પાંડ્ય શિલ્પકલા : સુદૂર દક્ષિણમાં પાંડ્ય રાજ્યમાં 8મી સદીથી પ્રચલિત થયેલ શિલ્પશૈલી. પલ્લવ શૈલીનાં પ્રભાવવાળાં પાંડ્ય સ્થાપત્યોમાં શિલ્પો પણ એનાથી પ્રભાવિત હોવાનું જણાય છે. તિરુમલાઈપુરમનું શૈલમંદિર પૂર્વકાલીન પાંડ્યશૈલીનું સારું દૃષ્ટાંત પૂરું પાડે છે. એના બ્રહ્મા, નૃત્ય કરતા શિવ તથા વિષ્ણુ અને ગણેશનાં શિલ્પોમાં દેહનું સ્થૂળપણું અને અન્ય સુશોભનોની સજાવટમાં સાદાઈ એ આ કલાની નોંધપાત્ર વિશેષતા છે. આ ગુફાના દ્વારપાલો પણ પલ્લવ દ્વારપાલોને બિલકુલ મળતા જણાય છે. તિરુપ્પરંકુર્ણમ્, સેંદ્રમરમ્, કુંન્નકુડી, ચોક્કમપટ્ટી અને અન્ય સ્થળોએ પણ કંડારાયેલી ગુફાઓ પર શૈલીનાં અંશમૂર્ત શિલ્પો નજરે પડે છે.
તિરુપ્પરંકુર્ણમની ગુફામાં એક સુંદર શિલ્પપટ્ટિકામાં નૃત્ય કરતા શિવનું મનોરમ આલેખન છે. શિવ એક હાથમાં નંદિધ્વજ ધારણ કરીને ચતુર નૃત્ય કરી રહ્યા છે. આ નૃત્યને વાદક ગણો, પાર્વતી તથા નંદી રસપૂર્વક નિહાળી રહ્યાં છે. સમગ્ર દૃશ્ય જીવંત અને અત્યંત ભાવપૂર્ણ બન્યું છે. કળુગુમલઈના શૈલગૃહમાં કંડારેલાં શિવ, પાર્વતી, નંદી અને શિવગણોનાં શિલ્પો પણ એવાં જ જીવંત છે. એમાં શિવગણોના વિવિધ પ્રકારે બાંધેલા જટાજૂટ, મુખપર હાસ્ય, ક્યારેક ગાતા, ક્યારેક નાચતા, વાજિંત્ર વગાડતા, વિમાનને ટેકો આપતા કે એકબીજા સાથે મસ્તી કરતા બતાવાયા છે. અહીં દક્ષિણામૂર્તિ શિવને મૃદંગ વગાડતા દર્શાવ્યા છે, જે આ પ્રકારનું અદ્વિતીય શિલ્પ મનાય છે. બ્રહ્મા, વિષ્ણુ, નરસિંહ, સ્કંદ, ચંદ્ર અને સૂર્યનાં આલેખન પણ થયાં છે. સુરસુંદરીઓની કેશરચના અને પ્રસાધનમાં વરતાતું વૈવિધ્ય તેમજ તેમની અનેકવિધ અંગભંગીઓ આકર્ષક છે.
પ્રવીણચંદ્ર પરીખ