પલ્લવ રાજ્ય (ઈ. સ.ની સાતમીથી દસમી સદી)

February, 1998

પલ્લવ રાજ્ય (. .ની સાતમીથી દસમી સદી) : દક્ષિણ ભારતના પલ્લવ જાતિના રાજાઓ. દક્ષિણ ભારતમાં છઠ્ઠી સદીના અંતે કાંચી (હાલના કાંજીવરમ્) મુકામે પોતાનું સ્વતંત્ર રાજ્ય સ્થાપનાર પલ્લવો કોણ હતા તે પરત્વે ઇતિહાસવિદોમાં મતભેદ છે. બહુમતી ઇતિહાસકારોના મંતવ્ય મુજબ તેઓ મૂળ ઉત્તર ભારતના વતની હતા અને પછીથી દક્ષિણ ભારતમાં જઈને વસ્યા હતા. તમિળ સાહિત્યમાં પલ્લવોનો નિર્દેશ નથી. વળી તેમનું શરૂઆતનું રાજ્યતંત્ર કૌટિલ્યના અર્થતંત્રમાં વર્ણવવામાં આવેલ વહીવટી તંત્રને મળતું આવતું હતું. તેમના પ્રારંભના શિલાલેખો પણ સંસ્કૃતમાં લખાયેલ છે, જેથી તે મૂળ ઉત્તર ભારતના હોવાના મતને પુષ્ટિ મળે છે.

અન્ય અભિપ્રાય પ્રમાણે પલ્લવો પહ્લવ જાતિના હતા; પરંતુ આ માટે કોઈ પુરાવા મળતા નથી. ડૉ. કાશીપ્રસાદ જયસ્વાલ તેમને વાકાટક વંશના માને છે; પરંતુ આ માન્યતાને પણ કોઈ આધાર નથી. બીજી બાજુ અમુક વિદ્વાનો પલ્લવો મૂળ દક્ષિણ ભારતના ટોડ મંડલમ પ્રદેશના હોવાનું મંતવ્ય ધરાવે છે. આ પ્રદેશ મૌર્ય સમ્રાટ અશોકના તાબા હેઠળ હતો. તે પોતાના એક શિલાલેખમાં દક્ષિણના પુલિન્દોને પરાજય આપ્યાનો ઉલ્લેખ કરે છે. આ પુલિન્દો તે પલ્લવો હતા તેમ ઉપરના વિદ્વાનો માને છે. તેઓ મૌર્ય શાસન હેઠળ લાંબા સમય સુધી હતા માટે તેની વહીવટી વ્યવસ્થાનાં અમુક લક્ષણો તેમણે અપનાવ્યાં હોય તે શક્ય છે.

પલ્લવ રાજાઓની કારકિર્દી તથા સિદ્ધિઓનો અહેવાલ વિશેષત: ટોડ મંડલમમાં આવેલા તેમના શિલાલેખો, સ્મારકો વગેરેમાંથી પ્રાપ્ત થાય છે. આ સાધનોના જણાવ્યા પ્રમાણે, છઠ્ઠી સદીના અંતભાગમાં, સિંહ-વિષ્ણુ (અવનિ-સિંહ) નામના રાજાએ કાંચીમાં સ્વતંત્ર પલ્લવ રાજ્યની સ્થાપના કરી. તે શક્તિશાળી તથા સંસ્કારી શાસક હતો. સંસ્કૃતના મહાકવિ ભારવિ(‘કિરાતાર્જુનીયમ્’ના કર્તા)ને તેણે રાજ્યાશ્રય આપ્યો હતો. સિંહ-વિષ્ણુનો પુત્ર મહેન્દ્રવર્મન્ પહેલો (ઈ. સ. 600થી 630) પલ્લવોનો પ્રતાપી રાજવી હતો. તે ઉત્તરના સમ્રાટ હર્ષવર્ધન તથા દખ્ખણના ચાલુક્ય શાસક પુલકેશી બીજાનો સમકાલીન હતો. તે પુલકેશી બીજાથી પરાજિત થયો હતો અને પોતાના રાજ્યના અમુક પ્રદેશો તેણે ગુમાવ્યા હતા; પરંતુ તે સાહિત્ય તથા કલાનો પુરસ્કર્તા હતો. તેણે ‘મત્તવિલાસ’ નામે પ્રહસનની અને સંગીતશાસ્ત્રવિષયક એક ગ્રંથની રચના કરી હતી.

મહેન્દ્રવર્મન્ પહેલા પછી, ગાદીએ આવનાર તેનો પુત્ર નરસિંહવર્મન્ પહેલો (ઈ. સ. 630થી 668) પલ્લવોનો સૌથી શક્તિશાળી રાજવી હતો. પિતાના પરાજયનો બદલો લેવા તેણે વાતાપીના ચાલુક્ય શાસક પુલકેશી બીજાને યુદ્ધમાં પરાજય આપીને, તેને મારી નાખીને તેનો ઘણો પ્રદેશ જીતી લીધો. તેથી તે ‘વાતાપી-કૌંડ’ (વાતાપીનો વિજેતા) તરીકે પ્રસિદ્ધિ પામ્યો હતો. તેના પિતાની માફક તે પણ સાહિત્ય તથા કલા-સ્થાપત્યનો શોખીન હતો. તેણે ચેન્નાઈ(80 કિમી.)થી દક્ષિણે આવેલા બંગાળના ઉપસાગરને કિનારે મહાબલિપુરમનાં વિશ્વ-વિખ્યાત રથ-મંદિરો, મંડપો કોતરાવ્યાં, જે દ્રૌપદી-રથ, અર્જુન-રથ, ભીમ-રથ વગેરે નામોએ જાણીતાં બન્યાં છે. વળી અત્રેનો કૃષ્ણ-મંડપ પણ તેની ભવ્યતા તથા કોતરકામ માટે વિખ્યાત થયેલ છે.

નરસિંહવર્મન્ પહેલા પછી ગાદીએ આવેલ તેના પૌત્ર પરમેશ્વરવર્મન્ પહેલાએ (ઈ. સ. 674-695) તેના પુરોગામીઓની સાહિત્ય તેમજ કલાની ઉપાસનાની પરંપરા ચાલુ રાખી. તે શૈવધર્મી હોવાથી તેણે શિવમંદિરો બંધાવ્યાં. તેના પુત્ર નરસિંહવર્મન્ બીજાએ કાંચીમાં કૈલાસનાથનું મંદિર બંધાવ્યું. તેણે ‘દશકુમારચરિત’ના લેખક સંસ્કૃતના મહાન જ્ઞાતા દંડિન્ને રાજ્યાશ્રય આપેલો.

નરસિંહવર્મન્ બીજાના મૃત્યુ બાદ ગાદી માટે થયેલ સંઘર્ષમાં છેવટે નંદિવર્ધન સફળ થયો. તે પલ્લવોનો અંતિમ મહાન રાજા હતો. તેણે અનેક વિજયો મેળવ્યા હોવાથી ‘પલ્લવમલ્લ’નું બિરુદ ધારણ કર્યું હતું. તે પણ પોતાના પુરોગામીઓની માફક સાહિત્ય તથા કલાનો શોખીન હતો. તેણે કાંચીમાં મુક્તેશ્વર તથા વૈકુંઠપેરુમલનાં મંદિરો બંધાવ્યાં હતાં. તે વૈષ્ણવધર્મી હતો અને તે સમયના સુપ્રસિદ્ધ વૈષ્ણવ આચાર્ય તિરુપંગાઈને તેણે પોતાના ગુરુપદે સ્થાપ્યા હતા.

નંદિવર્ધન પછીના પલ્લવ શાસકો નિર્બળ હતા. એટલે તેમનો ઘણોખરો પ્રદેશ પડોશના ચોલ તથા પાંડ્ય રાજાઓએ પડાવી લીધો. આખરે દશમી સદીમાં ચોલ શાસક આદિત્ય પહેલાએ અંતિમ પલ્લવ રાજા અપરાજિતવર્મન્નો પરાજય કરીને પલ્લવ સત્તાનો અંત આણ્યો. જોકે તેમનાં નાનાં નાનાં સામંત રાજ્યો તેરમી સદી સુધી ચાલુ રહ્યાં.

આમ, પલ્લવોએ આશરે ચાર સૈકા સુધી દખ્ખણના દક્ષિણ વિસ્તારો તથા દક્ષિણના હાલના તમિળનાડુના ઘણાખરા પ્રદેશો ઉપર શાસન કર્યું હતું. તેઓ વૈષ્ણવ કે શૈવધર્મી હતા, તોપણ તેમણે પ્રાચીન ભારતની ધાર્મિક સહિષ્ણુતા તેમજ ઉદારતાની નીતિ જાળવી રાખી હતી અને બૌદ્ધ તથા જૈન ધર્મને પણ ઉત્તેજન આપ્યું હતું. સાતમી સદીમાં કાંચીની મુલાકાત લેનાર ચીની યાત્રાળુ હ્યુ-એન-ત્સાંગે લખ્યું છે કે કાંચીમાં કેટલાક બૌદ્ધ મઠો હતા; જેમાં 1,000 જેટલા હીનયાનપંથી બૌદ્ધ સાધુઓ રહેતા હતા તથા કાંચીમાં દિગંબર પંથના જૈન ધર્મનો પણ સારો એવો પ્રભાવ હતો. ઉપરના વિવરણ મુજબ, પલ્લવ રાજાઓએ સાહિત્ય, કલા, સ્થાપત્ય વગેરેના ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન કરેલું છે.

રમણલાલ ક. ધારૈયા