પલાડ, જ્યૉર્જ ઇ. (જ. 19 નવેમ્બર 1912, જેસ્સી, રુમાનિયા; અ. 7 ઑક્ટોબર 2008, ડેલ માર, કૅલિફૉર્નિયા, યુ.એસ.એ.) : 1974ના શરીરક્રિયાવિદ્યા અને તબીબી વિદ્યાના નોબેલ પુસ્કારના આલ્બર્ટ ક્લૉડ અને ક્રિશ્ચિયન રેની ડે ડુવેના સહવિજેતા. તેમણે કોષની સંરચના અને કાર્ય અંગેનું શોધોદ્ઘાટન (discovery) કર્યું છે. 1940માં પલાડી બુખારેસ્ટ(રુમાનિયા)માં તબીબી વિદ્યાના સ્નાતક બન્યા અને 1945માં યુ.એસ.માં જઈને ન્યૂયૉર્કની રૉકફેલર ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા. 1972માં તેઓ યેલ ગયા. તેમણે વીજાણુ-સૂક્ષ્મદર્શક વડે દર્શાવ્યું કે કોષમાં ઊર્જાશક્તિનું ઉત્પાદન કણાભસૂત્રો(mitochondria)માં થાય છે. તે માટે ઉત્સેચકોની મદદથી ઑક્સિડેશનની પ્રક્રિયાઓ કાર્યરત રહે છે.
પ્રાણીઓના કોષમાંના કોષરસ(cytoplasm)માં કણાભસૂત્રો નામની અંગિકાઓ (organelles) આવેલી છે, જેમાં એડિનોસાઇન ટ્રાઇફૉસ્ફેટ રૂપે ઊર્જા સંગૃહીત થયેલી હોય છે. આ ઊર્જા કોષમાંની રાસાયણિક પ્રક્રિયાઓ(ચયાપચય)માં વપરાય છે. તેમણે આર.એન.એ.વાળી નાની રીબૉઝૉમ નામની અંગિકાઓ પણ શોધી કાઢી હતી. તેમાં જ પ્રોટીનનું સંશ્લેષણ થાય છે તે પણ તેમણે શોધી કાઢ્યું. તેમણે ગ્રંથિકોષો(glandular cells)માંથી પ્રોટીનનો કેવી રીતે સ્રાવ થાય છે તે પણ દર્શાવ્યું હતું. તેમણે લોહીની કેશવાહિનીઓની દીવાલમાંથી કેવી રીતે જીવન-સહાયક દ્રવ્યોનું વહન થાય છે તે પણ દર્શાવ્યું છે.
શિલીન નં. શુક્લ