પાઇર ડૉમિનિક જ્યૉર્જિઝ

January, 1999

પાઇર, ડૉમિનિક જ્યૉર્જિઝ (. 10 ફેબ્રુઆરી 1910, બેલ્જિયમ; . 30 જાન્યુઆરી 1969) : 1958ના શાંતિ માટેના નોબેલ પારિતોષિકનાં વિજેતા. પહેલા વિશ્વયુદ્ધ (1914-18) દરમિયાન તેમનું કુટુંબ ફ્રાંસમાં શરણાર્થી તરીકે વસ્યું હતું. 1928માં તેઓ લા-સાર્ત્રની ડૉમિનિકન મૉનસ્ટરીમાં દાખલ થઈ સ્નાતક બન્યા. ત્યારપછી રોમમાં વધુ અભ્યાસ કરી 1934માં પાદરી તરીકે દીક્ષા ગ્રહણ કરી અને ડૉમિનિકન ખ્રિસ્તી ધર્મમઠમાં દસ વર્ષ (1937-47) સુધી મૉરલ ફિલસૂફીનો વિષય શીખવ્યો. તે દરમિયાન બીજા વિશ્વયુદ્ધ(1939-45)ના પ્રતિકારમાં તેઓ સક્રિય રહ્યા, જેના માટે તેમને ‘વૉર ક્રૉસ ઍન્ડ ધ રેઝિસ્ટન્સ મેડલ’ એનાયત થયો.

ડૉમિનિક જ્યૉર્જિઝ પાઇર

1949થી તેમણે શરણાર્થીઓના પુન:સ્થાપનનું કાર્યક્ષેત્ર પસંદ કર્યું અને તેમાં જીવનના અંત સુધી સક્રિય રહ્યા. 1949માં તેમણે ‘એઇસ ઑક્સ પર્સોન્સ ડિપ્લેસીસ’ નામક સંસ્થા સ્થાપી. યુદ્ધના શરણાર્થીઓના પુન:સ્થાપનનું કાર્ય કરતી આ સંસ્થાની શાખાઓ બહુ ઝડપથી યુરોપભરમાં ફેલાઈ ગઈ. શરણાર્થીઓને સામાન્ય જનજીવનના સંપર્કમાં મૂકી જીવન પ્રત્યે રસ લેતા કરવાનું ધ્યેય આ સંસ્થાએ સ્વીકાર્યું હતું. તેમનું બીજું મહત્વનું કાર્યક્ષેત્ર વયસ્ક શરણાર્થીઓ માટેનું હતું. 1950થી ’54 દરમિયાન તેમણે બેલ્જિયમમાં ચાર ‘હોમ્સ ઑવ વેલકમ’ સ્થાપ્યાં, જેમાં મુખ્યત્વે અશક્ત અને વયસ્ક શરણાર્થીઓને આશ્રય આપવામાં આવતો હતો. તેમનું ત્રીજું કાર્યક્ષેત્ર (1956-62) ‘યુરોપિયન વિલેજ’ની સ્થાપનાનું હતું. જર્મની, બેલ્જિયમ અને ઑસ્ટ્રિયા – આ ત્રણ દેશોમાં તેમણે આવા સાત ઘટકો ઊભા કર્યા. આ ઘટકોમાં વિવિધ દેશોના લોકો શરણાર્થીઓને મદદ કરી શકે તે માટે ‘પુરસ્કર્તા પ્રથા’(system of sponsors)નો પ્રારંભ કર્યો. શરણાર્થીઓની સમસ્યાઓ હલ કરવાનો તેમણે પ્રયાસ કર્યો, જે તેમનું નોંધપાત્ર પ્રદાન હતું.

શાંતિ પારિતોષિક મેળવ્યા બાદ તેમણે 1960માં બેલ્જિયમમાંના એક નગરમાં મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ પીસ સેન્ટરની સ્થાપના કરી. આ સંસ્થા પાછળથી ‘યુનિવર્સિટી ઑવ્ પીસ’ તરીકે જાણીતી બની હતી. વિવિધ જાતિઓ વચ્ચે વધુ સારી સમજ કેળવવા અને વિકસાવવા ‘વર્લ્ડ ફ્રૅન્ડશિપ્સ’ નામની સંસ્થા પણ તેમણે સ્થાપી હતી. આ ઉપરાંત, એશિયા અને આફ્રિકાના શરણાર્થીઓ માટે ‘વર્લ્ડ સ્પૉન્સરશિપ્સ’ નામક સંસ્થાની રચના પણ તેમણે કરી. તેમના નજીકનાં સહકાર્યકરો માટે ‘લા’ યુરોપ દ કુર ઓ સર્વિસ દ્યુ મોંદ’ નામનું એક સંગઠન રચ્યું હતું.

વિશ્વમાં શાંતિની સ્થાપના માટે 1966માં તેમણે ‘બાતિર લા પીસ’ (‘Building Peace’) નામક ગ્રંથ પ્રકાશિત કર્યો હતો.

રક્ષા મ. વ્યાસ