પહાડે, નાથુભાઈ (જ. 1922, રાંદેર, જિ. સૂરત; અ. 10 મે 1998, – સૂરત) : તરણના ક્ષેત્રે અનેક સાહસો દ્વારા વિક્રમો સર્જીને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું નામ ઉજાળનાર ગુજરાતી તરણવીર. જન્મ સાધારણ મધ્યમવર્ગના પરિવારમાં. પિતાનું નામ ગણેશભાઈ. ભરતનાટ્યમ્ આદિ શાસ્ત્રીય નૃત્યોમાં પ્રશિક્ષણ લઈ કુશળતા પ્રાપ્ત કરી હતી.
ભાવાભિવ્યક્તિમાં એકસાથે એક આંખમાં હાસ્ય અને બીજી આંખમાં રુદન લાવી શકતા. દરમિયાન તરણમાં આકર્ષણ વધતાં તરણમાં પણ ઊંચી સિદ્ધિ પ્રાપ્ત કરી. નૃત્યોના સાર્વજનિક કાર્યક્રમો આપતા તે પછી ઘટવા લાગ્યા અને તરણના સાહસપૂર્ણ પ્રયોગો વધવા લાગ્યા. 1964માં તાપી નદીમાં હાથેપગે સાંકળબેડી બાંધીને સૂરતથી હજીરા 24 કિમી. તરીને તેમણે એમના તરણસાહસનો આરંભ કર્યો. તેઓ તરણક્ષેત્રે ઝડપથી એક પછી એક સાહસ કાર્યક્રમો આપવા લાગ્યા. તા. 27 ઑક્ટોબર, 1967ના દિવસે મહારાષ્ટ્રના ઉરણથી મુંબઈના પ્રવેશદ્વાર(ગેટવે ઑવ્ ઇન્ડિયા)નું સીધી રેખામાં 29 કિમી., પણ તરવામાં થતું 35 કિમી.થી વધારે અંતર તેઓ તર્યા. 1970ના એપ્રિલમાં શ્રીલંકાના તલાઇમનારથી ભારતના ધનુષકોટિ સુધીનું 35 કિમી.થી વધારે અંતર હાથેપગે સાંકળબેડી બાંધીને તરવાનો કાર્યક્રમ યોજ્યો. રામેશ્વરમ્ ગયા પણ ખરા, પણ નોકરશાહીએ તેમને પાછા કાઢ્યા. 1971માં ફરી કાર્યક્રમ યોજ્યો. નીકળતા પૂર્વે સઘળી સરકારી આવશ્યકતાઓ પરિપૂર્ણ કરીને રામેશ્વરમ્ થઈ ધનુષકોટિ પહોંચ્યા. પણ, હવે નવું વિઘ્ન આવ્યું. આતંકવાદી પ્રવૃત્તિ ઉગ્ર બનવાથી શ્રીલંકા તરફથી અનુમતિ મળવાનું અનિશ્ચિત બન્યું. ભરતીના સમયને ગણતરીમાં નહિ લેવાયેલો તેથી પ્રાયોગિક તરણોમાં નાથુભાઈને અધવચ્ચે નૌકામાં લઈ લેવા પડ્યા. શ્રીલંકાની અનુમતિનો પ્રશ્ન પણ હતો. એક સમયે તો તેમણે ચૂપચાપ વિના અનુમતિએ તરવા ઝંપલાવવાનો વિચાર પણ કર્યો; પણ બંને દેશોના તટરક્ષકો ભરી બંદૂકે સાગર પર બાજદૃષ્ટિથી ચોકી કરી રહ્યા હતા.
માણસખાઉ શાર્ક માછલીઓથી સાગર ઊભરાતો હતો; પણ ઢનિર્ધારના બળે નાથુભાઈએ મોડેથી પણ આ સાહસ સિદ્ધ કરી બતાવ્યું. આ પહેલાં તેમણે પાંચ સાગરોમાં તરણ કર્યું અને સાત સાગરો તરવામાં પણ પાછા ન પડ્યા. તરણમાં તેમ દોડમાં પણ તે ઝીણાભાઈની જેમ અતિસાહસિક રહ્યા. 1980માં તેમણે અમદાવાદથી પૃથ્વીપ્રદક્ષિણા માટે 52,000 કિમી.ની દોડ આરંભી. ‘આ બધું શા માટે ?’ – એમ પુછાતાં તેમનો ઉત્તર આવો મળતો : ગુજરાતી યુવાનોને ગુજરાત બહારના પ્રદેશોમાં લોકો માનભરી દૃષ્ટિથી જોતા થાય તે માટે.
બંસીધર શુક્લ