પરોલ (પેરોલ)
February, 1998
પરોલ (પેરોલ) : ન્યાયાલય દ્વારા કેદની સજા ભોગવતા કેદીને વાજબી કારણસર અપાતી કામચલાઉ શરતી મુક્તિ. કેદીને ફરમાવવામાં આવેલ કુલ સજામાંથી અમુક સજા ભોગવ્યા પછી જ તેને પરોલ પર છોડવામાં આવે છે. આવી રીતે છોડવામાં આવેલ કેદીએ પરોલ દરમિયાન કારાવાસની બહાર સારા વર્તનની બાંયધરી આપવાની હોય છે. તે માટે ઘડવામાં આવેલા નિશ્ચિત નિયમોમાંથી કેદી દ્વારા કોઈ નિયમનું ઉલ્લંઘન થાય તો તેને આપેલ પરોલ રદ કરવામાં આવે છે અને તેને ફરી કારાવાસ ભેગો કરી દેવામાં આવે છે.
ન્યાયાલયે ફરમાવેલી સજા અમુક નિશ્ચિત મુદતની હોય છે. સામાન્ય રીતે આ બધી સજા કેદીએ જેલમાં બંધ રહી ગાળવી પડતી હોય છે. આવી ચોક્કસ સમયની સજાને કારણે કેદી માટે વહેલી મુક્તિની કોઈ આશા નહિ હોવાથી તેના મનમાં કડવાશ રહે છે. તેનાથી તેના મનમાં બદલો લેવાની વૃત્તિ બળવત્તર થતી જાય છે. જેલવાસ ભોગવતો દરેક કેદી ક્યારેક તો જેલમાંથી બહાર આવવાનો જ છે. તેથી તે બહારના જીવન માટે અગાઉથી માનસિક રીતે તૈયાર થાય તે ઇચ્છનીય મનાયું છે. તેથી જે કેદીઓ સમાજમાં પણ મોકલવા યોગ્ય જણાયા હોય તેમને બાંધી મુદત માટે પરોલ પર છોડવામાં આવે છે. કેટલાક કેદીઓ પોતાના વર્તનમાં સુધારો દાખવે છે અને ત્યારે તેમને ખાસ સંજોગોમાં, ખાસ કારણોસર, અમુક સમય માટે જેલમાંથી શરતી છુટકારો આપવામાં આવે છે અને તેને પરિણામે અપરાધીને સુધરવા માટે તક મળે છે.
પરોલ અને કેદીની સજા પૂરી થયા બાદની પૂર્ણ મુક્તિ (release) વચ્ચે તફાવત છે. પરોલ માટે કેદીઓની ખાસ કાળજીથી પસંદગી કરવી પડતી હોય છે. જે કેદીઓ પરોલ પર હોય તેમને પરોલ દરમિયાન ખાસ નિરીક્ષણ હેઠળ મૂકવામાં આવે છે.
પરોલ, અપરાધીઓની પરિવીક્ષા (probation) અને પૂર્ણ માફી (pardon) વચ્ચે પણ તફાવત છે. ન્યાયાલયે કોઈ કેદીને અમુક સજા ફરમાવી હોય અને તે સજાનો અમુક ભાગ તેણે ભોગવી લીધો હોય ત્યારે જ તે પરોલ માટે લાયક ગણાય છે. સજાની પૂર્ણ માફી એ એક દયાદર્શક કૃત્ય છે. આવી માફી મળવાથી ન્યાયાલયે ગુનેગારને ફરમાવેલી સજાનાં બધાં કાનૂની પરિણામોમાંથી મુક્તિ મળી જાય છે. અપરાધીઓની પરિવીક્ષામાં ન્યાયાલયે ગુનેગારને સજા તો ફરમાવેલી હોય છે, પણ તેને કારાવાસમાં મોકલવામાં આવતો હોતો નથી. તેના બદલે તેના દ્વારા અમુક શરતોનો સ્વીકાર થયા પછી તેને નિષ્ણાત વ્યક્તિની દેખરેખ હેઠળ સમાજમાં પાછો મોકલવામાં આવે છે. આમ થવાથી તે જેલવાસના કલંકમાંથી બચી જાય છે. પરોલ જેલમાંથી બહાર જવાની એક પ્રકારની શરતી રજાચિઠ્ઠી છે. કોઈ ખાસ કારણ વગર કેદીને અમુક અમુક સમયના અંતરે જેલ બહાર જવા દેવાની પ્રથાને ‘અવકાશ’ ((furlough) કહેવાય છે.
પ્રગતિલક્ષી શિક્ષાવિજ્ઞાનમાં પરોલ-પ્રથા અગ્રસ્થાન ધરાવે છે, કારણ કે તેના દ્વારા સજા ભોગવતા કેદીઓના જીવનને પાટા ઉપર ચઢાવી શકાય છે.
પરોલના સુયોગ્ય સંચાલન માટે પરોલ માટેની તૈયારી, પરોલપાત્ર કેદીઓની પસંદગી અને પરોલ દરમિયાન તેમના પર દેખરેખ રાખવી – આ બધી બાબતો અત્યંત મહત્ત્વની હોય છે. જોકે વ્યવહારમાં આ ત્રણેય બાબતો અંગે મુશ્કેલીઓ તો હોય છે જ. પરોલપાત્રતા અંગે ભૂલભરેલા નિર્ણયથી આવા કેદીઓ દ્વારા અન્ય જઘન્ય અપરાધો થવા, ફરાર થઈ જવા, દેશ બહાર ભાગી જવા જેવા બનાવો બનતા હોય છે. પરોલપ્રથાનો સફળતાપૂર્વક ઉપયોગ કરી શકાય તે માટે કેટલાક દેશોમાં અનિશ્ચિત મુદત માટેની કેદની સજા ફરમાવાય છે. આવી વ્યક્તિ કાયદા દ્વારા નિર્ધારિત અમુક મુદત (સામાન્ય રીતે તેની સજાના ત્રીજા ભાગ જેટલી મુદત) વીત્યે પરોલ માટે અરજી કરી શકે છે.
પરોલ-પ્રથાથી અપરાધી નિયંત્રણોથી મુક્ત થઈને તેના નિરીક્ષણને લગતાં સમાજનાં નિયંત્રણો હેઠળ આવી જાય છે.
વિશ્વમાં અમેરિકા એકમાત્ર એવો દેશ છે જ્યાં સુનિશ્ચિત પરોલતંત્ર ઊભું કરવામાં આવ્યું છે. અન્ય દેશોમાં ઘણુંખરું પરોલ નામે શરતી છુટકારો જ બક્ષવામાં આવતો હોય છે. ભારતમાં આજના જેલતંત્રમાં કેદીની સુધારણા કે તેના પુન:સ્થાપનની શક્યતા નહિવત જ છે.
ભારતમાં પરોલપ્રથા માટે કોઈ ધારાકીય જોગવાઈ નથી. જેલતંત્રની નિયમાવલીમાં તે માટેના નિયમો છે. કેદીના કુટુંબના કોઈ સભ્યનું મૃત્યુ થયું હોય કે સભ્યની ગંભીર માંદગી હોય તેવાં માત્ર અમુક કારણોસર જ પરોલ અપાય છે. પરોલ અંગેનો નિર્ણય રાજ્ય સરકારનું વહીવટી તંત્ર કરતું હોવાથી ચૂંટણી અને કોમી રમખાણો જેવા અશાંત પ્રસંગોએ રાજકીય વગ વાપરી સમાજવિરોધી તત્ત્વોના પરોલ ઉપર છૂટી જવાના બનાવો ભૂતકાળમાં બન્યા છે. પરોલ અંગેની સત્તાનો આ દુરુપયોગ ગણાય.
બિપીન શુક્લ