પર્લ હાર્બર આક્રમણ : હવાઈના ઓહુ ટાપુ ઉપરના પર્લ હાર્બરમાં યુનાઇટેડ સ્ટેટ્સના નૌકામથક ઉપર 7 ડિસેમ્બર, 1941ના રોજ જાપાને એકાએક કરેલો હવાઈ હુમલો. તેના સીધા પરિણામ રૂપે 8 ડિસેમ્બરના રોજ યુનાઇટેડ સ્ટેટ્સે જાપાન સામે યુદ્ધ જાહેર કરીને બીજા વિશ્વયુદ્ધમાં પ્રવેશ કર્યો. છેલ્લા દાયકાથી યુનાઇટેડ સ્ટેટ્સ અને જાપાન વચ્ચેના બગડતા જતા સંબંધો તથા જાપાનના વિસ્તારવાદની આ પરાકાષ્ઠા હતી. યુનાઇટેડ સ્ટેટ્સે તેના દેશમાંની જાપાનની મિલકતોનો ઉપયોગ સ્થગિત કરી દીધો. પર્લ હાર્બર પરના હુમલાના દિવસ સુધી જાપાનના પ્રતિનિધિઓ યુ.એસ.ની સરકાર સાથે બે દેશો વચ્ચેના મતભેદોનું સમાધાન કરવા મંત્રણા કરતા હતા.
જાપાનના સેનાપતિ ઍડ્મિરલ યામામોતો ઇસોરોકુએ યુ.એસ.ના નૌકાકાફલા પરના હુમલાનું આયોજન કર્યું હતું. 25 નવેમ્બર, 1941ના રોજ કુરાઇલ આયલૅન્ડ્ઝથી 6 વિમાનવાહક જહાજો, 2 યુદ્ધજહાજો, 3 ઝડપી નૌકા (cruisers) અને 11 વિનાશિકાઓ સહિત દરિયાઈ સફર શરૂ કરી અને હવાઈની ઉત્તરે 440 કિમી. અંતરે પહોંચ્યા. ત્યાંથી આશરે 360 વિમાનો હુમલો કરવા ઊડ્યાં અને યુ.એસ.ના હારબંધ મૂકી રાખેલાં લશ્કરી વિમાનો પર લગભગ બે કલાક સુધી બૉમ્બવર્ષા કરી. જાપાનનાં બૉમ્બવાહક વિમાનોએ યુ.એસ.ના ‘એરિઝોના’, ‘કૅલિફૉર્નિયા’ અને ‘વેસ્ટ વર્જિનિયા’ યુદ્ધજહાજોને ડુબાડી દીધાં. ત્યાર બાદ કરેલા હુમલામાં ‘મેરીલૅન્ડ’, ‘નેવાડા’, ‘ટેનેસી’ તથા ‘પેન્સિલવેનિયા’ યુદ્ધજહાજોને ભારે નુકસાન થયું. તે ઉપરાંત બીજાં દસ જહાજો તોડી નાખ્યાં કે ડુબાડી દીધાં. તેનાં 150 કરતાં વધારે વિમાનોનો નાશ કરવામાં આવ્યો.
આ હુમલાના પરિણામે અમેરિકાના 3581 માણસો ઘવાયા કે માર્યા ગયા. તેમાંથી નૌકાદળના 2008 જણ મરણ પામ્યા અને 710 ઘવાયા. આ હુમલામાં જાપાનનાં 29 વિમાનો તોડી પાડવામાં આવ્યાં હતાં. જાપાને એક મોટી અને પાંચ નાની સબમરીનો ગુમાવી હતી.
પર્લ હાર્બર પરના જાપાનના હુમલાએ પૅસિફિક સમુદ્રમાં યુ.એસ.ની નૌકા તથા હવાઈ તાકાતને ગંભીર ફટકો માર્યો; તેમ છતાં યુ.એસ.નાં પૅસિફિક કાફલામાંનાં ત્રણ વિમાનવાહક જહાજો તે વખતે અન્યત્ર હોવાથી બચી ગયાં. કેટલાંક યુદ્ધજહાજોને સમારકામ કરીને ઉપયોગમાં લેવામાં આવ્યાં. જાપાનીઓ યુ.એસ.ના સંગ્રહ કરેલા તેલના ભંડારને નુકસાન કરી શક્યા નહોતા.
રોહિત પ્ર.પંડ્યા