પાંડુ : મહાભારતનું એક પ્રસિદ્ધ પાત્ર. યુધિષ્ઠિર વગેરે પાંચ ભાઈઓ પાંડુના પુત્રો હોવાથી ‘પાંડવો’ કહેવાયા.
હસ્તિનાપુરના રાજા શાંતનુ યમુનાતીરના ધીવરરાજની પુત્રી મત્સ્યગંધાને પરણ્યા. તેના બે પુત્રોમાંથી મોટા ચિત્રાંગદનું યુદ્ધમાં મૃત્યુ થયું. નાના પુત્ર વિચિત્રવીર્યનો રાજ્યાભિષેક કર્યા પછી, પુત્રીઓ માટે કાશીરાજે યોજેલા સ્વયંવરમાંથી એ ત્રણેયને ભીષ્મ, વિચિત્રવીર્ય માટે, અપહરણ કરીને લઈ આવ્યા. તેમાંથી મોટી અંબા, મનોમન શાલ્વરાજને વરી ચૂકી હોવાથી, ભીષ્મે તેને જવા દીધી. બાકીની બે-અંબિકા અને અંબાલિકા-ને વિચિત્રવીર્ય પરણ્યો, પરંતુ સાત વર્ષના દાંપત્યજીવનને અંતે અતિવિલાસિતાને કારણે ક્ષયરોગનો ભોગ બનેલો વિચિત્રવીર્ય નિ:સંતાન મૃત્યુ પામ્યો.
વંશસાતત્ય માટે સચિંત મત્સ્યગંધાએ, ભીષ્મ સાથે મંત્રણા કર્યા પછી, કન્યાકાળ દરમિયાન મહર્ષિ પરાશર સાથેના સંબંધથી જન્મેલા પોતાના પુત્ર વ્યાસને બોલાવ્યા અને, તે સમયની ધર્મશાસ્ત્ર-સંમત નિયોગની પ્રથા પ્રમાણે, વિચિત્રવીર્યની વિધવાઓ સાથે દેહસંબંધ કરી, તેમને પુત્રો આપવા વિનંતી કરી.
પરંતુ વ્યાસ કાંઈ રૂપાળા નહોતા : રંગ કાળો, જટા પીળી, મૂછો કાબરચીતરી, આંખો અંગારા જેવી અને દેહ દુર્ગંધભર્યો ! આવો એમનો દીદાર દેખતાં જ અંબાલિકા ફિક્કીફચ્ચ થઈ ગઈ, તેથી એની કૂખે જન્મેલો પુત્ર પણ એવો જ, પાંડુરોગ-ગ્રસ્ત થયો અને તેથી નામ પણ ‘પાંડુ’ પડ્યું. મોટો ભાઈ ધૃતરાષ્ટ્ર અંધ હોવાથી હસ્તિનાપુરનું રાજ્ય રાજા તરીકે તેણે સારી રીતે ચલાવેલું.
મૃગયાના શોખીન આ પાંડુના હાથે, એક વાર સંભોગાવસ્થામાં લીન એવા કિંદમ મુનિની હત્યા થઈ ગઈ; ત્યારે ‘તારું પણ આવી જ અવસ્થામાં મૃત્યુ થશે !’ એવો શાપ કિંદમે પાંડુને આપ્યો. પાંડુરોગ સાથે જ જન્મેલા પાંડુ માટે પહાડોની સૂકી હવા અને બ્રહ્મચર્ય હવે અનિવાર્ય બન્યાં. તેથી બંને પત્નીઓ કુન્તી અને માદ્રી સાથે તે હિમાલયના વનપ્રદેશમાં જઈ વસ્યો.
પિતૃ-ઋણ પરિપૂર્ણ કરવાની સમસ્યાનો ઉકેલ એ સહુ આ રીતે લાવ્યાં. કન્યા-અવસ્થામાં, સંતાનોત્પત્તિ માટે દુર્વાસા તરફથી કુન્તીને મળેલા મંત્રની મદદથી કુન્તીને ધર્મ, વાયુ અને ઇન્દ્ર દ્વારા, અનુક્રમે યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન એ ત્રણ અને માદ્રીને અશ્ર્વિનીકુમારો દ્વારા નકુલ-સહદેવ એ બે – એ રીતે કુલ પાંચ પુત્રો પ્રાપ્ત થયા.
થોડાં વર્ષો પછી, એક કામોદ્દીપક વસંતઋતુ દરમિયાન, કિંદમમુનિના શાપ પ્રમાણે, પાંડુ માદ્રીના મદનપાશમાં જ મૃત્યુ પામ્યો.
જયાનંદ દવે