા તથા માશ્કેલના પંકપ્રદેશો આવેલા છે. અહીંથી પશ્ચિમ તરફ ઈરાનના ઉચ્ચપ્રદેશો અને દક્ષિણ તરફ અરબી સમુદ્ર વિસ્તરેલા છે.

પશ્ચિમનો સરહદીય પહાડી પ્રદેશ અહીંથી હિંદુકુશ તરફ ફેલાયેલો છે. તે મોસમી પવનોના માર્ગમાં અવરોધરૂપ ન હોવાથી ત્યાં વરસાદનું પ્રમાણ તદ્દન અલ્પ રહે છે. હિંદુકુશ પર્વતશ્રેણીનું સર્વોચ્ચ શિખર ટીરીચ મીર 7,690 મીટર ઊંચાઈવાળું છે. તે હિમાચ્છાદિત રહે છે, મોટી હિમનદીઓ પણ ધરાવે છે. હિંદુકુશથી કાબુલ નદી તરફ પર્વતશ્રેણીઓ આવેલી છે. તેની દક્ષિણે તથા અફઘાનિસ્તાનની સરહદે પેશાવર નજીક પ્રસિદ્ધ ખૈબરઘાટ આવેલો છે. અહીંથી વધુ દક્ષિણે સુલેમાન પર્વતશ્રેણી વિસ્તરેલી છે. પેશાવર નજીક પેશાવરની ફળદ્રૂપ ગણાતી ખીણ આવેલી છે.

સિંધુ નદીએ રચેલાં મેદાનો આશરે 5,18,000 ચોકિમી. જેટલો વિશાળ વિસ્તાર આવરી લે છે. આ મેદાનો પાકિસ્તાનનો સૌથી વધુ સમૃદ્ધ ખેતીયોગ્ય પ્રદેશ ગણાય છે. ઈશાનમાંથી આવતી પાંચ નદીઓ જેલમ, ચિનાબ, રાવી, બિયાસ અને સતલજ પંજાબમાંથી પસાર થાય છે અને મીઠાનકોટ નજીક સિંધુ નદીને મળે છે. બે નદીઓ વચ્ચે રચાતો ફળદ્રૂપ ભૂમિપ્રદેશ અહીં ‘દોઆબ’ તરીકે ઓળખાય છે; દા. ત., સિંધ-સાગર – દોઆબ, બરી-દોઆબ, રેચના-દોઆબ. અહીં સિંધુ ખીણની પશ્ચિમે કિરથાર પર્વતમાળા આવેલી છે. સિંધુના મેદાનની દક્ષિણે આવેલો બધો વિસ્તાર ‘સિંધ’ તરીકે જાણીતો બનેલો છે. સિંધુ નદી વધુ પ્રમાણમાં નિક્ષેપસંચય કરતી હોવાથી તે અવારનવાર વહનમાર્ગ બદલે છે. આ પ્રદેશમાં આવેલું ‘મંચાર’ સરોવર દક્ષિણ એશિયાનાં મોટાં સરોવરોમાંનું એક ગણાય છે. વર્ષાઋતુમાં તેનો વિસ્તાર 320 ચોકિમી. જેટલો થઈ જાય છે. સિંધ પ્રાંતના વધુ દક્ષિણ ભાગમાં ભૂગર્ભજળ ખારું બની ગયેલું છે. સિંધુ નદીએ લાવેલા કાંપને કારણે અહીંનો પ્રદેશ ફળદ્રૂપ બનેલો છે. આથી કહેવાય છે કે ‘સિંધ સિંધુ નદીની ભેટ છે.’ આ પ્રદેશમાં પડતા 100થી 250 મિમી. જેટલા ઓછા વરસાદને કારણે અહીં સિંચાઈ અનિવાર્ય બની રહી છે. અહીં અનેક નહેરો બાંધવામાં આવેલી હોવાથી તે ‘નહેરોના પ્રદેશ’ તરીકે પણ ઓળખાય છે.

પ્રાકૃતિક રીતે પર્વતો અને ખડકોની આડશથી જેમાં પાણી ભરાયેલું રહે છે તે, સિંધુ નદી પરનો વિશ્વનો સૌથી મોટો મનાતો તારબેલા બંધ

પાકિસ્તાનના રણવિસ્તારોમાં ભાવલપુર પાસેનું ચોલીસ્તાન નારા, સિંધ પ્રાંતના ખારીપુર પાસેનું રણ અને થરપારકરના રણનો સમાવેશ થાય છે. રણવિસ્તાર અત્યંત શુષ્ક આબોહવાવાળો અને માનવપ્રવૃત્તિ-વિહીન હોવાથી વસ્તીનું પ્રમાણ તદ્દન ઓછું છે. સમુદ્રકિનારાથી દૂર રાજસ્થાન સરહદ પર રેતીના ઢૂવા જોવા મળે છે. આ વિસ્તાર ‘અચરોથાર’ તરીકે ઓળખાય છે.

જળપરિવાહ : બલૂચિસ્તાનના ઉચ્ચપ્રદેશની ઈશાન દિશાએ ઝોબ  નદી આવેલી છે, તે ટોબા કાકરની પર્વતશ્રેણીમાંથી નીકળે છે. અગ્નિ દિશા તરફ નારી અને બોલાન નદીઓ વહે છે. પશ્ચિમે માશ્કેલ, રખશાન, નિહિંગ અને દસ્ત નદીઓ આવેલી છે. નૈર્ઋત્યમાં હિંગોલ, પોરાલી અને હાબ નદીઓ મુખ્ય છે, તે અરબી સમુદ્રને મળે છે. વાયવ્યમાંથી વહેતી કાબુલ નદી નૌશેરા પાસે સિંધુને મળે છે.

સિંધુ નદીની પૂર્વ તરફ પાંચ નદીઓનો પ્રદેશ પંજાબ આવેલો છે. હિમાલયના વિવિધ ભાગોમાંથી નીકળતી, મીઠાનકોટ નજીક સિંધુ નદીને મળતી જેલમ, બિયાસ, ચિનાબ, રાવી અને સતલજ અહીંની મુખ્ય નદીઓ છે. જેલમ, બિયાસ અને ચિનાબ ‘પીર પંજાલ’ પર્વતોમાંથી, રાવી શિવાલિકની ટેકરીઓમાંથી તથા સતલજ કૈલાસ-માનસરોવર વિભાગમાંથી નીકળે છે.

સિંધુ નદીનું મૂળ ચીન હસ્તક તિબેટના કૈલાસ-માનસરોવર વિસ્તારમાં આવેલું છે. પાકિસ્તાનમાં તેનો મોટાભાગનો વહનમાર્ગ ઉત્તરથી દક્ષિણતરફી છે, તે પાકિસ્તાનના 200 કિમી. લંબાઈના મધ્ય ભાગમાંથી પસાર થાય છે. આ ઉપરાંત સિંધુ નદીને અનેક નાની નદીઓ પણ મળે છે.

આબોહવા : પાકિસ્તાનનું સ્થાન કર્કવૃત્તથી ઉત્તર તરફ આવેલું છે. તેનો મોટો ભાગ ભૂમિપ્રદેશોથી ઘેરાયેલો હોવાથી આબોહવા ખંડસ્થ પ્રકારની છે; પરંતુ કર્કવૃત્ત નજીકનાં ભાગમાં નરમ પ્રકારની અયનવૃત્તીય મોસમી આબોહવા પ્રવર્તે છે. વધુ ઊંચાઈ ધરાવતા ઉત્તરના પર્વતીય પ્રદેશો હિમાચ્છાદિત રહેતા હોવાથી ત્યાં તાપમાન ઠારબિંદુથી પણ નીચું ચાલ્યું જાય છે. આથી ઊલટું, બલૂચિસ્તાનના ઉચ્ચપ્રદેશોમાં તેમજ સિંધમાં વધુ ઊંચું તાપમાન રહે છે. માત્ર સમુદ્રકિનારે વાતી દરિયાઈ લહેરોને કારણે હવામાન સમધાત રહે છે. આમ પાકિસ્તાનની આબોહવા પ્રદેશભેદે વિષમ રહે છે. શિયાળાનું સરેરાશ તાપમાન 40 સે., જ્યારે ઉનાળાનું સરેરાશ તાપમાન 380 સે. રહે છે. વરસાદ મુખ્યત્વે ઉનાળામાં પડે છે.

લશ્કરી મસ્જિદ, કરાંચી

શિયાળો : નવેમ્બર પછીનો ડિસેમ્બરથી માર્ચ સુધીનો સમયગાળો નીચા તાપમાનની ઋતુ ગણાય છે. વધુ ઊંચાઈ ધરાવતા ઉત્તરના પહાડી પ્રદેશો શિયાળા દરમિયાન હિમાચ્છાદિત રહે છે, જ્યારે તેનાથી ઓછી ઊંચાઈવાળા નજીકનાં પેશાવરમાં 10o સે., ત્યાંથી દક્ષિણે લાહોરમાં 13o સે., જ્યારે પશ્ચિમે બલૂચિસ્તાનમાં 24o સે. તાપમાન રહે છે. પાકિસ્તાનમાં સામાન્ય રીતે રાત્રિઓ ઠંડી અને દિવસો ગરમ હોય છે. ભૂમધ્ય સમુદ્ર પરથી ઉદભવતા ચક્રવાત થોડોઘણો વરસાદ આપી જાય છે, જે ખેતી માટે ઉપયોગી બની રહે છે. રણ નજીકનાં સિંધ પ્રદેશમાં શિયાળાની ઋતુમાં તાપમાન સરેરાશ કરતાં નીચું અનુભવાય છે.

ઉનાળો : સમગ્ર દેશમાં માર્ચથી મે દરમિયાન તાપમાનમાં ક્રમશ: વધારો થતો જાય છે. દિવસે સૂકા-ગરમ પવનો ફૂંકાય છે, તેની સાથે કેટલીક વાર આંધી, વંટોળ અને ધૂળની ડમરીઓ પણ ઉદભવે છે. સરેરાશ તાપમાન 38o સે. રહે છે, ક્યારેક તે વધીને 48o સે. પણ થઈ જાય છે. દૈનિક તાપમાનનો ગાળો 11o સે.થી 17o સે. વચ્ચેનો રહે છે. સિંધનો પ્રદેશ 46o સે.થી વધુ તાપમાનવાળો, જ્યારે પંજાબ પ્રદેશ 34o સે.થી 36o સે. તાપમાનવાળો રહે છે. માત્ર ઊંચાઈએ આવેલાં હવા ખાવાનાં સ્થળોમાં તાપમાન નીચું રહે છે. પેશાવરમાં 23o સે., મરીમાં 27o સે., લાહોરમાં 34o સે. અને સીબીના રણમાં 50o સે. તાપમાન અનુભવાય છે. દુનિયાભરમાં સૌથી ઊંચું તાપમાન જેકોબાબાદ ખાતે દિવસે 50o સે. અને રાત્રે 29o સે. જેટલું રહે છે.

ચોમાસું : પાકિસ્તાનમાં ચોમાસાની ઋતુ જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાનની રહે છે. મોટેભાગે ઊંચા તાપમાનને કારણે હલકા દબાણનાં કેન્દ્રો ઉત્પન્ન થાય છે; પરિણામે સમુદ્ર તરફથી હવા હલકા દબાણનાં કેન્દ્રો તરફ પવન રૂપે ગતિ કરે છે, પરંતુ આ મોસમી પવનો સૂકા બની જતા હોવાથી વરસાદ આપતા નથી. જોકે હિમાલયના પર્વતીય ઢોળાવો પર 900 મિમી. જેટલો વરસાદ પડે છે. પાકિસ્તાનના અન્ય પ્રદેશોમાં પણ વરસાદ અલ્પ પ્રમાણમાં પડે છે.

પાકિસ્તાનની નૈર્ઋત્યમાં આવેલા બલૂચિસ્તાનનો મોટાભાગનો વિસ્તાર પવનોના માર્ગમાં આવતો ન હોવાથી 100થી 200 મિમી. જેટલો જ વરસાદ મેળવે છે. કિનારાના પર્વતીય વિસ્તારમાં આશરે 150થી 400 મિમી. વરસાદ પડે છે. પંજાબના વિસ્તારમાં વરસાદ ખૂબ જ ઓછો પડે છે. વાયવ્યના સરહદી પ્રદેશમાં સરેરાશ વરસાદ 630 મિમી. જેટલો તથા લઘુ હિમાલયના વિસ્તારની ઉત્તરે સિયાલકોટમાં 800 મિમી. જેટલો પડે છે. સિંધ પ્રદેશમાં વાર્ષિક વરસાદનું પ્રમાણ 180 મિમી. જેટલું રહે છે. એકંદરે પાકિસ્તાનમાં વરસાદ અનિયમિત, અચોક્કસ અને અસમાન પડતો હોવાથી ખેતી માટે મુખ્યત્વે સિંચાઈ પર આધાર રાખવો પડે છે.

સારણી 1 : પ્રદેશભેદે તાપમાન-વરસાદનું પ્રમાણ

સ્થાન તાપમાન (સે.) વરસાદ (મિમી.)
જુલાઈ જાન્યુઆરી
ઇસ્લામાબાદ 32.2o 10o 900
લાહોર 31.7o 11.7o 452
ક્વેટા 26.7o 3.3o 239
કરાંચી 30o 16.1o 196
મુલતાન 33.9o 10.6o 170

ઋતુપરિવર્તનનો ગાળો : ઑક્ટોબર-નવેમ્બર દરમિયાન પવનોની પાછા ફરવાની ઋતુ શરૂ થાય છે. આ સમયગાળામાં આકાશ સ્વચ્છ બને છે અને તાપમાનમાં ક્રમિક ફેરફાર થતો જાય છે. હવામાં ભેજ વધે છે ત્યારે મચ્છરોનો ત્રાસ પણ વધે છે, આબોહવા રોગિષ્ટ બને છે અને મલેરિયાનો ઉપદ્રવ વધે છે.

કુદરતી વનસ્પતિ અને પ્રાણીજીવન : પાકિસ્તાનમાં કુલ ભૂમિના માત્ર 3.8 % વિસ્તારમાં (મુખ્યત્વે પહાડી ઢોળાવો પર) જંગલો આવેલાં છે; જ્યારે કેટલાક અન્ય ભૂમિભાગોમાં ઘાસનાં બીડો જોવા મળે છે. તળેટીના વિસ્તારો પણ ઘાસના પ્રદેશોથી છવાયેલા છે. પંજાબ પ્રદેશમાં ઘાસનું પ્રમાણ અધિક છે. કાલાટ, ક્વેટા અને ઝીઆરતના ઉચ્ચપ્રદેશોમાં પિસ્તા, ઑલિવ, ઍશ, પાઇન, પૉપ્લર અને વિલોનાં વૃક્ષો તથા ખીણ-વિભાગોમાં ફળોનાં વૃક્ષો આવેલાં છે. વાયવ્ય સરહદી વિસ્તારના પર્વતીય ઢોળાવો પાઇન અને ઓકનાં વૃક્ષોથી છવાયેલા રહે છે. સિંધમાં જ્યાં સિંચાઈની સગવડ છે ત્યાં જ વનસ્પતિ જોવા મળે છે. સમગ્ર પાકિસ્તાનમાં સ્થાનિક વૃક્ષો ઉપરાંત લીમડો, પીપળો, આંબો, બોરડી તેમજ કેટલાંક ફળોનાં વૃક્ષો આવેલાં છે, જ્યારે રણપ્રદેશોમાં કાંટાળી વનસ્પતિ વધુ જોવા મળે છે. પાકિસ્તાનના વિવિધ કુદરતી પ્રદેશોમાં મળતી આ વનસ્પતિની વિવિધતા સાથે જુદું જુદું પ્રાણીજીવન પણ નજરે પડે છે. ઉત્તરના પહાડી વિસ્તારોમાં કાળાં હિમાલયી રીંછ, કથ્થાઈ રીંછ, ચિત્તા, સાઇબીરિયન આઇબેક્સ અને જંગલી ઘેટાંબકરાંની વિવિધ જાતો વસે છે. પંજાબ અને સિંધમાં હરણ, શિયાળ, જરખ અને જળબિલાડી મુખ્ય પ્રાણીઓ છે. સમગ્ર દેશમાં વિવિધ પ્રકારના સાપ તથા વીંછી જોવા મળે છે. સિંધનાં નદીનાળાંમાં તથા નહેરોના પંકવિસ્તારોમાં મગરનું પ્રમાણ વિશેષ છે. સ્થાનિક અને વિદેશી પક્ષીઓ પણ નજરે પડે છે.

જમીનો : પાકિસ્તાનમાં પ્રદેશભેદે વિવિધ પ્રકારની જમીનો છે. સિંધુના મેદાની પ્રદેશોમાં જૂના અને નવા કાંપની જમીનો, બલૂચિસ્તાનમાં લોએસ, સિંધના રણવિસ્તારમાં ક્ષારીય અને રેતાળ જમીનો, ઈશાની સરહદી ભાગોમાં નાઇસ અને ગ્રૅનાઇટ ખડકનિર્મિત જમીનો જોવા મળે છે. પંજાબ-વિસ્તારમાં આવેલી ફળદ્રૂપ જમીનો નદીઓએ લાવેલા રસાળ કાંપથી બનેલી છે.

ખેતી : પાકિસ્તાનમાં ખેતીનો વિકાસ જમીનો પર આધારિત છે. અહીં લેવાતા જુદા જુદા ધાન્યપાકો પૈકી ઘઉંનું વાવેતર અને ઉત્પાદન પ્રથમ ક્રમે આવે છે. વાયવ્યના સરહદી પર્વતીય ક્ષેત્રને બાદ કરતાં દેશના બધા જ પ્રદેશોમાં વધતા-ઓછા પ્રમાણમાં ઘઉંની ખેતી થાય છે. પંજાબ અને દક્ષિણ સિંધના પ્રદેશો, ખાસ કરીને હૈદરાબાદ વિસ્તાર પાકિસ્તાન માટે ‘ઘઉંનો કોઠાર’ ગણાય છે, જેને માટે નહેરોની સિંચાઈની સગવડ વધુ કારણભૂત છે. સિયાલકોટ, અટક અને મુઝફ્ફરગઢ જિલ્લાની 50 % ભૂમિ પર ઘઉંનું વાવેતર થાય છે. દેશની આશરે 75 લાખ હેક્ટર ભૂમિમાં ઘઉંનો પાક લેવાય છે અને દર વર્ષે 100 લાખ મે.ટન જેટલા ઘઉંનું ઉત્પાદન મેળવાય છે. મકાઈની ખેતી મુખ્યત્વે વાયવ્યના પહાડી વિસ્તારોમાં અધિક થાય છે. પંજાબ અને સિંધના શુષ્ક ગણાતા, ઓછા વરસાદવાળા પ્રદેશોમાં પણ તેનું વાવેતર થાય છે. સિંચાઈની સુવિધાને કારણે સિંધમાં તેનો વાવેતર-વિસ્તાર વધ્યો છે. દેશની આશરે 18 લાખ હેક્ટર ભૂમિમાં 9 લાખ મે.ટન જેટલું મકાઈનું ઉત્પાદન લેવાય છે. પંજાબ, સિંધ અને વાયવ્યના સરહદી પ્રાંતમાં આશરે 12 લાખ હેક્ટર ભૂમિમાં, 3 લાખ મે.ટન જેટલું ચણાનું ઉત્પાદન લેવાય છે. આ ઉપરાંત સારા પ્રમાણમાં ડાંગર, બાજરી અને જવની પણ ખેતી થાય છે.

રોકડિયા પાકોમાં અનુક્રમે કપાસ, શેરડી, તમાકુ અને ફળફળાદિની ખેતી થાય છે. પંજાબ અને સિંધ કપાસની ખેતી માટેના મુખ્ય પ્રદેશો છે; તેનું 70 % જેટલું ઉત્પાદન આ બે પ્રદેશોમાંથી મેળવાય છે. પાકિસ્તાનનો કપાસ હેઠળનો વાવેતર-વિસ્તાર લગભગ 21 લાખ હેક્ટર છે, જેમાંથી 728 હજાર મે.ટન જેટલું ઉત્પાદન મળે છે. અહીંની સૂકી આબોહવાને કારણે કપાસને હિમથી નુકસાન થતું નથી. પંજાબ અને વાયવ્યના સરહદી વિસ્તારમાં આશરે 7 લાખ હેક્ટર જમીનમાં 270 હજાર મે. ટન જેટલી શેરડીનું ઉત્પાદન લેવાય છે. આ જ પ્રદેશોમાંથી 45 હજાર હેક્ટર જમીનમાં 65 હજાર મે.ટન જેટલી તમાકુનું ઉત્પાદન મળી રહે છે. તમાકુના ઉત્પાદનમાં વધારો થાય તે માટે સરકાર અને ખેડૂતો વધુ રસ લે છે. પાકિસ્તાનમાં ફળફળાદિની ખેતી માટે ફળદ્રૂપ જમીનો અને ભૂમધ્ય પ્રકારની આબોહવાની અસર જવાબદાર ગણાય છે. રાવલપિંડી અને અટકના પ્રદેશો ફળોની ખેતી માટે જાણીતા છે. મરીની ટેકરીઓ ‘ફળોના બગીચા’ તરીકે ઓળખાય છે. અહીં સંતરાં, લીંબુ, મોસંબી, કેરી, સફરજન, બદામ અને ઑલિવની ખેતી વધુ થાય છે. વાયવ્યના સરહદી પ્રાંતમાં આલુ, અખરોટ, પીચ અને ચેરીનું તથા સિંધના રણપ્રદેશમાં ખજૂરનું ઉત્પાદન લેવાય છે. આ ઉપરાંત પાકિસ્તાનમાં તેલીબિયાં, કઠોળ અને શાકભાજીની ખેતી પણ વિશેષ જોવા મળે છે. પાકિસ્તાન ઘઉં, ચોખા અને ખાંડમાં સ્વાવલંબી બની રહ્યું છે.

સિંચાઈ : પાકિસ્તાન મોસમી પ્રકારની આબોહવા પણ ધરાવતું હોવાથી વરસાદ અનિયમિત-અચોક્કસ હોય છે; વળી તેનું વિતરણ પણ અસમાન રહે છે. ખેતી દેશના અર્થતંત્રનો મુખ્ય આધાર હોવાથી સિંચાઈનો વિકાસ ખૂબ જ આવશ્યક છે. દેશની 38 % ભૂમિ પર સિંચાઈ થાય છે. પંજાબ-ક્ષેત્રમાં સિંચાઈની સુવિધા મળી રહે તે માટે નહેરોની જાળ પથરાયેલી છે. પંજાબની નદીઓ અને શાખાનદીઓ આ માટે ઉપયોગી બની રહી છે. સિંધ પ્રાતમાં સિંધુ નદીના પાણીનો ઉપયોગ સિંચાઈ માટે થતો હોવાથી તે સમૃદ્ધ ખેતીયોગ્ય પ્રદેશ બની રહ્યો છે.

ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે બ્રિટિશ સરકારે નદીઓના પાણીના ઉપયોગ માટે કરાર કરેલા તે મુજબ રાવી, બિયાસ અને સતલજ નદીઓનાં પાણીનો ઉપયોગ ભારત કરે, જ્યારે સિંધુ, જેલમ અને ચિનાબ નદીઓનાં પાણીનો ઉપયોગ પાકિસ્તાન કરે એવું નક્કી થયેલું છે. આ રીતે પાકિસ્તાન સિંધુ અને તેની શાખાનદીઓમાંથી સિંચાઈ માટે પાણી મેળવે છે. અહીંની મુખ્ય નહેરો આ પ્રમાણે છે : (1) નીચલી ચિનાબ નહેર, (2) ઉપલી ચિનાબ નહેર, (3) નીચલી જેલમ નહેર, (4) ઉપલી જેલમ નહેર, (5) ઉપલી દોઆબ નહેર. પાકિસ્તાનમાં મહત્વની યોજનાઓ આ પ્રમાણે છે : (1) સક્કર બૅરેજ, (2) થાલ યોજના, (3) વારસાક બહુહેતુક યોજના, (4) ટાઉન્સા બહુહેતુક યોજના, (5) ટારબેલા યોજના, (6) મંગલા યોજના. આ ઉપરાંત પાકિસ્તાનના કેટલાક ભાગોમાં કૂવાઓ દ્વારા તેમજ બલૂચિસ્તાનમાં ‘કારેઝ’ પદ્ધતિ દ્વારા પણ સિંચાઈ થાય છે.

પશુપાલન : પાકિસ્તાનનું ભૂપૃષ્ઠ અને આબોહવા પશુપાલનના વિકાસ માટે વધુ અનુકૂળ છે. દેશના પૂર્વ ભાગોમાં વિશાળ ચરાણ-વિસ્તારો આવેલા હોવાથી પશુઉછેર પર વધુ ધ્યાન અપાય છે. પશ્ચિમ અને દક્ષિણના પ્રદેશોમાં ચરાણ-વિસ્તારો ઘણા ઓછા છે. દેશમાં ગાય, ભેંસ, ઘેટાં, બકરાં, ઘોડાં, ગધેડાં, ખચ્ચર અને ઊંટનો ઉછેર કરવામાં આવે છે. આથી દૂધ, ઊન, માંસ, ઈંડાં, કાચું ચામડું અને ખાલ મેળવાય છે. કરાંચી અને લાહોરમાં ડેરી-ઉદ્યોગ વિકસ્યો છે. સિંધ અને પંજાબના લોકો દૂધ અને ઘીનો વધુ ઉપયોગ કરે છે.

મત્સ્યસંપત્તિ : પાકિસ્તાનને મળેલા 814 કિમી. લંબાઈના દરિયાકિનારાના વિસ્તારમાંથી પ્રોમ, પાલો, સાલ્મન, બૂમલા, ટુના, પર્ચ, જ્યૂફિશ, શાર્ક, લૉબ્સ્ટર, જિંગા જેવી માછલીઓ પકડવામાં આવે છે; જ્યારે મીઠા પાણીનાં જળાશયો અને નદીઓમાંથી પણ મુખ્યત્વે કુરીરો અને થેલ્હી જેવી માછલીઓ મેળવાય છે.

ખનિજસંપત્તિ : પાકિસ્તાનમાંથી ધાતુખનિજો, અધાતુખનિજો તથા બાંધકામને ઉપયોગી ખડકો મળે છે. આ પૈકી ક્રોમાઇટ, બૉક્સાઇટ, ઍન્ટિમની, મીઠું, સિંધવ, ચિરોડી, કોલસો, કુદરતી વાયુ, ચૂનાખડકો અને આરસપહાણ મુખ્ય છે. આ ઉપરાંત, ખનિજતેલ, લોહ અને મૅંગેનીઝનાં ધાતુખનિજો, સુરોખાર, પોટાશના ક્ષારો, ડૉલોમાઇટ, બેરાઇટ અને ચિનાઈ માટી, અગ્નિજિત માટી તથા મુલતાની માટી પણ થોડાઘણા પ્રમાણમાં મળે છે. બલૂચિસ્તાનમાં આવેલી ક્રોમાઇટની ખાણ દુનિયાભરમાં સૌથી મોટી ગણાય છે. આ સિવાય ઝરાઓમાંથી કેટલાક ક્ષારો તથા મૅગ્નેસાઇટ, ગંધક, ફ્લોરાઇટ, ફૉસ્ફેટ-ખડક, સિલિકા રેતી અને સોપસ્ટોન પણ મળે છે.

ઊર્જા : પાકિસ્તાનમાં કોલસા તથા ખનિજતેલનાં ક્ષેત્રો ઓછાં છે, કુદરતી વાયુની પ્રાપ્તિ માટેનું મોટું ક્ષેત્ર સૂઈ છે. આથી અહીંની નદીઓના જળપુરવઠાને ધ્યાનમાં લઈને વિવિધ બહુહેતુક યોજનાઓ દ્વારા જળવિદ્યુત મેળવાય છે. વર્તમાન પરિસ્થિતિ હેઠળ માત્ર 40 હજાર કિ.વૉ. વીજળી ઉત્પન્ન કરાય છે, પરંતુ તેમની સંભવિત ઉત્પાદનક્ષમતા 60 લાખ કિ.વૉ જેટલી છે. ઉપલબ્ધ કોલસા, કુદરતી વાયુ અને અણુશક્તિ દ્વારા પણ વીજળીનું ઉત્પાદન લેવાય છે. કુલ વીજળી-ઉત્પાદન પૈકી 50 % જળવિદ્યુત, 25 % કુદરતી વાયુ, 15 % પેટ્રોલ, 4 % પવન, 3 % ડીઝલ, 1.8 % અણુશક્તિ અને 1.2 % કોલસા દ્વારા મેળવાય છે.

ઉદ્યોગો : પાકિસ્તાનમાં વિકસેલા ઉદ્યોગો મુખ્યત્વે ખેતી અને ખનિજો પર તેમજ ઇજનેરી તથા વીજાણુક્ષેત્ર પર આધારિત છે. ખેતી-આધારિત ઉદ્યોગોમાં સુતરાઉ કાપડ-ઉદ્યોગ, ખાંડ-ઉદ્યોગ, બીડી-સિગારેટ-ઉદ્યોગ અને ડેરી-ઉદ્યોગ તથા વનસ્પતિ ઘી-ઉદ્યોગ મુખ્ય છે; જ્યારે ખનિજ-આધારિત ઉદ્યોગોમાં સિમેન્ટ-ઉદ્યોગ, લોખંડ અને યંત્રસામગ્રી-ઉદ્યોગ, ખાતર-ઉદ્યોગ તથા રસાયણ-ઉદ્યોગ મુખ્ય છે. આ ઉપરાંત ખાદ્યપ્રક્રમણ, ઑટોમોબાઇલના એકમો પણ વિકસ્યા છે. ગૃહઉદ્યોગો પૈકી ગાલીચા અને ચામડાની વિવિધ ચીજવસ્તુઓ બનાવવાના એકમો વિકાસ પામ્યા છે. ભરત-ગૂંથણ તથા ભાત-કામ (પૅચવર્ક) માટે કેટલાંક કેન્દ્રો જાણીતાં બન્યાં છે. કરાંચી, લાહોર, કોટરી, હૈદરાબાદ, ડેરાઇસ્માઇલખાન, ગ્વાદર, પેશાવર, મુલતાન, રાવલપિંડી, સિયાલકોટ અને સરગોધા મહત્વનાં ઔદ્યોગિક કેન્દ્રો છે.

પ્રવાસન : પાકિસ્તાનમાં પ્રાચીન સંસ્કૃતિના જોવા લાયક સ્થળોમાં મોહું-જો-દરો, હડપ્પા, તખ્ત-ઈ-બરી, તક્ષીલા જાણીતા છે. મઘુલ સમયની મસ્જીદો, બગીચા અન્ય સ્થાપત્યોનું મહત્વ વધુ છે, આ સિવાય ખૈબર, પેશાવર, લાહોર પણ જોવા લાયક છે.

પરિવહન : પાકિસ્તાનમાં જમીન, જળ અને હવાઈ માર્ગોનો ઠીક ઠીક પ્રમાણમાં વિકાસ થયેલો છે. અહીં પાકા રસ્તાઓની કુલ લંબાઈ આશરે 2,63,942 કિમી.ની છે, જે પૈકી કાયમી વપરાતા રસ્તાની લંબાઈ એક લાખ કિમી. જેટલી છે. દેશના સડક માર્ગોને બે વિભાગમાં વહેંચેલા છે : આંતરરાજ્ય ધોરી માર્ગો અને સરહદીય સડક માર્ગો. સૌથી વધુ પાકા રસ્તા પંજાબ અને વાયવ્યનાં સરહદી રાજ્યોમાં આવેલા છે. ભારત, ચીન, નેપાલ, ઈરાન અને અફઘાનિસ્તાનને જોડતા માર્ગો વધુ મહત્વના છે. પેશાવર-કાબુલને સાંકળતો માર્ગ ખૈબરઘાટમાંથી પસાર થાય છે, એ જ રીતે પાકિસ્તાન-ચીનની રાજધાનીઓને જોડતો, કારાકોરમ ઘાટમાં થઈને પસાર થતો માર્ગ રાજકીય અને વ્યૂહાત્મક દૃષ્ટિએ અતિ મહત્વનો ગણાય છે. તેમજ `CPEC’ [China – Paritun Economic Corridor] જે ચીનના કાશ્ગર શહેરથી પાકિસ્તાનના ગ્વાદાર બંદર સુખી નિર્માણ કરાયેલ છે. મહત્વના આંતરરાષ્ટ્રીય ધોરી માર્ગમાં ‘ગ્રાન્ડ-ટ્રંક-રોડ’ ખૈબરઘાટથી ભારતની સરહદને સાંકળે છે. અસમતળ ભૂપૃષ્ઠને કારણે રેલમાર્ગો ઓછા પ્રમાણમાં વિકસ્યા છે. અહીં બ્રૉડ ગેજ, મીટર ગેજ અને નૅરો ગેજ એવા ત્રણે માપના રેલમાર્ગો છે. દેશનું મુખ્ય રેલમથક લાહોર છે. રેલમાર્ગોની કુલ લંબાઈ આશરે 9,600 કિમી. જેટલી છે. 814 કિમી. લંબાઈના દરિયાકિનારા પર કરાંચી, પૉર્ટ કાસિમ, પાસની, સોનમિયાણી, જીવાની અને ગ્વાદર અગત્યનાં બંદરો છે. આ સિવાય અનેક નાનાં નાનાં મત્સ્ય બંદરો પણ છે. દેશનો મોટાભાગનો વિદેશ-વેપાર કરાંચી મારફતે થાય છે. આંતરિક હેરફેર માટે સિંધુ-જળમાર્ગનો પણ અમુક પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે.

પાકિસ્તાનમાં હવાઈ સેવાનો વિકાસ ઓછા પ્રમાણમાં થયો છે. કરાંચી, લાહોર, ક્વેટા, ઇસ્લામાબાદ અને પેશાવર ખાતે અહીંનાં મુખ્ય હવાઈ મથકો આવેલાં છે. આ પૈકી કરાંચી મહત્વનું આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ ઍરલાઇન્સ (PIA) આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો માટે સેવા આપે છે. દર વર્ષે 3થી 4 લાખ પ્રવાસીઓ આ દેશની મુલાકાત લે છે. એકંદરે 139 નાના હવાઈ મથકો છે.

સંદેશાવ્યવહાર : દેશમાં રેડિયો, ટેલિફોન અને ટેલિગ્રાફ સેવા સરકાર હસ્તક છે. ટેલિવિઝન સેવા પાકિસ્તાન ટેલિવિઝન કૉર્પોરેશન આપે છે. દેશમાં સિનેમાગૃહો છે. દેશભરમાં ઘણાં દૈનિક પત્રો, સાપ્તાહિકો,  પખવાડિકો અને વિવિધ વિષયનાં સામયિકો બહાર પાડે છે.

પાકિસ્તાન-અફઘાનિસ્તાનનો પર્વતીય સીમાપ્રદેશ

વેપાર : 1971માં પૂર્વ પાકિસ્તાનને સ્થાને ‘બાંગ્લાદેશ’ એક નવા રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવતાં દેશના વેપાર પર માઠી અસર થઈ છે, જોકે ઇસ્લામી દેશો તથા કેટલાક વિકસિત દેશો તરફથી પાકિસ્તાનને સતત સહાય મળતી રહે છે. દેશનો મોટા ભાગનો વેપાર ખેતીની પેદાશો પર આધારિત છે. અફઘાનિસ્તાન, ઈરાન, ઇરાક, અન્ય અખાતી દેશો, ઇટાલી, જર્મની, યુ.કે., યુ.એસ., આફ્રિકા, શ્રીલંકા, નેપાળ, ચીન, જાપાન અને હૉંગકૉંગ સાથે થતા નિકાસી વેપારમાં કપાસ, ઊન, સુતરાઉ કાપડ, તૈયાર પોષાકો, ઘઉં, સૂકો મેવો, ફળો વગેરેનો ફાળો મહત્વનો છે; જ્યારે યુ.કે., યુ.એસ., જાપાન, ચીન, જર્મની, ફ્રાન્સ, કુવૈત, સાઉદી અરેબિયા, કોરિયા અને મલેશિયા સાથે થતા આયાતી વેપારમાં યાંત્રિક સાધનો, વિદ્યુત-સાધનો, વીજાણુ-ઉપકરણો, મોટરકાર, લોખંડ-પોલાદ તેમજ ખાંડ, દવાઓ, ચા અને રાસાયણિક ખાતરો મુખ્ય છે.

વસ્તી અને વસાહતો : પાકિસ્તાનની કુલ વસ્તી 2017 મુજબ અંદાજે 19.7 કરોડ જેટલી ગણાય છે. દેશમાં વસતા મોટાભાગના લોકો સ્થળાંતરિત પ્રજાઓના વંશજો છે; તેમાં આર્યો, ઈરાનીઓ, પઠાણો, આરબો, મોગલો અને ગ્રીકોનો સમાવેશ થાય છે. મોટાભાગના લોકો સામાન્ય રીતે ભૂરી આંખોવાળા, ચીકણી શ્વેત ચામડીવાળા અને વધુ ઊંચાઈવાળા છે. દેશમાં બોલાતી મુખ્ય ભાષાઓમાં ઉર્દૂ, બલૂચી, બ્રૂહી, સિંધી, પંજાબી, પુશ્તો, કોહિસ્તાની, બાલ્ટી, કોહવાર અને અંગ્રેજીનો સમાવેશ થાય છે. પ્રદેશભેદે ઘણી સ્થાનિક ભાષાઓ પણ બોલાય છે. ઉર્દૂ ભાષા અહીંની સત્તાવાર રાષ્ટ્રીય ભાષા છે; પરંતુ કુલ વસ્તીના ફક્ત 7.6 % લોકો જ ઉર્દૂ ભાષાનો ઉપયોગ કરે છે, 48 % લોકો પંજાબી બોલે છે, જ્યારે ધંધા, વ્યવસાયો, ઉચ્ચશિક્ષણ તથા સરકારી વહીવટમાં અંગ્રેજી ભાષાનો ઉપયોગ થાય છે. અહીંની મોટાભાગની પ્રજા મુસ્લિમ છે. શિયા કરતાં સુન્ની મુસ્લિમોનું પ્રમાણ વધુ છે. ધર્મવિતરણના સંદર્ભમાં જોતાં અહીં 77 % સુન્ની મુસ્લિમો, 20 % શિયા મુસ્લિમો, 1.50 % ખ્રિસ્તી તથા 1.50 % હિન્દુ, પારસી, બૌદ્ધો અને અન્ય છે. પંજાબનો ફળદ્રૂપ મેદાની વિસ્તાર વધુ ગીચ છે, જ્યારે શુષ્ક, ખેતીવિહીન પશ્ચિમી વિસ્તાર ઓછી વસ્તીવાળો છે. પ્રદેશભેદે વસ્તીની ગીચતા ભિન્ન ભિન્ન છે, તેમ છતાં સરેરાશ વસ્તીગીચતાનું પ્રમાણ દર ચોકિમી. મુજબ 154 વ્યક્તિઓનું ગણાય છે, જેમાં ગ્રામીણ વસ્તી 68 % અને શહેરી વસ્તી 32 % છે. દેશમાં જન્મ અને મૃત્યુદરનું પ્રમાણ અનુક્રમે 41 % અને 12 % જેટલું છે.

સ્વાસ્થ્ય : દેશમાં હૉસ્પિટલો અને નાનાં દવાખાનાંનું પ્રમાણ આશરે 5,000 જેટલું છે, પરંતુ ડૉક્ટરો તથા નર્સોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે.  દેશના બધા લોકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી. અહીં ક્ષય, કૉલેરા, કમળો, ટાઇફૉઈડ, મલેરિયા તથા એઇડ્ઝ જેવા રોગોનું પ્રમાણ વિશેષ જોવા મળે છે.

દેશમાં ગામડાંઓનું પ્રમાણ વધુ છે. ત્યાં મોટેભાગે ઝૂંપડાં વર્તુળાકારે બાંધેલાં હોય છે. પહાડી પ્રદેશોમાં વસાહતો છૂટીછવાઈ જોવા મળે છે. નહેરોના પ્રદેશોમાં વસાહતો ત્રિકોણાકારે ગોઠવાયેલી હોય છે. લગભગ દરેક ગામમાં વચ્ચેના ભાગમાં એક મસ્જિદ, એક શાળા અને સરપંચ-કચેરી હોય છે. ગામડાંઓનો વિસ્તાર અસમાન છે.

દેશમાં વસ્તીનો ત્રીજો ભાગ શહેરોમાં વસે છે. પાકિસ્તાનનું પાટનગર ઇસ્લામાબાદ છે. વસ્તીની દૃષ્ટિએ કરાંચી 1.49 કરોડ અને લાહોર 1.11 કરોડ 2017 મુજબ અંદાજે ગીચ વસ્તીવાળાં સૌથી મોટાં શહેરો છે. અન્ય મહત્વનાં શહેરોમાં અંદાજે 2017 મુજબ ફૈઝલાબાદ 32 લાખ, રાવલપિંડી 21 લાખ, હૈદરાબાદ 17.3 લાખ, મુલતાન 18.7 લાખ, ગુજરાનવાલા 20.3 લાખ, પેશાવર 19.7 લાખ, ઇસ્લામાબાદ 10.1 લાખ, અને ક્વેટા 10 લાખની પણ મહત્વનાં શહેરોમાં ગણના થાય છે.  પંજાબના સાહિવાલ (મૉન્ટગોમરી) શહેર નજીક હડપ્પા અને સિંધમાં લારકાની નજીક મોહેં-જો-દડો સંસ્કૃતિના અવશેષો મળેલા છે. પ્રાચીન તક્ષશિલા વિદ્યાલય પણ રાવલપિંડીથી વાયવ્યમાં 35 કિમી દૂર આવેલું હતું.

દેશને વહીવટી સરળતા માટે નીચે મુજબના છ એકમોમાં વહેંચેલો છે : (1) વાયવ્ય સરહદી પ્રાંત, (2) પંજાબ, (3) સિંધ, (4) બલૂચિસ્તાન, (5) ઇસ્લામાબાદ અને (6) લોકજાતિઓનો વિસ્તાર. છેલ્લા બે કેન્દ્રીય વહીવટ હેઠળ છે.

રાષ્ટ્રધ્વજ : પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજમાં લીલો રંગ મુસ્લિમ વસ્તીનું પ્રમાણ દર્શાવે છે. ધ્વજના ત્રીજા ભાગમાં લીલો રંગ હોવાથી તે મુસ્લિમ બહુમતીનું પ્રતીક છે. ફકત  ભાગમાં સફેદ રંગ છે, જે લઘુમતી વસ્તીનો નિર્દેશ કરે છે. બીજનો ચંદ્ર અને તારો ધ્વજમાં છે તે ધર્મનું પ્રતીક છે. રાષ્ટ્રધ્વજની લંબાઈ 1 મીટર અને પહોળાઈ  મીટર જેટલી રાખવામાં આવેલ છે.

પાકિસ્તાન વિશ્વનાં બહુમતી મુસ્લિમ વસ્તી ધરાવતાં રાષ્ટ્રોમાં ત્રીજા ક્રમે આવે છે. બાંગ્લાદેશ અને ઇન્ડોનેશિયા પ્રથમ અને દ્વિતીય ક્રમે છે.

પાકિસ્તાની પ્રજાના પોષાકમાં પણ તેમના શારીરિક વૈવિધ્ય જેટલું જ વૈવિધ્ય જોવા મળે છે. સિંધી અને પંજાબી લોકોનો પોષાક ભારતના લોકો જેવો જ છે. તેઓ ઝભ્ભા-કુરતાં અને પહોળા પાયજામા પહેરે છે. શિક્ષિત પ્રજા પશ્ચિમી ઢબનો પોષાક પહેરે છે. સ્ત્રીઓ કુરતાં, સલવાર, દુપટ્ટો અને ખમીસનો ઉપયોગ કરે છે. કેટલાક લોકો તુર્કી ટોપી પણ પહેરે છે. બલૂચો અને પઠાણો માથે શંકુ આકારની ટોપી મૂકીને તેના પર ફેંટો બાંધે છે; કેટલાક પાઘડી પણ બાંધે છે. લાંબું ખમીસ, પહોળો પઠાણી પાયજામો અને જાકીટ એ પાકિસ્તાનનો રાષ્ટ્રીય પોષાક છે.

શિક્ષણ : પાકિસ્તાનમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે. 2016-17ના સર્વેક્ષણ મુજબ પુખ્તવયના લોકોમાં સાક્ષરતાનું પ્રમાણ 58 % હતું. પાકિસ્તાનના શિક્ષણ મંત્રાલય અને યુનેસ્કોએ કરેલ સર્વેક્ષણ મુજબ અંદાજિત પાકિસ્તાનમાં સાક્ષરતાનું પ્રમાણ 55 % છે, 50 %થી વધુ બાળકો પ્રાથમિક શાળા અને 20 % વિદ્યાર્થીઓ માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે. શહેરની શાળાઓ ભરચક જોવા મળે છે, જ્યારે ગ્રામીણ વિસ્તારની શાળાઓ મોટેભાગે ખાલી જોવા મળે છે.

ઉચ્ચશિક્ષણ આપતી સંસ્થાઓમાં અલ્લામા ઇકબાલ ઓપન યુનિવર્સિટી (ઇસ્લામાબાદ), કરાંચી યુનિવર્સિટી (કરાંચી) અને લાહોર યુનિવર્સિટી(લાહોર)નો સમાવેશ થાય છે. 1970માં બલૂચી યુનિવર્સિટી(ક્વેટા)માં સ્ત્રીઓના શિક્ષણ માટે પણ કૉલેજો સ્થપાઈ છે. 1947થી 1986 સુધીમાં પાકિસ્તાનમાં 128 વિદ્યાર્થીઓ પીએચ. ડી. થયા છે. આ બાબત ઉચ્ચશિક્ષણ અને સંશોધન પ્રત્યેની પાકિસ્તાનની સ્થિતિ વ્યક્ત કરે છે. તાજેતરમાં 70 યુનિવલ્સિટી સરકારમાન્ય છે. આ સિવાય 58 યુનિવર્સિટી ખાનગી ધોરણે ચાલે છે. જે કાયદે આઝમ યુનિવર્સિટી સાથે સંકળાયેલી છે.

ઇતિહાસ : ‘પાકિસ્તાન’ શબ્દનો અર્થ ‘એન્સાઇક્લોપીડિયા ઑવ્ ઇસ્લામ’માં આપવામાં આવ્યો છે, એ મુજબ ‘પાક’ એટલે ‘પવિત્ર’ અને ‘સ્તાન’ એટલે ‘સ્થાન’-‘પ્રદેશ’. પવિત્ર લોકોનો પ્રદેશ એટલે પાકિસ્તાન. આજે પાકિસ્તાન અંગ્રેજીમાં ‘ઇસ્લામિક રિપબ્લિક ઑવ્ પાકિસ્તાન’, ઉર્દૂમાં ‘ઇસ્લામી જમ્હૂરિયએ પાકિસ્તાન’ અને ગુજરાતીમાં ‘ઇસ્લામી ગણતંત્ર પાકિસ્તાન’ના નામે ઓળખાય છે.

પાકિસ્તાન પ્રદેશનો ઇતિહાસ આશરે ઈ.પૂ. 2500થી શરૂ થાય છે. હડપ્પીય સભ્યતા સાથે તેનો ઇતિહાસ સંકળાયેલો છે. ઈસુ પહેલાંનાં 1500 વર્ષ પૂર્વે આર્યો પાકિસ્તાનના પ્રદેશોમાં રાજ્ય કરતા હતા. ગ્રીકો પણ સિકંદરની નેતાગીરી નીચે પાકિસ્તાનના પ્રદેશોમાં આવ્યા હતા. ઈ. સ. 712માં પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં મોહમ્મદ-બિન-કાસિમે પોતાની સત્તા સ્થાપી મુસ્લિમ શાસનનો આરંભ કર્યો હતો. ગુલામ વંશના શાસકોએ મુસ્લિમ શાસનના પાયા વધુ મજબૂત કર્યા. મુઘલ શાસનકાળ દરમિયાન પણ પાકિસ્તાનના પ્રદેશો ઇસ્લામી શાસનના પૂર્ણ પ્રભાવમાં રહ્યા હતા.

વીસમી સદીના આરંભમાં અંગ્રેજ શાસન વિરુદ્ધ રાષ્ટ્રવાદી ચળવળનો આરંભ થયો, ત્યારે માત્ર ભારતની સ્વતંત્રતાનોવિચાર જ  કેન્દ્રમાં હતો. તેમાં અલગ રાષ્ટ્રના વિચારને કોઈ સ્થાન ન હતું અને એટલે જ 1857ના વિપ્લવમાં હિંદુ-મુસ્લિમ ઐક્યનાં ઉમદા દૃશ્યો જોવા મળ્યાં હતાં; પણ ધીમે ધીમે વિસ્તરતા જતા સ્વાતંત્ર્ય-આંદોલનમાં કેટલાંક સાંપ્રદાયિક પરિબળો પ્રવેશવા માંડ્યાં. પરિણામે 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. આ સંગઠનને ઘણાં વર્ષો બાદ મહંમદઅલી ઝીણાની નેતાગીરી સાંપડી અને મુસ્લિમો માટેના અલગ રાષ્ટ્રના વિચારનો વિસ્તાર થવા લાગ્યો. ડૉ. અબ્દુલ લતીફે મુસ્લિમો માટેના અલગ રાષ્ટ્રની નક્કર યોજના ઘડી કાઢી. 23 માર્ચ, 1940ના રોજ લાહોરમાં મુસ્લિમ લીગનું 27મું અધિવેશન મળ્યું; જેમાં સૌપ્રથમ વાર જનાબ ફઝલુલ હક્કે હિન્દુસ્તાનના પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ ભાગમાં એક અલગ મુસ્લિમ રાષ્ટ્ર સ્થાપવાની માંગણી કરતો ઠરાવ રજૂ કર્યો, જે સર્વાનુમતે પસાર થયો. આ જ ઠરાવ થોડા સુધારાવધારા સાથે પાકિસ્તાનના ઠરાવ તરીકે પ્રસિદ્ધ થયો અને એટલે જ 23 માર્ચને ‘પાકિસ્તાન દિન’ તરીકે સમગ્ર પાકિસ્તાનમાં ઊજવવામાં આવે છે. 1941 પછી પાકિસ્તાનના વિચારને મહંમદઅલી ઝીણા દૃઢપણે વળગી રહ્યા. ગાંધીજીએ એ વિચારને અમલી થતો અટકાવવા મહંમદઅલી ઝીણા સાથે ઘણી મસલતો કરી, પણ નિષ્ફળતા મળી. અંતે 14 ઑગસ્ટ, 1947ના રોજ ભારતની આઝાદી સાથે જ મુસ્લિમ રાષ્ટ્ર ‘પાકિસ્તાન’નો જન્મ થયો.

રાજકીય ઘટનાક્રમ : ભારતના જ કેટલાક પ્રદેશોમાંથી અસ્તિત્વમાં આવેલ પાકિસ્તાન 1947માં રાષ્ટ્રસમૂહનું સભ્ય બન્યું. પાકિસ્તાનના સૌપ્રથમ ગવર્નર જનરલ મહંમદઅલી ઝીણા હતા, જ્યારે સૌપ્રથમ વડાપ્રધાન નવાબ લિયાકત અલીખાન હતા. 1951માં તેમનું ખૂન થતાં બંગાળના ખ્વાજા નાઝિમુદ્દીન ઑક્ટોબર, 1951માં વડાપ્રધાન બન્યા. 1953માં તેમને પદભ્રષ્ટ કરવામાં આવ્યા. તેમના સ્થાને બોગડા મહંમદઅલી વડાપ્રધાન બન્યા. સવા બે વર્ષ પછી ચૌધરી મહંમદઅલી વડાપ્રધાન બન્યા. તેમણે તેર માસ શાસન કર્યું. એ પછી ઇસ્માઇલ ચુંદરીગર વડાપ્રધાન બન્યા. તેમણે ત્રણ વર્ષ શાસન કર્યું. એમના પછી સર ફીરોઝખાન નૂન સત્તા પર આવ્યા. તેઓ દસ માસ રહ્યા. એ પછી મેજર જનરલ ઇસ્કંદર મિરઝા સરમુખત્યાર બન્યા. 1958માં ફરી સત્તાપલટો થયો. જનરલ મહંમદ અય્યૂબખાને સત્તાનાં સૂત્રો સંભાળ્યાં. 1969માં અય્યૂબખાનને દૂર કરી મહંમદ યાહ્યાખાન સરમુખત્યાર બન્યા. 1971માં ઝુલ્ફિકારઅલી ભુટ્ટો સત્તા પર આવ્યા. આ જ અરસામાં આંતરવિગ્રહ થયા બાદ 16 ડિસેમ્બર, 1971ના રોજ પૂર્વ પાકિસ્તાનનો પ્રદેશ બાંગ્લાદેશ તરીકે અલગ રાષ્ટ્ર બન્યો. 7 માર્ચ, 1977ના રોજ ચૂંટણીઓ યોજાઈ. તેમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટી દ્વારા ગેરરીતિ આચર્યાનો આક્ષેપ વિરોધ-પક્ષોએ કર્યો. પરિણામે રાષ્ટ્રમાં અંધાધૂંધી વ્યાપક બની. આ રાજકીય કટોકટીને દૂર કરવાના હેતુથી લશ્કરી વડા જનરલ મહંમદ ઝિયા-ઉલ-હક્કે 5 જુલાઈ, 1977ના રોજ સત્તાનાં સૂત્રો સંભાળ્યાં. લશ્કરી શાસનમાં પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા ઝુલ્ફિકારઅલી ભુટ્ટોને કેદ કરી, તેમને 1979માં ફાંસી આપવામાં આવી. 1978માં ઝિયા-ઉલ-હક્ક પોતે પાકિસ્તાનના પ્રમુખ બની ગયા. સાડા સાત વર્ષ સુધી લશ્કરી વડા ઝિયા-ઉલ-હક્કે ચૂંટણી આપવાના પોતાના વચનનું પાલન ન કર્યું. અંતે 1985ના ફેબ્રુઆરીની 25થી 28 દરમિયાન પાકિસ્તાનમાં પ્રથમ વાર બિનપક્ષીય ધોરણે ચૂંટણી થઈ. આમ છતાં ઝિયા-ઉલ-હક્ક સત્તાના કેન્દ્રમાં રહેવા સતત પ્રયત્નશીલ રહ્યા. 17 ઑગસ્ટ, 1988ના રોજ એક વિમાની અકસ્માતમાં તેમનું અવસાન થયું. ફરી વાર પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા જન્મી. ચૂંટણીઓ યોજાઈ. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા ઝુલ્ફિકાર અલી ભુટ્ટોની પુત્રી બેનઝીર ભુટ્ટોની જીત થઈ. બેનઝીર ભુટ્ટો વડાંપ્રધાન બન્યાં. થોડા સમય બાદ આંતરિક વિખવાદને કારણે તેમને રાજીનામું આપવું પડ્યું. ત્યારબાદ ફરી ચૂંટણી થઈ. મહંમદ નવાઝ શરીફ સત્તા પર આવ્યા. પ્રમુખ ઇસ્હાકખાને 14 માર્ચ, 1993ના રોજ નવાઝ શરીફની સરકારને બરખાસ્ત કરી. નવાઝ શરીફે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયની માંગણી કરી. 26 મે, 1993ના રોજ પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે રાષ્ટ્રપ્રમુખ ઇસ્હાકખાનના પગલાને ગેરબંધારણીય ઠરાવી સત્તા નવાઝ શરીફને સોંપવા હુકમ કર્યો. ઑક્ટોબર, 1993માં ફરી સામાન્ય ચૂંટણીઓ યોજાઈ. બેનઝીર ભુટ્ટો વડાંપ્રધાન બન્યાં; પરંતુ બેનઝીર ભુટ્ટોની સરકાર પર ગેરરીતિઓ આચરવાના અનેક આરોપો થયા. પરિણામે રાષ્ટ્રપ્રમુખ ફારૂક લેઘારીએ બેનઝીર ભુટ્ટોની સરકારને બરખાસ્ત કરી. ફરી ચૂંટણીઓ યોજાઈ, જેમાં નવાઝ શરીફનો પક્ષ ભારે બહુમતીથી ચૂંટાઈ આવ્યો. ફેબ્રુઆરી, 1997માં નવાઝ શરીફ પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા.

પાકિસ્તાનની પશ્ચિમની સરહદો અફઘાનિસ્તાન અને ઈરાનની સરહદોને મળે છે. ઈરાનના અખાત દ્વારા તે મધ્યપૂર્વના ઇરાક અને અરબસ્તાન સાથે જોડાયેલું છે. પાકિસ્તાનની બાકીની સરહદો ભારત સાથે જોડાયેલી છે તથા દક્ષિણમાં અરબી સમુદ્ર આવેલો છે.

પાકિસ્તાન અને ચીનના સંબંધો ઈ. સ. 1956થી મીઠા રહ્યા છે. એ સમયે પાકિસ્તાનના વડાપ્રધાન સુહરાવર્દીએ ચીનની મુલાકાત લીધી હતી. તેના વળતા વહેવારમાં ચીનના વડાપ્રધાન ચાઉ-એન-લાઈએ પણ પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. 1962માં ચીન-ભારત યુદ્ધ દરમિયાન પાકિસ્તાને ચીનતરફી વલણ વ્યક્ત કર્યું હતું. એ જ રીતે 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે ચીને પાકિસ્તાનને ટેકો આપ્યો હતો. 1970માં અમેરિકા, ચીન, પાકિસ્તાન ધરીએ આ ત્રણેય રાષ્ટ્રોને નજીક આણ્યાં હતાં. અમેરિકા સાથેના પાકિસ્તાનના સંબંધો ઘણા મીઠા રહ્યા છે. ભારત સાથેના પાકિસ્તાનના સંબંધોને ધ્યાનમાં રાખી અમેરિકાએ પાકિસ્તાન સાથે સંરક્ષણ-સંધિઓ કરી, મોટા પાયે યુદ્ધસામગ્રીની મદદ કરી છે. પાકિસ્તાન અમેરિકાની નજીક હોવાને કારણે પ્રારંભમાં રશિયા સાથેના તેના સંબંધો મીઠા ન હતા; પણ સંજોગો બદલાતાં રશિયા સાથેના સંબંધો પણ સુધર્યા. રશિયા એશિયામાં ચીનનો વધતો જતો પ્રભાવ રોકવા પાકિસ્તાનની નજીક આવવા ઉત્સુક હતું. રશિયા પોતાની સાથેની મૈત્રીથી પાકિસ્તાનનું અમેરિકા-ચીન પરનું અવલંબન ઓછું કરવા પણ ઇચ્છતું હતું. આમ રશિયા સાથેના પાકિસ્તાનના સંબંધો સારા રહ્યા છે.

1947માં ભારતમાંથી જ છૂટા પડેલા પાકિસ્તાનના સંબંધો ભારત સાથે પ્રારંભથી જ બહુ સારા નથી રહ્યા. એ માટે ઘણાં કારણો જવાબદાર છે. પ્રથમ તો ભાગલા સમયે મિલકતની વહેંચણી, નિર્વાસિતોની સમસ્યા, નહેર-પાણીની સમસ્યા અને સૌથી મહત્વની કાશ્મીરની સમસ્યાને કારણે ભારત અને પાકિસ્તાનના સંબંધો તંગ રહ્યા છે. સમયના પ્રવાહમાં મોટા ભાગની સમસ્યાઓની કડવાશ વીસરાતી ગઈ છે; પણ કાશ્મીરની સમસ્યા આજે પણ બંને રાષ્ટ્રો વચ્ચેના પ્રેમભર્યા સંબંધોને વિકસાવવામાં અડચણરૂપ રહી છે. જોકે છેલ્લી ચૂંટણીઓમાં નવાઝ શરીફે પોતાના ચૂંટણી-ઢંઢેરામાં ભારત-પાકિસ્તાન સંબંધોને સુધારવાનું પાકિસ્તાનની પ્રજાને વચન આપ્યું હતું. પ્રજાએ મોટી બહુમતીથી નવાઝ શરીફને ચૂંટી કાઢ્યા છે અને તેથી વડાપ્રધાન નવાઝ શરીફ હાલ ભારત-પાકિસ્તાનના સંબંધોને સુધારવાની દિશામાં પ્રયાસો કરી રહ્યા છે.

કરતારપુર-કૉરિડૉર

શીખ સંપ્રદાયના ધાર્મિક સ્થાન “ડેરા બાબા નાના સાહિબ” (ગુરદાસપુર – પંજાબ – ભારત) અને ગુરુદ્વારા દરબાર સાહિબ (કરતારપુર – પંજાબ – પાકિસ્તાન)ને સાંકળતો સીમાવર્તી માર્ગ.

શીખ ધર્મની સ્થાપના તેના પહેલા ગુરુ નાનકે રાવી નદીના જમણા કાંઠે 1504માં કરતારપુર ખાતે કરી હતી. 1539માં ગુરુનાનક સાહિબેનું અવસાન થયું હતું. રાવી નદીમાં આવેલા પુરને કારણે આ સ્મારકનો નાશ થયો હતો. હિંદુ અને મુસ્લિમ બન્ને ધર્મના લોકોએ રાવી નદીના ડાબા કાંઠે ગુરુદ્વાર દરબાર સાહિબનું નવું સ્મારક ઊભું કરવામાં રસ દાખવ્યો હતો. જ્યારે રાવી નદીના જમણા કાંઠે ડેરા બાબ નાનક સાહિબનું એક નવું સ્મારક રચવામાં આવ્યું હતું. બ્રિટિશ અધિકારી રેડકલીફે 1947માં ભારત-પાકિસ્તાનનું વિભાજન કરતાં “ગુરુદ્વાર દરબાર સાહિબ” (કરતારપુર – તાલુકો – શકરગઢ – પંજાબ, પાકિસ્તાન)માં જ્યારે ડેરા બાબા નાનક સાહિબ (ગુરુદાસપુર – તાલુકો – ગુરુદાસપુર – પંજાબ)ના ભારતમાં સમાવેશ કરાવ્યો. આ વિભાજન પછી એવું માનવામાં આવ્યું હતું કે ભારતીય શીખપંથીઓ અનૌપચારિક રીતે સરળતાથી ગુરુદ્વાર દરબાર સાહિબ-કરતારપુરની મુલાકાત લઈ શકશે. પરંતુ 1965માં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા યુદ્ધમાં રાવી નદી પરનો પુલ નાશ પામતાં, ભારતના શીખધર્મીઓ માટે ગુરુદ્વાર દરબાર સાહિબનાં દર્શન દુર્લભ બન્યાં.

ગુરુ નાનકની 500મી જન્મજયંતી (1969)ના વર્ષમાં ભારતના તત્કાલીન વડાપ્રધાન ઈંદિરા ગાંધીએ પાકિસ્તાન સાથે ગુરુદ્વાર દરબાર સાહિબની ભૂમિનો વિનિમય કરવા માટે વાટાઘાટો શરૂ કરી હતી. પરિણામ-સ્વરૂપે 1974ના વર્ષમાં સમજૂતી થઈ કે ભારતના શીખસંપ્રદાયના લોકો પોતાના ધાર્મિક સ્થાનોની મુલાકાત લઈ શકશે, પરંતુ તેમાં પાકિસ્તાને ગુરુદ્વાર દરબાર સાહિબ માટે પ્રતિબંધ મૂક્યો. આમ આ સમજૂતી પડી ભાંગી. ગુરુદ્વાર દરબાર સાહિબની સંભાળ રાખનાર ગોવિંદસિંહના જણાવ્યાં મુજબ 1947થી 2000 સુધી ગુરુદ્વારાના દરવાજા બંધ જ રહ્યાં હતાં. આ ગુરુદ્વારાના સંદર્ભમાં જોઈએ તો ગુરુ નાનક સાહિબની સમાધિ ગુરુદ્વારમાં જ્યારે તેમની કબર ગુરુદ્વારની બહાર આવેલી છે. કરતારપુર કોરિડોરના સંદર્ભમાં ભાબીશાન સિંગ ગોરાયા અવિરત પ્રયત્ન કરતા રહ્યા હતા.

ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલબિહારી બાજપાઈએ 1998માં સૌપ્રથમ વાર પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝશરીફ સાથે  કરાતારપુર કૉરિડૉરની સીમા ખોલવા માટે ચર્ચા-વિચારણા કરી હતી. પરિણામ સ્વરૂપે પાકિસ્તાને ગુરુદ્વાર દરબાર સાહિબનો જીર્ણોદ્ધાર કર્યો કે જેથી શીખસંપ્રદાયના લોકો ભારતની સીમાએથી દૂરબીન વડે ગુરુદ્વાર દરબાર સાહિબના દર્શન કરી શકે. પાકિસ્તાનમાં જનરલ મુશર્રફના શાસનકાળ દરમિયાન કારગિલ યુદ્ધના કારણે કરતારપુર કૉરિડૉરનાં કાર્યમાં વિક્ષેપ પડશે તેવી ભીતિ સેવાતી હતી, પરંતુ જનરલ મુશર્રફે અંતે સંમત્તિ આપી હતી.

ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘના કાર્યકાળ દરમિયાન 2004માં અમૃતસર – લાહોર – કરતારપુર માર્ગ (આશરે 125 કિમી.)ના સંદર્ભમાં પુનઃચર્ચા-વિચારણી થઈ હતી. ભારતના માજી વિદેશપ્રધાન પ્રણવમુખર્જીએ 2008માં કરતારપુર માટે વીસા મુક્ત મુસાફરીની યોજના મૂકી હતી, પરંતુ પાકિસ્તાન તરફથી સાનુકૂળ પ્રતિસાદ મળ્યો નહતો. આ સમયગાળામાં અકાલીગદળના અધ્યક્ષ કુલદીપસિંઘ અ યુ.એસ.ના એલચી જ્હૉન જબલ્યૂ. મૅકડૉનાલ્ડે “a peace corridor, a peace zone”નો વિચાર પણ મૂક્યો હતો, પરંતુ મુંબઈ પર થયેલા આતંકવાદીઓના આક્રમણને કારણે તેનો અમલ થઈ શક્યો નહીં.

ભારતમાં અને વિશ્વમાં વિસ્થાપિત થયેલા શીખસંપ્રદાયના લોકો કરતારપુર માર્ગ માટે સતત પ્રયત્ન કરતાં હતા. 2010માં સુરન્દરસિંગે કરતારપુર માર્ગ નિર્માણમાં કેટલો ખર્ચ થશે તે અંગે વિચાર્યું. એક અંદાજ મુજબ 17 મિલિયન ડૉલરનો ખર્ચ આંકવામાં આવ્યો. આ ખર્ચનો ભાર અમેરિકામાં વિસ્થાપિત થયેલા શીખ પંથીઓએ ઉપાડવાનું સ્વીકાર્યું. આ કરતારપુર કૉરિડૉર પાછળ ભારતમાં 2.2 મિલિયન ડૉલર અને પાકિસ્તાનમાં 14.8 મિલિયન ડૉલર ખર્ચવાનું નક્કી થયું. પંજાબ સરકારના પ્રવાસન-વિભાગના પ્રધાને 2018માં પાકિસ્તાન સરકારના આમંત્રણને લક્ષમાં રાખીને કરતારપુર કૉરિડૉર માટે ચર્ચા-વિચારણા કરી હતી. તેમાં નક્કી કરવામાં આવ્યું કે ગુરુનાનક સાહેબની 550મી જન્મજયંતિના દિવસે કરતારપુર કૉરિડૉર ખુલ્લો મુક્વો. 26મી નવેમ્બર 2018ના રોજ ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈંકયાનાયડુએ પંજાબ રાજ્યના ગુરુદાસપુર જિલ્લાના માન (mann) ગામે જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાને 28મી નવેમ્બરના રોજ પંજાબ જિલ્લાના કરતારપુર ગામે સૌપ્રથમ વાર કરતારપુર-કૉરિડૉર માટે શિલાન્યાસ કર્યો. આ કૉરિડૉર અને પાકિસ્તાનની સીમી – Zero Line વચ્ચેનું અંતર 4.7 કિમી. છે. જ્યાં ચાર માર્ગીય ધોરીમાર્ગ (Four line Highway) નિર્માણ કરાયો છે. ભારત તરફ Zero Line થી 3.5 કિમી. દૂર Check post ઊભી કરવામાં આવી છે અને ડેરા બાબા નાનક પાસે 100 મીટર લાંબો એક પુલનું નિર્માણ કરાયું છે. પાકિસ્તાને Zero Line થી કરતારપુર સુધીનો 2 કિમી. લાંબા માર્ગનું નિર્માણ કર્યું છે, જે ગુરુદ્વાર દરબાર સાહિબને સાંકળે છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવમી નવેમ્બર 2019ના રોજ સૌ પ્રથમવાર ભારત – કરતારપુર – કૉરિડૉર માર્ગ ખુલ્લો મૂક્યો. પાકિસ્તાન સરકારે દરરોજ 500 શીખપંથના લોકો માટેની વ્યવસ્થા કરવાનું સ્વીકાર્યું છે. જેનો સમય સવારના 9.00 થી સાંજના 6 કલાક સુધીનો રહેશે. આ માટેનો 200 ડૉલરનો ખર્ચ પાકિસ્તાન સરકારે લેવાનું નક્કી કર્યું છે. તેમજ દરેકનો પાસપોર્ટહોય એ આવશ્યક લેખ્યું છે.

મહેબૂબ દેસાઈ

નીતિન કોઠારી