પાઇરોપ (pyrope) : ગાર્નેટ વર્ગનું ખનિજ. રોડોલાઇટ તેનો પેટાપ્રકાર છે. નેસોસિલિકેટ પ્રકારનું ખનિજ. રાસા. બં. : Mg3A12Si3O12. સ્ફ. વ. : ક્યૂબિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો જૂજ, પરંતુ તે ડૉડેકાહેડ્રલ કે ટ્રૅપેઝોહેડ્રલ સ્વરૂપના હોય છે; ક્યારેક ગોળાકારમાં પણ મળે કે ખડકોમાં જડાયેલા દાણાઓ રૂપે મળે. પારદર્શકથી પારભાસક. સંભેદ : નથી. ભં. સ. : વલયાકાર; બરડ. ચ. : કાચમય. રં. : ગુલાબી-લાલ, જાંબલી-લાલ, કેસરી-લાલ, કિરમજી-લાલ; ક્વચિત્ લગભગ કાળો. ક. : 7થી 7.5. વિ. ઘ. : 3.5થી 3.8. પ્રા. સ્થિતિ : પૅરિડોટાઇટ અને સર્પેન્ટિનાઇટ જેવા અલ્ટ્રાબેસિક અગ્નિકૃત ખડકો સાથે ઑલિવિન, સર્પેન્ટાઇન અને ક્રોમાઇટ સહિત સંકળાયેલું મળે છે; તેમાંથી પ્રાપ્ત પદાર્થ કણજન્ય સ્વરૂપે પણ મળે છે; ઇક્લોગાઇટમાં, હૉર્નબ્લેન્ડ-ગાર્નેટ પ્લેજિયોક્લેઝ ખડકોમાં, અને કેટલાક પ્રી-કૅમ્બ્રિયન ઍનૉર્થોસાઇટમાં પણ મળે છે. પ્રા. સ્થાનો : યુ.એસ., બોહેમિયા, ચેકોસ્લોવાકિયા, શ્રીલંકા, ભારત (તમિળનાડુ), દ. આફ્રિકાના હીરાધારક પૅરિડોટાઇટમાં અને ઑસ્ટ્રેલિયા તેમ જ જર્મનીમાંથી મળે છે. ઉપયોગ : અર્ધકીમતી ખનિજ સ્વરૂપે ઉપરત્ન તરીકે ઉપયોગમાં લેવાય છે.

ગિરીશભાઈ પંડ્યા