પશ્ચિમ એશિયા : એક જમાનામાં મધ્યપૂર્વ તરીકે ઓળખાતા દેશોનો વિસ્તાર. હકીકતની દૃષ્ટિએ વિચારીએ તો કોઈ પણ ભૌગોલિક વિસ્તાર માટે ‘પશ્ચિમ એશિયા’ એવો શબ્દપ્રયોગ સ્પષ્ટપણે વપરાતો જણાતો નથી. ઓગણીસમી સદીમાં આ માટે ‘મધ્યપૂર્વના દેશો’ એવો શબ્દપ્રયોગ થતો હતો; પરંતુ ‘મધ્ય-પૂર્વ’માં કયા દેશોનો સમાવેશ કરવો તે અંગે તે સમય દરમિયાન પણ અભ્યાસીઓમાં મતભેદ પ્રવર્તતા હતા.
પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં ‘મધ્યપૂર્વ’ શબ્દ જે દેશોના સમૂહ માટે વપરાતો તેમાં અરેબિયા, ઈરાન, મેસોપોટેમિયા, પર્શિયાના અખાતનો વિસ્તાર તથા અફઘાનિસ્તાનનો સમાવેશ થતો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અંગ્રેજોએ ભારતની પશ્ચિમે આવેલા એશિયાના દેશો તેમજ ભૂમધ્ય સમુદ્રને કાંઠે આવેલા ઉત્તર આફ્રિકાનાં રાજ્યોને ‘મધ્યપૂર્વ’ નામથી ઓળખવાનું શરૂ કર્યું, જેમાં કુલ 21 દેશોનો સમાવેશ થતો હતો. આ 21 દેશોમાંના લિબિયા, ઇથિયોપિયા અને સોમાલીલૅન્ડ જેવા દેશો હવે આફ્રિકા ખંડના દેશો ગણાય છે. ભૂગોળના અભ્યાસ માટે આધારભૂત ગણાતી અમેરિકાની નૅશનલ જ્યૉગ્રાફિક સોસાયટી આ વિસ્તારને ‘ધ લૅન્ડ ઑવ્ નિયર-ઈસ્ટ’ તરીકે ઓળખાવે છે, જ્યારે આ જ વિસ્તારના અભ્યાસ માટે કામ કરતી વૉશિંગ્ટનસ્થિત સંસ્થાને ‘મિડલ-ઈસ્ટ ઇન્સ્ટિટ્યૂટ’ એવું નામ આપવામાં આવ્યું છે. વૉશિંગ્ટન ખાતેનું અમેરિકી વહીવટી તંત્ર આ વિસ્તારને ‘નિયર ઍન્ડ મિડલ-ઈસ્ટ’ એવા સંયુક્ત નામથી ઓળખે છે. ટૂંકમાં, આ શબ્દપ્રયોગો પશ્ચિમના વિદ્વાનોએ જે તે સમયની પોતાની સગવડ અનુસાર વાપર્યા હોય તેમ જણાય છે; પરંતુ, એશિયાના મોટા ભાગના વિદ્વાનો આ વિસ્તાર ક્ષેત્ર માટે ‘દક્ષિણ-પશ્ચિમ એશિયા’ (નૈર્ઋત્ય એશિયા) અથવા ‘પશ્ચિમ એશિયા’ જેવો શબ્દપ્રયોગ કરે છે. ‘પશ્ચિમ એશિયા’માં આવરી લેવાતા દેશોનો વિસ્તાર જેટલો વ્યાપક છે તેટલો જ તે અનિશ્ચિત પણ છે. પશ્ચિમ એશિયામાં સમાવિષ્ટ થતા દેશોની યાદીમાં અફઘાનિસ્તાન, ઇઝરાયલ, ઇરાક, ઈરાન, ઓમાન, કતાર, કુવૈત, જૉર્ડન, તુર્કી, બહેરીન, લેબેનોન, યેમન, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા તથા સીરિયાનો સમાવેશ થાય છે. આ દેશોની પ્રાથમિક વિગતો પર એક નજર નાંખીએ.
અફઘાનિસ્તાન : વિસ્તાર : 652.090 ચોકિમી.; રાજધાની : કાબુલ; વસ્તી : 3,83,46,720 (2022ના અંદાજ અનુસાર).
ઇઝરાયલ : વિસ્તાર : 21,946 ચોકિમી.; રાજધાની : જેરૂસલેમ; વસ્તી : 96,02,780 (2022ના અંદાજ અનુસાર).
ઇરાક : વિસ્તાર : 4,38,317 ચોકિમી.; રાજધાની : બગદાદ; વસ્તી : 4,04,62,701 (2022ના અંદાજ અનુસાર).
ઈરાન : વિસ્તાર : 1,64,8000 ચોકિમી.; રાજધાની : તહેરાન; વસ્તી ; 8,67,58,304 (2022ના અંદાજ અનુસાર).
ઓમાન : વિસ્તાર : 3,09,500 ચોકિમી.; રાજધાની : મસ્કત; વસ્તી : 45,20,741 (2021ના અંદાજ અનુસાર).
કતાર : વિસ્તાર : 11,437 ચોકિમી.; રાજધાની : દોહા; વસ્તી : 27,95,484 (2020ના અંદાજ અનુસાર).
કુવૈત : વિસ્તાર : 17,819 ચોકિમી.; રાજધાની : કુવૈત; વસ્તી : 44,60,000 (2022).
જૉર્ડન : વિસ્તાર : 97,740 ચોકિમી.; રાજધાની : અમ્માન; વસ્તી : 1,10,42,719 (2021 અંદાજિત).
તુર્કીએ : વિસ્તાર; 7,79,500 ચોકિમી.; રાજધાની : અંકારા; વસ્તી : 8,50,00,000 (2022ના અંદાજ અનુસાર).
બહેરીન : વિસ્તાર : 687.75, ચોકિમી.; રાજધાની : બહેરીન/મનામાય; વસ્તી : 14,63,265 (2021ના અંદાજ અનુસાર).
લેબેનોન : વિસ્તાર : 10,452 ચોકિમી.; રાજધાની : બૈરુત; વસ્તી : 52,96,814 (2022 અંદાજિત).
યેમેન : વિસ્તાર : 5,55,000 ચોકિમી.; રાજધાની : સાના; વસ્તી : 3,09,84,689 (2022).
સંયુક્ત આરબ અમીરાત : વિસ્તાર : 83,657 ચોકિમી.; રાજધાની : અબુધાબી; વસ્તી : 99.9 લાખ (2021ના અંદાજ અનુસાર).
સાઉદી અરેબિયા : વિસ્તાર : 22,00,518 ચોકિમી.; રાજધાની : રિયાધ; વસ્તી : 3.53 કરોડ (2021ના અંદાજ અનુસાર).
સીરિયા : વિસ્તાર : 1,85,200 ચોકિમી.; રાજધાની : દમાસ્કસ; વસ્તી : 2,15,63,800 (2022ના અંદાજ અનુસાર).
પેલેસ્ટાઇનની વસ્તી 50.4 લાખ (2022)
ઐતિહાસિક દૃષ્ટિએ વિશ્વની ચાર મહાન સંસ્કૃતિઓમાંની મેસોપોટેમિયાની સંસ્કૃતિ (ઇરાક) પશ્ચિમ એશિયાના વિસ્તારમાં વિકસી હતી. વિશ્વના મહાન ધર્મોમાંના બે મુખ્ય ધર્મો જરથોસ્તી ધર્મ અને ઇસ્લામ ધર્મ પણ અહીં પાંગર્યા હતા. વિશ્વના પ્રાચીનતમ ધર્મોમાંનો એક યહૂદી ધર્મ પશ્ચિમ એશિયામાં જ ઉદભવ્યો હતો. ઈ. સ.ના છઠ્ઠા સૈકામાં અહીં ઇસ્લામનો ઉદય થયો અને દસમા સૈકા સુધીમાં આ વિસ્તારોમાં ઇસ્લામનો વ્યાપક સ્વીકાર થતાં પશ્ચિમ એશિયાનાં મોટા ભાગનાં રાજ્યો ઇસ્લામી રાજ્યોમાં પલટાયાં. આ દરમિયાન સાતમા સૈકામાં ઈરાન ઇસ્લામી રાષ્ટ્ર બનતાં ત્યાંના મૂળ વતની એવા પારસીઓ સ્થળાંતર કરી ભારતના ગુજરાત વિસ્તારમાં આવીને વસ્યા. અહીં ઇસ્લામ ધર્મનો વ્યાપક ફેલાવો થતાં ઇરાક પ્રાચીન સંસ્કૃતિનું કેન્દ્ર હોવા ઉપરાંત ઇસ્લામી સંસ્કૃતિનું પણ મહત્ત્વનું કેન્દ્ર બન્યું. અહીં કળાકારીગરી, વ્યાપાર-ધંધા, હુન્નર-ઉદ્યોગ અને વિવિધ વિદ્યાઓનો વિકાસ થયો. બગદાદમાં આવેલું પુરાતત્ત્વવિદ્યાઓનું મહાવિદ્યાલય અને પુરાતન વિદ્યાઓનું સંગ્રહાલય આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવે છે. આમ પશ્ચિમ એશિયાનાં અન્ય રાજ્યો પણ વિકાસની દિશામાં પ્રયત્નશીલ બન્યાં છે.
બારમીથી ચૌદમી સદી દરમિયાન યુરોપની પ્રજાઓ તુર્કસ્તાનના માર્ગે એશિયામાં પ્રવેશી. ઈ. સ. 1453માં તુર્કોએ કૉન્સ્ટન્ટિનોપલ (ઇસ્તંબુલ) જીતી લેતાં જમીનમાર્ગે વેપાર-ધંધા રૂંધાયા. આથી યુરોપીય પ્રજાઓએ એશિયામાં પ્રવેશવાના નવા માર્ગો શોધ્યા.
પશ્ચિમ એશિયાના આ દેશો કેટલીક ખાસિયતો ધરાવે છે. પ્રથમ તો, આ દેશો એશિયાના ચીન અને ભારત જેવા દેશોની તુલનામાં નાનું કદ ધરાવે છે. મોટાભાગના દેશો પાતળી વસ્તી ધરાવે છે. એકાદ અપવાદ બાદ કરતાં આ તમામ દેશો વિકસતા દેશો છે અને એ રીતે જ તે ઓળખાય છે.
બીજું, આ દેશોમાંના મોટા ભાગના દેશો ‘કાળા સોના’ તરીકે ઓળખાતા ખનિજ તેલના અઢળક ભંડાર ધરાવે છે. વિશેષે આરબ દેશો વ્યાપક પ્રમાણમાં ખનિજ તેલના ભંડારો ધરાવતા હોવાથી તેમની જીવન-શૈલી પર તેની અસર સ્પષ્ટ રીતે દેખાય છે.
ત્રીજું, આ દેશોએ તેમની લશ્કરી શક્તિનો ઘણો વિકાસ કર્યો છે.
ચોથું, આમાંથી મોટા ભાગના દેશો ઇસ્લામ ધર્મનો પ્રસાર-પ્રચાર કરી એક સામૂહિક ધાર્મિક તાકાત ઊભી કરવા સતત પ્રયત્નશીલ છે.
આમ છતાં તેમની કેટલીક મર્યાદાઓ પણ સ્પષ્ટપણે ઊપસી આવે છે : મોટા ભાગના દેશો ધાર્મિક સંકુચિતતા અથવા ધર્મઝનૂનથી પીડાયેલા દેખાય છે. પરિણામે ઇસ્લામી રાષ્ટ્રો હોવા છતાં પ્રત્યેક ઇસ્લામી રાષ્ટ્રને તેના પડોશી દેશ સાથે સુમેળભર્યા સંબંધો હોય તેવું લાગતું નથી. તેમની વચ્ચે સરહદી સંઘર્ષો એ એક સામાન્ય લક્ષણ બની રહ્યું છે. અફઘાનિસ્તાન જેવા દેશો આંતરવિગ્રહને કારણે તબાહીની દિશામાં છે તો ઇરાક અપરિપક્વ રાજનીતિને કારણે પ્રજાજીવનને બરબાદ કરી રહ્યું હોય તેમ લાગે છે.
આમાંનાં મોટાભાગનાં ઇસ્લામી રાષ્ટ્રોમાં સ્ત્રીસ્વાતંત્ર્યનો અને વ્યાપક શિક્ષણનો અભાવ છે. આ પ્રજાઓ સંકુચિત રાષ્ટ્રવાદથી પણ પીડાય છે. પડોશી દેશો સાથેના સતત સંઘર્ષો અને યુદ્ધને કારણે આધુનિક વિકાસની દિશામાં તેઓ પૂરતી ગતિ કરી શકતા નથી. વિજ્ઞાન અને તેની પ્રગતિથી આ દેશો લગભગ અજાણ હોય તેમ લાગે છે.
બિનલોકશાહી રાજકીય પદ્ધતિ, વ્યાપક નિરક્ષરતા, સ્વતંત્રતાવિહીન સ્ત્રીવર્ગ, અરસપરસના દેશો વચ્ચે ચાલતા લોહિયાળ સંઘર્ષો, કુદરતી સંપત્તિનો વ્યાપક દુરુપયોગ – આ બધાંને કારણે આ દેશો આર્થિક રીતે ઘણા પછાત રહ્યા છે.
પશ્ચિમ એશિયા વિસ્તારની વણઊકલી સમસ્યા છે પૅલેસ્ટાઇન. હિબ્રુ નેતા રાજા ડેવિડે ઈ. સ. પૂ. 1000માં યુનાઇટેડ કિંગ્ડમ ઑવ્ ઇઝરાયલની સ્થાપના કરી હતી. ત્યારબાદ ઈ. સ. 63માં રોમન સામ્રાજ્યે જેરૂસલેમ જીતી લેતાં, ત્યાંની મૂળ યહૂદી પ્રજાએ તેની વિરુદ્ધ બળવો કર્યો. પરિણામે ઈ. સ. 70માં રોમનોએ જેરૂસલેમનો વિનાશ કર્યો. આ ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં પૅલેસ્ટાઇનનું રાજ્ય યહૂદીઓનું રાજ્ય છે તેવો તેમનો દાવો હતો. ઈ. સ. 636માં ઇસ્લામધર્મી આરબોએ આ વિસ્તાર જીતી લઈને તેને `પૅલેસ્ટાઇન’ નામથી ઓળખાવ્યો. યહૂદીઓ અને ઇસ્લામધર્મીઓ વચ્ચે વારંવાર સંઘર્ષ થતાં આ વિસ્તારમાં ધર્મયુદ્ધો થવા લાગ્યાં. આ સમય દરમિયાન રશિયા અને પોલૅન્ડમાં યહૂદીવિરોધી હુલ્લડો થવાથી યહૂદીઓ પૅલેસ્ટાઇન વિસ્તારમાં પાછા ફરવા લાગ્યા અને પરિણામે અહીં યહૂદી વસાહતીઓની સંખ્યામાં સારો એવો વધારો થયો. 1897ની પ્રથમ ઝાયોનિસ્ટ કૉંગ્રેસમાં તેમણે પ્રથમ વાર પૅલેસ્ટાઇનમાં યહૂદીઓની કાયમી માતૃભૂમિની સ્થાપનાની માગણી કરી.
1909માં ત્યાં માત્ર યહૂદીઓનું બનેલું પહેલું નગર તેલ અવીવ સ્થાપવામાં આવ્યું. પહેલા વિશ્વયુદ્ધ (1914-18) દરમિયાન બ્રિટિશ સેનાએ ત્યાં વસતા તુર્કોને હાંકી કાઢ્યા અને બીજી તરફ બ્રિટિશ સરકારે યહૂદીઓની રાષ્ટ્રવાદી માગણીને ટેકો આપ્યો. 1922માં લીગ ઑવ્ નૅશન્સે પૅલેસ્ટાઇનને બ્રિટિશ વહીવટી તંત્ર હેઠળ મૂકતાં આરબોએ તેની વિરુદ્ધ બળવો કર્યો. આથી પૅલેસ્ટાઇન અંગે ઈ. સ. 1937માં પીલ કમિશન નીમવામાં આવ્યું. આ કમિશને પૅલેસ્ટાઇનના ભાગલા કરી યહૂદી અને આરબ એવાં અલાયદાં રાજ્યોની સ્થાપના કરવાની ભલામણ કરી.
બીજા વિશ્વયુદ્ધ (1939-45) સમયે મિત્રરાજ્યોનાં લડાયક દળોમાં આરબ અને યહૂદી પૅલેસ્ટાઇનવાસીઓએ સેવાઓ આપી. આ જ અરસામાં યુરોપના જર્મની જેવા દેશોમાં યહૂદીઓ વિરુદ્ધ ધિક્કારનું વ્યાપક વાતાવરણ સર્જાયું. પરિણામે યહૂદીઓની મોટા પાયે કતલ કરાતાં યુરોપના ઘણા દેશોમાંથી યહૂદીઓએ પૅલેસ્ટાઇન તરફ હિજરત કરી. આથી યહૂદીઓની માતૃભૂમિની માગણીને નવું બળ મળ્યું. વિશ્વયુદ્ધ બાદ આ વિસ્તારમાં કાયમી વસવાટ અંગેના કાયદાઓમાં નિયંત્રણો જાહેર કરાતાં યહૂદી ગેરીલા-જૂથો દ્વારા બ્રિટિશરોની વિરુદ્ધ હિંસા ભડકી ઊઠી. 1947માં રાષ્ટ્રસંઘે પૅલેસ્ટાઇનના ભાગલાની બ્રિટિશ દરખાસ્ત મંજૂર રાખી. 14મી મે, 1948ના રોજ ઇઝરાયલના અલાયદા અને સ્વતંત્ર યહૂદી રાજ્યની ઘોષણા કરવામાં આવી. ત્યારપછીના ગાળામાં હારબંધ આરબ-ઇઝરાયલી યુદ્ધો થવા લાગ્યાં અને પશ્ચિમ એશિયાનો આ વિસ્તાર અશાંત વિસ્તાર બની ગયો. અલબત્ત, આ ગાળા દરમિયાન ઇઝરાયલ સૈન્ય શક્તિમાં વધુ ને વધુ મજબૂત બનતાં આ શ્રેણીબદ્ધ યુદ્ધો મુખ્યત્વે ઇઝરાયલના પ્રાદેશિક લાભમાં પરિણમ્યાં. આ યુદ્ધો દરમિયાન પૅલેસ્ટાઇનના કેટલાક વિસ્તારો ઇજિપ્ત અને જૉર્ડને પણ કબજે કર્યા. પૅલેસ્ટાઇનના ઘણા આરબોને ત્યાંથી ખસેડવામાં આવ્યા.
આરબો આ પરિસ્થિતિનો સતત વિરોધ કરતા રહ્યા. છેવટે, આ વિરોધમાંથી 1964માં પૅલેસ્ટાઇન લિબરેશન ઑર્ગેનિઝેશન (PLO)ની રચના કરવામાં આવી. આ સાથે ઇઝરાયલના નવા રચાયેલા યહૂદી રાજ્ય વિરુદ્ધ ગેરીલા યુદ્ધનો આરંભ થયો, જેનું નેતૃત્વ યાસર અરાફતે સંભાળ્યું. આરબો અને ઇઝરાયલ વચ્ચેના એક દસકાના સતત સંઘર્ષ બાદ 1974માં રાષ્ટ્રસંઘની સામાન્ય સભાની ખાસ બેઠક બોલાવવામાં આવી, જે રાષ્ટ્રસંઘની બધા સભ્યો હાજર હોય તેવી બેઠક (plenary session) હતી. તેમાં પી. એલ. ઓ.ના પ્રથમ બિનસરકારી પ્રતિનિધિમંડળને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જોકે ત્યાં સુધી ઇઝરાયલ વિરુદ્ધનું ગેરીલા-યુદ્ધ સંપૂર્ણ સમાપ્ત થયું નહોતું. છતાં પી. એલ. ઓ. મંત્રણાઓ માટે તૈયાર થયું હતું. 1988માં પી. એલ. ઓ. નેતા યાસર અરાફતે યુદ્ધનો માર્ગ છોડી મંત્રણાઓ કરવાની સંમતિ આપી. આમ આરબ-ઇઝરાયલ વચ્ચે યુદ્ધનો દોર પૂરો થયો અને વાટાઘાટો આરંભાઈ, જેમાં બંને જૂથોએ અમેરિકાની મધ્યસ્થી માન્ય રાખી હતી. 1991માં ઇરાકે કુવૈત પર આક્રમણ કરતાં ફરી અખાતી યુદ્ધ શરૂ થયું. આ સંજોગોમાં પશ્ચિમ એશિયામાં સ્થિરતા લાવવા માટે પૅલેસ્ટાઇન રાજ્યનો પ્રશ્ન રાજકીય પુનર્વિચારણા માટે રજૂ થયો. 1993માં ઇઝરાયલ અને પી. એલ. ઓ. વચ્ચે પારસ્પરિક સમજૂતીના ઐતિહાસિક કરાર થયા. તદનુસાર, ગાઝાપટ્ટી અને પશ્ચિમ કાંઠા (west bank)ના જેરિકો નગરમાં વચગાળાના સમય પૂરતું સ્વશાસન આવે અને સાથોસાથ ઇઝરાયલ જીતેલા પ્રદેશોમાંથી પોતાનાં દળો પાછાં ખેંચી લે તેમ સ્વીકારવામાં આવ્યું. તે મુજબ 1995ના ડિસેમ્બર મહિના સુધીમાં પશ્ચિમ કાંઠાનાં છ શહેરોમાંથી ઇઝરાયલે પોતાનાં દળો પાછાં ખેંચી લીધાં. 1996માં યાસર અરાફત સ્વ-શાસિત પૅલેસ્ટેનિયન નૅશનલ કાઉન્સિલના પ્રમુખ ચૂંટાયા. આથી પૅલેસ્ટાઇનના અલગ રાજ્યની રચનાની દિશામાં કંઈક પ્રગતિ થઈ એમ કહી શકાય. 19 મે, 1998ના રોજ યાસર અરાફતે જાહેર કર્યું છે કે તેઓ મે, 1999 સુધીમાં સ્વતંત્ર પૅલેસ્ટાઇન રાજ્યની સ્થાપનાની અધિકૃત ઘોષણા કરશે.
રક્ષા મ. વ્યાસ