પસંદગીના લેણદારો (પસંદગીનાં દેવાં) : નાદારી અને ફડચાની કાર્યવહી દરમિયાન દેવાદારના અરક્ષિત લેણદારો (unsecured creditors) પૈકી જેમને અગ્રતાક્રમે પ્રથમ ચુકવણી કરાય છે તેવા લેણદારો. દેવાદારની કુલ મિલકતો કરતાં તેની કુલ જવાબદારી વધારે હોય તેવી પરિસ્થિતિમાં; વ્યક્તિ, હિન્દુ અવિભક્ત કુટુંબ અને પેઢીની બાબતમાં; કૉલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં પ્રેસિડન્સી ટાઉન્સ ઇન્સૉલ્વન્સી ઍક્ટ-1909 અને તે સિવાયના ભારતનાં બધાં સ્થળોમાં પ્રોવિન્શિયલ ઇન્સૉલ્વન્સી ઍક્ટ-1920 હેઠળ ન્યાયાલય દ્વારા ઑફિશિયલ રિસીવરની નિમણૂક કરીને, નાદારીની કાર્યવહી કરવામાં આવે છે. થોડા તફાવત સિવાય આ બંને અધિનિયમ લગભગ સરખા છે. મર્યાદિત જવાબદારીવાળી એટલે કે લિમિટેડ કંપનીની બાબતમાં કંપનીઝ ઍક્ટ-1956 હેઠળ ન્યાયાલય ઑફિશિયલ લિક્વિડેટરની નિમણૂક કરીને કંપનીને ફડચામાં લઈ જવાની અને તેને સમેટવા(winding-up)ની કાર્યવહી કરે છે. નાદારી તથા ફડચાની કાર્યવહીમાં સુરક્ષિત લેણદારો(secured creditors)નાં દેવાંની પ્રથમ ચુકવણી કરાય છે. જો ગીરો મૂકેલી કે તારણ તરીકે દર્શાવેલી મિલકતો પૂરતી હોય તો સુરક્ષિત લેણદારોનાં દેવાં પૂરેપૂરાં ચૂકવાય છે; પરંતુ જો મિલકતો અપૂરતી હોય તો દેવાંનો વણચૂકવાયેલો ભાગ અરક્ષિત લેણદારોની સાથે ગણતરીમાં લેવાય છે. બધા અરક્ષિત લેણદારો પૈકીના કેટલાક અરક્ષિત લેણદારોને ઉપર્યુક્ત ત્રણે અધિનિયમોની જોગવાઈ હેઠળ પસંદગીના ધોરણે ચુકવણી કરાય છે અને તેથી આ પ્રકારના અરક્ષિત લેણદારોને અગ્રતાક્રમ ધરાવતા લેણદારો (preferential creditors) કહેવામાં આવે છે.
નાદારીની કાર્યવહીમાં (1) સરકાર તથા સ્થાનિક સત્તામંડળોના બાકી રહેલા બધા કરવેરા, (2) કર્મચારીઓનો છેલ્લા 4 મહિનાનો વણચૂકવાયેલો પગાર, (3) મજૂરોની છેલ્લા 4 મહિનાની વણચૂકવાયેલી મજૂરી અને (4) એક માસનું વણચૂકવાયેલું મકાનભાડું – આ બધાંને અગ્રતાક્રમ ધરાવતા લેણદારો તરીકે પ્રથમ ચુકવણી કરાય છે.
ફડચા અને સમેટવાની કાર્યવહીમાં (1) કંપનીને સમેટવાની કાર્યવહી શરૂ થવાના 12 માસ અગાઉ દેય (due) અને ભરવાપાત્ર (payable) થયેલાં મહેસૂલ, કેન્દ્ર અને રાજ્ય સરકારના કરવેરા, ઉપકર (cess), દાણ અને સ્થાનિક કરવેરા, (2) કાર્યવહી શરૂ થવાના 4 માસ અગાઉ સુધીના કારકુન અને કામદારનાં પગાર અને મજૂરી, (3) કાર્યવહી શરૂ થવાના કારણે પ્રત્યેક નોકરિયાતને આપવાપાત્ર એકત્રિત થયેલી રજાઓનું મહેનતાણું, (4) એમ્પ્લૉઇઝ સ્ટેટ ઇન્સ્યૉરન્સ ઍક્ટ-1948 હેઠળ 12 માસ અગાઉ સુધીનો માસિક ભરવાપાત્ર ફાળો, (5) વર્કમૅન્સ કૉમ્પેન્સેશન ઍક્ટ-1923 હેઠળ ચૂકવવાપાત્ર બધા પ્રકારનાં વળતર, (6) પ્રૉવિડન્ટ ફન્ડ, પેન્શન ફન્ડ, ગ્રેચ્યુઇટી ફન્ડ અને મજૂરકલ્યાણ ફન્ડ હેઠળ ચૂકવવાપાત્ર થયેલી રકમ, અને (7) કંપની સામે ચાલતા અન્વેષણ અંગે કંપનીએ આપવાપાત્ર ખર્ચાની રકમ – આ સર્વ લેણાંની ચુકવણી અગ્રતાક્રમે પહેલી કરવી જરૂરી હોઈ તે લેણાં જેમનાં છે તે લેણદારોને પસંદગીના લેણદારો લેખવામાં આવે છે.
જયન્તિલાલ પો. જાની