પલ્લવ શિલ્પ શૈલી : તમિળ ભાષી ચેન્નયી અને મહાબલિપુરમ્ વિસ્તારમાં પલ્લવ રાજવીઓને આશ્રયે ખીલેલી આ કલા. મહેન્દ્ર વર્મા અને એના પુત્ર નરસિંહ વર્મા (ઈ. સ. 600–650) બંને કલાપ્રેમી રાજવીઓએ કંડારાવેલાં ગુફામંદિરો પૈકી મામલ્લપુરમ્ પાસેના મંડપ અને રથ પ્રકારનાં સ્મારકો વિખ્યાત છે. આ કાળની પલ્લવશૈલી પર પશ્ચિમી ચાલુક્યો અને વિષ્ણુકુંડીઓની કલાનો કેટલોક પ્રભાવ પડેલો છે. આમાં મુખ્યત્વે પ્રસંગશિલ્પો કંડારાયાં છે. તેમાં જીવનની શમતા તથા મૃદુતા મૂર્ત થાય છે. વળી એમાં ગતિની સંયમિતતા દ્વારા સમતુલા અને ગૌરવનો સાક્ષાત્કાર પણ થાય છે. તિરુચિરાપલ્લીમાંના ગંગાના પ્રવાહને જટામાં ગૂંચવતા શિવ, તિરુકળુકુણરમમાં કંડારેલા કોઈ રાજવંશીનું શિલ્પ, દિલ્હીના નૅશનલ મ્યુઝિયમમાં સુરક્ષિત વિષ્ણુપ્રતિમા તથા કાંચીપુરમમાંથી મળેલી અને એ જ મ્યુઝિયમમાં સંગ્રહાયેલી સોમસ્કંદ શિવ-પાર્વતીની મૂર્તિ એનાં સરસ દૃષ્ટાંતો છે. મામલ્લપુરમમાં ‘પંચ પાંડવ મંડપ’ નામની ગુફામાં ‘અર્જુન તપશ્ચર્યા’નું ભવ્ય શિલ્પ કંડાર્યું છે. આશરે 30 મીટર ઊંચા અને 10.3 મીટરની પહોળાઈ ધરાવતા શૈલફલકને આકૃતિઓથી ભરી દેવો એ કોઈ અલ્પ પરિશ્રમનું ફળ હોઈ શકે નહિ. શિલ્પકારે આમાં પુરાણના પ્રસંગને તાદૃશ કર્યો છે. અર્જુનની સાથે સમગ્ર પાર્થિવ જગત પણ એણે જાણે ધ્યાનમગ્ન હોય એવી રીતે મૂર્ત કર્યું છે. કેટલાક વિદ્વાનો આને અર્જુનના તપને બદલે ‘ભગીરથની તપશ્ચર્યા દ્વારા ગંગાવતરણ’ થયાનું દૃશ્ય હોવાનું કહે છે. ધર્મરાજમંડપમાં ગોવર્ધન પર્વત ઉપાડતા શ્રીકૃષ્ણનું સુંદર શિલ્પ છે. એના ઉપરના ભાગમાં ગોપ અને ગોપીઓના સમૂહનું પ્રભાવોત્પાદક આલેખન થયું છે. મહિષાસુરમર્દિની મંડપમાંનાં શેષશાયી વિષ્ણુ અને દેવી મહિષાસુરમર્દિની દુર્ગાનાં શિલ્પો છે. એમાં દુર્ગાનું શિલ્પ (જોમપૂર્ણ, જીવંત અને) ઉત્કૃષ્ટ કોટિનું છે. ‘વરાહમંડપ’માંના વરાહ અવતાર અન ગજલક્ષ્મીનાં શિલ્પો, મહેન્દ્ર વર્માની ઊભી અને સિંહવિષ્ણુની બેઠેલી પ્રતિમાઓ, ‘ધર્મરાજ-રથ’ની દીવાલ પરનું સિંહવર્માનું પોતાનું શિલ્પ કંડારકામની સિદ્ધહસ્તતા દર્શાવે છે. દ્રૌપદીના રથના ગર્ભગૃહમાં દેવી દુર્ગાની મૂર્તિ અને રથની આગળ દુર્ગાના વાહન સિંહની મોટી આકૃતિ કોતરેલી છે. આ ઉપરાંત રથો અને મંડપોના વિસ્તારમાં કંડારેલાં સંખ્યાબંધ શિલ્પોમાં તપ કરતો બિલાડો અને વાનરપરિવાર નોંધપાત્ર છે.
ચેન્નાઈ અને મામલ્લપુરમ્ વિસ્તારમાં ઉત્તરકાલીન પલ્લવોની આણ પ્રવર્તી. આ કાળ (700-1000) દરમિયાન પલ્લવ શિલ્પશૈલીનો વિકાસ થઈને તે એનું સુદંર સ્વરૂપ પામી. કાંચીપુરમના વૈકુંઠપેરુમલ, ઐરાવતેશ્વર, મુક્તેશ્વર, મતંગેશ્વર વગેરે મંદિરનાં શિલ્પો તેના દૃષ્ટાંતરૂપ છે. વૈકુંઠપેરુમલ મંદિરની અંદરની દીવાલો પર નગરજીવન, યુદ્ધો, અશ્વમેધયજ્ઞ, રાજ્યાભિષેક, રાજાની ચૂંટણી, મંદિરોનાં જીર્ણોદ્ધાર તેમજ અન્ય પ્રસંગોનું શિલ્પ હરોળમાં થયેલું આલેખન તત્કાલીન સંસ્કૃતિના અભ્યાસ માટે ઘણું ઉપયોગી છે. પલ્લવ શિલ્પો શિવ, વિષ્ણુ અને દેવીના મૂર્તિવિધાનની બાબતમાં સુસમૃદ્ધ છે. સત્યમંગલમમાંથી મળેલી અને મદ્રાસ (ચેન્નાઈ) મ્યુઝિયમમાં સુરક્ષિત માતૃકા-સમૂહ અને વીરભદ્ર શિવ તેમજ યોગદક્ષિણામૂર્તિ શિવની પ્રતિમાઓ નમૂનેદાર છે.
પ્રવીણચંદ્ર પરીખ