પશુસંવર્ધન

January, 1999

પશુસંવર્ધન

માનવીને ઉપયોગી એવાં પાલતુ પશુઓનો ઉછેર. પશુસંવર્ધન એ માનવીનો મહત્વનો પ્રાચીન વ્યવસાય છે. આપણા પૂર્વજો શરૂઆતથી જ વિશિષ્ટ પશુઓની ઉપયોગિતાથી પરિચિત હતા. શરૂઆતમાં માનવીએ પ્રાણીઓનો ઉપયોગ ખોરાક તરીકે અને શરીરના રક્ષણાત્મક આવરણ (ચામડા) માટે કર્યો તેમજ ક્રમશ: જુદા જુદા તબક્કે વધુ ને વધુ જાતિઓનાં પ્રાણીઓનો ઉપયોગ શરૂ થયો. માનવીના વિકાસ સાથે પશુપાલનનો વ્યવસાય પણ વિકસ્યો.

પ્રાણીઓની/પશુઓની ઉત્પાદકતા વધારવા માટેનાં પશુસંવર્ધન, પશુમાવજત અને પશુપોષણ – એ ત્રણ મહત્વનાં પાસાંઓ છે. પશુપોષણ અને પશુઓની માવજત દ્વારા ઉત્પાદકતામાં સુધારો લાવી શકાય, પરંતુ આ સુધારો હંગામી સ્વરૂપનો હોય છે અને સંતાનોમાં ઊતરી આવતો નથી; જ્યારે પશુસંવર્ધન દ્વારા મેળવેલ સુધારો કાયમી હોય છે અને સંતાનોમાં પણ ઊતરી આવે છે. પશુસંવર્ધનના કાર્યક્રમો દ્વારા પશુઓની ઉત્પાદનશક્તિ માટેની આનુવંશિક ગુણવત્તામાં સુધારો થાય છે અને તે સંતાનોમાં ઊતરી આવે છે. આમ પશુઓની ઉત્પાદકતા/ઉત્પાદનશક્તિ વધારવા માટે પશુસંવર્ધન એક અત્યંત મહત્વનું પાસું છે.

પશુઓની જુદી જુદી જાતિઓ અને જાતિઓમાં જુદી જુદી નસલોના વિકાસના શરૂઆતના તબક્કાઓમાં માનવી કરતાં કુદરતની પસંદગીએ અગત્યનો ભાગ ભજવેલ છે. પશુસંવર્ધનના શરૂઆતના તબક્કાઓ માનવીના અનુભવ તથા પર્યાવરણમાંથી મેળવેલ માહિતી પર આધારિત હતા. અઢારમી સદીની શરૂઆતનાં વર્ષોમાં પશુસંવર્ધનમાં વૈજ્ઞાનિક અભ્યાસ અંગે રસ જાગ્રત થયો. રૉબર્ટ બૅકવેલ નામનો પશુપાલક (1725-1795) સૌપ્રથમ પોતાના ફાર્મના સાંઢ અને નર-ઘેટા આસપાસનાં પશુપાલકોની ગાયો તથા ઘેટીઓને ફળાવવા આપતો અને તેમના દ્વારા પેદા થયેલ ઓલાદોનો અભ્યાસ કરી કયો સાંઢ અને ઘેટો પોતાના ફાર્મનાં જાનવરોને ફળાવવા માટે વાપરવાં તે નક્કી કરતો. આ ઉપરાંત તેણે સગોત્રીય સંવર્ધનના સિદ્ધાંતોનો ઉપયોગ કરી પોતાના ફાર્મનાં જાનવરોમાં સારા પ્રકારનાં જનીનોનું એકત્રીકરણ કર્યું. આ રીતે તેણે માનવીના ખોરાક તરીકે ગાયની ‘લૉંગહૉર્ન’ અને ઘેટાની ‘લિસ્ટર’ નામની માંસ માટેની નસલો વિકસાવી. આ ઉપરાંત તેણે ઘોડાની ‘શાયર’ નામની નસલ પણ વિકસાવી. ત્યારબાદ 1793માં બૅકવેલના વિદ્યાર્થી ચાર્લ્સ કોલિંગ અને તેના ભાઈ રૉબર્ટ કોલિંગે ભેગા મળીને સગોત્રીય સંવર્ધનનો ઉપયોગ કરી ‘શૉર્ટહૉર્ન’ નામની માંસ માટેની ગાયોની નસલ વિકસાવી. સ્વીડનની ‘રેડ વ્હાઇટ’ નસલ પણ શૉર્ટહૉર્ન નસલમાંથી ઉત્પન્ન થઈ.

વીસમી સદીના પૂર્વાર્ધનાં 150 વર્ષોમાં જુદી જુદી નસલોનો સારો વિકાસ થયો. તે સમયમાં પશુઓના બાહ્ય દેખાવ, રંગ રૂપ વગેરેને મહત્વ આપવામાં આવ્યું. મોટાભાગની નસલો માટેના બાહ્ય દેખાવ અને રંગ-રૂપ અંગેના માપદંડો નક્કી કરવામાં આવતા. જુદી જુદી નસલોમાં બાહ્ય દેખાવ અને રંગ-રૂપ પરની પસંદગીને કારણે માંસ-ઉત્પાદન માટેની એબરડીન, અંગુસ, હિયરફૉર્ડ વગેરે ગાયની નસલો વિકસી. જોકે બાહ્ય દેખાવ અને રંગ-રૂપનો સંબંધ દૂધ-ઉત્પાદન સાથે ન હોઈ, ગાયોની આ નસલોમાં દૂધ-ઉત્પાદન માટેની ક્ષમતામાં વધારો ન થયો.

દુધાળુ નસલોના વિકાસ માટે દૂધ-ઉત્પાદન અને ચરબીના ટકા વગેરેની નોંધની ખાસ જરૂર હોય છે. આ અંગેની વ્યવસ્થિત નોંધ રાખવાની શરૂઆત 1895માં ડેન્માર્કમાં થઈ. હોલૅન્ડમાં પણ 1875માં ફ્રિઝિયન નસલની ગાયોની વ્યવસ્થિત નોંધ ‘યૂથપોથી’ (herd-register) રૂપે પ્રકાશિત કરવામાં આવી. તે જ રીતે 1822માં ઘોડાની વિવિધ નસલોની યૂથપોથીઓ ફ્રાન્સ અને જર્મનીમાં પ્રકાશિત થઈ. આ યૂથપોથીઓના વ્યવસ્થિત આયોજન માટે જુદી જુદી નસલો માટેના ‘નસલ સુધારણા સંઘો’ (breed improvement associations) સ્થપાયા. આ સંઘો દ્વારા સભ્યોનાં જાનવરોની વંશાવળી, દૂધ-ઉત્પાદનક્ષમતા, તેમાં ઉપલબ્ધ ચરબીની ટકાવારી વગેરેની વ્યવસ્થિત નોંધ રાખવામાં આવતી. વીસમી સદીની શરૂઆતમાં યુરોપ અને અમેરિકાના દેશોમાં જુદી જુદી નસલો માટેના દુગ્ધ યૂથ સુધારણા સંઘો (dairy herd improvement associations) સ્થપાયા. આ સંઘો દ્વારા બાહ્ય દેખાવ અને રંગ-રૂપને બદલે જાનવરોની ઉત્પાદકતાની નોંધ પર આધારિત પસંદગીની પદ્ધતિ અપનાવવામાં આવી. આ પસંદગીની પદ્ધતિ વધુ વૈજ્ઞાનિક અને સચોટ હોવાથી જુદી જુદી નસલોમાં ઉત્પાદનશક્તિ અંગેની આનુવંશિકતામાં સુધારો થવાથી નસલોની દૂધ-ઉત્પાદનક્ષમતામાં સુધારો થવા લાગ્યો. કાળક્રમે આ પ્રકારનાં મંડળો કે સંઘો ઘેટાં, ડુક્કર અને મરઘાંના સંવર્ધનાર્થે પણ સ્થપાયાં.

વીસમી સદીની શરૂઆતમાં ગ્રેગર મેન્ડલે પ્રતિપાદિત આનુવંશિકતાના સિદ્ધાંતો પ્રત્યે ખાસ ધ્યાન દોરવામાં આવ્યું. યૂથપોથીમાં ઉત્પાદકતા સાથે સંલગ્ન ખાસિયતોની નોંધ વ્યવસ્થિત રાખવાની શરૂઆત થઈ અને જાનવરોની પસંદગીમાં બાહ્ય દેખાવ અને રંગ-રૂપને સ્થાને ઉત્પાદકતા તથા સંલગ્ન ખાસિયતોને મહત્વ આપવામાં આવ્યું. પશુસંવર્ધનના કાર્યક્રમને વેગ મળ્યો.

ભારતમાં વૈજ્ઞાનિક પદ્ધતિએ પશુસંવર્ધનના કાર્યક્રમની શરૂઆત 1928માં ખેતીવાડી માટેના રૉયલ કમિશનની સ્થાપના દ્વારા થઈ. 1929માં ભારતીય કૃષિ અનુસંધાન પરિષદની સ્થાપના થઈ. વૈજ્ઞાનિક રીતે ગાય, ભેંસોના સંવર્ધન-કાર્યક્રમો હાથ ધરાયા. 1941માં યૂથનોંધપોથી રાખવાની શરૂઆત થઈ. આ નોંધપોથીમાં નોંધણી માટે જુદી જુદી નસલો (દા.ત., હરિયાણા, સાહિવાલ, કાંકરેજ, ગીર, ઓન્ગોલ, કાંગાયામ વગેરે) માટેનાં, દૂધ-ઉત્પાનદક્ષમતા માટેનાં ન્યૂનતમ ધોરણો નક્કી કરવામાં આવ્યાં. પ્રથમ પંચવર્ષીય યોજના દરમિયાન પશુસંવર્ધન દ્વારા પશુઓના સર્વાંગી વિકાસ માટે ‘કી વિલેજ યોજના’ હેઠળ 420 ઘટકો ઊભા કરી 1962-63ના વર્ષ સુધીમાં સંવર્ધનયોગ્ય 20થી 25 લાખ ગાય-ભેંસોને આવરી લેવામાં આવી. શરૂઆતનાં વર્ષોમાં (1965 સુધી) શુદ્ધ સંવર્ધન દ્વારા દૂધ-ઉત્પાદનક્ષમતા વધારવા પ્રત્યે ઝોક રહ્યો. 1966માં પ્રથમ સંકર-વાછરડી વિયાઈ અને દૂધ આપતી થઈ. 1942માં ભારતીય પશુ-ચિકિત્સા અનુસંધાન સંસ્થા ઇજ્જતનગરમાં સ્થાપવામાં આવી. આ સંસ્થા દ્વારા કૃત્રિમ બીજદાન પર પુષ્કળ સંશોધનકાર્ય હાથ ધરવામાં આવ્યું અને ત્યારબાદનાં વર્ષોમાં ભારતમાં સર્વત્ર આ પદ્ધતિનો ઝડપથી પ્રચાર થયો. ભારતના સંકર-સંવર્ધન કાર્યક્રમમાં આ પદ્ધતિનો મહત્વનો ફાળો છે. ત્યારબાદનાં વર્ષોમાં ઘનિષ્ઠ પશુસુધારણા યોજનાઓ અને ક્ષેત્રીય સંતાનપરખ કાર્યક્રમ (field progeny testing programme) જેવા કાર્યક્રમો હેઠળ મોટા ભાગનાં ગૌવંશનાં જાનવરોને આવરી લેવાયાં. 1965ના વર્ષમાં રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ(National Dairy Development Board)ની સ્થાપના થઈ. આ સંસ્થા દ્વારા દૂધ-ઉત્પાદક સહકારી સંઘોની સ્થાપના જુદાં જુદાં રાજ્યોમાં કરવામાં આવી અને આ સંઘો દ્વારા ગોસંવર્ધનના અને દૂધની વેચાણવ્યવસ્થા માટેનાં માળખાં સ્થપાયાં. આ સંસ્થા આ માટે જરૂરી આર્થિક સહાય અને તાંત્રિક સેવાઓ આપે છે.

ભારતમાં ઘેટાં-સંવર્ધન મુખ્યત્વે શુદ્ધ સંવર્ધનપદ્ધતિ દ્વારા કરવામાં આવે છે. ઘેટાંમાં કૃત્રિમ બીજદાન પદ્ધતિ હજુ પૂર્ણ વિકસી નથી; તેથી કુદરતી સેવા દ્વારા જ સંવર્ધન-કાર્યક્રમ હાથ ધરવામાં આવે છે. સંકર-સંવર્ધન કાર્યક્રમ હેઠળ રશિયન મેરીનો, ઑસ્ટ્રેલિયન મેરીનો તેમજ રેમ્બુએના ઉપયોગ દ્વારા ઊન-ઉત્પાદન અને તેની ગુણવત્તા સુધારવાના પ્રયત્નો હાથ ધરાયા છે. ખોરાકી માંસનું ઉત્પાદન અને તેની ગુણવત્તાના સુધારા માટે ડૉરસેટ અને સફોક નામની વિદેશી નસલોનો ઉપયોગ કરવામાં આવે છે. અવિકાનગર (જયપુર, રાજસ્થાન) ખાતે સ્થાપવામાં આવેલ કેન્દ્રીય ઘેટાં અને ઊન અનુસંધાન સંસ્થા દ્વારા મહત્વનું સંશોધનકાર્ય હાથ ધરવામાં આવેલ છે.

આનુવંશિક ઉત્પાનદલક્ષી ખાસિયતો : પશુઓની ઉત્પાદનક્ષમતા સાથે ઢોરમાં દૂધ-ઉત્પાદનક્ષમતા, દૂધમાં ચરબીની ટકાવારી, ઘેટામાં ઊન-ઉત્પાદન, મરઘીમાં ઈંડાં-ઉત્પાદન, પ્રાણીઓના શરીરનું વજન, તેમના માંસની ગુણવત્તા અને ઉત્પાદન વગેરે પ્રજનનકીય પ્રકારની ખાસિયતો સંકળાયેલી છે. આ પ્રકારની ખાસિયતોનો ખાસ અભ્યાસ વૈયક્તિક તેમજ સામૂહિક રીતે કરવામાં આવે છે. આ ખાસિયતોના અભ્યાસમાં ન્યૂનતમ અંકથી ગુરુતમ અંક સુધી સતત ભિન્નતા એટલે કે વિચલન (variations) જોવા મળે છે. કોઈ પણ પ્રજનનકીય લક્ષણનો અભ્યાસ જ્યારે જાનવર પર કરવામાં આવે ત્યારે તેને નિયત અંક-કિંમત આપવામાં આવે છે; દા.ત., ગાયનું દૈનિક દૂધ-ઉત્પાદન 5.6 કિગ્રા. છે. આ અંકને જાનવરનું તે ખાસિયત માટેનું દૃશ્યરૂપ (phenotype) કહે છે. કોઈ પણ પ્રજનનકીય ખાસિયત માટેનું જાનવરનું – દૃશ્યરૂપ તેની તે માટેની આનુવંશિક ગુણવત્તા અને પર્યાવરણીય સામૂહિક અસરને કારણે હોય છે. પ્રજનકીય ખાસિયત માટેની આનુવંશિકતા જોડમાં આવેલ જનીનોની અસર હેઠળ નિયંત્રિત થાય છે. કોઈ પણ જાનવરમાં આવેલ સંલગ્ન જનીનો (યુગ્મવિકલ્પો, alleles) પ્રજનકીય ખાસિયત માટે લાભપ્રદ હોય તો જાનવરની તે પ્રજનકીય ખાસિયત માટેની આનુવંશિક ક્ષમતા સારી છે તેમ કહી શકાય. આવી ક્ષમતામાં આનુવંશિકતા ઉપરાંત ખોરાક, હવામાન, રહેઠાણ, રોગ, ઋતુ, વર્ષ વગેરે પર્યાવરણીય પરિબળો પણ અગત્યનો ભાગ ભજવે છે અને તે બધાં પશુઓની પ્રજનનકીય ખાસિયતોની ક્ષમતા પર અસર કરે છે. પર્યાવરણનાં પરિબળોની પ્રજનનકીય ખાસિયત પરની અસરને કારણે પણ ભિન્નતા ઉત્પન્ન થાય છે. મોટેભાગે પર્યાવરણને કારણે પ્રજનનકીય ખાસિયતોની અસર સંતાન પર થતી નથી.

પર્યાવરણનાં પરિબળોની અસર અલગ અલગ જાનવર પર અલગ અલગ રીતે થતી હોય છે. આમ પર્યાવરણ પણ – દૃશ્યરૂપોમાં જોવા મળતી ભિન્નતામાં અગત્યનો હિસ્સો બને છે.

જનીનકીય સુધારાનો દર (the rate of genetic gain) : કોઈ પણ પશુસંવર્ધન-કાર્યક્રમમાં પ્રજનનકીય ખાસિયતની આનુવંશિક શક્તિમાં થતા સુધારાના દરને ‘જનીનકીય સુધારાનો દર’ કહે છે. જનીનકીય સુધારાના દરને અસર કરતાં મુખ્ય પરિબળો નીચે મુજબ છે :

1. પસંદગીની તીવ્રતા (intensity of selection), i

2. પસંદગીની ચોકસાઈ (accuracy of selection), rgp

3. જનીનકીય ભિન્નતાનો અંક (genetic variance), σg

4. બે પેઢી વચ્ચેનો સમયગાળો (generation interval),

l જનીનકીય સુધારાનો દર

પશુસંવર્ધકોએ ઉપર દર્શાવેલ સમીકરણમાંનાં પરિબળોનો યોગ્ય રીતે ઉપયોગ કરી જુદી જુદી જાતિનાં પશુઓની જુદી જુદી પ્રજનનકીય ખાસિયતોમાં ઝડપી સુધારા લાવવાના પ્રયોગો કરેલ છે. આ પ્રયોગોને પરિણામે જુદી જુદી જાતિનાં પશુઓની ઉત્પાદનક્ષમતામાં ઝડપથી સુધારો થતો જોવા મળે છે.

પસંદગીની તીવ્રતા : કોઈ પણ પ્રાણીઓના સમૂહમાં નિશ્ચિત સંખ્યાનાં જાનવરોને પસંદ કરી તેમના સંવર્ધન દ્વારા સંતાનો પેદા કરવામાં આવે છે. આ પ્રક્રિયાને ‘પસંદગી’ (selection) કહેવાય. આવી પસંદગી દ્વારા પ્રાણીઓના સમૂહમાં પ્રજોત્પત્તિના દરમાં અથવા પ્રજનનદરમાં તફાવત પેદા કરવામાં આવે છે. પસંદ કરાયેલાં જાનવરો પ્રજોત્પત્તિ કરી શકે છે. પસંદ કરાયેલાં જાનવરોની સરેરાશ અને ધણની સરેરાશ વચ્ચે તફાવત ઊભો થાય છે. આ તફાવત ‘પસંદગીનો તફાવત’ (selection differential) કહેવાય છે; દા.ત., ગીરની ગાયોનાં ધણની સરેરાશ 1,500 કિગ્રા. દૂધ/વેતર છે. તેમાંથી સારી ગીર ગાયોને સંવર્ધન માટે પસંદ કરવામાં આવે છે અને પસંદ કરાયેલ ગાયોની સરેરાશ 1,700 કિગ્રા. દૂધ/વેતર હોય તો પસંદગીનો તફાવત 1,700  1,500 = 200 કિગ્રા. દૂધ/વેતર ગણાવી શકાય.

પસંદગીનો તફાવત = પસંદ કરાયેલ — ધણની સરેરાશ

પસંદ કરાયેલ જાનવરોના ધણની સરેરાશ કરતાં સંતાનોનું વધુ ઉત્પાદન આવશે. પસંદ કરાયેલ જાનવરોનાં સંતાનોનું ઉત્પાદન વારસાગત આંકના ઉપયોગ વડે જાણી શકાય. પસંદ કરાયેલાં જાનવરોનાં સંતાનોમાં દૂધ-ઉત્પાદન માટેની આનુવંશિક ગુણવત્તામાં સુધારો થવાથી સંતાનોની દૂધ-ઉત્પાદકતામાં સુધારો થાય છે.

સંતાનોના દૂધ-ઉત્પાદનમાં ફેરફાર

= દૂધ-ઉત્પાદન માટેનો વંશાગતત્વનો આંક × પસંદગીનો તફાવત

=

= 0.25 × 200

= 50 કિગ્રા./વેતર

(નોંધ : વેતરદીઠ દૂધ-ઉત્પાદકતાના વંશાગતત્વનો આંક 0.25 ગણવામાં આવેલ છે.)

ઉપર દર્શાવેલ સમીકરણમાં પસંદ કરાયેલ જાનવરોનાં સંતાનોની દૂધ-ઉત્પાદકતા(પસંદગી હેઠળની પ્રજનનકીય ખાસિયત)માં થતો ફેરફાર તેની દૂધ-ઉત્પાદન માટેની આનુવંશિક ગુણવત્તાના ફેરફારને કારણે હોઈ આને જનીનકીય સુધારાનો દર ગણાવી શકાય. આ જનીનકીય સુધારાનો દર પેઢીદીઠ ગણવામાં આવેલ છે. આમ જનીનકીય સુધારાનો દર વંશાગતત્વ અને પસંદગીના તફાવતની માત્રા (magnitude of selection differential) પર આધારિત હોવાથી પસંદગીના તફાવતને અસર કરતા મુદ્દાઓ સમજવા જરૂરી છે.

પ્રતિસ્થાપનનો દર (rate of replacement) : કોઈ પણ જાનવરોના સમૂહમાં સંખ્યા જાળવવા માટે દરેક પેઢીએ કેટલાં જાનવરોને પ્રતિસ્થાપિત કરવાં પડે છે તેની અસર પસંદગીના તફાવત પર પડે છે. જો મોટા પ્રમાણમાં જાનવરોને પ્રતિસ્થાપિત કરવાં પડતાં હોય તો પસંદગીનો તફાવત ઘટે છે; દા.ત., ગાયોના ધણમાં પ્રતિસ્થાપનનો દર ઊંચો હોય છે, જ્યારે દર પેઢી થોડા પ્રમાણમાં (દા.ત., ડુક્કર અને મરઘામાં) જાનવરોને પ્રતિસ્થાપિત કરવાં પડે તો પસંદગીનો તફાવત વધે છે. આમ જે જાતિમાં પ્રજનનનો દર ધીમો હોય તે જાતિમાં પ્રતિસ્થાપનનો દર વધુ હોવાથી પસંદગીનો તફાવત ઘટે છે અને આ જાતિઓમાં જનીનકીય સુધારાનો દર પણ ધીમો રહે છે.

દરેક જાતિનાં પ્રાણીઓમાં નરનો પ્રજનનદર વધુ હોય છે; જ્યારે નર જાનવરો માટેનો પ્રતિસ્થાપનનો દર ઓછો હોવાથી નર જાનવરોમાં માદા જાનવરોની સરખામણીમાં પસંદગીનો તફાવત મોટો રહે છે. વધુમાં જો કૃત્રિમ બીજદાન અને થિજાવેલ વીર્યનો ઉપયોગ કરવામાં આવે તો સંવર્ધન માટે જરૂરી નર જાનવરોની ઘણી ઓછી સંખ્યાની જરૂર પડતી હોવાથી નર જાનવરોમાં પ્રતિસ્થાપનનો દર એકદમ ઘટી જાય છે અને તેથી નર જાનવરોમાં ઘણો મોટો પસંદગીનો તફાવત ઊભો કરી શકાય છે. આવી જ રીતે ગાય, ભેંસોમાં જનીનસુધારાના દરનો મોટો હિસ્સો નર જાનવરોની પસંદગીમાં ઊભા થતા તફાવતને કારણે જ છે.

નર અને માદા જાનવરોમાંથી સરખા પ્રમાણમાં સંતાનોને આનુવંશિક શક્તિ પ્રાપ્ત થતી હોવાથી ધણમાં પસંદગીનો તફાવત નીચે દર્શાવ્યા મુજબ મેળવી શકાય :

ઉપરાંત ધણમાં જાનવરોના પ્રતિસ્થાપનનો દર ધણની સ્થિતિ પર આધાર રાખે છે. જો ધણનું વિસ્તરણ કરવાનું હોય તો પ્રતિસ્થાપનનો દર વધે છે. આથી પસંદગીનો તફાવત ઘટે છે. જ્યારે ધણનું કદ ઘટાડવાનું હોય ત્યારે પ્રતિસ્થાપનનો દર ઘટે છે અને પસંદગીનો તફાવત વધે છે.

વધુમાં જો ધણમાં મરણનું પ્રમાણ વધે તો પ્રતિસ્થાપનનો દર પણ વધે છે. પરિણામે પસંદગીનો તફાવત ઘટે છે. જીવનકાળ દરમિયાન પ્રાથમિક તબક્કામાં કે નાની ઉંમરે જોવા મળતું જન્મસમયનું વજન; દૂધ છોડાવ્યા સમયનું વજન; 3 માસ, 6 માસ, 12 માસની ઉંમરે વજન વગેરે ખાસિયતોને કારણે ધણમાં પ્રતિસ્થાપનનો દર ઘટવાથી પસંદગીનો તફાવત વધારે રહે છે. પુખ્ત ઉંમરે દૂધ-ઉત્પાદન, જીવનકાળ દરમિયાન ઊન-ઉત્પાદન જેવી મોટી ઉંમરે દેખાતી ખાસિયતો માટે પ્રતિસ્થાપનનો દર વધે છે. પરિણામે પસંદગીનો તફાવત ઘટે છે.

પસંદગીનો તફાવત અને પ્રમાણિત વિચલન (standard deviation) : પસંદગીના તફાવતનો આધાર પ્રજનનકીય ખાસિયતોમાં કેટલા પ્રમાણમાં દૃશ્યરૂપભિન્નતા છે તેના પર આધારિત છે. દૃશ્યરૂપભિન્નતાને પ્રમાણિત વિચલન વડે દર્શાવવામાં આવે છે. આથી પસંદગીના તફાવતને પ્રમાણિત વિચલનના અંકમાં પણ દર્શાવી શકાય. આ રીતે દર્શાવવામાં આવેલ પસંદગીના તફાવતને ‘પસંદગીની સઘનતા’ કહેવાય છે.

વળી પસંદગીની સઘનતાનો આધાર ધણમાં કેટલા ટકા જાનવરો પસંદ કરાયેલાં છે તેના પર છે. જો મોટા પ્રમાણમાં જાનવરોને પસંદ કરવામાં આવે તો પસંદગીની સઘનતા ઘટે છે. જો થોડા પ્રમાણમાં જાનવરોને પસંદ કરવામાં આવે તો પસંદગીની સઘનતા વધે છે. આમ પસંદગીની સઘનતા અને પસંદ કરાયેલાં જાનવરોના પ્રમાણની ટકાવારી – બંને વચ્ચે વ્યસ્ત પ્રકારનો સહસંબંધ છે. મોટા ભાગની પ્રજનનકીય ખાસિયતોનો સંવિભાગ, સામાન્ય સંવિભાગ (normal distribution) સિદ્ધાંતોને અનુસરતો હોઈ તેના સિદ્ધાંતો મુજબ પસંદ કરાયેલ જાનવરના ટકા પરથી પસંદગીની સઘનતાનો અંક (i) જાણી શકાય છે. પસંદગીની સઘનતાના અંકને પ્રમાણિત વિચલન વડે ગુણવાથી પસંદગીનો તફાવત જાણી શકાય.

પસંદ કરાયેલ જાનવરોના ટકા અને પસંદગીનો તફાવત

પસંદ કરાયેલ જાનવરોનું પ્રમાણ

પસંદગીની સઘનતા

પસંદ કરાયેલ જાનવરોનું પ્રમાણ

પસંદગીની સઘનતા

(%)

(i)

(%)

(i)

90

0.20

80

0.35

30

1.16

70

0.50

20

1.40

60

0.64

15

1.55

50

0.80

10

1.76

40

0.97

5

2.06

ઉપર દર્શાવેલ કોઠા મુજબ જો ઘેટાંના ટોળામાં સરેરાશ વાર્ષિક ઊન-ઉત્પાદન 1,000 ગ્રામ હોય અને ઊન-ઉત્પાદનનું પ્રમાણિત વિચલન 250 ગ્રામ હોય તેમજ 50 % ઘેટાંને પસંદ કરવામાં આવે તો પસંદગીનો તફાવત નીચે મુજબ જાણી શકાય :

50 % જાનવરો પસંદ કરાય =   પસંદગીની સઘનતા (0.80)

 પસંદગીનો તફાવત       =   પસંદગીની સઘનતા × પ્રમાણિત વિચલન

                             =   0.80 × 250 ગ્રામ

                             =   200 ગ્રામ

પ્રતિસ્થાપનના દર ઉપરાંત પસંદગી માટેનાં પ્રજનનકીય લક્ષણોની સંખ્યા તેમજ ઉત્પાદનનું સ્તર વગેરે પણ પસંદગીની સઘનતાને અસર કરે છે. જ્યારે એક કરતાં વધુ પ્રજનનકીય લક્ષણો (દા.ત., દૂધ-ઉત્પાદકતા, તથા પ્રથમ વિયાણની ઉંમર, ઊન-ઉત્પાદન તથા શારીરિક વજન વગેરે)ની પસંદગી કરવામાં આવે ત્યારે દરેક લક્ષણમાં પસંદગીની સઘનતા ઘટે છે. આથી જ પસંદગીની સઘનતા જાળવી રાખવા માટે ખૂબ જ અગત્યનાં અને બને તેટલાં ઓછાં લક્ષણોને આધારે પસંદગી કરવી જોઈએ.

ઉચ્ચ ઉત્પાદકતાનું સ્તર ધરાવતા ધણમાં સંવર્ધન માટે બહારથી સારાં જાનવરો લાવવાનું મુશ્કેલ બને છે. આથી ધણની અંદરનાં જ જાનવરોને સંવર્ધન માટે પસંદ કરવાં પડે છે અને ધણમાં પ્રતિસ્થાપનનો દર વધે છે, જે પસંદગીની સઘનતાને ઓછી કરે છે.

જનીનકીય વિચલનનું પ્રમાણ / જનીનકીય ભિન્નતાનું પ્રમાણ : પસંદગી દ્વારા જે ખાસિયત સુધારવાની હોય તે ખાસિયતમાં જનીનકીય ભિન્નતાનું પ્રમાણ વધારે હોવું જરૂરી છે. આ જનીનકીય ભિન્નતાને જનીનકીય પ્રમાણિત વિચલન (σa) વડે દર્શાવી શકાય. જે ખાસિયતમાં જનીનકીય ભિન્નતા શૂન્ય હોય તેમાં જનીનકીય સુધારણા થઈ શકતી નથી. જો ખાસિયતમાં જનીનકીય ભિન્નતા સારા પ્રમાણમાં હોય તો તે ખાસિયતમાં પસંદગી દ્વારા ઝડપી સુધારો લાવી શકાય છે. કોઈ પણ પ્રજનનકીય ખાસિયતમાં જનીનકીય ભિન્નતાનું પ્રમાણ તેના વંશાગતત્વના અભ્યાસ પરથી જાણી શકાય. જે પ્રજનનકીય ખાસિયતમાં વંશાગતત્વનો આંક ઓછો હોય (0.15 … 0.001) તેમાં પસંદગી દ્વારા સુધારાનો દર ધીમો રહે છે. તે જ રીતે જે ખાસિયતનો વારસાગત આંક વધુ હોય (0.30 … 0.99) તેમાં પસંદગી દ્વારા ઝડપી સુધારો લાવી શકાય છે.

બે પેઢી વચ્ચેનો સમયગાળો (generation gap interval) : બે પેઢી વચ્ચેના સમયના ગાળાને પેઢીનો ગાળો કહે છે. ‘સંતાનો/વંશજોના જન્મસમયે પિતૃઓની સરેરાશ ઉંમર’ને પેઢીનો ગાળો કહે છે. જે સમૂહમાં પસંદ કરાયેલાં જાનવરો જલદી પુખ્ત ઉંમરે પહોંચે અને ત્યારબાદ નિયમિત રીતે પ્રજોત્પત્તિ થયા કરે તો તે સમૂહમાં પેઢીનો ગાળો ઓછો રહે છે. જ્યારે જાનવરોને લાંબા સમય સુધી સંવર્ધનકાર્યમાં વાપરવામાં આવે (દા.ત., મોટું ઉત્પાદન આપતી ગાયોનાં ઘણાં વેતર લેવામાં આવે અને સારા સાંઢનું વીર્ય લાંબા સમય સુધી વાપરવામાં આવે) ત્યારે પેઢીનો ગાળો વધે છે. આથી સંવર્ધન-કાર્યક્રમમાં જાનવરોની પસંદગી નાની ઉંમરે કરવાથી અને ચોક્કસ ઉંમર બાદ (ગાયમાં 3-4 વેતર બાદ) સંવર્ધન-પ્રક્રમમાંથી દૂર કરવાથી પેઢીનો ગાળો ઘટાડી શકાય છે. ખૂબ જ સારી જનીનકીય ગુણવત્તા ધરાવતા નર સાંઢના થિજાવેલ વીર્યનો ઉપયોગ વર્ષો સુધી કરવાથી નર પિતૃને કારણે પેઢીનો ગાળો વધે છે. પેઢીનો ગાળો ઘટવાથી પ્રતિવર્ષ જનીનકીય સુધારાનો દર વધે છે, જ્યારે પેઢીનો ગાળો વધવાથી પ્રતિવર્ષ જનીનકીય સુધારાનો દર ઘટે છે. યોગ્ય માવજત, ખોરાક વગેરે આપવાથી પ્રથમ વિયાણની ઉંમર ઘટે છે, બે વિયાણ વચ્ચેનો ગાળો ઘટે છે, નર વાછરડાં ઝડપથી નાની ઉંમરે પુખ્ત થાય છે. આથી પેઢીનો ગાળો ઘટે છે.

જનીનકીય સુધારાના માર્ગ (paths of genetic improvement) : પસંદ કરાયેલ જાનવરોમાંથી જનીનકીય સુધારો નીચે દર્શાવેલ 4 માર્ગ દ્વારા પ્રજનકોમાંથી વંશજોમાં ઊતરી આવે છે. પેઢી દર પેઢી થતો જનીનકીય સુધારો ચાર અલગ અલગ માર્ગ દ્વારા પ્રજનકમાંથી વંશજોમાં ઊતરી આવે છે. જનીનકીય સુધારાનું પ્રમાણ ચારેય માર્ગમાં અલગ અલગ હોય છે.

ઉપર દર્શાવ્યા મુજબ નર અને માદા સંતાન માટે પિતાની પસંદગી દ્વારા મહત્તમ પ્રમાણમાં જનીનકીય સુધારો હાંસલ થઈ શકે છે. આથી સંવર્ધન માટે નર જાનવરની પસંદગીમાં ખૂબ કાળજી અને ચોકસાઈ રાખવી પડે છે.

પસંદગીની ચોકસાઈ અને પસંદગી માટેનાં સહાયભૂત પરિબળો : પસંદગીની ચોકસાઈ એ જનીનકીય સુધારાને અસર કરતું એક અગત્યનું પરિબળ છે. સંવર્ધન માટે આનુવંશિક ગુણવત્તા ધરાવતાં જાનવરોની ઓળખ કરી પસંદ કરવાં એ પસંદગીનો મુખ્ય હેતુ છે. આથી પ્રજનનકીય ખાસિયતોના સુધારા માટે જે જાનવરની પસંદગી કરવામાં આવે તે જાનવરની આનુવંશિક ગુણવત્તાની જાણ હોવી જરૂરી છે. પ્રસ્તુત માહિતી પ્રજનનકીય ખાસિયત માટે જાનવરનાં – દૃશ્યરૂપની હોય છે. દૃશ્યરૂપતા પર્યાવરણની અસર હેઠળ બદલાતી રહે છે. આથી પસંદગી માટેનાં યોગ્ય સહાયભૂત પરિબળો વડે સતત બદલાતા રહેતા પર્યાવરણની અસર ઘટાડી શકાય. આમ કરવાથી સામૂહિક પસંદગી હેઠળની પ્રજનનકીય ખાસિયતમાં જનીનકીય ભિન્નતા સારી રીતે અભિવ્યક્ત થાય છે.

યોગ્યતમ પરિબળો પસંદ કરવામાં સૌપ્રથમ પસંદગીપાત્ર જાનવરની ખાસિયતો વિશેની ચોક્કસ માહિતી મેળવવા ઉપરાંત તેના નજદીકના કુટુંબના સભ્યોની ખાસિયતો પ્રત્યે પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. પરિણામે પસંદગી માટે નિશ્ચિત કરેલ જાનવરની જનીનકીય ગુણવત્તાની માહિતી મેળવવા ઉપરાંત તેનું સંવર્ધનમૂલ્ય (breeding value) પણ વધુ સારી રીતે જાણી શકાય છે.

વ્યક્તિનાં લક્ષણોને આધારે પસંદગી : આ પ્રકારમાં કોઈ પણ જાનવરની પસંદગી માત્ર તેનાં દૃશ્યરૂપ વ્યક્તિગત ખાસ લક્ષણોના આધારે કરવામાં આવે છે. (દા.ત., ગાયની પસંદગી દૂધ-ઉત્પાદનક્ષમતા પરથી, ઘેટાની પસંદગી ઊનની ઉત્પાદકતા પરથી વગેરે.) સામાન્ય રીતે આ પસંદગી લિંગ-સીમિત (sex-limited) હોય છે. સામાન્યપણે ઊંચા વંશાગતત્વ (0.3 અને વધારે) પરથી વ્યક્તિગત લક્ષણો ધરાવતાં પશુઓની પસંદગી કરી શકાય. માંસાહાર માટે ઉપયોગી પ્રત્યક્ષ માહિતી મેળવવામાં પ્રથમ પશુનો નાશ કરવો પડે છે. તેથી માત્ર દૃશ્યરૂપના આધારે વ્યક્તિગત ખાસ લક્ષણો જાણવા માટે આ પ્રકારની પસંદગી અવ્યવહારુ છે. વંશાગતત્વનો આંક ઊંચો હોય તેવાં પ્રાણીઓમાં – દૃશ્યરૂપ અને જનીનરૂપ વચ્ચે ગાઢસંબંધ હોય છે. તેથી વંશાગતત્વ-આંક ઊંચો હોય તો દૃશ્યરૂપને સ્થાને આનુવંશિક ગુણવત્તાના આધારે પશુઓની પસંદગી કરી શકાય. દૂધ-ઉત્પાદનક્ષમતા માટે જાનવરની પસંદગી કરવાની હોય ત્યારે આ પસંદગી માત્ર વેતરના કદ પૂરતી મર્યાદિત રાખવાને બદલે, દોહવામાં આવતા દૂધનું પરિમાણ, દૂધમાં ચરબીની ટકાવારી, દૂઝણાપણાનો સમય જેવાં પરિબળોનો અભ્યાસ આંકડાશાસ્ત્રીય પદ્ધતિ / સમીકરણ વડે કરીને પસંદગીની ચોકસાઈ વધારી શકાય છે. સામાન્ય રીતે પસંદગીમાં બાહ્ય દેખાવ, શરીરનું વજન, શરીરની લંબાઈ, ઊંચાઈ, ચામડીનો રંગ, વૃદ્ધિનો દર, ઉપરાંત ઢોર માટે – ઘેટાં/બકરી માટે પ્રથમ વેતરનું દૂધ-ઉત્પાદન, પ્રથમ વર્ષનું ઊન-ઉત્પાદન, ઊનની ગુણવત્તા જેવી ખાસિયતો મહત્વનો ભાગ ભજવે છે. તદુપરાંત નાની ઉંમરે અભિવ્યક્ત થાય, અને ઊંચું વંશાગતત્વ ધરાવે તેવી ખાસિયતો પરથી પસંદગી થાય છે. પશુસંવર્ધનમાં શરૂઆતનાં વર્ષોમાં જુદી જુદી નસલોના વિકાસ અર્થે બાહ્ય દેખાવ સાથે સંકળાયેલી ખાસિયતો માટે વ્યક્તિત્વના આધારે પસંદગી અગત્યનો ભાગ ભજવે છે. આથી હાલમાં જુદી જુદી નસલોના બાહ્ય દેખાવમાં ભિન્નતા સ્પષ્ટ રીતે નિહાળી શકાય છે. એક જ નસલનાં જાનવરોના બાહ્ય દેખાવમાં ઘણું સામ્ય જોવા મળે છે.

વંશાવળીને આધારે પસંદગી : જાનવરોના પૂર્વજો વિશેની માહિતીના અભિલેખને વંશાવળી કહેવાય. પશુપાલકો દ્વારા આ પદ્ધતિનો ઉપયોગ સૈકાઓથી કરવામાં આવે છે. પસંદગી હેઠળની પ્રજનનકીય ખાસિયતો માટે પૂર્વજોની માહિતીના આધારે સંતાનની પસંદગી કરવાની પદ્ધતિને વંશાવળીને આધારે પસંદગી કહેવાય. આ પદ્ધતિ પ્રમાણમાં સરળ છે. નાની ઉંમરે જન્મસમયે અથવા જન્મ બાદ તરત જ જાનવરની પસંદગી કરી શકાય. લિંગ-સીમિત ખાસિયતો અને માંસ માટેની ખાસિયતો માટે પણ વંશાવળીને આધારે જાનવરની પસંદગી થઈ શકે છે. નાની ઉંમરે જાનવરની પસંદગી કરી શકાતી હોવાથી બે પેઢીઓ વચ્ચેનો ગાળો પણ ઘટાડી શકાય છે. પસંદગીની આ પદ્ધતિમાં પૂર્વજો અંગેની માહિતીના અભિલેખો વ્યવસ્થિત હોવા જોઈએ. પૂર્વજોના સમયના પર્યાવરણ તથા પૂર્વજોના સમયનાં જાનવરોની માહિતી વગેરેનો ઉપયોગ કરવાથી પસંદગી વધુ ચોક્કસ બને છે. આ પસંદગીમાં નજીકના પૂર્વજ (માતા, પિતા) વગેરેની માહિતીને વધુ મહત્વ અપાય છે.

ઓલાદના ઉત્પાદનને આધારે પસંદગી : પસંદગીનાં સહાયભૂત અંગો / પસંદગીની ચોકસાઈ વિશે એમ કહેવાય છે કે ‘‘જાનવરનું વ્યક્તિત્વ (દૃશ્યરૂપ) તે કેવું છે તે દર્શાવે છે, તેની વંશાવળી તે કેવું હોવું જોઈએ તે દર્શાવે છે, જ્યારે તેની ઓલાદ તે ખરેખર કેવું છે તેનો ચોક્કસ ખ્યાલ આપે છે.’’ કોઈ પણ જાનવરની વ્યક્તિગત ખાસિયત માટેની આનુવંશિક ગુણવત્તાનો, જનીન રૂપનો સચોટ અંદાજ તેનાં સંતાનોના પ્રજનનકીય ખાસિયત માટેનાં દૃશ્યરૂપોના અભ્યાસ પરથી મળે છે. જેમ ઓલાદની સંખ્યા વધુ તેમ તેની આનુવંશિક ગુણવત્તા માટેના અંદાજની ચોકસાઈ વધારે.

સંતાનો દરેક પ્રજનક પાસેથી 50 % જનીનો મેળવે છે. આથી મેન્ડેલના યદૃચ્છ વિયોજન અને સ્વતંત્ર પૃથક્કરણના સિદ્ધાંતો અનુસાર કોઈ પણ પ્રજનકમાંથી જનીનો યાદૃચ્છિક રીતે સંતાનોમાં ઊતરી આવતાં હોય છે. આથી માત્ર વંશાવળીના આધારે કરાયેલી પસંદગી ખામીયુક્ત હોય છે. ઓલાદના ઉત્પાદનને આધારે / ઓલાદની ચકાસણી દ્વારા જે જાનવરની પસંદગી કરવાની હોય તે જાનવરને વિજાતીય સાથી વડે ઘણાં જાનવરો સાથે યથેચ્છ ફળાવી સંતાનો પેદા કરવામાં આવે છે. આ રીતે પેદા થયેલાં સંતાનોમાં પ્રજનનકીય ખાસિયતનો અભ્યાસ કરી તેના પરથી તેની આનુવંશિક ગુણવત્તા નક્કી કરી શકાય છે.

મોટાભાગની પ્રજનનકીય ખાસિયતો પર પર્યાવરણનો અત્યંત મહત્વનો ફાળો હોય છે. આ ઉપરાંત પ્રજનનકીય ખાસિયતો માટેનાં જાનવરનાં દૃશ્યરૂપમાં જનીનોની અસંયોજી અસરો (non-additive effects) પણ જોવા મળે છે. આ અસરોની માત્રા ઘટાડવા માટે ઓલાદની સંખ્યા વધારે હોવી જોઈએ. ઓલાદની ઉંમર, વર્ષ, ઋતુ, ધણ વગેરે પર્યાવરણની અસરોને આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ કરીને ઘટાડવામાં આવે છે અને પસંદગીની ચોકસાઈ વધારી શકાય છે.

આ પદ્ધતિમાં નર જાનવરનાં સંતાનો પુખ્ત થઈ પ્રજનનકીય ખાસિયતોની અભિવ્યક્તિ કરે ત્યાં સુધી 5થી 6 વર્ષ જેટલો સમય ગાય-ભેંસોમાં થાય છે. આથી તે સમયે નર પ્રજનકની ઉંમર 7થી 8 વર્ષની હોય છે. આ નર પ્રજનકની પસંદગી કરવામાં આવે ત્યારે તે મોટી ઉંમરનો થઈ જાય છે અને તેની પ્રજનનક્ષમતા ઘટી જાય છે. આથી પસંદગીની આ પદ્ધતિની સાથે વીર્યને થીજવવા માટેની પ્રયોગશાળા પણ સાથે હોવી જરૂરી છે. આથી કાર્યક્રમ હેઠળનાં સાંઢ કે પાડાનાં સંતાનો ઉછેરાતાં હોય તે દરમિયાન તેનું વીર્ય એકત્રિત કરી, સંઘરવામાં આવે છે. સંતાનોની પ્રજનનકીય ખાસિયત માટેની માહિતી ઉપલબ્ધ થાય અને પાડા કે સાંઢની પસંદગી કરવામાં આવે ત્યારે પસંદ કરાયેલા પાડા કે સાંઢના થિજાવેલ કે સંઘરેલ વીર્યનો બહોળો ઉપયોગ કરવામાં આવે છે.

આ પદ્ધતિ મુજબ ફાર્મનાં જાનવરોની પસંદગી કરી શકાય. ગ્રામીણ વિસ્તારોમાં પશુપાલકોનાં જાનવરોને પણ આ પ્રકારના કાર્યક્રમમાં સાંકળી લઈ તેના ઘરે ઉત્પન્ન થયેલ માદા સંતાનોમાં પ્રજનનકીય ખાસિયત માટેની માહિતી (દૂધ-ઉત્પાદન, દૂધમાં ચરબીના ટકા) પરથી પણ પસંદગી કરી શકાય. પશુપાલન માટે વિકસિત દેશોમાં દુધાળુ નસલોમાં છેલ્લાં 30થી 40 વર્ષોમાં દૂધ-ઉત્પાદનમાં થયેલ વધારામાં ઓલાદચકાસણી પદ્ધતિ, સાંઢની પસંદગી અને વિપુલ પ્રમાણમાં થતા ઉપયોગે અગત્યનો ભાગ ભજવ્યો છે. આ પદ્ધતિ સૌથી વધુ સચોટ અને વૈજ્ઞાનિક છે.

કુટુંબનાં સભ્યોના આધારે પસંદગી : સામાન્ય રીતે કોઈ પણ માતપિતાનાં સંતાનો એકબીજા સાથે 50 % જનીનકીય સામ્ય ધરાવે છે જ્યારે તેમનાં સાવકાં ભાઈબહેનો એકબીજાં સાથે 25 % જનીનકીય સામ્ય ધરાવે છે. આથી જ્યારે ધણમાં કે પક્ષીઓના સમૂહમાં જાનવરોને તેના કુટુંબને આધારે અલગ પાડી દરેક કુટુંબની સરેરાશ ક્ષમતા કાઢવામાં આવે અને જે કુટુંબની સરેરાશ ક્ષમતા વધુ હોય તે કુટુંબના બધા જ સભ્યોને સંવર્ધન માટે પસંદ કરવામાં આવે તો તે પદ્ધતિને કુટુંબ – આધારિત પસંદગી કહેવાય.

સંવર્ધનની રીતો અને તેનું વર્ગીકરણ : ‘પસંદગી’ અને ‘પસંદ કરાયેલાં જાનવરો વચ્ચેનું સંવર્ધન’ એ કોઈ પણ પશુસંવર્ધન કાર્યક્રમનાં બે મહત્વનાં પાસાં છે. પસંદ કરાયેલાં જાનવરો એક જ નસલનાં અથવા અલગ અલગ નસલનાં હોઈ શકે. આ જ રીતે એક જ નસલનાં પસંદ કરાયેલાં જાનવરો અલગ અલગ વિભેદ (strain) અથવા અલગ અલગ અંત:પ્રજાત વંશક્રમ(inbred line)નાં પણ હોઈ શકે. જ્યારે પસંદ કરાયેલાં નર અને માદા જાનવરો એક જ નસલનાં હોય અને તેમના વચ્ચે સમાગમ / સંવર્ધન દ્વારા સંતાનો પેદા કરવામાં આવે તો તે પદ્ધતિને ‘શુદ્ધ ઉછેર’ (pure breeding) કહે છે. આ પ્રકારના સંવર્ધનનો હેતુ નસલની ખાસિયતોની જાળવણી સાથે નસલનાં જાનવરોમાં જનીનકીય સુધારણાનો પણ હોય છે. જ્યારે નર અને માદા જાનવરો અલગ અલગ નસલનાં હોય અને તેમના વચ્ચે સમાગમ/સંવર્ધન દ્વારા સંતાનો પેદા કરવામાં આવે ત્યારે તેને ‘સંકરણ-ઉછેર’(cross-breeding) કહેવાય. આ પ્રકારના સંકરણ-ઉછેરનો મુખ્ય હેતુ સંતાનોમાં બે અલગ અલગ નસલોની ખાસિયતોના સમન્વય વડે ભિન્ન પ્રકારનાં જનીનોમાં રહેલી સારી ગુણવત્તાનો લાભ મેળવવાનો હોય છે. સંકર-સંવર્ધનમાં બંને પ્રજનકો અલગ અલગ નસલનાં હોવાથી તેમની વચ્ચે જનીનકીય સામ્ય ઓછું હોય છે. અને તેના કારણે તેમની વચ્ચેના સંવર્ધન દ્વારા પેદા થનાર સંતાનોનાં જનીન રૂપોનીં સમ-યુગ્મતા(homozygosity)માં ઘટાડો અને વિષમ-યુગ્મતા-(heterozygosity)માં વધારો જોવા મળે છે. જનીનકીય સામ્ય ઘણું ઓછું અને જનીનકીય ભેદ વધુ હોવાથી તેમના દ્વારા પેદા થનાર સંતાનોનાં દૃશ્યરૂપોમાં સમ-યુગ્મતાના પ્રમાણમાં ઘટાડો થાય છે અને વિષમ-યુગ્મતાના પ્રમાણમાં વધારો થાય છે. તેથી સંવર્ધનની રીતોનું વર્ગીકરણ સમ-યુગ્મતા અને વિષમ-યુગ્મતાના પ્રમાણમાં થતા વધારા અથવા ઘટાડાને આધારે કરવામાં આવે છે.

 યાદૃચ્છિક સંવર્ધન (random breeding) :  યાદૃચ્છિક સંવર્ધનમાં સમૂહના કોઈ પણ નરને સમૂહમાંની કોઈ પણ માદા સાથે સમાગમ કરાવાય છે. તે રીતે દરેક જાનવરને સંતતિ પેદા કરવા સરખી તક આપવામાં આવે છે. આ પદ્ધતિમાં સમૂહનું જનીનકીય બંધારણ પેઢી દર પેઢી જળવાઈ રહે છે. સમૂહના જનીનકીય બંધારણમાં જનીનકીય ભિન્નતામાં ખાસ ફેરફાર થતો નથી. આ પ્રકારના ઉછેરનો ઉપયોગ પ્રાયોગિક અભ્યાસો માટે જરૂરી  યાદૃચ્છિક સંકલિત પ્રજા મેળવવા માટે થાય છે. મરઘાં અને ડુક્કરમાં આ પ્રકારના ઉછેર વડે ઘણા જુદા જુદા સમૂહોની જાળવણી જુદા જુદા દેશોમાં કરવામાં આવે છે.

સમ-યુગ્મતા (homozygosity) વધારવા માટેનાં સંવર્ધનો : આ સંવર્ધનો અંત:પ્રજાત પ્રકારનાં હોય છે. સંવર્ધન અંત:પ્રજાત હોવાના કારણે સંતાનોમાં સમ-યુગ્મતાના પ્રમાણમાં વધારો થયા કરે છે.

(1) સગોત્રીય સંવર્ધન (inbreeding) : કોઈ પણ નસલ કે પ્રાણીઓના સમૂહમાં જે સામાન્ય સગપણ (relationship) પ્રવર્તતું હોય તેના કરતાં વધુ સગપણ ધરાવતાં જાનવરો વચ્ચે સંવર્ધન કરાવવામાં આવે તો તેને સગોત્રીય સંવર્ધન કહેવાય. એક કરતાં વધુ સમાન પૂર્વજો (common ancestors) ધરાવતાં હોય તેવાં જાનવરો સગપણ ધરાવે છે તેમ કહી શકાય. જો પ્રાણીઓની નસલમાં પ્રાણીઓની સંખ્યા ઓછી હોય તેવી પરિસ્થિતિમાં બધાં જાનવરો સમાન પૂર્વજ ધરાવતાં થાય છે અને આ સ્થિતિમાં આપોઆપ સગોત્રીય સંવર્ધન થાય છે. સગોત્રીય સંવર્ધન માટે 4થી 6 પેઢી સુધીમાં જ સમાન પૂર્વજોને ધ્યાનમાં લેવામાં આવે છે. તેથી દૂરની પેઢીમાંના સમાન પૂર્વજોને કારણે જાનવરોમાં સગપણની જનીનકીય નિકટતા(genetic relationship)માં ખાસ વધારો થતો નથી. બે પ્રાણીઓ વચ્ચેની જનીનકીય નિકટતા અને તેમના વચ્ચેના અંત:ફલન દ્વારા પેદા થયેલ સંતાનોમાં સમ-યુગ્મતાનાં પ્રમાણ માપવાની પદ્ધતિ સુવેલ રાઇટ નામના વૈજ્ઞાનિકે 1921માં શોધી કાઢેલ હતી.

(2) નિકટવર્તી અંત:પ્રજનન (close inbreeding) : સગાં ભાઈ-બહેન (real siblings) અથવા પ્રજનક અને સંતાનો (parent and offspring) વચ્ચે થતા સમાગમને નિકટવર્તી અંત:પ્રજનન કહે છે. આ પ્રકારના સંયુગ્મનથી વંશજોમાં સમ-યુગ્મતાનું પ્રમાણ વધે છે. અંત:પ્રજાત વંશક્રમ(inbreed lines)ને વિકસાવવા શરૂઆતની અમુક પેઢીઓ સુધી આ પ્રકારનું અંત:પ્રજનન યોજવામાં આવે છે. આ પ્રકારની ઓલાદોમાં સમ-યુગ્મતાનું પ્રમાણ વધવાથી વિષમ-યુગ્મ (heterozygous allelism) વિકલ્પી સ્થિતિમાં રહેલ પ્રચ્છન્ન (recessive) સમ-યુગ્મતા વિકલ્પી સ્થિતિમાં પ્રસ્થાપિત થાય છે, જે સંતાનોમાં દૃશ્યમાન (phenotype) લક્ષણ રૂપે પ્રગટ થાય છે. તેથી આવી ઓલાદોને સહેલાઈથી જુદી પાડી શકાય. આ પ્રકારના સંવર્ધનથી સમયુગ્મી પ્રજામાં નોંધપાત્ર વૃદ્ધિ થવા ઉપરાંત, સાથે સાથે અંત:પ્રજાત વંશક્રમ વચ્ચેનો તફાવત પણ વધ્યા કરે છે. પશુ-સંવર્ધનમાં નર જાનવરનો બહોળો ઉપયોગ કરતાં પહેલાં નિકટવર્તી અંત:પ્રજનન વડે વંશજોને મેળવી વિષમ-યુગ્મ સ્થિતિમાં હોય તેવાં પ્રચ્છન્ન જનીનોનો ખ્યાલ મેળવવામાં આવે છે. વિષમ-યુગ્મ સ્થિતિમાં હોય તેવાં નર જાનવરોનો ઉપયોગ સંવર્ધન માટે કરવામાં આવતો નથી.

વિષમયુગ્મી (heterozygous) પ્રજા મેળવવા યોજવામાં આવતું સંવર્ધન : આ એક અંત:પ્રજાત સંવર્ધનનો હળવો પ્રકાર છે. આને લીધે લાંબે ગાળે નવસંતાનોમાં સમ-યુગ્મતાનું પ્રમાણ વધે છે.

ક્રમિક અંત:સંવર્ધન (inline breeding) : આ પ્રકારના ઉછેરથી જાનવરોમાં આવેલાં લાભપ્રદ લક્ષણો વંશપરંપરાગત સંતાનોમાં ઊતરવાની શક્યતા ઘણી વધે છે. નજીકનાં સંબંધીઓ વચ્ચેના યુગ્મનથી ઉત્પન્ન કરવામાં આવતા આ પ્રકારના સંવર્ધનને ક્રમિક અંત:સંવર્ધન કહે છે.

સંકરિત પ્રજાકીય સંવર્ધન (hybrid breeding) : આ પ્રકારનાં સંવર્ધન સગોત્રીય સંવર્ધનથી ઊલટાં હોય છે. સંવર્ધન માટે પસંદ કરાયેલાં નર-માદા જાનવરો વચ્ચેનો સંબંધ/જનીનકીય સામ્ય, તે જ સમૂહનાં પ્રાણીઓ વચ્ચે જોવા મળતા સરેરાશ સંબંધ/જનીનકીય સામ્ય કરતાં પણ ઓછો હોય છે. એક જ નસલની બે અલગ અલગ સંકર પ્રજા અથવા સગોત્રીય વંશક્રમ વચ્ચેનું સંવર્ધન આ પ્રકારનું સંવર્ધન છે. બે જુદી જુદી નસલોનાં જાનવરો વચ્ચેના સંકરણથી પણ સંતાનોમાં વિષમ-યુગ્મતાનું પ્રમાણ વધે છે.

ભિન્નરૂપીઓ (variants) વચ્ચે યોજવામાં આવતા સંકરણના પ્રકારો :

દ્વિવિધ સંકરણ (two-way cross) : બે અલગ અલગ ભિન્નરૂપીઓ (variants), એક જ કુટુંબનાં બે વંશજો અથવા તો બે  યાદૃચ્છિક નસલો વચ્ચેના સમાગમથી જન્મેલ પ્રથમ પેઢીનાં વંશજોમાં સંકર-જોશ (hybrid vigour) વધારે હોય છે. તેની અસર હેઠળ તેમની ખાસિયતો(વિશિષ્ટ ગુણધર્મો)ની ક્ષમતા વધે છે. જોકે આવાં પશુઓનો ઉપયોગ સંવર્ધનકાર્યમાં કરવામાં આવતો નથી. આમ દ્વિવિધ સંકરણ માત્ર એક પેઢી પૂરતું મર્યાદિત હોય છે.

ત્રિવિધ સંકરણ (three-way crossing) : સૌપ્રથમ દ્વિવિધ સંકરણથી પેદા થયેલ માદાનું સંકરણ તે જ કુટુંબના વિભેદ (strain) કે  યાદૃચ્છિક નર નસલ સાથે કરવામાં આવે છે. આવા પ્રજનકોના સંગમ વડે નિર્માણ થતી પ્રજામાં વિષમ-યુગ્મતાનું પ્રમાણ નોંધપાત્ર રીતે જળવાઈ રહે છે. આવી પ્રજામાં સંકર-જોશ પ્રભાવક હોય છે, અને તેમનામાં પૂર્વજોમાં રહેલી લાભપ્રદ ખાસિયતો ઊતરી આવે છે.

ચતુર્વિધ (four-way) અથવા બેવડું (double) સંકરણ : આ પ્રકારના ઉછેરમાં ચાર વિભેદો, કુટુંબી પ્રજા કે નસલો સંકળાયેલાં હોય છે. ધારો કે પશુઓ ચાર સમૂહો(A, B, C અને D)માં વહેંચાયેલાં છે. સૌપ્રથમ  યાદૃચ્છિક રીતે કોઈ એક સમૂહના નરનો સમાગમ અન્ય કોઈ એક સમૂહની માદા સાથે કરવામાં આવે છે. જો આ સમાગમ ‘A’ અને ‘B’ સમૂહનાં પ્રજનકો વચ્ચે થયો હોય તો જન્મેલ પ્રથમ પેઢીને ‘FAB’ તરીકે ઓળખી શકાય. તે જ પ્રમાણે શેષ રહેલ ‘C’ અને ‘D’ સમૂહો વચ્ચે સંકરણ કરવામાં આવે તો ઉદભવેલ પેઢી ‘FCD’ તરીકે ઓળખાશે. હવે FAB અને FCD પેઢીની ઓલાદો વચ્ચે કરવામાં આવતા સંસર્ગથી FAB.CD પ્રજા પેદા થાય છે. આની પેઢીનાં સંતાનોમાં A, B, C અને D સમૂહમાં મળી આવેલ ખાસિયતોનો સમાવેશ થાય છે તેમજ સંકર-જોશનો લાભ પણ તેમને મળે છે.

પ્રતીપ સંકરણ (back cross) : અહીં પ્રથમ પેઢીનાં માદા સંતાનનું સંકરણ માદાના પ્રજનકો સાથે સંબંધ ન હોય તેવા નર સાથે કરવામાં આવે છે. આ પ્રકારના સંકરણથી વેપારી ધોરણે ઉછેરવા સંકરણ-પ્રજા મેળવવામાં આવે છે. આ પ્રકારનું સંકરણ ડુક્કરમાં સામાન્ય રીતે યોજવામાં આવે છે.

આવર્ત સંકરણ (rotational cross) : બે પ્રજનકો(દા.ત., ‘A’ અને ‘B’)વાળી પ્રજાને FAB તરીકે ઓળખી શકાય. આ પેઢીના માદા સંતાનનું સંકરણ ‘A’ અથવા ‘B’ પ્રજનક સાથે સંબંધ ન હોય તેવા નર સાથે કરવામાં આવે છે. હવે આ બીજી પેઢી તરીકે જન્મેલ માદાનું સંકરણ માતાના બીજા પ્રજનક સાથે સંબંધ ન હોય તેવા નર સાથે કરવામાં આવે છે. આવી રીતે ક્રમશ: નર જાનવરની નસલ બદલવામાં આવે છે. આમ આવર્તન સંકરણને લીધે નર જાનવરની નસલ બદલાતી રહે છે. આ પ્રથા પણ ડુક્કર માટે ઘણી પ્રચલિત છે.

પરસ્પર પ્રત્યાવર્તી (reciprocal recurrent) પસંદગી : આ પ્રકારના સંકરણની શરૂઆતમાં લાભપ્રદ ખાસિયતો ધરાવતા બે વિભેદો કે વંશક્રમ નસલોની પ્રજનકો તરીકે પસંદગી કરી પ્રથમ પેઢીનાં સંતાનો મેળવવામાં આવે છે. આવાં સંતાનોમાં રહેલી ખાસિયતોની વધતી ક્ષમતાની ચકાસણી કરી, તેમનામાંથી બીજી પેઢીની પેદાશ માટે પ્રજનકોની પસંદગી કરવામાં આવે છે. આ પ્રમાણે ખાસિયતોની વધતી ક્ષમતાની ચકાસણી માટે તે પછીની પેઢીની પેદાશ માટે પ્રજનકોની પસંદગી કરવામાં આવે છે. આ પ્રમાણે દર પેઢીએ પરસ્પર પ્રત્યાવર્તી પસંદગી વડે પ્રજનકોની પસંદગી કરવાથી જનીનીય બંધારણમાં યોગ્ય ફેરફારો થવાની શક્યતા વધે છે. તેથી વિષમ-યુગ્મતાનું પ્રમાણ વધતું રહે છે. ખાસ કરીને ખોરાકની દૃષ્ટિએ સારી ગુણવત્તા ધરાવતાં ઈંડાંની પ્રાપ્તિ માટે, મરઘીના ઉછેર માટે પરસ્પર પ્રત્યાવર્તી પસંદગી અપનાવવામાં આવે છે.

લાભપ્રદ નસલો પેદા કરવા માટેની યોજના : હાલમાં ‘કરણ-સ્વિસ’ અને ‘કરણ-ફ્રીઝ’ જેવી ગાયો તેમજ એખલા-સિન્થેટિક જેવાં ઘેટાંનો ઉછેર મોટા પાયા પર કરવામાં આવે છે. જુદા જુદા પ્રકારની નસલો વચ્ચે આયોજિત સંકરણ દ્વારા આ પશુઓની પેદાશ થયેલી છે. આર્થિક દૃષ્ટિએ લાભપ્રદ એવી બે અથવા વધુ નસલોની પસંદગી કરી પેદા થયેલ વિશાળ સમૂહમાંથી પણ સંકરણ માટે પ્રજનકોની પસંદગી અત્યંત કાળજીપૂર્વક કરવામાં આવે છે. ઉપરાંત યોગ્યતમ લક્ષણો ધરાવતાં વંશજોમાંથી અંત:પ્રજનન દ્વારા ઓલાદોનો ઉછેર કરવામાં આવે છે.

પશુસંવર્ધન માટે પ્રાણીઓની યોગ્ય પસંદગી : આર્થિક અગત્યની દૃષ્ટિએ, સંકરણ માટે પસંદ કરવામાં પશુઓનું નિરીક્ષણ વિવિધ રીતે કરવું તે એક અત્યંત મહત્વની બાબત છે. કેટલાંક પશુઓ અંધત્વ, વક્ર પગ, અસામાન્ય આંચળ જેવી ભૌતિક ખોડ ધરાવતાં હોય છે. કેટલાંકમાં જનીની નબળાઈ (દા.ત., આનુવંશિક વામનતા) પણ હોય છે. તેથી ઇચ્છવાજોગ સંરૂપણ (conformation) કે લાભપ્રદ ખાસિયતો પ્રત્યે પૂરતું ધ્યાન આપવાની જરૂર હોય છે. ઉપરાંત શક્ય હોય ત્યાં સુધી પશુઓની પસંદગી કરવામાં વંશજોનું કાર્ય કે વર્તન નિષ્પાદન (performance) તેમજ લાભપ્રદ લક્ષણો વિશે ઉપલબ્ધ અભિલેખ ધ્યાનમાં લેવાય છે. વ્યાપારી ધોરણે પશુસંવર્ધન કરનારા પશુપાલકો પેઢીઓ સુધી વંશજોના વિશિષ્ટ ગુણધર્મોની ખાસ નોંધ રાખતા હોય છે.

છેલ્લા બે દાયકાના સમયમાં પશુ-પ્રજનનવિજ્ઞાનમાં અનેક નવાં સંશોધનો થયાં છે. દા. ત., બહુ-અંડવિમોચન, ભ્રૂણપ્રતિરોપણ, ભ્રૂણવિભાજન અને સમજનીનિક પ્રજા-ઉત્પાદન (cloning). વળી જનીન-વિજ્ઞાનમાં પણ જનીન-પ્રતિરોપણ જેવા પ્રયોગાત્મક સંશોધન દ્વારા સમજનીનિક તત્ત્વોનું પ્રતિરોપણ કરવામાં આવે છે. તે પ્રકારે તૈયાર થયેલાં જાનવરો(transgenic animals)નું સંવર્ધન તેમજ જનીનોના બંધારણમાં થયેલાં સંશોધનોના કારણે પશુસંવર્ધન-કાર્યક્રમોમાં ઝડપી ફેરફાર આવી રહ્યો છે. છેલ્લાં થોડાં વર્ષોમાં કમ્પ્યૂટર-વિજ્ઞાનને ક્ષેત્રે ક્રાંતિકારી ફેરફારો થયા છે અને કમ્પ્યૂટરનો બહોળો ઉપયોગ દરેક ક્ષેત્રમાં થઈ રહ્યો છે. પશુસંવર્ધન-કાર્યક્રમોમાં કમ્પ્યૂટરના વધતા ઉપયોગને કારણે જટિલ આંકડાશાસ્ત્રીય પૃથક્કરણો શક્ય અને ઝડપી બન્યાં છે. આના પરિણામ રૂપે પ્રાણીઓની ઉત્પાદનક્ષમતા માટેની આનુવંશિક ગુણવત્તા સચોટ રીતે જાણી શકાય છે. આગામી દાયકાઓમાં પશુપ્રજનન અને જનીન-વિજ્ઞાનનાં સંશોધનોનો વ્યાપક ઉપયોગ અને કમ્પ્યૂટરોની મદદને કારણે પશુસંવર્ધનના કાર્યક્રમોમાં જનીનીય સુધારાનો દર ઝડપથી વધશે. ભવિષ્યમાં પશુસંવર્ધન-કાર્યક્રમોનું માળખું પણ બદલાઈ જાય તેવી શક્યતા નકારી શકાતી નથી.

રજનીકાન્ત શુક્લ

જિતેન્દ્ર સોલંકી